અદિતી આજે સવારે વહેલી ફેક્ટરી પહોંચી ગઇ હતી. આજે થનારી ઇવાના રઝોસ્કી સાથેની મીટીંગ માટે એ ખૂબ જ મનોમંથન કરી રહી હતી. મીટીંગમાં કંઇપણ ઊંધુચત્તુ ના થાય એના માટે દરેક પરિસ્થિતિ માટેનો વાર્તાલાપ એણે મનમાં વિચારી રાખ્યો હતો.
અદિતી જ્યારે ફેક્ટરી પહોંચી ત્યારે સંગ્રામ ફેક્ટરી આવી ગયો હતો અને દીનુ સાથે ફેક્ટરીની વીઝીટ કરી ફેક્ટરીનું દરેક કામ સમજી રહ્યો હતો.
અદિતી પોતાની કેબીનમાં બેસી એની કેબીનમાં લગાડેલા ટી.વી. સ્ક્રિન ઉપર સંગ્રામ અને દીનુને ફેક્ટરીમાં ફરતા જોઇ રહી હતી. બરાબર એ જ સમયે એના મોબાઇલની રીંગ વાગી હતી.
"હલો, અદિતી. હું J.K. બોલું છું. સાડાબાર વાગે હું હોટલ કુન્નુર પેલેસ પહોંચી જઇશ અને ખાસ તો મેં એટલા માટે ફોન કર્યો હતો કે પોલીસની ચિંતા કરવાની જરૂર નથી. નીના ગુપ્તા એ સમયે કોઇપણ જાતની હરકત કરશે નહિ એવી મેં ગોઠવણ કરી છે." J.K. બોલ્યો હતો.
"મી. J.K., મને પોલીસની ચિંતા ઓછી થાય છે પરંતુ ઇવાના રઝોસ્કી સાથે આ ડીલ કોઇપણ કારણસર અટકે નહિ એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણકે જો આ ડીલ થઇ જાય તો રઝોસ્કી આપણું સંપૂર્ણ ઉત્પાદન એકલો ખરીદી શકે એટલી એની તાકાત છે અને બીજા ડ્રગ માફીયા ને પોલીસ આપણને એટલે પણ હેરાન ના કરે કારણકે આપણે રઝોસ્કી સાથે ધંધો કરીએ છીએ. રઝોસ્કીની દુનિયાની ઘણીબધી સરકારોમાં અને પોલીસ ખાતામાં એના માણસોનું નેટવર્ક પથરાયેલું છે. જેનો આપણને ભવિષ્યમાં ઘણો મોટો ફાયદો થઇ શકે માટે આ ડીલ અટકી ના જાય એ બાબતે જ થોડી ચિંતિત છું." અદિતીએ કહ્યું હતું.
"આ ડીલ તો આપણે કોઇપણ હિસાબે કરીને જ રહીશું." આટલું બોલી J.K.એ ફોન મુકી દીધો હતો.
અદિતી પોતાની ચેરમાં બેસી મીટીંગમાં કયા કયા મુદ્દાની ચર્ચા કરવી એ વિચારી રહી હતી એ વખતે સંગ્રામ અને દીનુ એની કેબીનમાં દાખલ થયા હતાં. દીનુ અદિતીની સામે મુકેલી ચેર ઉપર બેઠો અને સંગ્રામ સોફા પર જઇ બેઠો હતો.
"ભૂતકાળમાં સંગ્રામે બે વરસ અફીમનું પ્રોસેસ કરતી ફેક્ટરી સંભાળેલી છે એટલે એને અફીમની ફેક્ટરી વિશેની બધી જ જાણકારી છે. માટે ફેક્ટરી ચલાવવા બાબતે સંગ્રામને કોઇ ટ્રેનીંગની જરૂર નથી." દીનુ બોલ્યો હતો.
