journy to different love... - 33 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 33

Featured Books
Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 33

(આપણે આગળના ભાગમાં જોયું કે નીયા રીતેશભાઇના સમજાવવાથી આલોક સાથે લગ્ન કરવાની હા પાડે છે જેથી તેના પરિવારના બધા ખુશ થાય છે. નીયા અને આલોકની સાથે જ અનન્યા અને અવિનાશની સગાઈ અને લગ્નનું મુહુર્ત કઢાવવા માટે પંડિતજીને બોલાવવામાં આવે છે. હવે આગળ...)

આલોક અને તેનો પરિવાર, રાહુલભાઈ, અવિનાશ અને અનન્યા તેમજ નીયા અને તેનો પરિવાર બધા હોલમાં ગોઠવાયા. આલોક અને નીયાની નજર બહુ ઓછી મળતી હતી અને જ્યારે મળતી ત્યારે તેઓ બન્ને ફક્ત સ્માઈલ જ કરતા. પંડિતજી આવ્યા અને તેમણે મુહૂર્ત કાઢ્યું. નીયા અને આલોક તેમજ અનન્યા અને અવિનાશ બન્નેની સગાઈનું મુહૂર્ત ડિસેમ્બરમાં નીકળ્યું અને તેના એક મહિના બાદ લગ્નનું મુહૂર્ત નીકળ્યું.

પ્રિયાએ બધાનું મોં મીઠું કરાવ્યું અને પછી હસી-મજાક કરતા બધાએ ચા-નાસ્તો કર્યો. નીયા કીચનમાં પાણી પી રહી હતી ત્યાં આલોક પોતાની નાસ્તાની પ્લેટ મુકવા આવ્યો. તેણે હાથ ધોયા પછી નીયાએ તેને પાણી આપ્યું. આલોક નીયા સામું જોઈને નાનકડી સ્માઈલ કરતા બોલ્યો, "થેન્ક્સ."
નીયાએ તેની સામું નાનકડી સ્માઈલ કરી અને તેણે જોયું તો આલોકની આંખો લાલ હતી એટલે તે બોલી, "આલોક ! તારી આંખો આટલી લાલ કેમ છે ?"

આલોક સહજતાથી પોતાની વાત છુપાવતા બોલ્યો,
"એ તો મારે હોસ્પિટલને લગતું એક ઈમ્પોર્ટન્ટ કામ હતુંને એટલે કાલ આખી રાત ઉજાગરો કર્યો હતો એટલે આંખો લાલ થઈ ગઈ. બીજું કાઈ નહિ."

"આલોક તું તારું ધ્યાન રાખતો હોય તો. આખો દિવસ કામ જ કામ હોય છે તારે." નીયા આલોકની ચિંતા કરતા બોલી.

આલોક હસીને પોતાના કાન પકડતા બોલ્યો, "ઓક્કે, બાબા. સોરી. હવેથી હું મારી હેલ્થનું ધ્યાન રાખીશ."

પછી બન્ને વચ્ચે થોડી વાત-ચિત થઈ અને પછી બધા પોત-પોતાના રોજ-બરોજના કામમાં પરોવાયા.

નીયા ઓફિસમાં ગઈ ત્યાં તે પોતાનું કામ કરી રહી હતી ત્યાંજ પ્રીયંકા નીયાની અમુક પેપર્સ પર સહી લેવા આવી હતી ત્યારે નીયાએ પ્રીયંકાની લાલ આંખો જોઈ એટલે નીયા બોલી, "પ્રીયંકા, તારી આંખો આટલી લાલ કેમ છે ?"

"એ તો કાલ મારે કામને કારણે આખી રાત જાગવું પડ્યું હતું એટલે બીજું કઈ નહિ." પ્રીયંકા એટલું બોલીને ત્યાંથી નીકળી ગઈ. નીયાને પ્રીયંકાને આવા વર્તનથી નવાઈ લાગી પણ પછી તે પોતાના કામમાં પરોવાઈ. તે દિવસ એમજ કોઈક માટે મૂંઝવણમાં તો કોઈક માટે ખુશીઓમાં વીતી ગયો.

નીયાનો પરિવાર, આલોકનો પરિવાર અને અનન્યા અને રાહુલભાઈ અને અવિનાશ બધા જ એક સાથેજ સગાઈની શોપિંગ કરે છે. અવિનાશના મમ્મી-પપ્પા સગાઈના બે દિવસ પહેલા આવવાના હોવાથી તે બધા લોકો અવિનાશને શોપિંગ કરવામાં મદદ કરે છે અને તેના મમ્મી-પપ્પા દિલ્હી જ શોપિંગ કરી લે છે.

આજે સગાઇ નો શુભ દિવસ છે...

રાત્રીનો અંધકાર આકાશમાં છવાયેલો છે. એક વિશાળ હોટેલ બહાર અને અંદર બન્ને બાજુથી ફુલો અને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી છે. હોટેલની બહાર રહેલ કારપાર્કિંગ પણ ફુલ થઈ ગયું. હોટેલમાં બધા કિંમતી કપડાંઓથી સજ્જ, હાથમાં જ્યુસનો ગ્લાસ પકડી ઉભા-ઉભા ત્યાં હોલનું ડેકોરેશન નિહાળી રહ્યા છે. નાના છોકરાઓ પોતાની મસ્તીમાં રમી રહ્યા છે. કોઈક સ્ત્રીઓ એકબીજાની સાડી અને કીમતી અલંકારોના વખાણ કરી રહી છે. તો કોઈક સ્ત્રીઓ પોતાના જ પહેરવેશના વખાણ કરી રહી છે, તે પોતાના બાળકોના પણ વખાણ કરી રહી છે. પોતાના પૈસાનો અભિમાન ધરાવતા પુરુષો સગાઈની તૈયારીઓમાં ખામીઓ શોધવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. ખાવામાં રસ ધરાવનાર વ્યક્તિ આજે મેનુમાં શું હશે તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણા યુવાન-યુવતીઓ પોતાના પ્રેમાલાપમાં મસ્ત છે. ટૂંકમાં સહુ પોતાના રુચિ અને સ્વભાવ પ્રમાણે પોતાના કામમાં વ્યસ્ત છે. આલોક- નીયા અને અનન્યા-અવિનાશની સગાઈ સાથે થતી હોવાથી મહેમાનોની સંખ્યા મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે. અનન્યા અને અવિનાશના બોસ, ઓફિસના ફ્રેન્ડસ તેમજ તેઓ ચારેયના પરિવારના સગા- સંબંધી, નીયા અને તેના પરિવારના બિઝનેસને લગતા રિલેટિવસ, રાહુલભાઈ અને આલોકના હોસ્પિટલના ફ્રેન્ડસ. આ બધા લોકોથી હોટેલનો હોલ ભરાઈ ગયો છે. પ્રિયા અને મેહુલ મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે.

અવિનાશના મમ્મી-પપ્પા, રીતેશભાઈ અને રીમા બહેન, અભિજીતભાઈ અને હેત્વીબહેન તેમજ રાહુલભાઈ બધા સ્ટેજ પર આવ્યા. બેકગ્રાઉન્ડમાં ધીમું-ધીમું મ્યુઝીક વાગી રહ્યુ છે. હોલમાં ઉપસ્થિત બધા લોકો પોતાની જગ્યા પર બેઠા. સ્ટેજમાં વચ્ચે બે વ્હાઈટ કલરના મોટા સોફા ગોઠવેલા છે. ટૂંકમાં ખૂબ જ ભવ્ય અને મોટું સ્ટેજ બનાવેલ છે.

એક બાજુથી નીયા અને અનન્યા આવ્યા. નીયા આજે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પિંક અને ગોલ્ડન કલરના ચણિયા-ચોલી પહેર્યા છે. આંખોમાં લગાવેલ કાળું કાજળ તેની આંખોને વધુ સુંદર બનાવી રહ્યું છે. હોઠ પર કરેલ લાઇટ પિન્ક કલરની લિપસ્ટિક તેના ગુલાબી હોઠને વધુ સુંદર બનાવી રહી છે. ગુલાબી રંગના તેના ગાલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને કપાળ પર કરેલ પિંક કલરની નાનકડી બિંદી તેના ચહેરાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. તેણે એક હાથમાં પિંક કલરની બંગડીઓ પહેરેલ છે અને બીજા હાથમાં ગોલ્ડન કલરનું બ્રેસલેટ પહેર્યુ છે. તેના ખભા સુધી આવતા છુટા વાળમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અનન્યા પણ આજે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે મરૂન અને ગોલ્ડન કલરના ચણિયા-ચોળી પહેર્યા છે. તેનો પણ મેક-અપ કરેલ ચહેરો ખૂબ જ સુંદર લાગે રહ્યો છે. તેના કમર સુધી પહોંચતા છુટા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. તે બન્ને આજે સ્વર્ગની અપ્સરા જેવી જ સુંદર લાગી રહી છે. બંનેના ચહેરા પરની સ્માઈલ તેમની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

