હાઇવે રોબરી 43
આશુતોષે રાધા ભાભીને ફોન કરી કહી દીધું હતું કે એ બન્ને સોનલના ઘરે રોકાયા છે. મનોમન એણે ભગવાનને પ્રાર્થના કરી કે એ નંદિની સાથે વાત કરવાનો આગ્રહ ના કરે તો સારું. અને ભગવાને એની વાત સાંભળી.
આશુતોષના મોબાઈલમાં રીંગ વાગી. આસુતોષે ફોન સ્પીકર પર કર્યો. નિરવના બંગલાના ઉપરના રૂમમાં નિરવ અને આશુતોષ બન્ને એકલા હતા.
' હેલો... '
' હેલો મજનું, તમારી બે તીતલીઓ મારા કબ્જામાં છે. હીરા ક્યાં છે? '
' તમે કોણ છો? પહેલાં એમની સાથે વાત કરાવો. '
' હું કોણ છું એ પછી વાત કરીશું. પહેલા તમારી માશૂકા જોડે વાત કરાવી દઉં. પછી એ બતાવો કે હીરા ક્યાં છે. અગર જો હીરા ના મળ્યા તો આજે જે તમારી વાત થશે એ જીવનની છેલ્લી વાત હશે. '
આશુતોષ અને નિરવ અંદરથી ધ્રુજી ઉઠ્યા. રાઠોડ સાહેબના કન્ટ્રોલ રૂમમાં દેવધર આખી વાતનું રેકોર્ડિંગ કરતો હતો.
દિલાવર ફોન લઈ અંદરના રૂમમાં ગયો. સાથે છોટુ પણ ગયો.
નાથુસિંહ સિગારેટ પીતો ત્યાં જ ખુરશીમાં બેઠો. મુસ્તાક નાથુસિંહની પાસે આવ્યો. નાથુસિંહે મુસ્તાકને સિગારેટ ઓફર કરી. મુસ્તાકનું મન આ છોકરીઓ પરના અત્યાચાર માટે તૈયાર ન હતું. એને એવું લાગતું હતું કે કદાચ હીરા મેળવ્યા પછી પણ દિલાવર આ છોકરીઓને નહિ છોડે તો ? ના. ના...
એણે હિંમત કરી નાથુસિંહને પૂછ્યું, ' તમને એવું નથી લાગતું કે હીરા માટે આ લોકો આ છોકરીઓ પર બધારે અત્યાચાર કરે છે. '
' હમ્મ... '
' હીરા મળ્યા પછી આ લોકો આ છોકરીઓને છોડી દેશે? '
' ખબર નથી. '
નાથુસિંહના રુક્ષ જવાબથી મુસ્તાક નિરાશ થઈ ગયો. ઘણા રસ્તા એવા હોય છે જે રસ્તે ગયા પછી પાછા વળવાનો કોઈ રસ્તો હોતો નથી..
***************************
આશુતોષ અને નિરવે સોનલ અને નંદિનીનો અસહાય, લાચાર અવાજ સાંભળ્યો. એમના અવાજમાં આજીજી હતી. નિરવ સોનલને ખૂબ પ્રેમ કરતો હતો, નંદિનીને બહેન માનતો હતો. એ પોતાને અસહાય અને લાચાર સમજતો હતો. આશુતોષની નજર સમક્ષ વસંત આવીને ઉભો થઇ ગયો. એણે મન મક્કમ કર્યું.
' હીરા મારી પાસે છે, ક્યાં પહોંચતા કરું. '
' તમે એક ગાડી લઈને નીકળો, તમને રસ્તામાં મેસેજ મળી જશે. '
આશુતોષ તૈયાર થયો. હીરાને એક બોક્સમાં મુક્યા. એ બોક્સના તળિયાને સહેજ ઊંચું કરી અંદર રાઠોડ સાહેબે આપેલી ચીપ મૂકી. તળિયું ફેવિકોલથી ચોંટાડી દીધું. બીજી ચીપ બુટના તળિયામાં મૂકી. આસુતોષે નિરવની ગાડીની ચાવી લીધી...
************************
શહેરના બહાર જવાના તમામ રસ્તા પર પોલીસ સાદા કપડાંમાં સાદા વાહનોમાં તૈયાર બેઠી હતી. આશુતોષની ગાડી નિરવના બંગલામાંથી બહાર નીકળી. એના થોડા અંતરે બે સાદી ગાડી આશુતોષની પાછળ રવાના થઈ. એમાં એક ગાડીમાં રાઠોડ સાહેબ અને બીજી ગાડીમાં પટેલ હતા...
****************************
આશુતોષની ગાડી હાઇવે ઉપર શહેરથી ઘણી દૂર આવી. આશુતોષને ફોન પર ઉભા રહેવા આદેશ મળ્યો. આસુતોષે ગાડી સાઈડમાં ઉભી રાખી. રાઠોડ સાહેબે થોડી દૂર ગાડી ઉભી રાખી દીધી.
આશુતોષની બાજુમાં આવેલી ગાડીમાંથી બે માણસ ઉતર્યા. આશુતોષને ચેક કર્યો અને એમની ગાડીમાં બેસાડી ગાડી રવાના કરી. રાઠોડ સાહેબની ગાડી થોડું અંતર રાખી એ ગાડીની પાછળ જ હતી.