"ફેક્ટરીમાં અમુક નવા મશીનો લાવવાની જરૂર પડશે જેનું લીસ્ટ બનાવી મેં દીનુને આપી દીધું છે. જેથી કરીને કામ ખૂબ સરળતાથી થાય. તમારા પતિ કુણાલે મને જ્યારે એ જીવતા હતા ત્યારે બે વખત મને મળ્યા હતા અને આ ફેક્ટરી સંભાળવાનું કહ્યું હતું પરંતુ મેં એમને ના પાડી હતી પણ છેવટે મારું નસીબ મને આ જ ફેક્ટરીમાં લઇ આવ્યું. ઈશ્વરનો ખેલ પણ અજીબ છે. માણસને જે નથી કરવું હોતું એ જ એની પાસે કરાવે છે. હું કાલે દીનુ સાથે જઇ અફીમના ખેતરોને પણ જોતો આવીશ, જેથી હું રોજ જઇ એનું બરાબર ધ્યાન રાખી શકું. આજથી મારે ત્રણસો ને ચોસઠ દિવસ કાઢવાના છે અને ત્યાં સુધી તમે તમારા ધંધાની ચિંતા સંપૂર્ણપણે છોડી દેજો અને ત્રણસો ચોસઠ દિવસ પૂરા થયા બાદ મારી પત્ની ચાંદનીના ખૂનીનું નામ પુરાવા સાથે આપી દેજો. પછી જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ ધંધાની સંપૂર્ણ જવાબદારી મારા શિરે રહેશે." સંગ્રામે ઊભા થઇ અદિતીને કહ્યું હતું અને કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો.
"આ આખલાના સવાલનો વરસ પછી જો જવાબ બરાબર નહિ આપોને મેડમ, તો સંગ્રામ નામનો આખલો શું કરશે એની ખબર તો કુદરતને પણ નહિ હોય." દીનુએ અદિતી સામે જોઇ કહ્યું હતું.
અદિતીએ ઘડિયાળમાં જોયું. ઘડિયાળમાં સાડાબાર વાગવા આવ્યા હતાં. એણે હાથથી ચપટી વગાડી અને દીનુને એની બ્રીફકેસ લેવાનો ઇશારો કરી ગાડીની ચાવી હાથમાં લઇ ગાડી પાસે પહોંચી ડ્રાઇવર સીટ ઉપર બેસી ગઇ હતી. દીનુ પણ આવીને ડ્રાઇવર સીટની બાજુમાં બેસી ગયો હતો.
અદિતીએ ગાડી હોટલ કુન્નર પેલેસ તરફ દોડાવી મુકી હતી. હોટલ પર પહોંચી એ આ હોટલમાં કાયમી રાખેલા રૂમમાં દાખલ થઇ હતી અને કોફીનો ઓર્ડર આપ્યો હતો. હોટલના લક્ઝુરીયસ રૂમના સોફા પર બેસી એ J.K.ની રાહ જોવા લાગી હતી. દીનુ રૂમની બહાર આવેલા પેસેજમાં આંટા મારવા લાગ્યો હતો.
દસ મિનિટ પસાર થયા બાદ દરવાજાને ખખડાવવાનો અવાજ આવ્યો હતો. અદિતીએ જઇ દરવાજો ખોલ્યો હતો. સામે વ્હાઇટ શુટમાં J.K. ઊભો હતો. J.K. રૂમમાં દાખલ થયો અને સોફા પર બેસી ચીરૂટકટરથી ચીરૂટ કાપી અને ચીરૂટને મોઢામાં મુકી સળગાવી હતી.
"ઇવાના રઝોસ્કી એક થી ત્રણના સમયગાળા દરમિયાન આવી જશે. માટે આપણે બે કલાક રાહ જોવાની છે એમ સમજીને ચાલવું પડશે." અદિતીએ J.K. સામે જોઇ કહ્યું હતું.
