Prayshchit - 34 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 34

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

પ્રાયશ્ચિત - 34

પ્રાયશ્ચિત પ્રકરણ 34
*****************

" બોલ લખા.... તારી તપાસ કેટલે પહોંચી ? "

સાંજના સાતેક વાગે દરબારગઢ પાસે ચાની એક રેકડી ઉપર રાકેશ વાઘેલા રણમલ જાડેજા, દીપક તિવારી અને લખમણ માણેક ભેગા થયા હતા.

કેતનની ફરિયાદ પછી કોલેજ પાસેના પાનના ગલ્લા ઉપર બેસીને આવતી જતી કોલેજની રૂપાળી છોકરીઓની દારૂ પીને મશ્કરી કરતા ગુંડા તત્વોને પોલીસ ઉઠાવી ગઇ હતી અને બધાની ખૂબ જ ધોલાઈ થઈ હતી. છતાં વર્ષો જૂની આદત ક્યારેય છૂટતી નથી. રાકેશ વાઘેલાએ પોલીસનો ઘણો માર ખાધો હતો અને હવે બદલાની ભાવના સાથે એ સળગી રહ્યો હતો.

રોજના બદલે દર અઠવાડિયે હવે એ લોકો આ રેકડી ઉપર ભેગા થતા હતા. તેઓ ચોક્કસપણે માનતા હતા કે આ કામ નીતાનું નથી. નીતા જેવી ગભરુ છોકરી આવી ફરિયાદ કરી જ ના શકે. અને એ પણ રાકેશ વાઘેલા સામે તો બિલકુલ નહીં. તો પછી એને કોનો સાથ મળ્યો અને કોના કહેવાથી છેક પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી વાત ગઈ એ જાણવું જરૂરી હતું.

રણમલે રાકેશને હોસ્પિટલમાં જઈને સીધી નીતાને જ પૂછવાની સલાહ આપી હતી પરંતુ રાકેશ વાઘેલા નીતાને મળવા બિલકુલ તૈયાર ન હતો. એણે પોલીસ સુપ્રિટેન્ડેન્ટને લખીને આપ્યું હતું.

" જ્યાં સુધી આ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ જામનગરમાં છે ત્યાં સુધી મારે આ બધાથી દૂર રહેવું પડશે રણમલ. મારી દુશ્મની હવે નીતા સાથે નથી. એની પાછળ કોણ છે એ શોધી કાઢવું છે. નીતાડી ને તો ગમે ત્યારે ઉઠાવી જઈ શકું એમ છું પણ હમણાં નહીં. " રાકેશ બોલ્યો.

" એક પોલીસવાળા પાસેથી એટલી માહિતી મળી છે કે નીતા જ્યાં રહે છે એ કોલોનીમાં જ કોઈક પાડોશીએ આ ફરિયાદ કરેલી છે. એનું નામ તો એ પોલીસવાળાને પણ ખબર નથી. એટલે મારાં ચક્રો મેં પટેલ કોલોનીમાં ચાલુ કરી દીધાં છે. " લખાએ માહિતી આપી.

" શાબાશ લખા. તું હવે આ કામની પાછળ પડી જા અને એ ગોલકીના ને શોધી કાઢ. એકવાર એનું નામ મળી જાય પછી જો હું એના શું હાલ કરું છું ? ભડાકે ના દઉં તો મારું નામ રાકેશ નહીં. ભલે પછી જેલમાં જાવું પડે. " રાકેશ બોલ્યો.

રાકેશ વાઘેલાનો બાપ દારૂડિયો હતો અને બે વાર જેલમાં પણ જઈ આવ્યો હતો. રાકેશ પણ નાનપણથી જ ચોરી અને ગુંડાગર્દી ના રવાડે ચડી ગયેલો હતો. યુવાન થતાં એ બુટલેગર તિવારીના અડ્ડામાં વિદેશી દારૂ વેચવાના ધંધામાં જોડાઈ ગયો હતો.

તિવારીનો દીકરો દીપક અને રાકેશ ખાસ મિત્રો હતા અને દારૂના ધંધામાં જ પડેલા હતા. આ લોકોના તમામ ખર્ચા દીપક ઉપાડતો હતો કારણ કે એનો બાપ બુટલેગર તરીકે બહુ જ પૈસા કમાતો હતો અને બધા પોલીસને પણ સાચવતો હતો.

