Astitv - Vaat badlata bhavishyani in Gujarati Science-Fiction by Jyotindra Mehta books and stories PDF | અસ્તિત્વ - વાત બદલાતા ભવિષ્યની

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અસ્તિત્વ - વાત બદલાતા ભવિષ્યની

તું મને દોસ્ત બનીને મળ્યો અને તેં મારી વિચારસરણી પુર્ણ રીતે બદલી નાખી. તું બત્રીસ વર્ષનો છે અને હું પચ્ચીસ વર્ષનો છું, છતાં તને તમે કહેવાને બદલે તું કહીને સંબોધું છું, તેનું ખોટું ન લગાડતો, કારણ તું આવનારી પેઢીમાંનો એક છે. તું જયારે મને મળ્યો, ત્યારે મેં તને તમે કહીને જ બોલાવ્યો હતો, પણ એક મહિનો સાથે વિતાવ્યા પછી હું નિશ્ચિત રીતે તું કહીને બોલાવી શકું છું.

તારું અસ્તિત્વ મારા માટે શંકાસ્પદ છે, કારણ તેં મને જેટલી વાતો કરી તે જો સાચી હોય તું જન્મવાનો છે કે નહિ તે વિષે જ હું સાશંક છું, તો પછી તારું અસ્તિત્વ કઈ રીતે શક્ય છે! તું જન્મ્યો ૨૦૪૦ માં એક આરબ તરીકે, પણ તારું નામ શુલ્ઝ છે અને પાછો રહેવાસી મુંબઇનો એ કઈ રીતે શક્ય છે? તારી વાતો મારા માટે હજમ કરવી સહેલી નહોતી. તેં મને બે પુસ્તકો આપ્યા અને તે પણ જર્મન ભાષામાં એક હતું ‘વેલ્ટ હિસ્ટરી એન્ડ પ્રેઝેન્ટ ( વર્લ્ડ હિસ્ટરી એન્ડ પ્રેઝેન્ટ)’ અને બીજું હતું ‘મેન લેબેન ( મારુ જીવન )’ લેખક એડોલ્ફ હિટલર". આ બંને પુસ્તકો મેં વાંચ્યા, પણ જર્મન ભાષામાં હોવાને લીધે મને તે પુસ્તકો વાંચતાં આઠ મહિના લાગ્યા. કેટલું બધું ટ્રાન્સલેશન કરવું પડ્યું મારે ! તે પછી આજે લખવા બેઠો છું. ખરેખર આ પુસ્તકો સાચા છે કે પછી તું કોઈ ફિકશન રાઇટર છે અને પોતાની વાત સાચી સાબિત કરવા આ પુસ્તકો તેં જ લખ્યા અને છપાવ્યા. ઓહ ! કેટલો બધો ભ્રમ !

તું મને મારા ફાર્મહાઉસ પર મળી આવ્યો હતો, બેહોશીની હાલતમાં; એક વિચિત્ર ડિઝાઈનવાળી ગાડીમાં. હોશમાં આવ્યા પછી તેં સૌથી પહેલો પ્રશ્ન કર્યો હતો, આ કયું વર્ષ છે ? બહુ વિચિત્ર અને અણધાર્યો પ્રશ્ન હતો મારા માટે, કારણ કોઈ બેહોશીમાંથી હોશમાં આવે ત્યારે પહેલો પ્રશ્ન પૂછતું હોય છે હું ક્યાં છું? અને તમે કોણ છો? પણ તે પૂછ્યું આ કયું વર્ષ છે?

તારી ગાડી પણ વિચિત્ર હતી તેની ડિઝાઇન પણ અનોખી અને તેનું કોમ્પ્યુટર પણ સાવ જુદું. અંદરની સંરચના પણ એકદમ જુદી. તું સાજો થયો તે પછી તેં મને જણાવ્યું કે તે સામાન્ય દેખાતી ગાડી એ ટાઈમ મશીન હતી. તે પછી તેં મને જે વાતો જણાવી તે બધી મારા માટે પચાવવી અઘરી હતી, એ બધું સાંભળીને મારા તો હોશ પણ ઉડી ગયા.

