પ્રાયશ્ચિત પ્રકરણ 32
બીજા દિવસે કેતને બેંક ઓફ બરોડામાં કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટના નામનો એકાઉન્ટ ખોલાવ્યો. એ સુરત ગયો ત્યારે બેંકના એપ્લીકેશન ફોર્મમાં સિદ્ધાર્થની સહી એણે લઈ જ રાખી હતી. કેતને એમાં દસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા.
ચાર દિવસ પછી કેતને હોસ્પિટલ ટેક ઓવર કરી લીધી. ટ્રાન્સફર વગેરે ખર્ચ સાથે ટોટલ સાડા નવ કરોડમાં આ સોદો થયો. આખું ડીલ સી.એ. નાણાવટી સાહેબને વચ્ચે રાખીને કર્યું. " કે. જમનાદાસ ચેરીટેબલ હોસ્પિટલ" નામ અપાયું. તમામ રકમ ટ્રસ્ટના એકાઉન્ટમાંથી ચેકથી આપી.
હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ એડમિટ થયેલા હતા. એટલે રિનોવેશન માટે દસ દિવસ રાહ જોવી પડી. તમામ દર્દીઓ ડિસ્ચાર્જ થયા પછી હોસ્પિટલને ત્રણ મહિના માટે બંધ કરી દેવાની જાહેરાત કરી. કેતને તમામ સ્ટાફનો પગાર ચાલુ રાખ્યો.
રિનોવેશનનું કામ જયેશ ઝવેરીને સોંપી દીધું અને ગ્રેનાઇટ માર્બલ વગેરેનો ઉપયોગ કરી અપ ટુ ડેટ લેટેસ્ટ હોસ્પિટલ બનાવવાની સૂચના પણ આપી. એના માટે ત્યાંના એક સારા આર્કિટેક્ટ પણ રોકી લીધા. હોસ્પિટલમાં કોઇપણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવા કેતન માગતો ન હતો. બહારનો અને અંદરનો લુક એકદમ આધુનિક હોવો જોઈએ.
આ બધું કામ પતાવવામાં બીજું એક અઠવાડિયું નીકળી ગયું. બે દિવસ પછી ગુરુપૂર્ણિમા આવતી હતી. આજ સુધી તો તેણે કોઈ ગુરુ કર્યા ન હતા કે કોઈ મંત્ર દીક્ષા પણ લીધી ન હતી. પરંતુ શિકાગોમાં મળેલા ચેતન સ્વામીને એ પોતાના ગુરુ જેવા માનતો હતો.
જ્યારે શિકાગોમાં હતો ત્યારે દર રવિવારે એ શ્રી રામકૃષ્ણ અને વિવેકાનંદ કેન્દ્રમાં જતો. પ્રવચનો પણ સાંભળતો અને ધ્યાનમાં પણ બેસતો. સ્વામી વિવેકાનંદ વિશે એણે બહુ જ વાંચ્યું હતું અને તેમના પ્રવચનોની એના ઉપર સારી એવી અસર હતી. એ પણ માનવસેવા ના માર્ગે જ વળેલો હતો.
એને ઈચ્છા થઈ કે રાજકોટમાં પણ શ્રી રામકૃષ્ણ મિશન છે તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે એણે એકવાર ત્યાં દર્શન કરવા જવું જોઈએ. કદાચ એને આગળની કોઈ પ્રેરણા મળે. એણે મનસુખ માલવિયા ને ફોન કર્યો.
" મનસુખભાઈ કાલે સવારે આઠ વાગે તમે આવી જજો. આપણે રાજકોટ રામકૃષ્ણ મિશનમાં દર્શન કરવા જવું છે. પરમ દિવસે ગુરુ પૂર્ણિમા છે. તો કાલે જ જઈ આવીએ. "
" ભલે સાહેબ. હું એકવાર ગયેલો છું એટલે મને ખ્યાલ છે. " મનસુખે કહ્યું.
બીજા દિવસે સવારે આઠ વાગે એ લોકો નીકળી ગયા. લગભગ સાડા નવ વાગે આશ્રમમાં પ્રવેશ કર્યો. બેલુર મઠનો ફોટો એણે જોયો હતો. આબેહૂબ બેલુરમઠ ની પ્રતિકૃતિ હતી. એને આ સ્થળ બહુ જ ગમ્યું. શ્રી રામકૃષ્ણદેવની ભવ્ય મૂર્તિ હતી ! એણે દિલથી પ્રાર્થના કરી અને એક કલાક ઘ્યાનમાં બેઠો. એને અહીંયા ખુબ જ શાંતિ મળી.