લખમણ ના દૂરના એક કાકા રાજકોટ પોલીસ સ્ટેશનમાં હતા. ક્યારેક કોઈક મોટો પ્રોબ્લેમ થાય તો લખમણ કાકાને વાત કરીને બધું ભીનું સંકેલી લેતો હતો.

રણમલ જાડેજા આ ચારેય માં સૌથી વધુ ભણેલો હતો. છતાં નાનપણથી જ એને વટ પાડવાનો અને દાદાગીરી કરવાનો શોખ હતો. મારામારી કરવામાં એ સૌથી આગળ રહેતો અને શરીર પણ એનું કસાયેલું હતું. છોકરીઓની મશ્કરી કરવામાં વધારે રસ એને જ હતો. એણે ઉત્તર પ્રદેશથી એક તમંચો પણ રાકેશને લાવી આપ્યો હતો. દીપક તિવારી પાસે પણ પિસ્તોલ હતી.

પોલીસ સ્ટેશનમાં નાના મોટા ગુના દરેકના નામે નોંધાયેલા હતા પરંતુ વાતાવરણ ઠંડુ પડે એટલે એ પાછા છૂટી જતા હતા.

છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ લોકોની બેઠક પહેલાં તો કોલેજ પાસેના પાનના ગલ્લા ઉપર હતી. ત્યાંથી રોજ જતી આવતી કોલેજની છોકરીઓ ની મજાક મશ્કરી એ લોકો કરતા.

એક દિવસ નીતાનું એક્ટીવા આ ગલ્લા પાસે જ ખોટકાઈ ગયું હતું. નીતા કીકો મારી મારીને થાકી ગઈ છતાં ચાલુ થતું ન હતું.

દૂરથી આ ચારેય જણા જોઈ રહ્યા હતા. થોડીવાર પછી રાકેશ ઉભો થઈને નીતા પાસે ગયો હતો. અને બાજુના જ ગેરેજમાંથી એક છોકરાને બોલાવીને એકટીવા ચેક કરવાનું કહ્યું હતું. અંદર એક ઈલેક્ટ્રીક વાયર છૂટો પડી ગયો હતો જે પેલા મિકેનીક છોકરાએ જોડી દેતાં એક્ટીવા ચાલુ થઈ ગયું હતું.

એ દસ મિનિટ દરમિયાન વાતવાતમાં રાકેશે નીતા ક્યાં જોબ કરે છે એ જાણી લીધું હતું. નીતાનું રૂપ જોઈને એ એટલો બધો અંજાઇ ગયો હતો કે એણે થોડા દિવસોમાં નીતાનો નંબર પણ લઇ લીધો હતો અને ચેટીંગ ચાલુ કર્યું હતું. ક્યારેક હોસ્પિટલમાં જઇને પણ મળતો.

શરૂ શરૂમાં તો નીતાને એ ગુંડો છે એવી કોઈ જ માહિતી ન હતી એટલે ભોળાભાવે એણે વાત ચાલુ રાખી હતી. પરંતુ જ્યારે નીતાને ખબર પડી કે આ તો ગામનો ઉતાર છે અને એ લોકોની ગલ્લા પાસે કાયમી બેઠક છે. એને એ પણ ખબર પડી કે એ લોકો દારૂ વેચવાનું કામ કરે છે અને આવતી-જતી રૂપાળી છોકરીઓને રંજાડે છે ત્યારથી તેણે બોલવાનું અને જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.

પરંતુ નીતાના મોહમાં પાગલ થયેલો રાકેશ એમ એને છોડે તેમ નહોતો. એણે એક દિવસ નીતાના છૂટવાના સમયે હોસ્પિટલ પાસે જઈને એને આંતરી લીધી હતી અને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં જો લગ્ન નહીં કરે તો એને ઉઠાવી જવાની હદ સુધી પોતે જઈ શકે છે એવી ધમકી પણ આપી હતી. એ પછી જ નીતાએ કેતનને વાત કરી હતી.

પોલીસ સ્ટેશનને માર ખાધા પછી થોડા દિવસ તો એ બધા શાંત થઇ ગયા હતા પરંતુ રાકેશને ચેન નહોતું. એ નીતાની પાછળ પાગલ હતો. એની અને નીતાની વચ્ચે આવનાર કાંટો એને દૂર કરવો હતો. આ વખતે જાડેજા સાહેબે એને એટલો બધો માર્યો હતો કે અઠવાડિયા સુધી તો એ સરખું ચાલી પણ શકતો ન હતો.