લગભગ વીસ મિનિટ પછી દરવાજો ખખડ્યો હતો. અદિતીએ ઊભા થઇ દરવાજો ખોલ્યો હતો. સામે હાથમાં કોફી લઇ એક સુંદર વેઇટ્રેસ ઊભી હતી. વેઇટ્રેસને જોઇ અદિતીને નવાઇ લાગી હતી. અદિતીએ અંદર આવવાનો ઇશારો કર્યો હતો. વેઇટ્રેસે કોફી ટેબલ પર મુકી અને J.K. ને અદિતી સામે જોઇ બોલી હતી.
"હલો, હું ઇવાના રઝોસ્કી. તું અદિતી છે અને તમે મી. J.K. છો, બરાબરને?" ઇવાના રઝોસ્કી પોતાની ઓળખાણ આપતા બોલી હતી.
ઇવાના રઝોસ્કીને વેઇટ્રેસના ડ્રેસમાં જોઇ J.K. અને અદિતી બંન્ને આશ્ચર્યચકિત થઇ ગયા હતાં. J.K. સોફામાંથી ઊભો થઇ ગયો હતો અને બંન્ને જણે ઇવાના સાથે વારાફરતી હાથ મીલાવ્યા હતાં અને ઇવાનાને બેસવાનું કહ્યું હતું.
"હું દુનિયાની દસ ભાષા જાણું છું અને દુનિયાના લગભગ બધાં જ દેશોમાં ધંધાના કારણે ફરતી રહું છું. મારા ફાધર રઝોસ્કીનો સંપૂર્ણ ધંધો છેલ્લા પાંચ વરસથી હું જ સંભાળું છું. માટે આજની આ ડીલ પણ તમારે મારી જોડે કરવાની રહેશે. હા તો અદિતી, હવે તમે અમારી સાથે કઇ રીતે ધંધો કરવા માંગો છો તેની પ્રપોઝલ મને આપો અને મને ઇવાના જ કહેશો તો મને ગમશે." ઇવાના સીધી મુદ્દાની વાત પર આવી ગઇ હતી.
"ઇવાના, તમને મળીને ખૂબ આનંદ થયો. હું કુન્નુરમાં ચારસો એકરમાં અફીમની ખેતી કરું છું અને અફીમનો ઉગેલો માલ મારી જ ફેક્ટરીમાં પ્રોસેસ કરું છું. પરંતુ માલનો સપ્લાય અને વેચાણ કરવામાં મને અડચણો આવે છે. માટે મારો માલ વેચવાની સંપૂર્ણ જવાબદારી મી. J.K.ની છે. એટલે J.K. સાથે તમે માલની ખરીદી અને દર વર્ષે તમારે કેટલો માલ જોઇશે એની બધી જ ચર્ચા એમની જોડે કરવાની રહેશે. માલ તમારા સુધી પહોંચાડવાની દરેક જવાબદારી J.K.ની રહેશે. મારી કોઇપણ જવાબદારી એમાં રહેશે નહિ. માટે આપે અને એમણે માલ બાબતે જે કાંઇ પણ ચર્ચા કરવાની હોય એ કરી લો." અદિતીએ ઇવાના સામે જોઇ કહ્યું હતું.
ઇવાનાએ હવે J.K. સામે જોયું હતું.
"ઇવાના, તમારા ફાધર જોડે ધંધો કરવાની મારી વર્ષોથી ઇચ્છા હતી. આજે મારી એ ઇચ્છા પૂરી થઇ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં અફીમનો જે ભાવ ચાલે છે એ ભાવ મુજબ ડીલ થશે તો મને આનંદ થશે અને વર્ષે હું કેટલો માલ આપને આપી શકીશ એની માહિતી પણ મેં આ કાગળમાં લખી છે." J.K.એ એક નાની ચબરખી ઇવાનાને આપતા કહ્યું હતું.
ઇવાનાએ ચબરખી વાંચી અને પછી ફાડી નાંખી હતી.
