પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૬
આરવ રચનાના સવાલ પછી ઊભો થઇ ગયો હતો. પોતે એની આંખોને યાદ કરીને જ કિશોરકુમારનું ફિલ્મ 'ઘર' નું 'આપ કી આંખોં મેં કુછ મહકે હુએ સે રાજ હૈ...' ગીત વગાડવા જઇ રહ્યો હતો. એની રચનાને કેવી રીતે ખબર પડી એ વાતનું આશ્ચર્ય અનુભવી રહ્યો હતો. પોતાને કિશોરકુમારના ગીતો પસંદ છે એ વાતની રચનાને કેવી રીતે ખબર પડી હશે? પોતે ઇન્ટરવ્યુ દરમ્યાન એકપણ વખત કોઇ ગીત ગણગણ્યું ન હતું. અને એ બધું જ જાણતી હોય એમ માત્ર સવાલ કરવાને બદલે ગીત વિશે પૂછી રહી હતી.
આરવને સાચું ના લાગતું હોય એમ 'હેં?' કહીને આશ્ચર્ય પામતો જોઇ રચનાએ આગળ કહ્યું:'મને ખબર છે કે તમે કિશોરકુમારના અવાજના દીવાના છો...'
આરવ વિચારી રહ્યો કે એણે આ પહેલાં રચના સાથે ક્યારેય મુલાકાત કરી જ નથી. તો શું અમારી કંપનીના કોઇ વ્યક્તિ પાસેથી તેણે મારા કિશોરકુમારના શોખ વિશે જાણ્યું હશે? આ યુવતી રહસ્યમય લાગી રહી છે.
આરવ સહજ થવાનો પ્રયત્ન કરતાં પૂછવા લાગ્યો:'આપણે અગાઉ મળ્યા હોય એવો ખ્યાલ નથી. તમને મારા કિશોરકુમારના ગીતોના શોખ વિશે કોણે કહ્યું છે?'
'એ વાતની જાણ તમે જ મને કરી હતી. આપણે આજે મળ્યા હતા અને તમે જ મને તમારા કિશોરકુમારના ગીતોના શોખની જાણ કરી હતી. આજે તમે જે યુવતીને તમારી જીપમાં લિફ્ટ આપી હતી એ હું જ છું...રચના રેવાણી.'
'ઓહ!' બોલીને આરવ ખુરશીમાં બેસી આંચકો અનુભવી રહ્યો. તેણે જીપમાં લિફ્ટ આપેલી યુવતીને બરાબર યાદ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે ત્યારે મોં પર ઓઢણી બાંધી હતી અને હમણાં બુરખો પહેરીને આવી હતી. બંને વખત તેનો ચહેરો જોઇ શક્યો ન હતો. એણે બે વખત ચહેરો છુપાવ્યો એની પાછળ કોઇ હેતુ લાગે છે. તે સ્વસ્થ થતાં બોલ્યો:'અચ્છા! પણ આમ કરવાનું કારણ શું છે? એક મિનિટ, તમે પાછા આવો અને અહીં બેસો. એમ સમજો કે તમારો ઇન્ટરવ્યુ બાકી છે...'
રચના એની વિનંતીને માન આપીને તેની સામે ફરી બેસી ગઇ. આરવે તેના ચહેરાને ધ્યાનથી જોયો. તે આંખોને ધ્યાનથી જોઇ કોઇ રહસ્ય ઉકેલવા મથી રહ્યો.
'સર! મેં તમારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જ લિફ્ટ લીધી હતી. ત્યારે તાપને કારણે ચહેરા પર ઓઢણી બાંધી હતી...' રચનાએ આંખો ઝુકાવી પહેલી મુલાકાતનો ખુલાસો કર્યો.
'જો મારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા આવતા હતા તો અમારી કંપની પહેલાં આવતી 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની પાસે કેમ ઉતર્યા હતા? એનું સાચું કારણ શું છે?' આરવ હવે બધું જ જાણી લેવા માગતો હતો.
