Apshukan - 21 in Gujarati Fiction Stories by Bina Kapadia books and stories PDF | અપશુકન - ભાગ - 21

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

Categories
Share

અપશુકન - ભાગ - 21

સવારના અગિયાર વાગ્યા હતા. બધા હોલના ડાઇનિંગ ટેબલ ફાફડા ગાંઠીયા, જલેબી અને ચાની લહેજત માણી રહ્યા હતા. ત્યાં પર્લ ઊઠીને હોલમાં આવી.

“જો તો પર્લ બેટા, આ કોણ આવ્યું છે આપણા ઘરે?” માલિની બેને પર્લને પોતાની પાસે બોલાવતાં પૂછ્યું...

“શાલુ માસી” પર્લએ આંખો ચોળતાં ચોળતાં જવાબ આપ્યો.

“તારી થોડી માસી થાય? એ તો તારા પપ્પાની માસી છે. તું તેમને શાલુદાદી કહેજે.” માલિનીબેને પર્લના માથા પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું.

“હાય બેટા...” કહીને શાલુ પર્લને ભેટી.

“તું આટલી ઉદાસ કેમ છે? તબિયત તો ઠીક છે ને તારી?” શાલુએ પર્લના માથા- ગળા પર હાથ ફેરવતાં કહ્યું.

“એ તો હમણાં ઉઠી છે ને એટલે તને એવું લાગી રહ્યું છે.” માલિનીબેને કહ્યું.

“માસી, તારી આંખો પરથી લાગે છે કે હવે તને ઊંઘ આવી રહી છે..” વિનીતે કહ્યુ.

હા વિનીત, ઊંઘ તો આવે છે, પણ સુવાશે કે નહિ, તે ખબર નથી.”

“તું અમારી બેડરૂમમાં સૂઇ જા...ત્યાં તને કોઇ ડિસ્ટરબન્સ નહિ આવે... શાંતિ હશે તો ઊંઘ આવી જશે.” વિનીતે આઈડિયા આપ્યો.

“હા, એમ જ કરું છું... પછી સાંજે તો આપણે સાંતાક્રુઝ 'યોકોઝ’ માં જવું છે હો... તું, અંતરા અને પર્લ તૈયાર થઇ જજો..” શાલુએ તકિયા લઈને રૂમમાં જતાં કહ્યું.

“આજે ને આજે જ બહાર જમવા જવાની શું ઉતાવળ છે? પહેલા તારો જેટ લેગ તો ઉતારી લે.. પૂરતો આરામ કરી લે.” માલિની બેને ટકોર કરી.

“ના, ના...આજે જ જવું છે..હું ત્રણ વીક માટે જ આવી છું..એમાં મારે બે- ચાર દિવસ જેઠાણીના ઘરે પારલા જવું છે...સુરત જવું છે... ઘણી બઘી શોપિંગ કરવાની છે.. મારી ફ્રેન્ડસે અમુક ચીજો મંગાવી છે તે લેવાની છે.. આટલાં વર્ષે આવી છું, તો મારી ફેવરીટ ડીશ તો બધી ખાઇ- પી લેવી છે મને...એટલે આજે અમે સાંતાક્રુઝ જઈશું જ.. હું હમણાં અહીં છું એટલા દિવસ અંતરાને થોડી ફ્રી રાખજે..” શાલુએ આદેશ છોડ્યો.

“મને અંતરાનું કોઇ કામ નથી, પણ પર્લને તો માંની જરૂર હોય ને! ગમે ત્યારે તું કહે કે ચાલ, ચપ્પલ પહેર.. બહાર જવું છે.. તો અંતરા સીધી ચાલવા ન માંડે..” માલિની બેને શાલુને થોડા ઠપકાના સૂરમાં કહ્યું.

“હા, હા.. એટલી તો મનેય સમજ છે..” કહીને શાલુ વિનીતના બેડ પર સૂઇ ગઇ.

“મમ્મી, સાંજે આપણે ક્યાં જવું છે?” પર્લે અંતરાને પૂછ્યું.

“સાંતાક્રુઝ 'યોકોઝ' બહુ સરસ છે..શાલુદાદી આપણને ત્યાં સિઝલર ખાવા માટે લઇ જવાના છે.” અંતરાએ કહ્યું.

“મને નથી આવવું... તું અને પપ્પા શાલુ દાદીને લઈને જજો..” પર્લ નીચું મોઢુ રાખીને જ બોલી.

“કેમ બેટા? તારા વગર અમે થોડા જઈએ? અને શાલુદાદી આપણે ત્યાં મહેમાન છે... તું નહિ આવે તો એમને ખરાબ લાગશે.” અંતરાએ પર્લને સમજાવવાની કોશિશ કરી.

“મને મન નથી આવવાનું... હું અહીં દાદા- દાદી પાસે રહીશ.. પર્લે મોઢાના નિસ્તેજ હાવભાવ સાથે કહ્યું.

માલિનીબેન ત્યાં જ બેઠા હતાં.પર્લની વાતો સાંભળીને તેઓ તરત જ બોલ્યાં,

“ પર્લ બેટા, મને અને દાદાને તો આજે દાદાના ફ્રેન્ડ કિસનભાઇ પડી ગયા છે, તેની ખબર કાઢવા જવાનુ છે...”

“તો મમ્મી, તું કે પપ્પા બેમાંથી કોઈ એક ઘરે રહો ને! મને જરા પણ મન નથી આવવાનું.” પર્લ રડવા માંડી..

“જો પર્લ બેટા, તું રડ નહિ...તારે નથી જવું તો ઠીક છે.. પણ તું રડ નહિ.” કહેતાં અંતરાએ વિનીત સામે જોયું. વિનીતે અંતરાને આંખથી ઇશારો કરીને હમણાં ચૂપ રહેવા કહ્યું.

થોડી વાર હોલમાં એકદમ શાંતિ છવાયેલી રહી. મનને અકળાવનારી શાંતિ. માધવ દાસ, માલિની બેન, વિનીત અને અંતરા...બધા ચૂપ હતા, પણ બધાના મન ઊંચક હતા.

અંતરા રસોડામાં રસોઈ બનાવી રહી હતી, પણ તેનુ ધ્યાન રત્તીભર પણ રસોઈમાં નહોતું. મનમાં ચિંતા કોરી ખાતી હતી કે પર્લને પહેલાં જેવી હસતી બોલતી કેવી રીતે કરવી.. વિનીત અને અંતરા બંનેને મનમાં એક આશ હતી કે શાલુમાસીના હસમુખા સ્વભાવથી...તેમની સાથે બહાર હરવા ફરવાથી પર્લમાં બદલાવ આવશે...

... પણ આજે પહેલા જ દિવસે વિનીત અને અંતરાને પોતાની આશાઓ પર ઠંડુગાર પાણી રેડાઈ ગયું હોવાની અનુભૂતિ થઇ રહી હતી... છેલ્લા કેટલાય સમયથી વિનીત- અંતરા પર્લને લઇને કયાંય બહાર ફરવા ગયા નહોતાં.. પર્લનું મન લલચાવીને તેને બહાર લઇ જવાના બધાં જ પેંતરા અજમાવી ચૂક્યાં હતાં... પણ પર્લ ટસની મસ થતી નહોતી.

સ્કૂલની સાયકોલોજિસ્ટ શ્વેતા દલાલ પાસે પર્લને લઇ જવા માટે પણ અંતરાએ જે તુક્કા અજમાવ્યા એ બધા જ ફેઇલ ગયા હતા. મામલો એટલો નાજુક હતો કે આમાં જરા પણ જોર જબરદસ્તી કરવી પાલવે તેમ નહોતી.

પર્લ કોઇ નવી વ્યકિતને મળવા માગતી જ નહોતી. કોઇ સાથે વાતચીત કરવા માગતી નહોતી.. દાદા- દાદી, મમ્મી-પપ્પા..બસ, આ ચારને તેણે પોતાની દુનિયા બનાવી લીધી હતી..ઘરમાં તે પોતાની જાતને સુરક્ષિત માનતી હતી. બાકી બધે જ તેને અસુરક્ષિતતા મહેસૂસ થતી હતી.

પર્લ હોલમાં ટીવી જોતી હતી ત્યારે અંતરાએ મમ્મી- પપ્પા અને વિનીતને મમ્મીના રૂમમાં આવવાનો ઈશારો કર્યો.

“પર્લ તો સાંતાક્રુઝ જવાની ના પાડે છે.. હવે?” અંતરાએ ચિંતા જતાવી.

“કંઈ વાંધો નહિ... તું અને વિનીત જઇ આવો શાલુ સાથે. હું અને તારી મમ્મી આજે કિસનને જોવા નહિ જઈએ.. ઘરે પર્લ પાસે રહીશું.” માધવદાસે અંતરાને ધરપત આપી.

“પણ શાલુ માસીને શું કહીશું? પર્લ કેમ નથી આવતી સાંતાક્રુઝ?” અંતરાને કંઈ સૂઝતું નહોતું...

ક્રમશઃ