તેં કહ્યું હતું, “મારુ નામ શુલ્ઝ છે અને હું મૂળ આરબ છું, પણ ઓળખ છુપાવવા માટે મારું જર્મન વ્યક્તિ જેવું નામ મારા પિતાએ રાખ્યું છે અને હું મુંબઈમાં રહું છું, જે ભારતનું મુખ્ય શહેર છે. ભારત એ મહાન દેશ જર્મનીનું મિત્ર રાષ્ટ્ર છે.” તેં મને કહેલી વાતો લખવા પહેલાં હું અહીં તે આપેલા પુસ્તકોના અંશો જે મેં તારવ્યા છે તે અહીં લખી દઉં છું.

*****

૧) બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યુરેશિયા કહેવાતો ખંડ હાલ જર્મની ખંડના નામે ઓળખાય છે.

૨) જગતમાં અત્યારે ચાર દેશ બહુ પાવરફુલ ગણાય છે જર્મની, રશિયા, અમેરિકા અને જાપાન. જાપાન રશિયા અને જર્મની પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે. બીજા વિશ્વયુદ્ધને અંતે તેણે ઘણાબધા દેશોને પોતાની સાથે ભેળવી દીધાં હતાં.

૩) જર્મન અને રશિયન ભાષા જગતની મુખ્ય ભાષાઓમાંથી એક ગણાય છે. આમ તો જગતમાં ઘણીબધી ભાષાઓ બોલાય છે, પણ જર્મન ભાષા આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં સામાન્ય રીતે વપરાય છે. જગતનું મુખ્ય ચલન એડલર છે, જે આંતરરાષ્ટ્રીય નાણાંવ્યવહાર માટે વપરાય છે. એડલર ચલનનું નામ એડોલ્ફ હિટલરના નામમાંથી તારવવામાં આવ્યું છે, જે તેમના મૃત્યુ પછી તે ચલન જર્મનીમાં દાખલ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને આંતરરાષ્ટ્રીય સહમતી મળી.

૪) અત્યારે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય, પવન, સૌર પવનો અને સમુદ્ર છે. સમુદ્રકિનારે ફ્યુઝન પ્લાન્ટ નાંખવામાં આવ્યા છે, તે ઉપરાંત દેશોમાં સૌર પવનો નાથવા મોટા ટાવરો બાંધવામાં આવ્યા છે. રોબોટિક્સમાં જગતે જબરદસ્ત કામગીરી કરી છે . છ પગા કે આઠ પગા રોબોટ્સ હવે સામાન્ય ઘરોમાં તેમ જ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે જે રૂટિન કાર્યો બજાવે છે.

૫) બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ યુરોપીય દેશો પર જીત મેળવીને પોતાનો મોરો આરબ દેશો તરફ ફેરવ્યો અને તે બધા દેશો જીતીને તે બ્રિટાનિયા હિન્દની બોર્ડર સુધી પહોંચી ગયું અને તે પછી બ્રિટને શરણાગતિ સ્વીકારી લીધી, કારણ પૂર્વની બોર્ડર તરફ જાપાની આર્મી પણ પહોંચી ગઈ હતી.

૬) બીજા વિશ્વયુદ્ધમાં પોતાને ગ્રેટ ગણાવતા દેશ બ્રિટનની હાર થઇ અને જે દેશોને પોતાની એડી તળે દબાવી રાખ્યા હતા, તે બધા આઝાદ થયા. તે પછી બ્રિટનના જે ઓફિસરોએ બીજા દેશોમાં નરસંહાર જેવા ગુના કર્યાં હતાં, તેમની ઉપર આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેસ ચલાવીને જેલ ભેગા કરવામાં આવ્યા. આ રીતે જગતમાંથી બ્રિટનના જંગલિયત ભર્યા શાસનનો અંત આવ્યો. બ્રિટને અનેક દેશોમાં કત્લેઆમ ચલાવ્યો હતો તે માટે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ચર્ચિલ પાસે માફીનામું લખાવવામાં આવ્યું.

૭) પહેલા વિશ્વયુદ્ધમાં હારેલા જર્મનીના પ્રજાની મજબૂરીનો ફાયદો ઉઠાવનાર યહૂદીઓ પર કેસ ચલાવીને તેમને સજા આપવામાં આવી અને તેમની સંપત્તિ જપ્ત કરીને જર્મનવાસીઓમાં સરખે ભાગે વહેંચવામાં આવી.

૮) ન્યાયી ફ્યુરરે યુદ્ધખોર દેશોને સબક શીખવાડીને જગતમાં શાંતિની સ્થાપના કરી. તે પછી જગતમાં કોઈ વિશ્વયુદ્ધ થયું નથી અને જ્યાં યુદ્ધની સંભાવનાઓ હતી, એવા દેશોને જર્મનીએ મધ્યસ્થી કરીને યુદ્ધ ન કરવા પ્રેરિત કર્યા. એડોલ્ફ હિટલરના મરણોપરાંત શાંતિનો એક એવોર્ડ તેમના નામે આપવામાં આવે છે.

૯) તે ઉપરાંત વિજ્ઞાનના વિકાસ માટે પણ તે મહામાનવે સારું કર્યા કર્યું હોવાથી; તેમની યાદમાં દર વર્ષે ‘હિટલર’ પારિતોષિક વિજ્ઞાનીઓને આપવામાં આવે છે.

૧૦) યુનાઇટેડ વર્લ્ડ ઓર્ગનાઈઝેશનમાં જર્મની ખુબ આગળ પડતું સ્થાન ધરાવે છે.

આ બધા મુદ્દા તે મને આપેલા બંને પુસ્તકોમાંથી તારવ્યા છે, અને ચિત્ર વિશ્વની બહુ ઉજળી બાજુ બતાવે છે એકદમ પોઝિટિવ, તો પછી તારે શું જરૂર પડી સમયમાં પાછળ જઈને તેની સાથે છેડછાડ કરવાની, સમયના નાગપાશના વળને પોતાની ચાલાકીથી ખોલવાની.

આપણી વાતચીતમાં તેં કરેલા ખુલાસા પણ અહીં લખી દઉં છું.

૧) જગત વિકાસ પામી રહ્યું છે, છતાં અંદરખાને એક ભય ફેલાયેલો છે, તે ભયનું નામ છે ગેસ્ટાપો. જર્મનીની કુખ્યાત જાસૂસી સંસ્થા જે શરૂઆતમાં નાનું ખુફિયા દળ હતું, તે હવે મોટી જાસૂસી સંસ્થામાં પરિવર્તિત થઇ ગયું છે. ગેસ્ટાપોના ચીફને જર્મનીના ચાન્સેલર જેટલું જ માન છે. તેનું મુખ્ય કામ જગતમાં શાંતિ જાળવવાનું અને તે માટે તેઓ કોઈ પણ જાતનું પગલું ભરવા માટે સ્વતંત્ર છે.

૨) જગતના કોઈ પણ ખૂણે જો તેમને લાગે કે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા અસંતોષ ફેલાવવાનું કામ કરે છે તો તેને પકડીને જેલ ભેગા કરે અથવા તેને મારી નાખવામાં આવે છે.

૩) દર પાંચ કે દસ વર્ષમાં કોઈ જાતિ અથવા વંશને આતંકવાદી અથવા અન્યાયી ડિક્લેર કરીને દેશભક્તિને નામે તેમને નાબૂદ કરવામાં આવે છે. આ વોરંટ બજાવવમાં ગેસ્ટાપોનો સૌથી મુખ્ય રોલ હોય છે અને જે તે દેશની પોલીસે તેમને સહાય કરવી પડે છે.

૪) એક છૂપો ભય દરેક જાતિઓમાં ફેલાયેલો છે. ૨૦૨૫ માં જગતમાંથી મુસ્લિમોનો સફાયો કરવામાં આવ્યો છે અને જે બચ્યા છે, તે છુપી રીતે નામ બદલીને રહે છે. આફ્રિકાની ઘણીબધી જાતિઓનો નાશ કરવામાં આવ્યો છે.

*******

હવે આ મારા માટે જ નહીં, પણ કોઈના માટે પણ પચાવવું અઘરું છે ! તારા પુસ્તકો જુદું ચિત્ર દોરી રહ્યા છે અને તું જુદી વાત કરી રહ્યો છે. તારા કહેવા મુજબ “આર્યો પહેલાં” નો સિદ્ધાંત એડોલ્ફ હોટલર પછી ઝીદાન અને તેના અનુગામીઓએ બરાબર પાળ્યો છે, પણ તારા કહેવા મુજબ સત્તાની અસલી ધુરા ગેસ્ટાપોના વડા પાસે છે.

તેં વર્ણવેલા કિસ્સાઓ સાંભળીને મને અત્યારનું ચિત્ર સુખદ લાગી રહ્યું છે. તારા કહેવા મુજબ નેવું ટકા આરબોને ગેસ ચેમ્બરમાં તડપાવીને મારી નાખવામાં આવ્યા. આ કેવું ભવિષ્ય હતું રૂપકડું પણ ભયંકર.

તારી અને મારી વાતચીતને અંતે તું હળવો થઇ ગયો હતો અને તેં મને કહ્યું હતું કે તેં જોયેલું ભવિષ્ય હવે કોઈ જોઈ નહિ શકે, કારણ તું ભૂતકાળમાં જઈને તે બદલી આવ્યો છે.

તારા કહેવા મુજબ તારા પિતા આરબ હતા અને આરબ દેશમાં રહેતા હતા. ત્યાં આરબો વિરુદ્ધ જયારે વોરંટ કાઢવામાં આવ્યું, ત્યારે એક જર્મન વ્યક્તિની મદદથી ભારત આવી ગયા અને પોતે જર્મન છે એવું સાબિત કરીને ભારતમાં રહેવા લાગ્યા. તે પોતાના ભાઈ બહેનોને ખોઈ ચુક્યા હતા. તારો જન્મ ભારતમાં જ થયો અને તારા પિતાએ તને શુલ્ઝ એવું નામ આપ્યું. તારા પિતા વૈજ્ઞાનિક હતા અને તેમણે એક ડિઝાઇન બનાવી હતી, પણ તેનું રૂપાંતર આવિષ્કારમાં કરી શક્યા નહિ. તું પણ તેમના પગલે વૈજ્ઞાનિક બન્યો.

એક દિવસ અચાનક તારી માથેથી તે છત્ર દૂર થઇ ગયું, પણ તું ત્યાં સુધીમાં પગભર થઇ ગયો હતો, તેથી મૃત્યુ સમયે તેમને કોઈ અફસોસ ન હતો. તેમણે મરતાં પહેલા તને એક ડાયરી આપી જેમાં એક પ્લાન લખ્યો હતો, જે તને તે સમયે બહુ મૂર્ખતાપૂર્ણ લાગ્યો.

તારી ધગધગતી યુવાનીએ તને એક યુવતી, સારા તરફ આકર્ષિત કર્યો અને તું તારા પિતાની બધી યાદો અને ઈચ્છાઓને ભુલાવીને તારી રોજીંદી જિંદગીમાં પરોવાઈ ગયો, પણ એક દિવસ અચાનક સારા અને તેનો પરિવાર આ ધરતી પટલ પરથી અદ્રશ્ય થઇ ગયો. બહુ તપાસ કર્યા પછી તને જાણકારી મળી કે તે યુવતી પણ તારી જેમ આરબ હતી અને તારી જેમ તે સત્ય છુપાવીને જીવન જીવી રહી હતી.

તું તેની યાદમાં બહુ તડપ્યો અને તેં તારા પિતાએ ચિંધેલા માર્ગ ઉપર ચાલવાનું નક્કી કર્યું. તેં પાંચ વર્ષ અથાગ મહેનત કરી અને બનાવ્યું એક ટાઈમ મશીન જે સમયની આરપાર જઈ શકવા સક્ષમ હતું. તે પછી ઇતિહાસના પુસ્તકો વાંચવાનું શરુ કર્યું અને તારું ધ્યાન અટક્યું હિટલર પર.