આશ્રમ ના બુકસ્ટોલ ઉપર જઈને શ્રી રામકૃષ્ણદેવ, શ્રી મા શારદામણી દેવી અને વિવેકાનંદનો જોઇન્ટ ફોટો ખરીદ્યો જે ટેબલ ઉપર મૂકી શકાય.
બીજું કોઈ કામ ન હતું એટલે દર્શન કરીને એ લોકો નીકળી ગયા. અને ૧૨ વાગ્યે તો ઘરે પાછા પણ આવી ગયા.
બીજા દિવસે ગુરુપૂર્ણિમા હતી. એની પાસે ચેતન સ્વામીનો કોઈ ફોટો ન હતો. શ્રી વિવેકાનંદજી ને જ હાલ પૂરતા પોતાના માર્ગદર્શક માની જે ફોટો એ લઇ આવેલો એની જ પૂજા કરવાનું નક્કી કર્યું. સાંજે એણે મનસુખને ફુલ હાર સારી અગરબત્તી અને એક નાનો પાટલો લઈ આવવાનું કહ્યું.
ગુરુપૂર્ણિમાના દિવસે એ ચાર વાગે ઉઠી ગયો. રુટીન પતાવી એણે નાહી લીધું. લગભગ પોણા પાંચ વાગે એક પાટલા ઉપર એણે ફોટા ને ગોઠવી દીધો. ત્રણેયને ફુલહાર અર્પણ કર્યા. અગરબત્તી પ્રગટાવી. પૂજા તો એને આવડતી ન હતી. એણે બસ મનોમન પ્રાર્થના કરી અને ચેતન સ્વામીને સતત યાદ કરી એ ઊંડા ધ્યાનમાં બેસી ગયો.
એ જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે બે કલાક જેટલો સમય વીતી ગયો હતો. સવારના સાત વાગી ગયા હતા. ધ્યાનમાં એને પહેલાં શ્રીરામકૃષ્ણદેવનાં અને ત્યાર પછી ચેતન સ્વામીનાં સ્પષ્ટ દર્શન થયાં હતાં. ચેતન સ્વામી સાથે મનોમન વાર્તાલાપ પણ થયો હતો અને એ વાર્તાલાપ એને યાદ રહી ગયો હતો.
સ્વામીજીએ એને કહ્યું હતું કે એ એકદમ સાચા માર્ગે જઈ રહ્યો હતો. અને એ જે કંઈ પણ કરી રહ્યો હતો એનાથી સ્વામીજી ખુશ હતા. જાનકીની પસંદગી પણ શ્રેષ્ઠ હતી. હજુ પણ એના હાથે સારા કાર્યો થવાનાં હતાં."
" સાથે સાથે સ્વામીજીએ એને એમ પણ કહ્યું કે કેટલાંક કર્મોનો પરિપાક પણ થવાનો છે. એટલે આવનારા સંકટને દૂર કરવા માટે અને સુરક્ષા માટે વહેલી તકે એક શતચંડી યજ્ઞનું આયોજન કરવાનું સૂચન કર્યું. સાથે ૨૧ કુમારીકાઓનું પૂજન કરવાનું પણ સૂચન કર્યું હતું.
સ્વામીજીનો સંકેત સમજીને શતચંડી યજ્ઞના આયોજન માટે એણે એ જ દિવસે પ્રતાપ અંકલનો સંપર્ક કર્યો.
" અંકલ કેતન બોલું. અહીં જામનગરમાં કોઈ વિદ્વાન પંડિતજી હોય તો મારે એમને મળવું છે. મારે શતચંડી યજ્ઞ નું આયોજન કરવું છે. અને મને આમાં કંઈ સમજ પડતી નથી. "
" આ તો બહુ સારો વિચાર છે. ચોક્કસ શાસ્ત્રીજી સાથે વાત કરી લઉં છું અને તારી સાથે મિટિંગ પણ કરાવી દઉં છું. " પ્રતાપ અંકલે કહ્યું.
અને બે દિવસ પછી પ્રતાપ અંકલ પોતે કપિલભાઈ શાસ્ત્રીને કેતનના ઘરે લઈને આવ્યા.