"મી. J.K., મને મંજૂર છે પરંતુ મને સમયસર માલ નહીં મળે અને મને ખબર પડી કે તમે કોઇ બીજા ડ્રગ માફીયા સાથે ડીલ કરી રહ્યા છો તો એનું પરિણામ સારું નહિ આવે. તમારે તમારો ટોટલ અફીમનો માલ મને આપવાનો રહેશે. કોઇ કારણસર માલ વધારે કે ઓછો આવશો તો એની ચિંતા નથી. માલના એડવાન્સ રૂપિયા તમારા ઇન્ટરનેશનલ બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે. માલ સમય પર મળવામાં મોડું થશે તો પણ ચલાવી લેવામાં આવશે નહિ એનું ખાસ ધ્યાન રાખજો." ઇવાનાએ ખૂબ સખ્ત શબ્દોમાં J.K.ને કહ્યું હતું.
ઇવાનાએ સખ્ત શબ્દોમાં જે વાત J.K.ને કહી હતી એ વાત એને ખૂબ ખટકી રહી હતી, કારણકે J.K. સાથે આવી રીતે કોઇએ ક્યારેય વાત કરી ન હતી. પરંતુ મોટા રૂપિયા કમાવવાની લાલચમાં અને રઝોસ્કી સાથે ધંધો કરવાની ઇચ્છાના કારણે એ ચૂપ રહી હકારમાં માથું હલાવી રહ્યો હતો.
"તમે કીધેલી બધી જ શરત મને મંજૂર છે." J.K.એ ઇવાનાને કહ્યું હતું.
J.K.એ પોતાનો નંબર ઇવાનાને આપ્યો અને ઇવાનાનો મોબાઇલ નંબર પોતાના મોબાઇલમાં સેવ કર્યો હતો. પોતાના બેંક એકાઉન્ટની માહિતી પણ એણે મોબાઇલના માધ્યમથી ઇવાનાને મોકલી આપી હતી. ઇવાનાએ પણ દર વખતે માલ કઇ જગ્યાએ મોકલવો એની માહિતી પણ J.K.ને આપી દીધી હતી.
ઇવાના J.K. અને અદિતી સાથે હાથ મીલાવી કોફીની ટ્રે લઇને રૂમની બહાર નીકળી ગઇ હતી. J.K. અને અદિતી એકબીજા સામે જોઇ રહ્યા હતાં.
"મી. J.K., ઇવાનાની વાત સાંભળી મને ખૂબ અજીબ લાગે છે. જે રીતે વાત કરતી હતી એ વાત કરવાનો ટોન મને થોડો ધમકીભર્યો પણ લાગતો હતો. જો તમારે રઝોસ્કી સાથે ધંધો ના કરવો હોય તો તમે ખુલ્લા દિલથી ના પાડી શકો છો. મારા કારણે તમે ખોટા ચક્કરમાં ફસાવો એવું હું ઇચ્છતી નથી." અદિતીએ J.K.ને કહ્યું હતું.
"ડ્રગ્સની મોટી ડીલમાં આ રીતની વાતચીત ખૂબ સ્વાભાવિક છે. વાત તો મને પણ ખટકી છે પરંતુ આ ધંધામાં આવું બધું વિચારીને ચાલીએ તો ડ્રગ્સનો ધંધો છોડી કરિયાણાની દુકાન ખોલવી પડે. મને એક વાતની નવાઇ લાગે છે કે તમે પૂછ્યું નહિ કે નીના ગુપ્તા કશું કરશે નહિ એની મને ખાતરી કઇ રીતે છે?" J.K.એ ફરી ચીરૂટ સળગાવતા કહ્યું હતું.
"જો મી. J.K., મારી ફેક્ટરીથી માલ રઝોસ્કી સુધી પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે, માટે પોલીસ અને બીજા ડ્રગ્સ માફીયાનું ધ્યાન રાખવાનું કામ પણ તમારું છે. માટે મારે આ બાબતે તમને પૂછપરછ કરવાની જરૂર મને લાગતી નથી. હા, તમારી જાણ માટે એક વાત તમને કહી દઉં કે મારી અફીમની ખેતીના ઉત્પાદન પર દેખરેખ રાખવાનું અને ફેક્ટરીમાં માલને પ્રોસેસ કરવાનું કામ આજથી મેં સંગ્રામને સોંપી દીધું છે. હું જાણું છું કે તમે અને સંગ્રામ વર્ષોથી એકબીજાના દુશ્મન છો, પણ તમારી અને સંગ્રામ વચ્ચેની દુશ્મનીના કારણે ધંધામાં તકલીફ ઊભી થાય એવું ચોક્કસ ના થવા દેતા. સંગ્રામ કશું નહિ કરે એની જવાબદારી મારી છે." અદિતીએ J.K.ની આંખમાં આંખ નાંખી કહ્યું હતું.
સંગ્રામનું નામ સાંભળી J.K.નો ચહેરો સફેદ થઇ ગયો હતો. એની આંખોમાં થોડીક ક્ષણો માટે ડર પણ આવી ગયો હતો, પણ થોડીક ક્ષણોમાં પોતાની જાતને નોર્મલ કરી એણે અદિતીને કહ્યું હતું.
"તમે સંગ્રામને કામે રાખ્યો છે એટલે સંગ્રામની જવાબદારી તમારી જ રહેશે. મને તો મારો માલ મળી જાય એટલે વાત પૂરી થઇ, પણ સંગ્રામ જેવા માથાભારે માણસને રાખતા પહેલા તમારે કોઇની સલાહ લેવાની જરૂર હતી. પણ છતાંય તમને જે યોગ્ય લાગ્યું એ ખરું. મારે આ વાત સાથે કોઇ લેવાદેવા નથી. ડ્રગ્સના ધંધામાં દોસ્તી અને દુશ્મની ચાલ્યા કરતી હોય છે. કાલનો દુશ્મન આજે દોસ્ત બની શકે છે અને આજનો દોસ્ત કાલે દુશ્મન બની શકે છે." આટલું J.K. ઊભો થઇ હોટલના રૂમની બહાર નીકળી ગયો હતો.
J.K.ના બહાર નીકળ્યા પછી અદિતી ખડખડાટ હસવા લાગી હતી. J.K.ને ગભરાયેલો જોઇ અદિતીને આનંદ થયો હતો. અદિતીએ J.K.ની દુખતી નસ ખૂબ જોરથી દબાવી હતી. એક બાજુ સંગ્રામ જેવા દુશ્મનને અદિતીએ પોતાની તરફ કરી દીધો હતો અને બીજા બાજુ ઇવાના રઝોસ્કી જેવા ડ્રગ માફીયાને J.K. જોડે ભીડાવી દીધો હતો.
અદિતી પણ ઊભી થઇ અને રૂમની બહાર નીકળી હતી. દીનુ રૂમની બહાર અદિતીની રાહ જોઇ રહ્યો હતો. અદિતી અને દીનુ બંન્ને ફેક્ટરી પાછા આવ્યા હતાં. આખા રસ્તે દીનુ કશું બોલ્યો ન હતો.
ફેક્ટરીએ આવીને અદિતી હવે ભવિષ્ય માટે શું પ્લાન બનાવવો એનો એક આછો ચિતાર એક કાગળ ઉપર લખી રહી હતી.
J.K. આજે સવારથી જ ખૂબ ઊંડા વિચારમાં હતો. મન્સુરને આજે નીના ગુપ્તા જોડે થયેલા સોદા પ્રમાણે નીના ગુપ્તા એની ધરપકડ કરવાની હતી અને પાંચ દિવસ કસ્ટડીમાં રાખી એની દીકરીનો બદલો પૂરો કરવાની હતી.
J.K. પોતાના ખાસ વફાદાર રહીમના દીકરા મન્સુર સાથે આવું કરવા ઇચ્છતો ન હતો પરંતુ પોતાના વિરૂદ્ધના પુરાવા જોઇ J.K. અંદરથી હલી ગયો હતો અને એટલે પોતાની વિરૂદ્ધના પુરાવા અને સો કરોડના હીરાની માહિતી નીના ગુપ્તા પાસે હોવાથી એ લાચાર બની ગયો હતો.
