Prem - Nafrat - 7 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૭

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭

આરવને એક તરફ રચનાની નિખાલસતા ગમી હતી અને બીજી તરફ એનું બે વખતનું રહસ્યમય લાગે એવું વર્તન શંકા જન્માવતું હતું. આમ તો એણે બધા ખુલાસા કરી જ દીધા હતા. છતાં એના વિશે અંતિમ અભિપ્રાય બાંધવાની ઉતાવળ કરવા જેવી ન હતી. રચનાના વિચારોની સાથે મોબાઇલ અંગેના તેના જ્ઞાનથી એ પ્રભાવિત થયો હતો. તે માત્ર આઇ.ટી. ની જગ્યા માટે જ નહીં બીજી બાબતોમાં પણ ઉપયોગી સાબિત થાય એવી હતી. તે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની માટે ખરેખર 'ઓલ ઇન વન' કર્મચારી બની શકે એવી હતી. પરંતુ તેના વિશે પૂરતી તપાસ કર્યા પછી જ નોકરીએ રાખી શકાય એમ હતી. બીજા ઉમેદવારોથી તે બિલકુલ અલગ હતી.

આરવે પોતાના વિચારોને બાજુ પર રાખી કહ્યું:'તમને પણ કિશોરકુમારના ગીતો ગમે છે?'

"હા...પણ માત્ર કિશોરકુમારના નહીં. એમણે લતા મંગેશકર સાથે ગાયેલા ગીતો વધારે ગમે છે! હું કિશોર – લતાના યુગલ ગીતોની દીવાની છું!' રચનાએ હસીને જવાબ આપ્યો.

'એક-બે ગીત કહી શકો?'

'શું આ ગીત કહેવું એ ઇન્ટરવ્યુનો એક ભાગ છે!'

'ના-ના, તમારી ઇચ્છા. આ તો સહજ વાત ચાલી એટલે. તમે રજા લઇ શકો છો...'

'હું તો ગમ્મતમાં કહું છું! મારું લતા-કિશોરનું પ્રિય ગીત છે...કોરા કાગજ થા યે મન મેરા, લિખ દીયા નામ ઇસપે તેરા...'

'વાહ! તમારો તો અવાજ પણ સારો છે! તમે આગળનું 'એ હે એ હે' ભૂલી ગયા! ઓકે, આભાર! આપને જવાબ બહુ જલદી આપીશું!'

રચના 'નમસ્કાર' ની મુદ્રા કરી આરવની સામે મુસ્કુરાતી બહાર નીકળી. આરવે તરત જ ઇન્ટરકોમ પર કોઇને ફોન કર્યો અને સૂચના આપી. પછી રચના વિશે જ વિચારવા લાગ્યો. તેનો ચહેરો પહેલી વખત દુપટ્ટામાં દેખાયો ન હતો. બીજી વખત બુરખામાં કેદ હતો પણ છેલ્લી વખત તે હસતા ચહેરા સાથે વિદાય થઇ એ જ હવે આંખ સામે તરવરી રહ્યો હતો. તેના દિલના એક ખૂણામાંથી એક અવાજ આવ્યો:'આને જ મહોબ્બત તો કહેતા નથી ને યાર?!' તે પોતે જ ક્ષોભ પામ્યો. આમ તે કંઇ પ્રેમ થતો હશે? આ પહેલાં પણ કેટલીય ઉમેદવાર યુવતીઓ સાથે વાત કરી છે. અને હજુ ઘણી સાથે વાત થશે. એમ કોઇને કોઇ સાથે કંઇ પ્રેમ થઇ જતો હશે!' તેનો આ જવાબ તેના જ મનને સ્વીકાર્ય ન હતો. તે બોલ્યું:'રચના સાથે તો આ બીજી મુલાકાત હતી. એ તારી સપનાની રાણી તો બની રહી નથી ને?'

આરવને થયું કે તેનું મન રચના વિશે વધારે પડતો વિચાર કરી રહ્યું છે. હવે પછીના ઉમેદવારો રાહ જોતા હશે. આરવે આગળના ઉમેદવારને મોકલવાની સૂચના આપી.