*************************
આગળની ગાડી હાઇવે પરથી ડાબી બાજુ સાંકડા રસ્તે વળી. રસ્તા પર કોઈ ટ્રાફીક નહતો. રાઠોડ સાહેબે ના છૂટકે એમની ગાડી વધારે પાછળ રાખવી પડી.
લગભગ બે કિલોમીટર આગળ ગયા પછી રોડ ઉપર ચાર પાંચ ગાડી પાર્ક થયેલી દેખાઈ. આગળની ગાડી એ ગાડીઓની આગળ જઈ ઉભી રહી. પાછળની બધી ગાડીઓ એ ગાડીની પાછળ જઇ ઉભી રહી. રાઠોડ સાહેબને આગળની ગાડીની કોઈ મુવમેન્ટ દેખાતી ન હતી. રાઠોડ સાહેબને એમની સ્ટ્રેટેજી સમજમાં આવી ગઈ. એ હસ્યા...
**************************
બધી ગાડીઓ તીવ્ર ગતિથી આગળ વધી અને આગળના ચાર રસ્તે બધી ગાડીઓ અલગ અલગ દિશામાં ફંટાઈ ગઈ. હવે આશુતોષ કઈ ગાડીમાં છે એ નક્કી કરવું મુશ્કેલ હતું. રાઠોડ સાહેબે એમની ગાડી ઉભી રખાવી. બધી ગાડીઓને આંખથી ઓઝલ થવા દીધી. રાઠોડ સાહેબ એવું ઈચ્છતા હતા કે આગળની ગાડીને એ ખબર ના પડવી જોઈએ કે એ લોકો એમની પાછળ છે.
જી.પી.એસ. સિસ્ટમ આશુતોષનું લોકેશન બતાવતી હતી.
રાઠોડ સાહેબ સાવચેતીથી આગળ વધ્યા. એક રોડ પર આગળ વધતાં જ લોકેશન નજીકમાં સાઈડમાં ગયું. એ બાજુ એક ફાર્મ હાઉસ હતું. એનો ગેટ બંધ હતો. રાઠોડ સાહેબે ગાડીઓ સહજતાથી આગળ લેવડાવી. આગળ એક સલામત જગ્યાએ ગાડી પાર્ક કરી રાઠોડ સાહેબે ફાર્મ હાઉસની એક સાઈડથી પાછળ જવાનો પ્રયત્ન કર્યો. એક કાચી કેડી પાછળની તરફ જતી હતી. જી.પી.એસ. લોકેશન આશુતોષ અંદર જ છે એમ બતાવતું હતું..
એક પોર્ટેબલ રોડ ઉપર કેમેરો ફિટ કરેલો હતો. રાઠોડ સાહેબે એ રોડ ઉંચો કરી ટેબ્લેટના સ્ક્રીન પર ફાર્મ હાઉસને જોયું. ખાસ્સા અધ્યયન પછી રાઠોડ સાહેબે નક્કી કર્યું કે ફાર્મ હાઉસમાં એક મકાન છે જે ફાર્મ હાઉસની પાછળની બાજુ છે. ત્યાં પાછળ બે માણસો હતા. સાઈડમાં એક એક અને આગળ બે માણસ હતા. રાઠોડ સાહેબને એવું લાગ્યું કે પાછળથી જ અંદર જવું હિતાવહ છે.
રાઠોડ સાહેબે ત્રણ ત્રણ માણસોની બે ટીમ બનાવી. એક નું નેતૃત્વ એ પોતે કરશે, બીજી ટીમનું નેતૃત્વ પટેલ કરશે. બન્ને ટીમ પાછળના બે માણસને એકસાથે ઝબ્બે કરશે. પછી સાઈડના બે માણસ, પછી આગળના બે માણસને ઝબ્બે કરી મકાનમાં પ્રવેશશે. બીજી ત્રણ ત્રણ માણસોની ટીમ આગળની બે ટીમોને પ્રોટેક્ટ કરશે. અને જરૂર પડે એમની મદદે જશે. બધાને કડક સૂચના હતી કે ગંભીર પરિસ્થિતિમાં કોઈના ઓર્ડર વગર ફાયર કરી નાંખે.
મોબાઈલ ક્રાંતિનો એક ફાયદો રાઠોડ સાહેબે લીધો હતો. સામે પક્ષે દિલાવરના ચોકી કરવા બેઠેલા માણસો અતિવિશ્વાસમાં મોબાઈલ પર ગેમ રમી રહ્યા હતા.
ફાર્મ હાઉસના કોટની દિવાલ ઉંચી હતી. પરંતુ બહાર પલાસ્ટર ન હતું. ઈંટો પણ થોડી ખવાઈ ગઈ હતી. પટેલની ટીમ દિવાલ પર ચઢી. દિવાલ પર કાંટાવાળા તાર હતા. એ તાર કટરથી કાપ્યા અને ઝાડવાઓને સહારે ઝાડવાઓની પાછળ ફાર્મ હાઉસની અંદર ઉતર્યા..
(ક્રમશ:)
21 જુલાઈ 2020