તે ઉપરાંત આ ચારેય જણના ફોટા સમાચાર પત્રોમાં આવ્યા હતા અને ટીવી ચેનલ માં પણ એમને બતાવવામાં આવ્યા હતા. એટલે રાકેશ બરાબરની ઘીસ ખાઇ ગયો હતો. જે માણસે આટલું બધું કર્યું અને પોતાને જામનગરમાં બદનામ કર્યો એને તો હવે ઉપર જ પહોંચાડવો પડશે !!

ઘટનાના અઠવાડિયા પછી એ લોકો દરબારગઢ પાસેની ચાની આ રેકડી પાસે ભેગા થયા હતા.

" લખા તારા કાકા રાજકોટ પોલીસ સ્ટેશનમાં છે. તું ગમે તે રીતે ઓળખાણ કાઢ અને પૂરી તપાસ કર કે નીતા ની પાછળ કોનો હાથ છે અને કોણે છેક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુધી ફરિયાદ કરી ? " રાકેશે લખાને આ કામ સોંપ્યું.

" હા ભાઈ મને એક અઠવાડિયા નો ટાઈમ આપો. હું કાકા સાથે વાત કરી લઉં છું. મારો ફોટો પણ છાપામાં છપાયો છે. એટલે મને પણ ખુન્નસ તો છે જ. એ જે હોય તે પણ એણે બહુ મોટી હિંમત કરી નાખી છે. વાઘની બોડમાં હાથ નાખ્યો છે. સીધો તો કરવો જ પડશે. " લખો બોલ્યો.

" બસ લખા એકવાર મને એનું નામ લાવી આપ. આપણા બધાનો બદલો હું એકલો જ લઈશ. " રાકેશ બોલ્યો.

એ પછી એક અઠવાડિયા પછી આજે એ લોકો ફરી ભેગા થયા હતા અને રાકેશે લખાને સવાલ પૂછ્યો હતો.

લખાએ એના કાકાને વિગતવાર વાત કરી હતી. એના કાકાએ જામનગરમાં નોકરી કરતા કોઈ પોલીસવાળાને જ પૂછ્યું હતું. અને એટલી માહિતી મેળવી હતી કે નીતાની કોલોનીમાં જ રહેતા કોઈએ છેક પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી ફરિયાદ કરી હતી. એનાથી વધારે કંઈ જાણવા મળ્યું ન હતું.

રાકેશે લખાને પટેલ કોલોનીમાં રેકી કરીને નીતાનો સગલો એ કોણ છે એ જાણવાનું કામ સોંપ્યું.
****************************
જામનગર જવાની વાત પપ્પા પાસેથી સાંભળીને સૌથી વધુ આનંદ શિવાનીને થયો હતો. કેતન જામનગરમાં શતચંડી યજ્ઞ કરાવવાનો હતો અને એણે પોતાના પરિવારને યજ્ઞમાં આમંત્રણ આપ્યું હતું.

"પપ્પા આપણે જાનકી ભાભીને પણ સાથે લઈ જઈએ તો ? " શિવાનીએ જમતાં જમતાં પપ્પાને પૂછ્યું.

" લઈ જ જવાની છે. મેં તો કેતનને પણ કહી દીધું છે કે જાનકીને પણ ફોન કરી દેજે. " જગદીશભાઈ બોલ્યા.

" તો તો બહુ જ મજા આવશે પપ્પા. મને પણ કંપની રહેશે . " શિવાની બોલી.

" કેમ મારી કંપની માં મજા નથી આવતી બેનબા ? " રેવતી બોલી.

" અરે ભાભી મારા કહેવાનો મતલબ એવો છે જ નહીં. તમારા વગર મને થોડું ચાલે ? તમે તો મારાં મોટાં ભાભી છો. આ તો જાનકીભાભી અને હું સરખે સરખી ઉંમરનાં છીએ અને અમારી ફ્રેન્ડશિપ એકબીજાને 'તું તારી ' કહેવા સુધીની છે. હવે જો કે તમે કહેવાની ટેવ પાડવી પડશે. "

"હમ્... બોલવામાં તમને કોઈ પહોંચી ના વળે ! " રેવતી બોલી.