નવી ઉમેદવાર કૃતિકા હતી. તેના અભ્યાસ અને પ્રવૃત્તિઓ વિશે વાંચી આરવ પ્રભાવિત થયો. તે જવાબ ફટાફટ આપી રહી હતી. રચનાની જેમ જ હોંશિયાર હતી. છતાં તેનું મન કોણ જાણે કેમ એમ બોલી પડ્યું:'રચના જેટલી તો નહીં જ!'

ઇન્ટરવ્યુ પૂરો થયા પછી કૃતિકા કહે:'સાહેબ, આમ પૂછવું જોઇએ કે નહીં અને એ યોગ્ય ગણાય કે નહીં એની ખબર નથી પણ એ પૂછતા પહેલાં માફી ચાહું છું. એવું તો નથી ને કે કોઇ ઉમેદવાર અગાઉથી જ નક્કી છે છતાં બધાંને બોલાવ્યા છે અને ફોર્માલિટી માટે ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે...'

'આમ તો તમને આ સવાલ ના થવો જોઇએ. કેમકે તમારો વિગતવાર ઇન્ટરવ્યુ લેવાયો છે. માત્ર પૂછવા ખાતર બે-ચાર સવાલ પૂછ્યા નથી. પરંતુ તમારા અગાઉના કોઇ અનુભવે તમને આમ પૂછવા મજબૂર કર્યા હશે એ હું સમજી શકું છું. તમે નિશ્ચિંત થઇને જાવ. બીજા ઉમેદવારોની સરખામણીમાં તમે વધુ યોગ્ય હશો તો તમારી જ પસંદગી થશે...' કહીને આરવે એને રજા આપી.

કૃતિકાને આરવની વાતથી સંતોષ થયો હોય એમ એ હસતી બહાર જતી રહી.

આરવે તેનું નામ સારા ઉમેદવારોની યાદીમાં લાખ્યું. અને વિચાર્યું કે રચનાને ટક્કર આપી શકે એવી છે.

બે વિરામ સાથે ઉમેદવારોના ઇન્ટરવ્યુ સાંજ સુધી ચાલ્યા. આરવને નવાઇ લાગી કે જે પાંચ- છ ઉમેદવારો તેને પસંદ આવ્યા એ યુવતીઓ જ હતી. કોઇ યુવાન પોતાની પ્રતિભાથી પ્રભાવિત કરી શક્યો નહીં.

આરવને અચાનક યાદ આવ્યું કે રચના અહીંથી નીકળી ત્યારે એણે પોતાના વિશ્વાસુ માણસ નકુલને એના વિશે તપાસ કરવાનું કામ સોંપ્યું હતું. આરવે નકુલને ફોન લગાવ્યો:'હા નકુલ, શું માહિતી છે?'

'સાહેબ, હજુ એક-બે કલાક આપો...' નકુલે સમય માગ્યો એ જાણી આરવને નવાઇ લાગી. તેણે ઘડિયાળમાં નજર નાખી. છ-સાત કલાકથી એ કેવી તપાસ કરી રહ્યો છે?

'આપણે રચનાની આખી કુંડળી કાઢવાની નથી!' આરવે એને હસીને કહ્યું.

'જી, પણ એ હજુ એના ઘરે પહોંચી નથી...' નકુલ એના ઘરના સરનામાની જાણકારી મેળવી શક્યો ન હોવાનું જણાવી રહ્યો હતો.

'નકુલ, એ અહીંથી નીકળીને ક્યાં ક્યાં ફરી રહી છે કે હજુ ઘરે પહોંચી નથી?' આરવને લાગ્યું કે નકુલ બહુ ઊંડાણથી તપાસ કરી રહ્યો છે.

'જી, એ અહીંથી નીકળીને ચાલતી ચાલતી પહેલાં 'સુપર ફાસ્ટ મોબાઇલ' ની કંપની પાસે ગઇ હતી...'

'બસ બસ...તું પાછો આવી જા...' આરવને થયું કે તેની શંકા સાચી પડી રહી છે.

ક્રમશ: