હાઇવે રોબરી 44
રોય સાહેબ અડધા કિલોમીટર દૂર એક મોટી ટીમ સાથે રાઠોડના સિગ્નલની રાહ જોઈને ઉભા હતા.
રાઠોડ સાહેબ અને પટેલની ટીમ ઝાડવાંઓ પાછળ શાંતિથી ઉભી રહી.. પટેલ જેની પાછળ હતા એ માણસ મોબાઈલમાં વધારે મશગુલ હતો. રાઠોડે પટેલને એની નજીક ઉભા રહેવાનો ઈશારો કર્યો.
રાઠોડ જેની પાછળ હતા એનું ધ્યાન મોબાઈલમાં હતું પણ વારેઘડીએ એ આજુબાજુ પણ જોતો હતો. રાઠોડ સાહેબ પહેલાં એને ઝબ્બે કરવા માંગતા હતા. રાઠોડ સાહેબની ટીમ ચુપકીથી આગળ બધી. મોબાઈલમાં ધ્યાન હોવા છતાં એને લાગ્યું કે પાછળ કંઇક આહટ થઈ છે. એણે પાછળ જોયું અને એની ગરદન પર એક ફટકો પડ્યો. અને એક પોલાદી પંજો એના મ્હો પર દબાયો અને એને ખેંચીને પાછળ ઝાડીઓમાં લઇ જવાયો. એને સહેજ પણ અવાજ કરવાનો મોકો ના મળ્યો. બિલકુલ એ જ સમયે પટેલે પણ એમનું કામ પૂરું કર્યું. બન્નેને બોચીમાં ફટકા એવી રીતે પડ્યા હતા કે બન્ને બેહોશ થઈ ગયા હતા. બન્નેના હાથ પગ બરાબર બાંધી દઈ એમને એક ઝાડના થડ સાથે બાંધી દીધા હતા. બન્નેના મ્હોમાં કપડાંનો ડૂચો ભરાવી દીધો હતો.
રાઠોડ સાહેબને ડર હતો કે જો ત્યાં કૂતરા હશે તો તકલીફ પડશે. પરંતુ આ બંગલો બંધ જ રહેતો હોવાથી ત્યાં કોઈ કૂતરો ન હતો.
રાઠોડ સાહેબની ટીમ તાલીમબધ્ધ ટીમ હતી. આગળનું કામ સરળતાથી પતાવી એ બંગલાના દરવાજે આવીને ઉભા રહ્યા.
*************************
આશુતોષના આંખ પરની પટ્ટી ખોલવામાં આવી. શરૂઆતમાં બધું ધુંધળું દેખાયું. પછી એની આંખો ટેવાઇ.
સામે બે ખુરશીમાં નંદિની અને સોનલ બંધન અવસ્થામાં હતી. બન્નેના ગાલ અને કપાળ પર મારના નિશાન હતા. નંદિનીની એક આંખ પર મારના લીધે સોજો આવી ગયો હતો. બન્નેના હોઠમાંથી નીકળેલ લોહી નીચે મ્હો પર અને કપડાં પર જઈ સુકાઈ ગયું હતું. સોનલનો હોઠ વચ્ચેથી ફાટી ગયો હતો. ત્યાંથી હજુ લોહીના ટીપાં પડતા હતા. બન્નેના કપડાં ફાટેલા હતા. ફાટેલા કપડાં બન્નેને શરમજનક અવસ્થામાં મૂકે એમ હતા પરંતુ બન્ને મારથી અર્ધબેહોશ હતી. નંદિની અર્ધ સભાન અવસ્થામાં પાણી માંગતી હતી. એની બાજુમાં એક પચાસ વર્ષનો ટાલિયો માણસ રિવોલ્વર લઈ બેઠો હતો.