" હું તો જમીને અત્યારે જ જાનકીભાભી ને ખુશખબર આપી દઉં છું. પપ્પા આપણે ક્યારે નીકળવાનું છે ? " શિવાની બોલી.

" ૨૫ ઓગસ્ટે રાત્રે સાડા બારે સૌરાષ્ટ્ર મેલની ટિકિટ જ લેવી પડશે. સિદ્ધાર્થ તું જરા આજે બધાંની ટિકિટ બુક કરાવી દેજે. શ્રાવણ મહિનો તહેવારોનો મહિનો છે એટલે પછી રિઝર્વેશન નહીં મળે. અને જાનકીની ટિકિટ પણ લઇ લેજે. એ હવે આપણા ઘરની સભ્ય છે." જગદીશભાઈ બોલ્યા .

" અને હા... તે દિવસે બધાંએ રેશમી વસ્ત્રો ધારણ કરવાનાં છે. તમારે લેડીઝ લોકો પાસે સિલ્કનાં કપડાં ના હોય તો ખરીદી લેવાં પડશે અથવા સિવડાવી દેવાં પડશે. હું અને સિદ્ધાર્થ તો તૈયાર જ લઈ લઈશું. કેતનનું માપ તને ખબર છે સિદ્ધાર્થ ? તો એનો સિલ્કનો લેંઘો ઝભ્ભો પણ અહીંથી જ લઇ જઇએ. " જગદીશભાઈ બોલ્યા.

" મારી અને એની એક જ સાઈઝ છે પપ્પા. એટલે એ તો હું પરચેઝ કરી લઈશ. "

" ઠીક છે. તું કેતનને કહી દેજે કે રેશમી વસ્ત્રો અમે લેતા આવીશું" જગદીશભાઈ બોલ્યા.

" જી.. પપ્પા. " સિદ્ધાર્થે કહ્યું.

જમીને તરત શિવાની બેડરૂમમાં દોડી ગઈ અને એણે જાનકીને ફોન લગાવ્યો.

" જાનકીભાભી હું શિવાની બોલું. "

" બોલો નણંદ બા !! " કહીને જાનકી હસી પડી.

" ભાઈનો ફોન આવી ગયો તમારી ઉપર જામનગર જવા માટે ? " શિવાનીએ પૂછ્યું.

" હા.. એમનો ફોન આવી ગયો. મને કહે કે શિવાની તને સુરતનું આમંત્રણ આપશે. સુરત પહોંચી જાય પછી એ જ્યાં લઈ જાય ત્યાં તારે પાછળ પાછળ જવાનું."

" જાઓને ભાભી ! બહુ મજાક કરો છો તમે તો !! "

" મજાક કરવા માટે મારી એક જ નણદી છે. બોલો મારી વાત ખોટી છે ? "

" તમને નહીં પહોંચાય ! હવે સાંભળો ભાભી.... તમારી ટિકિટ પણ અમે લોકો લેવાનાં છીએ. ૨૫ તારીખની રાતની ટિકિટ છે. તમે ૨૫ તારીખે સાંજ સુધી ઘરે જ આવી જજો. "

" હા હું આવી જઈશ. આટલું જલ્દી ફરી જામનગર જવાનું થશે એ તો મેં વિચાર્યું પણ ન હતું. " જાનકી બોલી.

" હું તો જામનગર જવા માટે એટલી બધી એક્સાઇટેડ છું કે તમને શું કહું ભાભી !! " શિવાની બોલી.

" એક કામ કર. તું જામનગર જ રોકાઇ જજે. ત્યાં માસી રસોઈ પણ બહુ મસ્ત બનાવે છે. ખરેખર તને પણ બહુ મજા આવશે. એમને પણ તારી કંપની રહેશે."

" હું તો રોકાઇ જાઉં પણ હવે કોલેજ પણ ચાલુ થઈ ગઈ ને !! "

" હા એ તારી વાત પણ સાચી. સજેશન કેન્સલ ! કંઈ નહીં. ભાઈનું ઘર તો જોવાશે ને !! "

" હા ભાભી. ચલો હું ફોન મૂકું . તમને સરપ્રાઈઝ આપવા જ ફોન કર્યો હતો પણ મારા પહેલાં ભાઈએ જ સરપ્રાઇઝ આપી દીધું. " કહીને શિવાનીએ ફોન કટ કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)