અદિતીએ દીનુને ગાડી સાઇડમાં ઊભી રાખવાની કહ્યું હતું. દીનુએ ગાડીને સાઇડમાં ઊભી રાખી અને અદિતીની સામે જોયું હતું.
"જો દીનુ મારો પ્લાન અને મારી ચાલ સમજવા માટે સૌથી પહેલા અમુક સવાલોના જવાબ શોધવાની કોશિષ કરવી પડશે જેમકે J.K. મોરેશીયસથી કુન્નુર કેમ આવ્યો છે? એના માથે કુણાલનું ખૂન કર્યાનો આરોપ છે છતાં પણ એ કુન્નુર આવ્યો છે? એની પાછળ ચોક્કસ કોઇ રહસ્ય હશે. J.K. જ્યારે કુન્નુર આવે છે ત્યારે એ જ સમયે પોલીસ અધિકારીની બદલી થાય છે. સૂર્યવીરસિંહ જેવા ભ્રષ્ટ અધિકારીના બદલે તારા કહેવા પ્રમાણે પ્રામાણિક પોલીસ ઓફિસર નીના ગુપ્તા ડ્યુટી જોઇન્ટ કરે છે. આ બંન્ને ઘટનાનો એકબીજા સાથે કોઇને કોઇ તાર જોડાયેલો છે એની ગંધ મને આવી ગઇ છે. આવા સમયે આપણે ડ્રગ્સ માફીયા રઝોસ્કી સાથે સીધો સોદો કરવા જઇએ તો આપણા પાસા ઊંધા પણ પડી જાય એવું પણ બની શકે છે અથવા આપણે પોલીસના શકંજામાં સપડાઇ જઇએ એવો પ્લાન J.K.એ કર્યો હોય કદાચ એવું પણ બને. નહિતર J.K.ને પકડવા માટે પોલીસે તક્તો ગોઠવ્યો હોય એ વાત પણ શક્ય છે. આ ચક્રવ્યૂહને જ્યાં સુધી આપણે ભેદી ના શકીએ ત્યાં સુધી આ રમત દૂરથી જ જોવામાં આપણો ફાયદો છે. મારી ચાલનો સૌથી પહેલો હિસ્સો આ છે. કાલ ઉઠીને રઝોસ્કી અને J.K. વચ્ચે કોઇ બબાલ ઊભી થાય તો આપણે બબાલથી દૂર રહીએ માટે જ મેં એડવાન્સ રૂપિયા માંગ્યા અને ખાસ કરીને માલ ગોડાઉનમાંથી લઇ જવાની જવાબદારી J.K.ના માથે નાંખી દીધી હતી. હવે મારી ચાલનો બીજો હિસ્સો સમજ. તું મને એમ કહે કે સંગ્રામસિંહને મળવું હોય તો ક્યારે મળી શકાય? અને ક્યાં મળી શકાય? સંગ્રામને મળીશ એટલે મારી ચાલનો બીજો હિસ્સો તને સમજાઇ જશે." અદિતીએ કહ્યું હતું.
સંગ્રામસિંહનું નામ સાંભળી દીનુ એકદમ અવાક થઇ ગયો હતો. અદિતીનો પ્લાન સાંભળી દીનુને લાગવા માંડ્યું હતું કે અદિતી ખૂબ હોંશિયાર છે. પરંતુ સંગ્રામસિંહનું નામ સાંભળી ફરીવાર એને થયું કે આ સ્ત્રી મુસીબતોને આમંત્રણ શું કરવા આપે છે? એ સમજાતું નથી. દીનુ મનમાં વિચારી રહ્યો હતો.
"દીનુ કેમ કશું બોલતો નથી? શું વિચારે છે?" અદિતીએ પૂછ્યું હતું.
"મેડમ, સંગ્રામસિંહ જેવા માથાભારે માણસ જોડે વાત કરવી એ પણ સૌથી મોટું આપણું નુકસાન છે. સંગ્રામ જેવા માણસ જોડે કોઇપણ પ્રકારની ડીલ કરવામાં આપણું નુકસાન અને નુકસાન જ છે. હજી છ મહિના પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો છે. એને મળવામાં જોખમ છે અને ખાસ કરીને આપણા જેવા ધંધાવાળા લોકોએ સંગ્રામસિંહથી એક હજાર ફૂટ દૂર રહેવું જોઇએ એવી હું તમને સલાહ આપીશ." દીનુ પોતાના બંન્ને હાથ માથે રાખીને બોલી રહ્યો હતો.