તે પછીનું આખું વર્ષ તેં હિટલર વિશે અભ્યાસ કર્યો અને નાનું પુસ્તક તૈયાર કર્યું, પણ આ બધું એકલપંડે થવાનું નહોતું, તેથી તેં તારા જેવા હણહણતા વછેરા જે બગાવત કરવા તૈયાર હતા. તેં બધાને કહ્યું ભૂતકાળમાં જઈને હિટલરને ખતમ કરશું એટલે આખું ભવિષ્યનું ચિત્ર બદલાઈ જશે અને એક નવું ભવિષ્ય આકાર લેશે. તારા પિતાની ડાયરીમાંથી તને ઘણી બધી માહિતી મળી હતી.

તેં કરેલા પરાક્રમની વિગતો હું અહીં તેં મને જે શબ્દોમાં કહી તે અહીં લખું છું.

*********

વર્ષ : ઈ . સ . ૧૯૨૧ સ્થળ : મ્યુનિખ, જર્મની

પાછલા પંદર દિવસથી અમે તૈયારી કરી રહ્યા છીએ. જો કે આ દિવસ માટે તો મેં પાછલા છ વર્ષ બહુ મહેનત કરી છે. બહુ ઠંડી છે અહીં અને આ ઠંડી બહુ વિચિત્ર છે, અમે આટલાં ગરમ કપડાં પહેર્યા છે, છતાં ધ્રુજારી દૂર નથી થઇ રહી. હું મારા સાથીદારો સાથે બિયર હૉલમાં પહોંચ્યો. હૉલ ખીચોખીચ ભરાયેલો હતો.

હમણાં પાછલા વર્ષે જ સ્થપાયેલ નાઝી પક્ષ લોકપ્રિય થઇ રહ્યો હતો. થોડી જ વારમાં એડોલ્ફ હિટલર ત્યાં ભાષણ આપવા આવવાના હતા. મારા સાથીદારે મારી નજીક આવીને મારા કાનમાં કહ્યું, “કેટલી ભીડ છે ! લાગે છે આપણો પ્લાન સફળ નહિ થાય."

જવાબમાં મેં ફક્ત સ્મિત આપ્યું, મને ખાતરી હતી કે મારો પ્લાન ચોક્કસ સફળ થવાનો. મારા સાથીદારોને પણ ક્યાં ખબર હતી કે મારા મગજમાં કયો પ્લાન છે? થોડીવારમાં હિટલર મંચ પર આવ્યા અને તેમની સાથે આવેલા પચાસેક લોકો હૉલમાં ફેલાવા લાગ્યા અને ત્યાં હાજર લોકોની તલાશી લેવા લાગ્યા જાણે તેમને ખબર પડી ગઈ કે તેમના નેતા પર હુમલો થવાનો છે.

મારો પ્લાન સફળ થઇ રહ્યો હતો, હું મનોમન હસ્યો. મારા સાથીદારે અચાનક પિત્તો ગુમાવ્યો અને તેણે મંચનું નિશાન તાકીને ગોળી ચલાવી દીધી, જોકે તે એટલો દૂર હતો કે ગોળી હિટલરને વાગવાની શક્યતા શૂન્ય હતી. હૉલના દરવાજા બંધ કરવામાં આવ્યા અને બધાંની તલાશી લેવાઈ, મને અને મારા સાથીદારોને ઝડપી લેવામાં આવ્યા. થોડીવાર પછી પોલીસ આવી, મારા સાથીદારોને પોલીસમાં સોંપી દેવામાં આવ્યા. મને અલગ રાખવામાં આવ્યો તેનું કારણ પણ હું જાણતો હતો. થોડીવારમાં હિટલર મારી પાસે આવ્યા અને મને પૂછ્યું, "આ જે પિસ્તોલ છે તે મને જુદી લાગી રહી છે, આની ડિઝાઇન પણ જુદી છે! તું ક્યાંથી આવે છે?"

મેં મારા સાથીદારોને ૧૯૨૧ માં વપરાતી પિસ્તોલ આપી હતી, જયારે મારા ખિસ્સામાં ૨૦૫૦ માં ડિઝાઇન થયેલી ગન રાખી હતી. મેં તેમને બેઝીઝક સત્ય જણાવ્યું અને કહ્યું હું ભવિષ્યમાંથી આવી રહ્યો છું અને આ ગન ૨૦૫૦ માં ડિઝાઇન થશે. હું ૨૦૭૨ માંથી આવ્યો છું, ટાઈમ મશીનમાં. તે આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા.

તેમણે મને પૂછ્યું, “તે ટાઈમ મશીન ક્યાં છે?"

મેં કહ્યું, “અહીંયા ઉતરાણ કરતી વખતે એક પહાડી સાથે ટકરાઈને નષ્ટ થઇ ગયું." તેમણે કોઈ જવાબ ન આપ્યો. તે ફક્ત મારા ચેહરાને ધારદાર નજરે જોઈ રહ્યા.

તેમની નજરમાં એવું કંઈક હતું, જેને લીધે કોઈ તેમની સામે આંખ મિલાવીને વાત ન કરી શકતું. તે કંઇ કહ્યા વગર ઉઠીને ચાલ્યા ગયા. તેમણે તેમના પક્ષના કાર્યકર્તાઓને શું નિર્દેશ આપ્યો ખબર નહિ, પણ મને એક સારા ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યો અને મારી મહેમાનનવાજી કરવામાં આવી. હું જાણતો હતો કે મારી વાતનો સીધી રીતે વિશ્વાસ કરવામાં નહિ આવે તેથી આવતી વખતે ઘણો બધો ભંગાર લઈને આવ્યો હતો, જે મેં ચોક્કસ સ્થળે વિખેરી રાખ્યો હતો.

પાંચ દિવસ સુધી હું રાહ જોતો રહ્યો, પણ મારે ધીરજ રાખવાની જરૂર તો હતી જ ! મારા ઈન્તેજારનો અંત દસ દિવસે આવ્યો, જયારે હિટલરનું પુનઃ આગમન થયું. તેમણે મને ભવિષ્ય વિશે પ્રશ્નો પૂછવાનું શરુ કર્યું. તેમના પ્રશ્નોમાં નાના બાળક જેવી જિજ્ઞાસા અને માસુમિયત હતી, તે જેમ જેમ પૂછતાં ગયા તેમ તેમ હું જવાબ આપતો ગયો.

તેમને બીજા વિશ્વયુદ્ધ વિશે વાત કરી અને તે કેવી રીતે શરૂ થયું અને કેવી રીતે પૂરું થયું તે પણ કહ્યું. મેં તેમને કહ્યું, “તમે યુરોપીય રાષ્ટ્રો પર જીત મેળવીને રશિયા પર હુમલો કરશો અને તે પછી જવલંત સફળતા મેળવશો. આખું જગત તમારા એડી તળે હશે."

મારી પાસેથી પુસ્તક તો ક્યારનુંય જપ્ત થઇ ગયું હતું અને તેમણે તે પુસ્તક વાંચી પણ લીધું હતું, તે હું સમજી ગયો હતો.

તેમણે કહ્યું, "હવે ટાઈમ મશીન તો નષ્ટ થઇ ગયું છે, એટલે ભવિષ્યમાં જઈ તો નહિ શકો તો હવે અહીં જ રહો અને આ ભૂતકાળનો આનંદ લો, ભવિષ્યની ટેક્નોલોજી તો નથી, પણ અહીં બીજું ઘણું બધું છે." તેમનો પોતાની ભાષા પર અજબ સંયમ હતો અને તેમના અવાજમાં જાદુ હતો.

મારું કામ થઇ ગયું હતું, હવે મારે ત્યાંથી ગમે તે ભોગે નીકળી જવાનું હતું. તેથી અઠવાડિયા પછી ફરવાના બહાને બહાર નીકળ્યો અને છુપાવી રાખેલા ટાઈમ મશીનમાં બેસીને ભાગી છૂટ્યો. મારો પ્લાન સફળ થવાની ગેરંટી સો ટકા હતી, પણ તેનું પરિણામ શું આવશે તેની મને ખબર નહોતી. શક્ય છે રશિયામાં હિટલર સફળ થાય અને હજી ખોફનાક ભવિષ્ય જોવું પડે અથવા શક્ય છે તે હારી જાય અને કંઈક જુદૂ ભવિષ્ય જોવા મળે.

જગતનું ભવિષ્ય ગમે તે હોય હું મારુ અને મારા પરિવારનું ભવિષ્ય દાવ પર લગાવી ચુક્યો હતો. હવે ખબર નથી કે આવનારા ભવિષ્યમાં મારુ અસ્તિત્વ હશે કે નહિ. પાછા ફરતી વખતે સીધા ૨૦૭૨ માં જવાને બદલે ૨૦૨૦ પહોંચ્યો અને કોઈ ખેતરમાં મારુ ટાઈમ મશીન પટકાયું અને હું બેહોશ થઇ ગયો.

**********

શુલ્ઝ જ્યારથી તેં મને આ બધી વાત કરી છે, મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. જો તું સત્ય કહી રહ્યો હોય તો હું કહીશ કે મારું અને અત્યારના જગતનું અસ્તિત્વ તને અને તારા ચાર મિત્રોને આભારી છે. તેં હિટલરને ભ્રમિત ન કર્યો હોત તો અત્યારનું ચિત્ર જુદું હોત અને જર્મની પૂર્ણ વિશ્વ પર રાજ કરતુ હોત. જો કે અત્યારે જર્મની નથી, પણ અમેરિકા છે અને ખુલ્લે આમ કે છુપી રીતે દરેક જગ્યાએ તેની આણ વર્તાય છે. જો કે તે જર્મની જેટલું ક્રૂર નથી એટલું ચોક્કસ.

જુદા જુદા વંશો તારા ઋણી રહેશે. છતાં તારું અસ્તિત્વ મારા માટે શંકાસ્પદ છે, કારણ પૂર્ણ વિશ્વનું ભવિષ્ય બદલાઈ ગયું તો તારા માતાપિતાનું અસ્તિત્વ છે કે નહીં ! તે જન્મ્યા હશે કે નહિ જન્મ્યા હોય ! જો તેઓ જન્મ્યા જ ન હોય તો તું કઈ રીતે હોઈ શકે !

આ બે પુસ્તકો તું આપી ગયો છે તે કદી છપાવાના નથી તો મારા હાથમાં કેવી રીતે છે ? જેવો ભૂતકાળ બદલાયો તારું અને આ પુસ્તકાઓનું અસ્તિત્વ મટી જવું જોઈતું હતું ! કેટલો ભ્રમ કેટલા વિચારો !

શક્ય છે અસ્તિત્વમાં આવેલી વ્યક્તિને કે વસ્તુને કથિત ઈશ્વર કે કુદરત નાબૂદ નહિ કરી શકતા હોય. આવું હોય તો જ તારું અને પુસ્તકોનું અસ્તિત્વ શક્ય છે. હવે ૨૦૭૨ થી પાછો ભૂતકાળમાં આવે તો મને જરૂર મળજે અને કહેજે કે ભવિષ્ય કેટલું બદલાયું !

મારું અને જગતનું અસ્તિત્વ પણ કેટલું અસ્થિર છે! જો ફરી કોઈ ભૂતકાળમાં જઈને કોઈ છેડછાડ કરે તો હું હતો ન હતો થઇ જઈશ. અસ્તુ, આમ પણ જીવન તો ક્ષણભંગુર છે ને !


સમાપ્ત


જ્યોતિન્દ્ર મહેતા

(૯૯૭૦૪૪૦૭૮૫)

હિટલર પોતાના સમયનો એક દીર્ઘદ્રષ્ટિવાળો નેતા અને સેનાપતિ હતો. તો પછી રશિયા ઉપર આક્રમણ કરવાની ભૂલ કેમ કરી બેઠો? તેની પાસે રશિયા ઉપર આક્રમણ કરવાનું કોઈ કારણ ન હતું અને રશિયા ઉપર આક્રમણ કર્યા પછી તેણે બીજા વિશ્વયુદ્ધ ઉપરથી પકડ ગુમાવી. આ એક વિચારે મને આ વાર્તા લખવા માટે પ્રેર્યો.