આશુતોષના મનમાં ગુસ્સાનો જ્વાળામુખી ફૂટ્યો. એ કશું જ વિચાર્યા વગર એ ટાલિયા માણસ તરફ ધસ્યો. આશુતોષની પાછળ ઉભેલા માણસે એને પકડી ચહેરા પર ચાર અડબોથ ઠોકી દીધી. આશુતોષના મગજમાં તમરાં બોલવા લાગ્યા. એને એવું લાગ્યું કે ત્રણ ચાર દાંત હલી ગયા છે. મ્હોમાં લોહીની ખારાશ આવી ગઈ. એક પળમાં આશુતોષને સમજાઈ ગયું કે આટલા બધા હથિયારબંધ માણસો વચ્ચે એનું કશું ચાલવાનું નથી.
એ બે ડગલાં પાછો આવી ઉભો રહી ગયો.
' હીરા ક્યાં છે ? '
' હીરા હું તમને આપવાનો જ હતો. પછી આ છોકરીઓને મારવાની શું જરૂર હતી ? '
આશુતોષની પીઠમાં એક લાત પડી. આશુતોષ ઉંધો પડી ગયો. એક માણસે આશુતોષના વાળ પકડી ઉભો કર્યો. આશુતોષની પીઠમાં દર્દ થતું હતું. મ્હો નીચે પછડાવાથી નાકમાંથી લોહી નીકળતું હતું.
' જે સવાલ પૂછવામાં આવે એનો જવાબ ચૂપચાપ આપ. અહી આવનારને સવાલ પૂછવાનો અધિકાર નથી. '
આશુતોષે ગજવામાં મુકેલ બોક્સ કાઢી સામે ધર્યું.
' કાળું, ચેક કર.. '
એક બિલકુલ કાળો માણસ આગળ આવ્યો. એણે બોક્સ ખોલ્યું અને એક ટેબલ પર રૂમાલ પાથરી તેમાં હીરા મુક્યા.
મુસ્તાક અને નાથુસિંહ સાઈડમાં ઉભા રહી આખો તમાશો જોઈ રહ્યા હતા. બહારના છ માણસ પોલીસના કબ્જામાં આવી ગયા હતા એનાથી આ બધા અજાણ હતા. છોટુ સાઈડમાં એક ખુરશીમાં એવી રીતે બેઠો હતો કે બન્ને છોકરીઓને એ જોઈ શકે. એના ચહેરા પર વિકૃતિનો ભાવ હતો. એને જેટલો હીરામાં રસ હતો એટલો જ આ છોકરીઓમાં રસ હતો. એને એ પણ ખબર હતી કે પોતે દિલાવરનો ખાસ માણસ છે અને દિલાવર એની વાત જરૂર માનશે.
દિલાવર ઉભો થયો. એણે હીરા હાથમાં લઇને ધ્યાનથી જોયા. એ જ હીરા હતા... એ ધીમેથી આશુતોષની નજીક આવ્યો. આશુતોષ કંઈક વિચારે એ પહેલાં આશુતોષના પેટમાં બે લાત મારી દીધી. આશુતોષ પાછળ પડવા ગયો પણ પાછળ ઉભેલા માણસે એને પકડી લીધો.
' પોલીસ પાસે કેમ ગયો હતો, બાસ્ટર્ડ ? '
આશુતોષના વાળ પકડી બે અડબોથ એના ગાલ પર મારી દીધી.
દિલાવરે એના માણસોને કહ્યું. ' આમને આગળ રાખી બધા બહાર નીકળી જાવ અને આ ત્રણેને કાપી એના ટુકડા દરિયામાં નાખી દો.'
મુસ્તાક અને નાથુસિંહના હદયમાં ધિક્કારની ભાવના પ્રગટી. છોટુ ઉભો થઇને આવ્યો.
' બોસ, આ સુંદરીઓને મારવી જ છે તો બે ત્રણ દિવસ પછી મારીશું, ઉતાવળ શું છે. ' એના ચહેરા ઉપર એક કુટિલ હાસ્ય હતું.
દિલાવરે છોટુ સામે જોયું. દિલાવરના ચહેરા પર એક વિકૃત હાસ્ય આવ્યું. પરંતુ એ હાસ્ય પૂરું થાય એ પહેલાં જ આખા રૂમને ગજવતો હોય એવો અવાજ આવ્યો.