"હું 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની પાસે ઉતરી હતી એ મારી ગેરસમજ હતી. મને એમ હતું કે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની ત્યાં છે. એમાં અને તમારી કંપનીના સરનામામાં સરદાર સર્કલનો ઉલ્લેખ થયેલો છે. ત્યાં 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીનું બોર્ડ જોઇ મને મારી ભૂલ સમજાઇ. પછી હું ચાલતી આ કંપની પાસે આવી...' રચનાએ બીજી જગ્યાએ કેમ ઉતરી હતી એનો ખુલાસો કર્યો.
આરવના મનમાં બીજા સવાલ ઊગી રહ્યા હતા. તેણે તરત જ પૂછ્યું:'તો પછી આ બુરખો પહેરવાનું નાટક કેમ કરવું પડ્યું?'
રચના ફરી સહેજ હસી અને બોલી:'હું પહેલાંથી જ નક્કી કરીને આવી હતી કે કંપનીઓવાળા સ્ત્રી ઉમેદવારોની સુંદરતાને વધારે ધ્યાનમાં લેતા હોવાથી હું એ વાતનો વિરોધ કરીશ. મેં વોશરૂમમાં જઇને બુરખાવાળો ડ્રેસ પહેરી કાજળથે આંખો આંજી અને એક અલગ સ્ત્રી તરીકે ઇન્ટરવ્યુ આપવા બેઠી હતી. મને જ્યારે રિસેપ્શનિસ્ટે બુરખો ઉતારવાનું કહ્યું ત્યારે લાગ્યું કે આ કંપનીને પણ સારી બુધ્ધિશક્તિ ધરાવતી વ્યક્તિ નહીં પણ સુંદર વ્યક્તિ જોઇએ છે. મને ખબર નથી કે હું કેટલી સુંદર છું પણ મને મારી બુધ્ધિશક્તિ પર પૂરો ભરોસો છે. પછી જ્યારે તમે મને અંદર બોલાવી અને મારા વ્યક્તિત્વ વિશે કોઇ સવાલ કર્યા વગર મારો ઇન્ટરવ્યુ લીધો અને મારી પસંદગીની શક્યતા દર્શાવી ત્યારે તમારા માટે માન થયું. મારા નામ અને વસ્ત્રો સાથે કોઇ સંબંધ ન હતો છતાં તમે કોઇ સવાલ ના કર્યો ત્યારે મને થયું કે બધી કંપનીવાળા સરખા હોતા નથી. મેં પણ જતી વખતે ઇમાનદારી બતાવવાનું યોગ્ય માન્યું કે હું મારો ચહેરો કેવો છે એ બતાવી દઉં. એમ કરવાની મારી ફરજ હતી. કેમકે હું કંઇ છુપાવવા માગતી નથી. ત્યારે અનાયાસ જ મને તમારા કિશોરકુમારના ગીતો માટેના શોખની યાદ આવી ગઇ અને તમને પૂછ્યું!'
રચનાની નિખાલસતા આરવને સ્પર્શી ગઇ. છતાં તેના પર વિશ્વાસ કરી લેવાની જરૂર નથી એમ એક ઉદ્યોગપતિ તરીકે થયું. આરવને ફરી શંકા ઊભી થઇ કે તેની હરીફ કંપનીની આ કોઇ ચાલ તો નહીં હોય ને? હું એને 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની પાસે જોઇ ગયો હોવાનું જાણીને તે આવી વાત કરી રહી નહીં હોય ને? તે ખરેખર એ કંપનીમાં કામ કરતી હોય અને અમારા ભેદ જાણવા નોકરી મેળવી રહી હોય એવું પણ બની શકે ને? આ બધી શંકાઓનું સમાધાન મેળવવું જરૂરી હતું. એને કેવી રીતે ઓળખવી એનો આરવ વિચાર કરવા લાગ્યો.
ક્રમશ: