હાઇવે રોબરી 45
આસુતોષે જોયું રાઠોડ સાહેબની સાઈડમાંથી કોઈએ રાઠોડ સાહેબ તરફ હાથ સેટ કરી નિશાન લીધું હતું. એ માણસ છોટુ હતો જે બે છોકરીઓને જોવા સાઈડમાં ટેબલ પાછળ બેઠો હતો. એ બે છોકરીઓને જોઈ શકતો હતો પણ કોઈ એને જોઈ શકતું ન હતું. એ માણસની આંગળી ટ્રિગર પર દબાવાની તૈયારી હતી. આશુતોષના મગજમાં એક પળમાં વિચાર આવ્યો કે જો રાઠોડ સાહેબને કંઈ થયું તો પોતાની બચવાની આશા ડૂબી જશે. એણે એક પળમાં નિર્ણય લીધો અને એ રાઠોડ સાહેબ તરફ કુદયો.
એ સમયે એક સાથે બે ઘટના બની. છોટુ એ ફાયર કર્યું. પણ રાઠોડ સાહેબ આશુતોષના ધક્કાથી સાઈડમાં ધકેલાઈ ગયા હતા. અને છોટુની ગોળી આશુતોષના બાવડામાં ઉતરી ગઈ. હાથમાં કોઈ ગરમ લોખંડનો રોડ કોઈએ ખોસી દીધો હોય એવું એને લાગ્યું. અને બીજી પળે હાથમાંથી લોહીનો ફુવારો ઉડયો.
રાઠોડ સાહેબે ફાયરનો અવાજ સાંભળ્યો અને સમજી ગયા સિચ્યુએશન ઇઝ આઉટ ઓફ કન્ટ્રોલ. એમણે દિલાવરના પગ તરફ ફાયર કર્યું. પણ આશુતોષના ધક્કાથી એમનું નિશાન ચૂક્યું અને ગોલી દિલાવરની છાતીમાં લાગી. એક લોહીનો ફુવારો ઉડયો અને એ કપાયેલા વૃક્ષની જેમ નીચે પડ્યો. રાઠોડ સાહેબે જોયું આશુતોષના બાવડામાં ગોળી વાગી હતી. ખૂબ લોહી નીકળતું હતું. એ સમજી ગયા આ માણસે એમને બચાવવા જતા ગોળી ખાધી છે. નહિ તો આજે પોતે વિંધાઇ જાત. આસુતોષ માટે એમને માન થયું...
રાઠોડ સાહેબ તરફ થયેલા ફાયરથી પટેલને ફાયર કરનારની દિશા સમજાઈ. પટેલ એ બાજુ સરકયા. છોટુ દિલાવરને ગોળી લાગવાથી ગભરાયો હતો. એનું ધ્યાન વિચલિત થઈ ગયું હતું. છોટુ બીજી ગોળી છોડે એ પહેલાં પટેલે છોટુના પગ પર ફાયર કર્યું. છોટુની પગની પીંડીમાં ગોળી વાગી. છોટુ ફસડાઈ પડ્યો. પટેલે એની પિસ્તોલ કબજે કરી અને એને ખેંચીને રૂમની વચ્ચે લઈ જઈ ફેંક્યો. પટેલે દિલાવરની પિસ્તોલ પણ કબજે કરી લીધી. દિલાવરના બાકી વધેલા માણસો હાથ ઊંચા કરી સરેન્ડર થઈ ગયા. મીનીટોમાં આખો સિનેરીયો બદલાઈ ગયો...
**************************
ફાયરિંગના અવાજથી રોય સાહેબ વ્યાકુળ થઈ ગયા હતા. પરંતુ હજુ રાઠોડ તરફથી કોઈ સિગ્નલ મળતું ન હતું.