"દીનુ તારે અફીમના ધંધામાં નહિ પરંતુ કરિયાણાની દુકાનમાં કામ કરવું જોઇએ. ઝેરનું મારણ ઝેર હોય. આપણે જે ઝેરીલા ચક્રવ્યૂહમાં ફસાયેલા છીએ એ ચક્રવ્યૂહને તોડવા માટે આપણને સંગ્રામ જેવા અભિમન્યુની જ જરૂર પડશે. જે ચક્રવ્યૂહમાં ઘુસી તો શકે પણ જ્યારે બહાર નીકળવા જાય ત્યારે એ ચક્રવ્યૂહની આંટીઘૂંટીમાં ફસાઇ જાય. માટે તારી બુદ્ધિ અને મગજ પર બળ આપવાનું છોડી દે અને સંગ્રામનો પત્તો લગાવી હોટલ કુન્નુર પેલેસમાં આપણે મીટીંગ માટે રાખેલા આપણા રૂમમાં મીટીંગ ગોઠવી દેજે અને ગાડી હવે ફેક્ટરી ઉપર લઇ લે." અદિતીએ દીનુને આદેશ આપતા કહ્યું હતું.
દીનુએ ગાડી ફેક્ટરી તરફ દોડાવી મુકી હતી. ગાડી ચલાવતા ચલાવતા દીને અદિતીને કહ્યું હતું.
"સંગ્રામને આપણે મીટીંગ માટે બોલાવીએ અને એ આવી જ જાય એવી શક્યતા ખૂબ ઓછી છે, છતાં તમે કહો છો તો હું આજે એના કોટેજમાં એને મળી આવીશ. મને ઓળખે છે એટલે મારી વાત તો સાંભળી લેશે પણ એ આવશે કે નહિ એની જવાબદારી હું લેતો નથી." દીનુએ અદિતીને કહ્યું હતું.
દીનુ મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો. આ સ્ત્રી ચક્રવ્યૂહમાં ફસાઇ ગઇ છે કે પોતે જ ચક્રવ્યૂહ ઊભું કરી રહી છે, સમજાતું નથી. સંગ્રામ જેવા માથા ફરેલ સાથે અને વાતેવાતે બંદૂકના ધડાકા કરતો માણસ અભિમન્યુ કઇ રીતે બની શકે એ સમજાતું નથી. આ સ્ત્રી ચોક્કસ નવા મહાભારતનું સર્જન કરશે. દીનુએ મનમાં ને મનમાં વિચારોની હારમાળામાં ગાડીને ફેક્ટરી પર લાવીને રોકી હતી.
અદિતી ગાડીમાંથી ઉતરી અને કેબીનમાં દાખલ થઇ હતી. થોડીવાર પછી દીનુ કેબીનમાં ના આવ્યો એટલે અદિતી કેબીનના કાચમાંથી ફેક્ટરીના ગેટ ઉપર નજર નાંખી હતી. અદિતીને દૂરથી દીનુ કોઇની જોડે માથાકૂટ કરતો દેખાયો હતો.
અદિતી પોતાની કેબીનમાંથી બહાર આવી અને ચાલતા ચાલતા ગેટ પાસે આવી હતી.
"મેડમ, અમે મજૂરો તમને મળવા આવ્યા હતાં પરંતુ દીનુ સાહેબ તમને મળવા નથી દેતા." મેલાઘેલા વસ્ત્રોવાળા એક મજૂરે હાથ જોડી અદિતીને કહ્યું હતું.
"મેડમ, આ લાલસીંગ છે. આપણી ચારસો એકર જમીનમાં જે મજૂરો ખેતી કરે છે એનો આ નેતા છે. તમને મળવાની જીદ છેલ્લા મહિનાથી કરી રહ્યો છે પણ આપ કામમાં વ્યસ્ત હતાં એટલે મેં એને મળવાની ના પાડી હતી. એટલે આજે એ અહીં ફેક્ટરી સુધી આવી ગયો છે. હું એને એટલે ખખડાવતો હતો." દીનુએ અદિતી સામે જોઇ કહ્યું હતું.
"દીનુ, લાલસીંગને મારી કેબીનમાં લેતો આવ." આદેશ આપી અદિતી ચાલતી ચાલતી પોતાની કેબીનમાં ગઇ હતી.
દીનુ અદિતીની પાછળ પાછળ લાલસીંગને લઇને કેબીનમાં દાખલ થયો હતો.
અદિતી કેબીનમાં જઇ કેબીનમાં મુકેલા સોફા પર બેસી ગઇ હતી. લાલસીંગ કેબીનમાં દાખલ થઇ અને જમીન પર બેસી ગયો હતો.
"મેડમ, અમે છેલ્લા દસ વરસથી તમારી જમીનમાં ખેતીનું કામ કરી રહ્યા છીએ. અમને રોજ જે મજૂરી મળે છે એમાં અમારું બે વખતનું ખાવાનું તો થઇ જાય છે પરંતુ છોકરાઓના ભણતર અને દવા માટે અમારી પાસે રૂપિયા બચતા નથી. કુણાલ શેઠને અમે મજૂરી વધારવા માટે વારંવાર વિનંતી કરી હતી પરંતુ મારી વાત એમણે ધ્યાનમાં લીધી ન હતી. કુણાલ શેઠનું ખૂન થયું એ પછી તરત આપની પાસે આવીને મજૂરીમાં વધારો માંગવો એ મને યોગ્ય ના લાગતા આજે બે વરસ પછી આપની પાસે મજૂરી વધારો આપ કરો એવી અરજ લઇને આવ્યો છું." લાલસીંગે આંખમાંથી આંસુ અને માથા પરથી પરસેવો લૂછતાં કહ્યું હતું.
"કેટલી મજૂરી વધારવી છે તમારે?" અદિતીએ પૂછ્યું હતું.
અદિતીની વાત સાંભળી દીનુ અને લાલસીંગ બંન્ને અદિતીની સામે જોઇ રહ્યા હતાં.
"મેડમ, રોજના સો રૂપિયા વધી જાય તો અમારી જિંદગી ઘણી સારી બની જાય અને અમે ખુશી ખુશીથી તમારું કામ વધારે મહેનત અને લગનથી કરી શકીએ." લાલસીંગે બે હાથ જોડતા અદિતીને કહ્યું હતું.
અદિતીએ કેલ્ક્યુલેટર લઇને હિસાબ માંડ્યો હતો. દસ મિનિટ પછી મનમાં વિચાર કર્યા બાદ અદિતીએ લાલસીંગ સામે જોઇ કહ્યું હતું.
"જો લાલસીંગ, હું તને સો રૂપિયા મજૂરી વધારી આપું છું, પરંતુ એક વરસ દરમિયાન કોઇપણ જાતની રજાઓ મજૂરોએ પાડવાની નહિ અને જે મજૂર રજા પાડે એના બદલામાં તારે એ દિવસે રજા પાડનાર મજૂરની જગ્યાએ બીજા મજૂરને મુકવાનો રહેશે. આ એક વરસ દરમિયાન મારું કામ રોકાવું જોઇએ નહિ. બોલ મંજૂર છે?" અદિતીએ લાલસીંગને પૂછ્યું હતું.
સો રૂપિયાનો વધારો અદિતીએ કરી આપ્યો હતો એનાથી લાલસીંગ ખૂબ ખુશ થઇ ગયો હતો. જાણે એને અલાઉદ્દીનનો ચિરાગ મળી ગયો હોય એટલી ખુશી એના મોઢા ઉપર આવી ગઇ હતી.
"મેડમ, તમારી શરત મને મંજૂર છે. એક પણ દિવસ કામમાં ખાડો નહિ પડે એની જવાબદારી હું લઉં છું." લાલસીંગ હાથ જોડી કેબીનમાંથી બહાર નીકળી ગયો હતો.
"મેડમ, સો રૂપિયા મજુરી તમે એકઝાટકે વધારી દીધી. ટોટલ ચારસો એકરમાં જેટલા લોકો આપણા ત્યાં ખેતમજૂરી કરી રહ્યા છે એટલા લોકોના સો રૂપિયા વધશે તો આપણો પ્રોફીટ ઘટી જશે અને દર વરસે આ લોકો માંગતા ને માંગતા ઊભી રહેશે એ વધારામાં. તમે શું કરી રહ્યા છો, મારી તો સમજણમાં આવતું નથી." દીનુએ માથે હાથ મુકીને કહ્યું હતું.
"આપણે અફીમનો ધંધો ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે લાલસીંગ જેવા મજૂરો આપણી જમીનમાં રાત-દિવસ પોતાનો પરસેવો પાડે છે. અફીમનો ધંધો કરીને આપણે કરોડો રૂપિયા કમાઇએ છીએ અને આપણા જ ખેતમજૂરોને દવા અને શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાત પણ ના મળે તો સારું ના કહેવાય." અદિતી બોલી હતી.
"ભૂતના મોંમાં રામ...રામ... નવાઇ લાગે છે." દીનુ મનમાં બબડી રહ્યો હતો.
"મને ખબર છે કે તને નવાઇ લાગે છે કે મેડમ અચાનક દયાનું ઝરણું કેમ બની ગયા? તને એમ થતું હશે કે અફીમનો ધંધો કરું છું ને વાતો માણસાઇનું કરું છું, એમ ને? પણ મારામાંથી દયાનું નહિ પરંતુ બુદ્ધિનું ઝરણું ફૂટ્યું છે. રઝોસ્કી સાથેની ડ્રગ્સ ડીલ ફાઇનલ થઇ જશે તો રઝોસ્કીને સમયસર માલ પહોંચાડવો પડશે અને માલ પહોંચાડવામાં મોડું વહેલું ના થાય માટે જ ખેડૂતો નિયમિત રીતે કામ ચાલુ રાખી ખેતમજૂરો નિયમિત કામ પર આવે એ જ અગત્યનું છે અને રહી વાત આ વધારો આપણા ઉપર નહિ પરંતુ હું J.K. ઉપર નાંખીશ. એટલે આ વધારો આપણને નહિ પણ J.K.ને નડશે અને J.K. પણ રઝોસ્કી જેવા ડ્રગ્સ માફીયા જોડે કામ કરવાની લાલચમાં ચૂપચાપ હા પાડી દેશે એની મને ખાતરી છે." અદિતીએ દીનુને હસતાં હસતાં કહ્યું હતું.
"વાહ મેડમ, આ તો એક પથ ને દો કાજ એવું કામ થયું છે." દીનુ આજના દિવસમાં પહેલીવાર હસ્યો હતો.
"પોલીસ સ્ટેશનમાં મીથીલેસ શર્મા નામના પોલીસ કોન્સ્ટેબલને તું ઓળખે છે? સાંજે એને સાડા સાત પછી જો આવવા તૈયાર થાય તો બંગલા ઉપર લેતો આવજે. મારે એની સાથે નીના ગુપ્તા વિશે પૂછપરછ કરવી છે. પણ પહેલા સંગ્રામનો પત્તો લગાડી એની જોડે કાલે મીટીંગ ફીક્સ થાય એ વ્યવસ્થા તું અત્યારે જઇને જ કર." અદિતીએ દીનુને આદેશ આપી કેબીનમાંથી બહાર મોકલ્યો હતો.
અદિતી ઊભી થઇ પોતાની ચેર ઉપર બેઠી હતી. દીકરી યેશા અને દીકરા જશનો ફોટો જોઇ એની આંખો ભીની થઇ ગઇ હતી. કુણાલની હત્યા બાદ અદિતીએ સંતાનોને દૂર બોર્ડીંગમાં ભણવા મુક્યા હતાં. અદિતી નહોતી ઇચ્છતી કે છોકરાઓ કુન્નુરમાં રહે અને એમનો જીવ જોખમમાં મુકાય.
કલાક પછી દીનુનો ફોન અદિતીના મોબાઇલ ઉપર આવ્યો હતો.
"હલો મેડમ, સંગ્રામનો પત્તો હજી લાગ્યો નથી અને મીથીલેસ શર્માને સાંજે આપના બંગલા ઉપર લેતો આવું છું." આટલું બોલી દીનુએ ફોન મુક્યો હતો.
અદિતી ફેક્ટરીમાંથી નીકળી પોતાની ગાડીમાં બેસી પોતાના ઘર તરફ જવા લાગી હતી.
ગાડી ચલાવતા ચલાવતા મીથીલેસ શર્મા સાથે શું વાત કરવી એના શબ્દોનું ગોઠવણ એના મગજમાં કરી રહી હતી.
ક્રમશઃ
(વાચક મિત્રો, કળિયુગની સ્ત્રી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું....... લિ. ૐગુરુ...)