આજે સેજલના સપના ઉપર પાણી ફરી વળ્યુ હતું. તેણે કદીપણ પણ વિચાર્યું ન હતું તેવું તેની સાથે બની ગયું હતું. ગાંધીનગરમાં ભણેલી અને રહેલી સેજલને પોતાના સાસરે ગામડે રહેવા માટે આવી જવું પડ્યું હતું.
સેજલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં હતી અને તેની મુલાકાત બિરેન સાથે બસ સ્ટેન્ડ ઉપર થઇ.બિરેન પટેલ કોલેજનો ટોપર સ્ટુડન્ટ ગણાતો હતો.
સેજલ આજે ખૂબજ ખુશ હતી કે તેની કોલેજનો રેન્કર સ્ટુડન્ટ તેનાં ગામની આગળના વિસ્તારનો હતો અને તેની સાથે તેની મુલાકાત થઈ હતી.
સેજલ અને બિરેન બંને હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરતા હતા. શનિ રવિ હતાં એટલે બંને પોતપોતાના ઘરે જતા હતા.
સોમવારે ફરીથી પાછા બંને પોતાની કોલેજમાં પહોંચી ગયા હતા બંનેની કોલેજ એક જ હતી એટલે સેજલ કોલેજમાં જેવી બ્રેક પડી કે તરત જ બિરેન આવ્યો છે કે નહિ જોવા માટે તેના ક્લાસરૂમમાં ગઈ પણ બિરેન તેને જોવા મળ્યો નહીં.
બીજે દિવસે બિરેન તેને કોલેજ કેમ્પસમાં જ મળી ગયો એટલે તેણે ગઈકાલે ક્યાં ગયો હતો તે પૂછી લીધું. બિરેને જણાવ્યું કે ફ્રી સમયમાં તે લાઈબ્રેરી માં ચાલ્યો જાય છે એટલે તેને ત્યાં જ શોધવો.
આમ, બંને દરરોજ એકબીજાને મળતાં અને સેજલને કંઈ ન આવડતું હોય તો તે બિરેનની પાસેથી શીખી લેતી હતી.
આમ કરતાં કરતાં બંનેને એકબીજાનો સાથ ગમવા લાગ્યો અને બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટી નીકળ્યાં. હવે બિરેનને આ છેલ્લું વર્ષ હતું એટલે સેજલે એક દિવસ સામેથી જ બિરેનને "આગળ શું કરવા માંગો છો ?" તેમ વાત કાઢી અને સાથે લગ્ન વિશે પણ પૂછવા લાગી.
સેજલ: તમે ભણીને હવે આગળ શું કરવાના છો ?
બિરેન: મને અહીં ગાંધીનગરમાં જ એલ એન્ડ ટી માં જોબ મળી ગઈ છે.
સેજલ: અને લગ્ન માટે શું વિચાર્યું છે ? તમારા ઘરેથી બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા દેશે ?
બિરેન: હજી સુધી લગ્ન માટે ઘરે કંઈ વાત કરી નથી હવે પૂછું પછી ખબર પડે.
સેજલ: અને તમને ઘરેથી ના પાડશે તો ?
બિરેન: ના, મને ના નહીં જ પાડે મને મારા મમ્મી-પપ્પા ઉપર એટલો વિશ્વાસ છે.
બિરેન: તો પણ હું લગ્ન તો તારી સાથે જ કરીશ.
બિરેન એન્જીનિયર થઈ ગયો એટલે તેને તરત જ જોબ મળી ગઈ અને પછી તેના લગ્ન માટેની વાત ઘરમાં ચાલી ત્યારે બિરેને પોતાની પસંદગી બતાવી.
અને સેજલને લઈને પોતાના ઘરે ગયો. સેજલ દેખાવમાં ખૂબજ સુંદર લાલ બુંદ ટામેટાં જેવી હતી અને સીધી સાદી સ્વભાવે બિલકુલ સરળ હતી.
બિરેનના મમ્મી-પપ્પાને સેજલ જોતાં વેંત ગમી ગઈ અને સેજલના ઘરેથી પણ દેખાવમાં હેન્ડસમ અને સારું કમાતા છોકરા બિરેન સાથે લગ્ન માટે તરત જ હા પાડી દીધી.
આમ,બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા અને બંને પ્રેમીઓ માંથી વર-વધુ બન્યા અને પોતાના નવા જીવનની શરૂઆત કરી. ગાંધીનગરમાં પોતાનું ઘર લીધું અને તેને પોતાના પ્રેમ અને ખુશીઓથી સજાવ્યું.
ત્રણ વર્ષ બાદ સેજલ પણ એન્જીનિયર થઈ ગઈ હતી અને તેને માટે પણ જોબ શોધવાની શરૂઆત કરી દીધી હતી.
પણ ત્યાં તો બંનેની ખુશીનો કોઈ પાર ન રહ્યો એવા એક સુખદ સમાચાર મળ્યાં કે સેજલ પ્રેગ્નન્ટ છે અને બિરેને સેજલને ઉંચકી લીધી અને પછી તેને કિસ કરીને તેની ઉપર પ્રેમનો વરસાદ કરી દીધો.
સેજલને પ્રેગ્નન્સીને પાંચ મહિના થયા હતા ત્યાં બિરેનની ઓફિસમાં બધાજ કોરોના પોઝીટીવ હતા અને એનો ચેપ બિરેનને લાગ્યો તેથી તેનો ચેપ સેજલને ન લાગે તે માટે સેજલે ખૂબ ના પાડી પરંતુ બિરેને જ જીદ કરીને તેને પિયર મોકલી દીધી.
બિરેનની તબિયત વધારે ને વધારે બગડતી જતી હતી તેથી તેને એડમિટ કરવો પડ્યો.
અને અચાનક તેની તબિયત સીરીયસ થતાં તેનું લોહી જાડું થઈ ગયું અને તેને એટેક આવતાં તે એડમિટ કર્યાના પાંચમા દિવસે જ મૃત્યુ પામ્યો.
સેજલની ઉપર તો આભ તૂટી પડ્યું હતું પણ હવે પરિસ્થિતિનો સ્વીકાર કર્યા વગર છૂટકો પણ ન હતો.
સેજલને બીજીવાર લગ્ન કરવા માટે ખૂબ સમજાવવામાં આવી પરંતુ બીજી વાર લગ્ન કરવા માટે તે તૈયાર જ ન હતી.
અત્યારે તે પોતાને સારી કોઈ ગવર્મેન્ટ જોબ મળે તેની તૈયારીઓ કરી રહી છે અને પોતાના ઉદરમાં રહેલ બાળકના આવવાની રાહ જોઈ રહી છે.