ફાર્મ હાઉસમાંથી આવતા ધડાકાથી રોડ પર જતાં છુટાછવાયા લોકો ઉભા રહી ગયા હતા. દૂર ખેતરમાં કામ કરનાર અને છુટાછવાયા ખેતરોની ઓરડી માં રહેતા લોકો કુતુહલથી જોઈ રહ્યા હતા. એ લોકોમાંથી કોઈએ મોબાઈલના કેમેરા ચાલુ કરી દીધા હતા કે કદાચ કંઇક રેકોર્ડ કરવા મળે. કેટલાક એમના દોસ્તોને ફોન કરતા હતા. દોસ્તોને થયેલા ફોનના કારણે વાત શહેરમાં ફેલાવા લાગી.
આશુતોષના હાથમાંથી ખૂબ લોહી નીકળતું હતું. પટેલે એમ્બ્યુલન્સને કોલ કર્યો અને પોલીસ કન્ટ્રોલને ઈનફોર્મ કર્યું. અને નંદિની અને સોનલના બંધનો દૂર કર્યા. એમના ચહેરા પર પાણી છાંટયું. બન્ને કંઇક હોશમાં આવી.
રાઠોડ સાહેબ એમની સર્વીસ રિવોલ્વર સાઈડમાં મૂકી, એમનો શર્ટ કાઢી આશુતોષનું લોહી બંધ કરવાની કોશિશ કરી રહ્યા હતા. નંદિનીને રાઠોડ સાહેબની પીઠના કારણે આશુતોષ દેખાતો નહતો.
નંદિનીની નજર ફર્શ પર પડેલા છોટુ પર પડી. અને એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. એના ચહેરા પર રાક્ષસોના નાશ કરતી માં દુર્ગાનો ભાવ દેખાતો હતો. મારથી અશક્ત થયેલા એના શરીરમાં કોઈ અજબ શક્તિનો સંચાર થયો.
એ ઉભી થઇ. એની નજર રાઠોડ સાહેબે બાજુમાં મુકેલી રિવોલ્વર પર પડી. નંદિનીને રિવોલ્વર ચલાવતા આવડતું ન હતું. પણ એને એટલી ખબર હતી કે ટ્રિગર દબાવવાથી ગોળી ચાલે છે. પટેલ રાઠોડ સાહેબને મદદ કરતા હતા. નંદિની તરફ કોઈનું ધ્યાન ન હતું.
નંદિનીએ રાઠોડ સાહેબની રિવોલ્વર હાથમાં લીધી અને છોટુની સામે જઇ ઉભી રહી. આ એ જ માણસ હતો જેના ગંદા હાથ એના શરીર પર ફર્યા હતા. છોટુ એ નંદિનીની સામે જોયું. નંદિનીની આંખોમાં એને સાક્ષાત મા દુર્ગાના રૂપમાં મોત દેખાયું. નંદિનીને એણે હાથ જોડ્યા. નંદિની એના મોં પર થૂંકી અને હાથ એના તરફ ફાયર કરી દીધુ.
ફાયરનો અવાજ સાંભળતા જ પટેલ અને રાઠોડ ચમક્યા. રાઠોડ દોડી નંદિનીની પાસે ગયા. નંદિની બીજો ફાયર કરવાની તૈયારી કરતી હતી. રાઠોડ સાહેબે મજબૂતીથી નંદિનીનો હાથ પકડ્યો અને રિવોલ્વર છીનવી લીધી.
અને નંદિનીનો આક્રોશ ફૂટી નીકળ્યો. એ છોટુના શરીર પર લાતો મારવા લાગી.
' મને પિસ્તોલ આપો સાહેબ. પિસ્તોલ આપો... આ નીચ, નરાધમને હું નહિ છોડું.. હું નહિ છોડું... ' અને એના આક્રોશભર્યા શબ્દો એના ડૂસકાંમાં દબાઈ ગયા...
રાઠોડ સાહેબ એની મનોસ્થિતિ જાણતા હતા. પટેલ બે કોન્સ્ટેબલનો શર્ટ લાવ્યા અને નંદિની અને સોનલને આપ્યો.
રાઠોડ સાહેબે જોયું છોટુને જમણી આંખમાં ગોળી વાગી હતી. આંખમાં વાગેલી ગોળીએ છોટુની ખોપરી ફાડી નાંખી હતી. એનો ચહેરો ના ઓળખાય એવો વિકૃત થઈ ગયો હતો. રાઠોડ સાહેબે રિવોલ્વર પોતાના હાથમાં ફેરવી અને કમરમાં ભરાવી...
' પટેલ, માઈન્ડ વેલ. આ ગોળી મેં ચલાવી હતી. બધાને સમજાવી દેજો. '
નંદિનીએ જોયું આશુતોષ ફર્શ પર બેહોશ પડ્યો હતો. એના હાથમાં ઘણા કપડાં બાંધ્યા હતા. અને એ કપડાં લોહીથી ભીના થઈ ગયા હતા. અને એમાંથી લોહી બહાર આવતું હતું.
નંદિનીને ચક્કર આવ્યા અને એ બેહોશ થઈ ઢળી પડી....
***************************
જેટલા માણસોએ સરેન્ડર કર્યું હતું એમને એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા. જેથી કામ કરવાની સરળતા રહે. પટેલ જાતે ફાર્મ હાઉસના દરવાજે ગયા. ત્યાંના બે ચોકીદારને એરેસ્ટ કર્યા અને ત્યાં બે કોન્સ્ટેબલને ઉભા રાખ્યા.
રાઠોડ સાહેબે રોય સાહેબને રિપોર્ટ આપ્યો. ઓપરેશન સક્સેસ. અને તમામ વિગતો એમને આપી. આખા ઓપરેશનમાં રોય સાહેબની કોઈ જરૂર જ ના પડી.
બે એમ્બ્યુલન્સ આવીને ઉભી થઈ ગઈ. આશુતોષ, નંદિની, સોનલને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આશુતોષને ગોળી વાગી હતી એટલે ઓપરેશન કરવું જ પડે તેમ હતું. એનું લોહી બન્ધ થતું ન હતું.
રાઠોડ સાહેબે નિરવને ફોન કરી બધી જાણકારી આપી. અને હોસ્પિટલ પર જવા સૂચના આપી.
દિલાવર અને છોટુ મૃત્યુ પામ્યા હતા. રાઠોડ સાહેબે હેડક્વાર્ટર પર ફોન કરી ફોટોગ્રાફર, ફોરેન્સિક લેબના માણસો બોલાવ્યા.
એમ્બ્યુલન્સ ગયે હજુ અડધો કલાક જ થયો હશે એને મીડિયાના વાહનોની લાઈન ફાર્મ હાઉસની બહાર થઈ ગઈ.
*************************
ફોટોગ્રાફરે અલગ અલગ એંગલથી ફોટા લીધા. ફોરેન્સીક લેબના માણસો એ એમનું કામ કર્યું. હીરા પંચનામું કરી જપ્ત કરવામાં આવ્યા દિલાવર અને છોટુની લાશ પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી. સરેન્ડર કરેલાને હિરાસતમાં લઇ ચાર્જ ફ્રેમ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી દેવધરને આપી.
રાઠોડ સાહેબે કડક સૂચના આપી હતી, દરેક કાગળ એમને વંચાવી પછી જ આગળ જવા દેવો..
******************************
રાઠોડ સાહેબ જીપમાં બેઠા...
' પટેલ, આશુતોષને મળવા આવવું છે. હોસ્પિટલમાં. '
' શ્યોર સર, હું એની જ રાહ જોઉં છું. '
' પટેલ તને ખબર છે, એણે આજે મારી જાન બચાવી છે. એ ના હોત તો દિલાવર સાથે આજે મારું પણ પોસ્ટમોર્ટમ થતું હોત.'
ફાર્મ હાઉસની બહાર મીડિયા વાળા એમને ઘેરી વળ્યાં.
' અત્યારે અમે બિઝી છીએ. શક્ય હશે તો રાત્રે નવ વાગે આપને બધી માહિતી મળી જશે. '
અને રાઠોડ સાહેબે જીપ રવાના કરી દીધી...
(ક્રમશ:)
26 જુલાઈ 2020