' હેન્ડઝ અપ એવરીબડી, અધર વાઇઝ આઇ વિલ કિલ યુ. '
દિલાવરે પાછળ ફરીને જોયું. ત્રણ પોલીસ પોઝિશન લઈને ઉભા હતા. બે પોલીસે તરત જ બે અલગ અલગ થાંભલાની પાછળ પોઝિશન લઈ લીધી હતી. દિલાવર ઓળખી ગયો. રાઠોડ હતા. રાઠોડ સાહેબને જોતાં જ નાથુસિંહના પેટમાં તેલ રેડાયું. પણ મુસ્તાકને આશા બંધાઈ કે કદાચ છોકરીઓ છૂટશે.
એટલામાં પટેલ બીજા બે પોલીસને લઈ અંદર આવ્યો. અને ત્રણે જણે સલામત જગ્યાએ પોઝિશન લઈ લીધી.
દિલાવરને એ સમજાઈ ગયું કે પોલીસ ધારે ત્યારે એને વિંધી શકે એમ છે. પરંતુ એની પાસે બે છોકરીઓ હતી. એ જ એને બચાવી શકે તેમ હતી.
દિલાવરના માણસોની ગન એ છોકરીઓ તરફ હતી. દિલાવર ધીરેથી એ છોકરીઓ તરફ જતાં બોલ્યો.
' મી. રાઠોડ, તમે જો જરા પણ ભૂલ કરી છે. તો આ બે છોકરીઓના મોતના જવાબદાર તમે હશો. '
દિલાવર એ છોકરીઓની બાજુમાં પહોંચી ગયો હતો. રાઠોડ થોડા આગળ વધ્યા.
' દિલાવર, કદાચ તું એ બન્નેને મારી નાખીશ તો તમારા માંથી કોઈ પણ બચશે નહિ. હજુ સમય છે. જેને સરેન્ડર કરવું હોય એ કરી લે. ઓછી સજા થશે. '
એક પળ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મુસ્તાકે એની પિસ્તોલ કાઢી અને ફર્શ પર મૂકી રાઠોડ સાહેબના પગ આગળ જવા દીધી. એની પાછળ મુસ્તાકનો એક દોસ્ત અને નાથુસિંહે સરેન્ડર કર્યું.
' પટેલ ચેક ઇટ. '
પટેલ આગળ આવ્યા અને ત્રણેની પિસ્તોલ કબજે કરી. ત્રણેને ચેક કર્યા અને ત્રણેને બહાર લઈ જઈ બહાર દેવધરને સોંપી દીધા. અને એ પાછો આવ્યો.
દિલાવરને એક આંચકો લાગ્યો. પણ એ મરણીયો થયો હતો.
' રાઠોડ, હું એકલો રહીશ તો પણ તમે મને કંઈ નહીં કરી શકો, જ્યાં સુધી આ છોકરીઓ મારી પાસે છે. ' એણે એની પિસ્તોલ નંદિનીના માથે મૂકી હતી.
રાઠોડ સાહેબ સમજતા હતા કે દિલાવરની વાત સાચી છે. અત્યારે એમનો ટાર્ગેટ આ છોકરીઓને બચાવવાનો હતો. હીરા કે દિલાવર તો ફરી ક્યારેક મળી જશે. પણ એમને ડર એ હતો કે જો દિલાવર એ બન્નેને સાથે લઈ જાય તો તકલીફ થાય.
આશુતોષ કંઇક સ્વસ્થ થયો હતો. એને રાઠોડ સાહેબ દેવદૂત જેવા લાગ્યા. એ જો ના આવતા તો એનું શું થાત ? અને નંદિની અને સોનલનું ? ઓહ નો...
એની નજર રાઠોડ સાહેબ તરફ ગઈ. રાઠોડ સાહેબનું ધ્યાન દિલાવર તરફ હતું. રાઠોડ સાહેબની સાઈડમાં સહેજ દૂર એક ટેબલની પાછળથી એક માણસનો હાથ રાઠોડ સાહેબ તરફ ટાર્ગેટ લઈ રહ્યો હતો...
(ક્રમશ:)
24 જુલાઈ 2020