"રહીમ, મન્સુર જોડે આજે વીસ ગ્રામથી વધારે ડ્રગ્સ મોકલતો નહિ અને પોલીસની હલચલ દેખાય તો એને તરત પાછો આવી જવાનું કહેજે." J.K.એ રહીમને સૂચના આપતા કહ્યું હતું.
"મન્સુર રોજ બસો ગ્રામ માલ ડીલીવરી કરવા જાય છે. માલ કોલેજના છોકરાઓને આપવા માટે જતો હોય છે અને જે જગ્યાએ જતો હોય છે એ જગ્યા ખૂબ સુરક્ષિત છે. વીસ ગ્રામ માલમાં કંઇ નહિ થાય. હું બસો ગ્રામ માલ જ મોકલું છું પણ એને જરા પણ શંકા જેવું લાગશે તો પાછો આવી જશે." રહીમે J.K.ને કહ્યું હતું.
J.K.એ પોલીસની વાત કરી એણે રહીમને ચેતવી દીધો છે એવું મનોમન વિચારી એ ઇવાના રઝોસ્કી સાથે ધંધો કરવાથી દર વર્ષે થનારો ફાયદો કેલ્ક્યુલેટરમાં ગણવા લાગ્યો હતો.
"જો મન્સુર, J.K. સાહેબે કહ્યું છે કે કદાચ ત્યાં પોલીસ આવી શકે છે માટે જરા પણ ખતરો દેખાય તો માલ ફેંકીને આપણા જૂના અડ્ડા પર પહોંચી જજે. અહીં આવતો નહિ." રહીમે મન્સુરને કહ્યું હતું.
"J.K. સાહેબ હવે ઘરડા થઇ ગયા છે. સમુદ્રમાં રહેવું હોય તો વ્હેલ માછલીથી ડરવાનું ના હોય અને આપણા દેશની પોલીસ તો એવી વ્હેલ માછલી છે જે નાના ચોરોનો પણ શિકાર કરી શકતી નથી. તો આપણા જેવા ડ્રગ માફીયાનો શિકાર કરવાનો તો સવાલ જ ઊભો થતો નથી." મન્સુરે બિંદાસ થઇ રહીમને કહ્યું હતું.
મન્સુર ડ્રગ્સનો માલ લઇ અને જે જગ્યાએ કોલેજના છોકરાઓને એ માલ વેચતો હતો ત્યાં પહોંચી ગયો હતો. ડ્રગ્સના નશામાં ચકચૂર બનેલા યુવાનો ડ્રગ્સ ખરીદવા આવવા લાગ્યા હતાં. અચાનક એ જ સમયે ચારેબાજુથી પોલીસની વર્ધી પહેરેલા લોકો આવ્યા અને એના મોઢા પર કોથળો નાંખી એને બાંધી દીધો અને કોઇ વાહનમાં નાંખી એને લઇ ગયા હતાં.
વાહન મન્સુરને લઇને કુન્નુરની બહાર એક ગોડાઉન પાસે પહોંચ્યું હતું. એ વાહન ગોડાઉનની અંદર ગયું અને એ વાહનમાંથી મન્સુરને ઉતારવામાં આવ્યો હતો. મન્સુરને કોથળામાંથી બહાર કાઢી અને ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો હતો. એના બે હાથ અને પગ ખુરશી સાથે બાંધી દેવામાં આવ્યા હતાં. મન્સુર બૂમો પાડી રહ્યો હતો. એ સમયે એની બરાબર સામે મુકેલી ખુરશી પર નીના ગુપ્તા આવીને બેઠી હતી.
"મન્સુર કેમ છે? મારી ઓળખાણ પડી?" નીના ગુપ્તાએ મન્સુર સામે જોઇ પૂછ્યું હતું.