બીજી બાજુથી આલોક અને અવિનાશ આવ્યા. આલોકે બ્લ્યુ કલરનો કુર્તો અને વાઈટ કલરનો પાયજામો પહેરેલ છે. વાઈટ કલરની મોજડી પહેરી છે અને એક હાથમાં બ્રાઉન કલરની વોચ પહેરેલ છે. અવિનાશે મરુન કલરનો કુર્તો અને વાઈટ કલરનો પાયજામો પહેર્યો છે. તેણે મરૂન કલરના બેલ્ટવાળી વોચ પેહરી છે. તેણે પણ વાઈટકલરની મોજડી પહેરી છે અને ગળામાં સોનાની ચેઈન પહેરેલી છે. બન્ને આજે હીરો લાગે રહ્યા છે.
વચ્ચે મૂકેલા બે સોફામાંથી એક સોફા પર નીયા અને આલોક બેઠા અને બીજા સોફા પર અનન્યા અને અવિનાશ બેઠા. સગાઈની બધી વિધિ પૂરી કર્યા બાદ નીયા અને આલોક એકબીજાને વીંટી પહેરાવે છે. ઉપરથી ફુલોનો વરસાદ થાય છે. અનન્યા અને અવિનાશ પણ એકબીજાને વીંટી પહેરાવે છે અને તેમની ઉપર પણ ફૂલોનો વરસાદ થાય છે. પછી બેકગ્રાઉન્ડમાં સોંગ વાગવાનું ચાલુ થયું.
"દિલ દિયા ગલ્લા...."
અને બધી લાઇટ્સ ઓફ થઈ ગઈ અને સ્ટેજ પર ફક્ત પિંક કલરની લાઈટ થઈ. સ્ટેજ પર પરિવારના બધા લોકો સાઈડમાં ઊભા રહ્યા. અવિનાશ અને અનન્યાએ ડાન્સ કરવા માટે નીયા અને આલોકોને ફોર્સ કર્યો એટલે નીયા અને આલોક અને અનન્યા અને અવિનાશે કપલ ડાન્સ કર્યો. કપલ ડાન્સ દરમ્યાન નીયા અને આલોક બંનેની નજર મળતી અને ફરી બંને બીજી બાજુ નજર કરી લેતા. આ બાજુ અવિનાશ અને અન્ય પણ એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા અને લયબદ્ધ રીતે ડાન્સ કરતા ગયા. સોંગ પૂરું થયું લાઈટ ચાલુ થઈ બધાએ ઉભા થઈ અને તાળીઓના ગડગડાટથી તેમની જોડીને વધાવી લીધી. ત્યારબાદ એકપછીએક મહેમાનો પોતાના હાથ પર રહેલ કિંમતી ગિફ્ટ લઈને સ્ટેજ પર આવવા માંડ્યા અને તે બન્ને જોડીને ગિફ્ટ, અભિનંદન અને આશીર્વાદ આપવા લાગ્યા. ધીમે-ધીમે બધા પોતાની ગિફ્ટ આપી અને ડિનરના કાઉન્ટર તરફ જવા લાગ્યા.

બધા લોકો ડીનર કરીને હોલના ગેટ પર ઉભેલ પ્રિયા અને મેહુલ પાસેથી વિદાય લઈને નીકળવા લાગ્યા. ધીમે-ધીમે બધા મહેમાનોએ વિદાય લીધી બાદ પરિવારના બધા લોકો જમવા બેસવાની તૈયારી કરવા લાગ્યા. રીતેશભાઈએ પ્રિયા અને મેહુલને પણ બોલાવ્યા. તે લોકો જતા હતા કે પાછળથી અવાજ આવ્યો, "ભૈયા-ભાભી..." મેહુલ અને પ્રિયાએ પાછળ ફરીને જોયું તો આશરે દસથી પંદર બાળકો નું ટોળું નવા કપડાં પહેરીને આવ્યું હતું. પ્રિયા અને મેહુલ તેમને જોઈને હસતા-હસતા તેમની પાસે ગયા.

પ્રિયા બોલી, "તુમ લોગોને આનેમે ઇતની દેર ક્યુ કર દિ ? તુમ લોગો કો પતા હે ? દોનો દિદિયા બેચારી કબસે તુમ લોગોકા ઈંતજાર કર રહી હે."

"સોરી ભાભી. હમ દોનો દીદી કે લિયે અપને હાથો સે ગિફ્ટ બના રહે થે. ઇસલિયે દેર હો ગઈ." તે ટોળામાંથી એક બાર વર્ષનો છોકરો બોલ્યો.

મેહુલ બોલ્યો, "ઠીક હે. કોઈ બાત નહીં. તુમ લોગ દીદીકો ગીફ્ટ દેકર આઓ. ફિર સબ સાથમે ડિનર કરને બેઠેગે."
તે બધા છોકરાઓ હસતા, દોડતા સ્ટેજ તરફ ગયા. સ્ટેજ પર ચડીને તે લોકો અનન્યાને અને તેની સાથે વાત કરતી નીયાને ભેટી પડ્યા. બાળકો તેમનાથી દૂર થયા એટલે નીયા અનન્યા રીસાવાનું ખોટું નાટક કરવા માંડ્યા. નીયા બોલી, "હમ દોનો તુમ સબસે સે કિટ્ટી હે. આને મે ઇતની દેર ક્યુ કર દી?"

તે ટોળામાંથી છ વર્ષની એક નાનકડી છોકરી આગળ આવીને પોતાના નાનકડા હાથે નીયાના ચણીયા- ચોલીની ચુંદડી પકડતા બોલી, "દીદી હમ આપકે લીયે ગીફ્ટ બના રહે થે ઇસલીયે દેર હો ગઈ. સોરી."

નીયા તેની તરફ ફરીને નીચે બેસી અને તે નાનકડી છોકરીના ગાલ પર હાથ ફેરવતા બોલી, "તો પરીજી, કહા હે મેરા ગિફ્ટ?"
પછી બધાએ મળી અને તેને એક ગિફ્ટ આપી. તેઓએ નીયાને એક સુંદર ફોટો ફ્રેમ આપી હતી. તે ફોટો ફ્રેમ દેખાવે ખૂબજ સુંદર લાગી રહી હતી. પરી બોલી, "યે હમને સભી વેસ્ટ ચીજો કા ઉપયોગ કરકે અપને હાથોસે બનાઈ હે. હેના સુંદર ?"

નીયા તે છોકરીના ગાલ પ્રેમથી ખેચતા બોલી,
"એકદમ તુમ્હારી તરહ સુંદર હૈ."

એક બીજીછોકરીએ નીયાની આંખો ભીની જોઈને પૂછયું ,"દીદી આપ ક્યુ રો રહી હૈ ?"

"કુછ નહિ, યે તો ખુશી કે આસુ હે." આટલું કહી નીયા પોતાના આસું લૂછયા. અને તે બધી બાળકોને ભેટી પડી.

થોડીકવાર પછી નીયા ઊભી થઇ અને અનન્યા પોતાના નેણ ઉંચા કરતા બોલી, "સિર્ફ, નીયાદીદી કા ગિફ્ટ? મેરા ગીફ્ટ કહા હૈ ?"
"અરે દીદી હમ આપકો કેસે હો સકતે હૈ ? લિજીએ આપકા ગિફ્ટ." એક છોકરો અનન્યાને ગિફ્ટ આપતા બોલ્યો.

અનન્યાએ ગિફ્ટ ખોલીને જોયું તો તેમાં એક બ્યુટીફુલ ફ્લાવરપોટ હતો. તે પણ વેસ્ટ ચીજોમાંથી સુંદર રીતે બનાવેલો હતો. બાળકોએ પોતાના માટે કરેલી મહેનત જોઈને અનન્યા પણ ભાવુક થઈ ગઈ. તે બાળકોને ભેટી પડી એટલે પરી બોલી, "અબ આપ કયું રોને લગી ?"
"કુછ નહી. યે તો ખુશી કે આસુ હે." અનન્યા પોતાના આંસુ લુછતા બોલી.

પરી એક્શન કરતા બોલી, "બહુત ભુખ લગી હે." બધા લોકો પરીને જોઈને હસવા માંડ્યા.

"હા ડ્રામેબાઝ ચલ ખાના તેરા હી ઇન્તઝાર કર રહા હે." નીયા પરીને હળવી ટપલી મારતા બોલી અને અન્યાય તેને તેડી લીધી.

મોટું ડાઈનીંગ ટેબલ ગોઠવેલું છે અને ત્યાં બધા લોકો જમવા બેઠા. બધા બાળકો નીયા અને અનન્યાની બાજુમાં ગોઠવાઈ ગયા. ખુદ આલોક અને અવિનાશ બન્ને નીયા અને અનન્યાથી દૂર બીજી બાજુ બેઠા. નીયાની અને અનન્યાની વચ્ચે નાનકડી પરી ખુરશી પર બેસીને જમી રહી છે. તેણે ચમચીથી રસમલાઈ પીધી અને તેના હોઠ પાસે ચોંટી ગઈ તો નીયાએ પોતાની ચુંદડી વડે તેનું મોં સાફ કરી દીધુ. તેણે ફરી પાછું આવું કર્યું તો આ વખતે અનન્યાએ તેની ચૂંદડી વડે લૂછી દીધું. ત્યાં બેઠેલા બધા છોકરાઓ સાથે તે બંને હસી મજાક કરી રહી છે. આલોક જમતા-જમતા આ બધું નિહાળી રહ્યો છે. તેણે જોયું કે બાળકો સાથે મસ્તી કરતી વેળા નીયાના ચહેરા પર એક અલગજ ખુશી જોવા મળતી. જમવાનું પૂરું થઈ ગયા બાદ બધા એકબીજા સાથે વાતચીતમાં મશગૂલ થઇ ગયા. આલોક, અનન્યા અન અવિનાશ સાથે વાતો કરી રહ્યો છે.

વાતો-વાતોમાં આલોક તે નાના બાળકો સાથે નાની બાળક બનીને રમતી નીયાને જોતા-જોતા બોલ્યો," આ બાળકો કોણ છે ?"

અનન્યાએ કહ્યું, "આ બાળકો નીયાના ઘરથી થોડે દુર આવેલ ગરીબ વસ્તીના બાળકો છે."

આલોકે સામો સવાલ કર્યો, "તે લોકો તને નીયાને પણ દીદી કહીને જ બોલાવે છે. એટલે લાગે છે કે તમે લોકો તેને સારી રીતે ઓળખતા હશો."

અનન્યા સ્મિત સાથે બોલી, "હા, જ્યારે આપણે નાના હતાને ત્યારે તું, હું અને નીયા આજુબાજુની ગરીબ વસ્તીના લોકોને આપણા જન્મદિવસ પર કેક અને નાસ્તો આપવા જતા. તારા રસિયા ગયા પછી પણ નીયા નિયમિત તારા જન્મદિવસે આજુબાજુની ગરીબ વસ્તીના લોકોને કેક અને નાસ્તો આપવા જતી અને હું પણ જતી. હું મારા બર્થ ડે પર અને નીયાના બર્થડે પર પણ ત્યાં નીયા ભેગી જવા માંડી અને પછી ધીમે ધીમે અમે છ મહિને તે લોકો પાસે જતા અને તેમને જે ચીજ-વસ્તુની જરૂરિયાત હોય તે પૂરી પાડતા. તેમને બીજી કોઈ વાતે તકલીફ હોય તો પણ અમે તેને સોલ્વ કરવામાં પૂરો પ્રયત્ન કરતા. ભલે તું અહીં નહતો પણ નીયા દસ વર્ષ સુધી એક પણ વખત તારો બર્થ ડે નથી ભૂલી. ક્યારેક એવું બનતું કે અમે તારો જન્મદિવસ ભૂલી ગયા હોઈએ પણ તે ભૂલી નથી. અમે નીયાનાઘરની નજીક આવેલી વસ્તીમાં દર મહિને જવા લાગ્યા. ત્યાં આ પ્રેમાળ બાળકો સાથે દોસ્તી થઈ ગઈ. ધીમે ધીમે અમેં દર રવિવારે ત્યાં જવા લાગ્યા. તે લોકો સાથે અમને ઘણું ભળવા લાગ્યુ. અમે ઘણાં બાળકોને અભ્યાસમાં મદદ કરીએ છીએ પણ આ બાળકો ખાસ છે. તે લોકોને અમે ખાસ અલગથી આપણી સગાઈનું આમંત્રણ આપવા ગયા હતા. તેમના માતા-પિતાને તો અમે આગ્રહ કરીને બોલાવ્યા હતા પણ કદાચ તે લોકો અહીં આવવામાં સંકોચ અનુભવતા હશે એટલે આવ્યા નથી. પણ અમે આ બાળકો સાથે તે બધા લોકો માટે જમવાનું મોકલી દઈશું અમેં ઘણીવાર તે લોકોના ઘરે જમ્યા પણ છીએ."

"વાહ...તમે બન્ને તો ખુબ સરસ કામ કરો છો."આલોક સ્માઈલ કરીને બોલ્યો.

"અમને આ કામ કરવાની મજા આવે છે એટલે અમે આ લોકો સાથે સમય પસાર કરીએ છીએ. આ બાળકો ઘણીવાર અમારા બંનેના ઘરે આવી ગયા છે. અવિનાશના ઘરે પણ આવી ગયા છે. અમારા ઘરના લોકો સાથે પણ તેમને ભળે છે." અનન્યા બોલી.

ત્યાંજ નાનકડી પરી નીયા પાસેથી આવી અને અનન્યા ખોળામાં બેસી ગઈ. અનન્યા બોલી, "આલોક, યે હે નન્હીંસી, નટખટ સી, પ્યારી સી પરી."
આલોક પરી તરફ હાથ લંબાવતા બોલ્યો, "હાઇ પરી, મેરા નામ આલોક હે. તુમ્હારે નીયાદીદી કે સાથ આજ મેરી મંગની હુઈ હે."

પરી તેની સાથે હાથ મિલાવતા બોલી, "હાઈ, આલોક ભૈયા, આપ મેરી નીયાદીદી કા ખ્યાલ રખના."
"તુ બહુત બડી મત બન." અનન્યા પરીનો કાન ખેચતા બોલી.

"ઓક્કે, પ્રિન્સેસ મેં તુમ્હારે નીયાદીદી કા ખ્યાલ રખુગા. ઠીક હે ?"આલોક પરીના ગાલ ખેચતા બોલ્યો.

"ઠીક હે." પરી સામી સહેજ ઉંચી થઇ અને આલોક ના ગાલ ખેંચતા બોલી. ત્રણે હસવા લાગ્યા.

પછી ડ્રાઇવરને કહી અને નીયા અને અનન્યાએ તે બાળકોને તેના ઘરે મોકલી દીધા. પછી બધુ કામ પૂરું કરી અને ઘરે જવા માટે નીકળ્યા.

કારની પાછળની સીટ પર બેસી બારી પર પોતાનું મોં ટેકવીને આલોક બેઠો હતો. તેના સહેજ કપાળ સુધી પહોંચી ગયેલા વાળને શિયાળાની ઠંડી હવા લહેરાવી રહી હતી. તેના મગજમાં વિવિધ વિચારો આવી રહ્યા હતા." નીયા મને કેટલો પ્રેમ કરે છે ? મને પહેલા જન્મદિવસ પર ગરીબ લોકોને વસ્તુ આપવી ગમતી હતી એટલે મારા ન હોવા છતાં તેણે મારા દરેક જન્મદિવસે આ પરંપરા ચાલુ રાખી? પણ હું જ્યારે અત્યારે છું તો હમણાં જ આવેલ મારા જન્મદિવસ પર તેણે મને શા માટે તે વિશે કશું ના કહ્યું ? મને કેમ એવું લાગી રહ્યું છે કે તે મારાથી કંઇક છુપાવી રહી છે!" આલોકને નીયા સાથે કપલ ડાન્સ કરતી સમયે જોયેલી તેની આંખો યાદ આવતી હતી. તેને નીયાની આંખોમાં પોતાનાથી નીયા કઈક છુપાવી રહી હોય તેવું લાગી રહ્યું હતું."

"આલોક બેટા ઘરે આવી ગયું." અભિજીતભાઈ બોલ્યા. આલોક વિચારોમાંથી બહાર આવ્યો અને
કારમાંથી ઉતર્યો.

આ બાજુ નીયા પણ પોતાના રૂમની બાલ્કનીમાં બેઠી હતી. તેને પણ આલોકની કપલ ડાન્સ કરતી સમયેની આંખો યાદ આવી રહી હતી. જેમાં ભરપૂર પ્રેમ હતો પણ જાણે પોતાના માટે નહીં બીજા કોઇ માટે. તે ઊંડો શ્વાસ લઈ અને ઊભી થઇ અને સુઈ ગઈ.
to be continue....