" કેતન મકાન તો બહુ સરસ શોધી કાઢ્યું છે હોં !! હવે અહીં જ રહેવાનું નક્કી કર્યું છે તો એક પોતાનું મકાન પણ લઈ લે. "
" અંકલ મારો પોતાનો બંગલો એરપોર્ટ રોડ ઉપર તૈયાર થઈ જ રહ્યો છે. ત્રણેક મહિનામાં પજેશન મળી જશે. "
" વાહ ભાઈ વાહ... એરીયા પણ સરસ પસંદ કર્યો છે. મકાન તૈયાર થઈ જાય એટલે ફર્નિચર માટે મને વાત કરજે. આપણી પાસે એક હોશિયાર મિસ્ત્રી છે. એનું કામ અહીં જામનગરમાં વખણાય છે. તારે જેવી ડિઝાઇનનું જોઈએ એવું ફર્નિચર એ બનાવી આપશે. "
" ચોક્કસ અંકલ. મારે જરૂર પડશે જ. અને હું અહીંયાં કોઈને ઓળખતો નથી. તમે મારું કામ આસાન કરી દીધું. "
" હવે આ ભાઈની ઓળખાણ કરાવું. કપિલભાઈ શાસ્ત્રી નામ છે. હવાઈ ચોકમાં રહે છે. અમારા જામનગરમાં જ્યાં પણ નવચંડી કે હવન થાય ત્યાં હંમેશા આચાર્ય પદે આ કપિલભાઈ જ હોય !! તારે જે પણ વાત કરવી હોય તે કરી લે. " પ્રતાપ અંકલે શાસ્ત્રીજીનો પરિચય આપ્યો.
" શાસ્ત્રીજી નજીકમાં કોઈ સારું મુહૂર્ત આવતું હોય તો મારે શતચંડી યજ્ઞનું આયોજન કરવું છે. ભવ્ય આયોજન કરો. દક્ષિણાની ચિંતા ના કરો. સારું લોકેશન પણ શોધી કાઢો. "
" કેતનભાઇ તમે આ બધી ચિંતા મારા ઉપર છોડી દો. આ મારો વિષય છે. એવું સરસ આયોજન થશે કે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવશે. જામનગર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા વિદ્વાન બ્રાહ્મણોનું મારી પાસે લિસ્ટ છે. વર્ષોથી આચાર્ય પદ સંભાળું છું સાહેબ" કપિલ ભાઈ બોલ્યા.
" બસ તો નજીકમાં સારું મુહૂર્ત શોધી કાઢો. " કેતને કહ્યું.
" જુઓ સૌથી પહેલી બાબત એ છે કે ચોમાસું લગભગ ચાલુ થઈ ગયું છે અને સારું મુહૂર્ત શ્રાવણ મહિનામાં જ આવે છે. એટલે વરસાદની સિઝનમાં બે દિવસ માટે આપણે એક મોટો હોલ જ રાખવો પડશે. ખુલ્લામાં નહીં કરી શકીએ. કુલ ૧૦ વિદ્વાન પંડિતોની જરૂર પડશે જે વ્યવસ્થા હું કરી દઈશ. "શાસ્ત્રીજી બોલ્યા.
" બસ તો પછી આપણે આગળ વધીએ છીએ. હવે આપણે આ હવન ક્યારે કરવો છે એ તમે કહી દો. " કેતને કહ્યું.
" જુઓ માતાજીના યજ્ઞ માટે આઠમ નોમ અને ચૌદશ પૂનમ શ્રેષ્ઠ દિવસ ગણાય. એટલે શ્રાવણ મહિનાની સુદ આઠમ અને નોમ આ બે દિવસો આપણે ફાઇનલ કરી દઈએ. ૨૭ અને ૨૮ ઓગસ્ટે આ યજ્ઞ થશે. બન્ને દિવસોએ સવારે ફલાહાર ની વ્યવસ્થા અને સાંજે બ્રહ્મભોજન ની વ્યવસ્થા પણ યજમાને કરવાની હોય છે. જે લોકો યજમાન તરીકે બેસવાના હોય એમણે રેશમી વસ્ત્રો ધારણ કરવાં પડશે. "
' ભલે શાસ્ત્રીજી... તમે જેમ કહો તેમ. બધી જ વ્યવસ્થા થઈ જશે. " કેતન બોલ્યો.
" પ્રતાપ અંકલ આ હવનની અને બંને દિવસે બ્રહ્મભોજનની સંપૂર્ણ જવાબદારી તમારી. આખું આયોજન શાસ્ત્રીજીની સાથે રહીને તમારે જ કરવાનું છે. પપ્પાને પણ ફોન કરી દઉં છું એટલે મારુ ફેમિલી પણ હવનમાં યજમાન તરીકે બેસશે. "
" માતાજીના આ કામમાં તારે મને કંઈ કહેવું નહીં પડે. મને તો ઉલટાનો આનંદ થાય છે કે આવા સારા કામમાં તેં મારી પસંદગી કરી. તારે બસ હવનના દિવસે હોલમાં હાજર થઈ જવાનું. શતચંડી યજ્ઞની વ્યવસ્થિત જાહેરાત પણ એક વીક પહેલા હું પેપરમાં આપી દઈશ. અને જગદીશભાઈ આવશે એ વાતથી મને પણ બહુ આનંદ થયો. " પ્રતાપભાઈ બોલ્યા.
" ભલે અંકલ જે પણ ખર્ચો થાય એ મારી પાસેથી એડવાન્સમાં માગી લેજો. "
" પૈસાની તું ચિંતા ના કર. બધું પતી જાય પછી હું તને હિસાબ આપી દઈશ. મારે એડવાન્સ ની કોઈ જરૂર નથી. ચાલો હવે અમે રજા લઈએ. "
" જી અંકલ ખુબ ખુબ આભાર. "
અને કપિલભાઈ શાસ્ત્રીને લઈને પ્રતાપભાઈ પોતાની ગાડીમાં રવાના થઇ ગયા.
એ રાત્રે એણે પપ્પા સાથે ફોનમાં વાત કરી.
" પપ્પા આવતી ૨૭ ઓગસ્ટે શ્રાવણ મહિનાની આઠમે અહીં જામનગરમાં શતચંડી યજ્ઞનું આયોજન હું કરી રહ્યો છું. આઠમ અને નોમ બે દિવસ આ યજ્ઞ ચાલશે. તમારે બધાંએ આવવાનું છે અને યજમાન તરીકે બેસવાનું છે. તમે અત્યારથી જ ટ્રેનનું રિઝર્વેશન કરાવી લેજો અથવા તો મુંબઈ થી ફ્લાઇટ પકડજો." કેતને કહ્યું.
" અચાનક તને આ વિચાર ક્યાંથી આવ્યો ? આવડા મોટા હવનનું આયોજન તું એકલો કરી શકીશ ? "
" બસ પપ્પા મને અંદરથી જ પ્રેરણા મળી. અને માતાજીની કૃપાથી બધું જ થઈ જશે. પ્રતાપ અંકલને સાથે રાખીને બધું આયોજન પણ કરી દીધું છે. પંડિતોની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. મારે કંઈ કરવાનું છે જ નહીં. બસ હવનના બે દિવસ આપણે બધાંએ રેશમી વસ્ત્રો પહેરીને યજમાન તરીકે ત્યાં હાજર રહેવાનું છે. બંને દિવસ સાંજે બ્રહ્મભોજનની પણ વ્યવસ્થા કરી છે." કેતને ઉત્સાહમાં કહ્યું.
" બસ તો પછી અમે બધાં જ ત્યાં આગલા દિવસે આવી જઈશું. એ બહાને તારું ઘર પણ જોવાશે. અને બે ત્રણ દિવસ સાથે રહી પણ શકાશે. હું ઘરમાં પણ બધાંને કહી દઉં છું. આટલો મોટો પ્રસંગ છે અને જાનકીને પણ હાજરી આપવી હોય તો એને પણ કહી દેજે. લગ્ન થયાં નથી એટલે એ હવનમાં ભાગ નહીં લઇ શકે. પણ દર્શન તો કરશે ને !!" જગદીશભાઈએ કહ્યું અને ફોન કટ કર્યો.
જાનકીને સમાચાર આપવાની પપ્પાની વાત કેતનને ગમી. એને આનંદ થયો કે જાનકી પણ એ બહાને આવશે. મારે
એને પણ આમંત્રણ આપવું જોઈએ.
ગમે તેમ તો એ ભાવિ જીવન સંગિની છે.
અને એણે જાનકીને ફોન લગાવ્યો. " જાનકી હું કેતન બોલું. ૨૭ અને ૨૮ ઓગસ્ટે શતચંડી યજ્ઞનું મેં આયોજન કર્યું છે. પપ્પા મમ્મી ભાઈ ભાભી બધાં જ જામનગર આવાનાં છે. તને પણ મારું આમંત્રણ છે. તું સુરત મારા ઘરે વાત કરી લેજે એટલે તારી ટિકિટ પણ એ લોકો લઈ લેશે. સાથે મુસાફરી કરવાનો આનંદ જ અલગ હોય છે. "
" ભલે મારા સ્વામીજી. આપનો આદેશ મારા માથા ઉપર. " જાનકીએ હસતાં હસતાં કહ્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)