હાઇવે રોબરી 41
કમરામાં આશુતોષના શબ્દો ગુંજતા હતા. નંદિની એન્ડ સોનલ કિડનેપડ.
નિરવ:'પણ, કોણે કર્યું અને શા માટે? '
' નામ તો એણે નથી કહ્યું પરંતુ હીરા માટે એણે અપહરણ કર્યું છે.'
રાઠોડ:' ડોન્ટ વરી, અમે આકાશ પાતાળ એક કરીશું પણ એમને છોડાવીશું. એમને આંચ આવવા નહિ દઈએ.'
' સોરી સર, એમણે ચોખ્ખી ધમકી આપી છે કે જો પોલીસને જાણ કરી તો એ લોકો બન્નેને મારી નાખશે. '
એક પળ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાઠોડ સાહેબે અપહરણના ઘણા કેસ સોલ્વ કર્યા હતા. એટલે એમના માટે આ કોઈ નવી વાત ન હતી. પરંતુ જિંદગીમાં એમણે પહેલો એવો માણસ જોયો હતો જે કરોડોના હીરા સ્વેચ્છાએ આપવા આવ્યો હોય.
નિરવ એક પળ વિચારમાં પડી ગયો. એણે હીરા થેલીમાં ભર્યા અને રાઠોડ સાહેબ સામે જોઈને કહ્યું..
' સર, અમારે તો આ હીરા જેના હોય એને આપવાના જ હતા. જો થોડો વહેલો ફોન આવ્યો હોત તો કદાચ અમે અહીં ના આવત. '
રાઠોડ: ' આ હીરા હવે પોલીસને તમે સોંપ્યા છે, તમે ચિંતા ના કરશો. અમે જાનના જોખમે પણ બન્નેને છોડાવીશું. '
નિરવ: ' સર, આ અમારા ઘરની બે જિંદગીનો સવાલ છે. હીરા તો અમે જેને આપીશું એની પાસેથી પણ તમે મેળવી શકશો. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સર. '
નિરવે હીરાની થેલી હાથમાં લીધી અને એ જવા માટે ઉભો થયો. આશુતોષ પણ ઉભો થયો. રાઠોડ સાહેબના મગજમાં વિચારો તીવ્ર ગતિએ ચાલતા હતા. એમને નિરવની વાત સાચી લાગી. ભલે નિરવ હીરા લઈ જાય પણ એ ગુનેગાર સુધી પછી જરૂર પહોંચી શકાશે. એમણે કહ્યું..
' મી. નિરવ, બે મિનિટ બેસો.'
નિરવ અને આશુતોષ કચવાતા મને પાછા બેઠા. રાઠોડ સાહેબે પટેલને બોલાવ્યા. ઉભા થઇ એ એમની પર્સનલ ચેમ્બરમાં ગયા. પટેલને કેટલીક સૂચના આપી અને રવાના કર્યો. રાઠોડે રોય સાહેબ જોડે વાત કરી. રાઠોડ સાહેબ એવું માનતા હતા કે અમુક કામ હાયર ઓથોરિટી ને જણાવીને કરવા, કેમકે જો એ બે છોકરીઓને કંઈક થાય અથવા વધારે પોલીસ ફોર્સની જરૂર પડે તો એ સમયે કોઈ સમસ્યા ઉભી ના થાય..
રાઠોડ સાહેબ રોય સાહેબ સાથે વાત કરી રૂમમાં પાછા આવ્યા.. નિરવ અને આશુતોષ અકળાઈ રહ્યા હતા. રાઠોડ સાહેબ એમની અકળામણ સમજી શકતા હતા. પણ રોય સાહેબની પરમિશન લીધા પછી એ પુરા એકટિવ થઈ ગયા હતા. એ બોલ્યા..
' જુઓ તમે બન્ને અકળાશો નહી. કેટલીક વાત સ્પષ્ટ સમજી લો. એવું નક્કી નથી કે તમે હીરા આપી દેશો એટલે એ લોકો શું કરશે ? બીજું એ લોકો એમની ઓળખ છુપાવવા માટે તમારી સાથે કંઈ પણ કરી શકે છે. ત્રીજું જો એમના માણસો તમારા ઉપર નજર રાખતા હશે તો એમને ખબર પડી ગઈ હશે કે તમે પોલીસને મળ્યા છો. '
આશુતોષ નિરવની સામે જોઈ રહ્યો. બન્નેને રાઠોડ સાહેબની વાત સાચી લાગી. રાઠોડ સાહેબે વાત આગળ ચલાવી.
' આગળ આ વાત કેવો વળાંક લેશે એ નક્કી નથી. હું તમને ગભરાવતો નથી. પણ સાવચેતી રાખવાનું કહું છું. તમે હીરા લઈ જાવ. હજુ મેં એ પેપર પર લીધા નથી અને એ અંગે કોઈને કશું કહ્યું પણ નથી પરંતુ બન્ને છોકરીઓના અપહરણની વાત કરી છે. પણ તમને આગળ કોઈ તકલીફ પડે તો અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ એ વિચારવું પડશે. '
પટેલ ચેમ્બરમાં આવ્યા.
' પટેલ, આમની કંમ્પ્લેઇન નોંધી લો. બે છોકરીઓનું અપહરણ થયું છે. કોઈ અદાવત નથી લાગતી પરંતુ કદાચ ખંડણીમાં રૂપિયા માંગી શકે છે. '
આશુતોષ અને નિરવ આ નિષ્ઠાવાન અને દયાળુ પોલીસ ઓફિસરને જોઈ રહ્યા. પટેલે ફરિયાદ લખી લીધી. નંદિની, સોનલ, રાધા, આશુતોષ, નિરવ બધાના ફોન નમ્બર પટેલે ટોપ પ્રાયોરિટી પર સર્વેલન્સમાં રખાવ્યા...
રાઠોડ સાહેબે બે નાનકડા બોક્સ બન્ને સામે મુક્યા. એક બોક્સ ખોલીને બતાવ્યું. અંદર એક બિલકુલ નાનકડી ચીપ હતી. રાઠોડ સાહેબ આશુતોષ સામે જોઈને બોલ્યા.
' હવે પછીના ફોન લગભગ તમારા ઉપર જ આવશે. તમારો ફોન સર્વેલન્સ પર છે. એમની દરેક વાત પર હું ધ્યાન રાખીશ. તમે એમની પાસે જાઓ ત્યારે આ ચીપ તમારી સાથે સંતાડીને લઈ જજો. આના વડે અમે તમારું લોકેશન ટ્રેસ કરીશું. બન્ને ચીપ અલગ અલગ જગ્યાએ સંતાડજો. એટલે એક ચીપ પકડાશે તો બીજી ચીપના આધારે અમે તમારા સુધી પહોંચી શકીએ. '
બન્ને બોક્સ લેતાં આશુતોષ નું મન કોઈ અજ્ઞાત ભયથી થડકી ઉઠ્યું. એને રાઠોડ સાહેબની વાત સાચી લાગી. કદાચ કંઇક અજુગતું થાય તો પોલીસની મદદ તો લેવી જ પડે.
આશુતોષ: ' સર, પરંતુ જ્યાં સુધી બધું સીધું ઉતરે ત્યાં સુધી તમે કંઈ પણ ના કરતા. '
રાઠોડ: ' અમને રૂપિયા કરતાં નાગરિકોની સલામતીની વધારે ચિંતા હોય છે. તમે કોઈ પણ ચિંતા ના કરતા. '
આશુતોષ અને નિરવ બન્ને બહાર નીકળ્યા ત્યારે બન્નેના મન પર એક અજ્ઞાત ભયનો ઓથાર હતો.. હજુ એક કલાક પહેલાં બન્ને કેટલા રિલેક્સ હતા. અને અત્યારે..... અચાનક આ શું થઈ ગયું ? બન્નેને નંદિની અને સોનલની ચિંતા થતી હતી. એ બન્ને છોકરીઓની શું હાલત હશે...
*************************
નિરવની ગાડી નિરવના બંગલામાં પ્રવેશી ત્યારે આશુતોષ અને નિરવની પાછળ લાગેલા દિલાવરના માણસોએ નિરવના બંગલાની સામે આવેલા ટી સ્ટોલ આગળ બાઇક પાર્ક કરી...
(ક્રમશ:)
19 જુલાઈ 2020