Aa Janamni pele paar - 6 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૬

Featured Books
Categories
Share

આ જનમની પેલે પાર - ૬

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૬

દિયાન અને હેવાલી વિચારમાં પડી ગયા હતા. બંને સાથે એકસરખી વાત સપનામાં થઇ હતી. બંનેને સપનામાં આવેલા પાત્રો કહેતા હતા કે તેમના આ જન્મમાં લગ્ન ખોટા થયા છે. તેમના સાચા જીવનસાથી અલગ છે. આ વાત બંને સ્વીકારી શકે એમ ન હતા. તેઓ એમની રામ-સીતા જેવી જોડી અલગ થવાનું સપનામાં પણ વિચારી શકે એમ ન હતા ત્યારે સપનામાં તેમને એમ કહેવામાં આવી રહ્યું હતું કે તે એકબીજા માટે બન્યા નથી. બીજા કોઇની સાથે જન્મોજનમના સાથને નિભાવવાનો છે.

દિયાન કહે:'હેવાલી, આપણે આ વાતને એક સપનું સમજીને જ ભૂલી જઇએ તો? આપણા મનોજગતમાં રમાતી આ એક રમત જ છે. એને સાચી માનવાની જરૂર નથી. આપણાને કોઇ અલગ કરી શકે નહીં. આપણે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા છે. આપણી વચ્ચે કોઇને આગ લગાવવા દેવાય નહીં. તું મારી છે અને રહેશે. આપણી વચ્ચે કોઇને આવવા દઇશું નહીં...'

'હા, દિયાન તું સાચું કહે છે. આવા સપના આવતા રહેતા હોય છે. આ વખતે જોગાનુજોગ આપણા સપના સરખા નીકળ્યા છે. આપણે કદી અલગ થઇશું નહીં. પ્રેમના એવા બંધનમાં બંધાયેલા છીએ કે ક્યારેય અલગ થવાનો વિચાર થઇ શકે નહીં. મોત આવે તો પણ એની સામે લડી લઇશું. મને તો આ સપનું વિચિત્ર લાગ્યું છે. આજ સુધી આવું વાંચ્યું કે જાણ્યું નથી. અને આપણી સાથે જ કેમ આવું થવાનું સપનું આવ્યું હશે? આપણે વધુ પડતા એકબીજાને ચાહીએ છીએ એની ભગવાનને પણ ઇર્ષા આવી કે શું?' હેવાલી બોલી પડી.

'હેવાલી, ભગવાન તો આપણા માટે સારું જ ચાહે છે. એમણે જ તો આપણાને ભેગા કર્યા છે. એ શા માટે આપણાને જુદા કરવાની વાત કરે? ભગવાનના આપણ પર ચાર હાથ છે. અને આપણા હાથમાં હાથ રહે એનું ભગવાન જ ધ્યાન રાખશે. હવે મનમાંથી એ બધી વાતોને કપડાં પર ચોંટેલી રેતીની જેમ ખંખેરી નાખીને જીવનમાં આગળ વધીએ. સપનાની વાતો આપણું કશું બગાડી શકવાની નથી...'

દિયાન અને હેવાલી એકબીજાને ભેટીને ફરી થોડીવાર માટે સૂઇ ગયા.

દિવસ તો વ્યસ્તતામાં વીતી ગયો પણ રાત પડી અને ફરી સપનાનો ડર બંનેને સતાવવા લાગ્યો. હેવાલી કહે:'દિયાન, મને તો થાય છે કે આજની આખી રાત સૂઇ જવું નથી. આંખ મીંચીશું તો કોઇ સપનું આવશે ને? ચાલને વાતો કરીને સમય પસાર કરીએ...'

દિયાન હસીને કહે:'એમ ડરીને જીવવાનો અર્થ શું? આપણે મક્કમ હોઇશું તો કોઇ આપણાને સપનામાં તો શું હકીકતમાં પણ અલગ થવા મજબૂર કરી શકશે નહીં. એમ કેટલા દિવસ ઉજાગરા કરીશું? ચાલ, ભગવાનનું નામ લઇને સૂઇ જઇએ.'

દિયાનને થોડા પ્રયત્ન પછી ઊંઘ આવવા લાગી પણ હેવાલીના નાજુક દિલ પર ડરનો એક ઓછાયો એવો હતો કે આંખ મીંચી રાખ્યા પછી પણ ઉંઘવા દેતો ન હતો. તેને ગઇકાલના સપનામાં થયેલી વાતોનું સ્મરણ થઇ આવતું હતું. હેવાલીને જાગતી જોઇ દિયાનની ઉંઘ આવ-જા કરતી હતી. મોડી રાત્રે હેવાલીને ઘસઘસાટ ઊંઘતી જોઇને દિયાનની આંખ મળી ગઇ.

દિયાન સવારે ઊઠી ગયો પણ હેવાલી મોડી ઊઠી. તેની આંખમાં હળવો ઉજાગરો રહ્યો એની અસર હતી. અલબત્ત એ થોડી ઊંઘની ખુશી એના ચહેરા પર દેખાતી ન હતી. દિયાન પણ પોતાને ઊંઘ વહેલી ના આવી એના કરતાં રાત્રે આવેલા સપનાને કારણે વધુ અસ્વસ્થ હતો. બંનેએ આંખોથી જ એ વાત કરી કે રાત્રે ફરી એનું સપનું આવી જ ગયું. ગમે તેટલું ન ચાહવા છતાં સપનાએ પીછો છોડ્યો નહીં.

હેવાલી દિયાનને વળગીને રડી પડી:'દિયાન, આમ કેમ થઇ રહ્યું છે? આપણા વિયોગને હું સહન નહીં કરી શકું...'

'અરે ગાંડી! કોની હિંમત છે કે આપણાને અલગ કરી શકે? પ્રેમના એવા અતૂટ બંધનમાં બંધાયા છીએ કે કોઇની હિંમત નથી કે એને તોડી શકે. સપનાથી ડરવાનું નહીં. કેમ આ વખતે સપનામાં એ...શું નામ છે? હા, મેવાને કંઇ બીજું કહ્યું?' દિયાન હેવાલીને હિંમત બંધાવતા બોલ્યો.

'હા, દિયાન, માંડ માંડ નિદ્રાદેવી પ્રસન્ન થયા ત્યાં મનને અપ્રસન્ન કરી દે એવી વાત કરવા માટે મેવાન આવી ગયો. એણે મારા મનનો કબ્જો લઇ લીધો. હું પણ ગાંડી જ છું કે એની સાથે વાત કરી. બીજું થાય પણ શું? ઊંઘમાં આપણો જાત પર ક્યાં કાબૂ હોય છે. મન જેમ કરાવે એમ કરવું પડે છે. જોવું પડે છે. સાંભળવું પડે છે. હું તો કહું છું કે આપણે કોઇ મનોચિકિત્સકને મળીએ. આ બધો મનનો કોઇ વહેમ છે. જે કોઇ અજાણ્યા પાત્ર સાથે સંવાદ કરાવે છે...'

"હેવાલી, આપણે જરૂર એવી કોઇ સારવાર માટે વિચારીશું. પણ પહેલાં એ કહે કે આજે એણે તારી સાથે શું વાત કરી?'

'દિયાન, એણે મને કહ્યું કે આપણે સાચા પ્રેમીઓ છીએ. આપણા પ્રેમના પરચા તને જ્યાં જોવા હોય ત્યાં બતાવીશ. આપણો સાથ જન્મોજનમનો છે. આપણે ફરી એક થવાનું છે. મેં કહ્યું કે તારી વાત કેવી રીતે માની લેવાય? હું તો કોઇની પરણેતર છું. તું મારા પર કેવી રીતે હક્ક જતાવી શકે? તો કહે કે આપણે ગયા જન્મમાં પતિ-પત્ની હતા. તારે પુરાવા જોઇતા હોય તો એ આપું?'

'શું?!' દિયાન ચોંકીને બોલ્યો.

ક્રમશ: