પુનર્જન્મ 45
વ્હાલા વાચક મિત્રો... પાછલા હપ્તામાં એક વાચકે એક સરસ પ્રશ્ન પૂછ્યો કે સુરભિના લગ્ન થયા એ અનિકેતને ખબર ના હોય એ કેવી રીતે બને ? કેમકે અનિકેતના કાકી, અનિકેતના માસી પણ છે. એમનો સવાલ યોગ્ય હતો. એનો જવાબ અહી આપવાનું એટલે ઉચિત લાગ્યું જેથી બીજા કોઈ વાચકના મનમાં આવો પ્રશ્ન હોય તો પણ એ ક્લીયર થઈ જાય.
1 ) ઉપરોક્ત આખી વાત વૃંદા મોનિકાને કહે છે. વૃંદાને સ્નેહાની પડોશમાં રહેતી એની મિત્ર અનિતાએ આખી વાત કરી છે. એટલે વૃંદા પણ શ્યોર નથી. પણ આ એને માટે સાંભળેલી વાતો છે..
2 ) સુરભિના લગ્ન સમયે અનિકેતને આમંત્રણ ન હતું. એટલે એ સમયે અનિકેતને ખબર ન હતી કે આજે બહેન ના લગ્ન છે. આવું વૃંદાનું કહેવું છે..
3 ) અનિકેતના માનસપટ પર ભૂતકાળ આવે અને એ રીતે ભૂતકાળ વાર્તામાં લખાઇ છે. અનિકેત જેલમાં ગયો ત્યારથી એ જેલમાંથી છૂટ્યો ત્યાં સુધી બનેલી ઘટનાઓ હજુ બહાર આવવાની બાકી છે.
4 ) જેલમાંથી બહાર આવી એ પોતાની મા કે બહેન ક્યાં છે ? એ તપાસ એ ના કરે એવું બને ? ના બને. એ ચોક્કસ તપાસ કરે. પણ એ તપાસ નથી કરતો. કેમકે સત્ય શું છે એ અનિકેત જાણે છે. ફક્ત હજુ મારે એ ઘટનાઓ લખવાની બાકી છે.
આભાર...
*** *** *** *** *** *** *** ***
સુધીરની સામે સચદેવા ડિટેકટિવનો રિપોર્ટ લઈને બેઠો હતો. મોનિકાએ જે ડિટેકટિવ રોક્યો હતો એ શા માટે રોક્યો હતો એ સુધીર ને જાણવું હતું. અને એ જાણવા માટે સુધીરે ડિટેકટિવ રોક્યો હતો અને સચદેવા એ રિપોર્ટ લઈને આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે મી.રોયને મોનિકાએ ખાસ તો અનિકેતના ભૂતકાળ, એની બહેન સુરભિ અને સ્નેહા વિશે જાણવાનું કામ સોંપ્યું હતું. મતલબ સુધીર નો ડર ખોટો હતો. મોનિકાએ સુધીર વિશે કંઈ જાણવા ડિટેકટિવ રોક્યો ન હતો. સુધીરને હાશ થઈ.
*** *** *** *** *** *** *** ***
અમેરિકાના લોસ એન્જલસની ફાઈવ સ્ટાર હોટલ એડીનાના નવમા ફ્લોરની ગેલેરીમાં મોનિકા બેઠી હતી. અંધકારના ઓળા પૃથ્વી પર ઉતરી આવ્યા હતા. પણ લાઇટોની જાકમજોળ દિવસનો અહેસાસ કરાવતી હતી. દિવસ રાત વચ્ચેની ભેદરેખા અહી બહુ પાતળી થઈ જતી હતી. વૃંદા ગેલેરીમાં ઉભી ઉભી આ અજનબી શહેરની જાહોજલાલીને જોઈ રહી.. આવી વૈભવી હોટલમાં એ પહેલી વાર આવી હતી. બાજુમાં મુકેલા સર્વીસ ફોનમાં રીંગ વાગી. મોનિકાએ કોલ રિસીવ કર્યો.
" વૃંદા, ડિટેકટિવ એન્થની આવે છે. આવ અંદર. "
બન્ને ગેલેરીમાંથી અંદર ગયા અને દરવાજો નોક થયો. મોનિકા એ દરવાજો ખોલ્યો. એન્થની 5 ફૂટ 4 ઈચનો બેઠી દડીનો 42 વર્ષનો વ્યક્તિ હતો. એના ચહેરા પર ઉંમર કરતાં પરિપક્વતા વધારે લાગતી હતી. એના મ્હોમાં ચિરૂટ હતી.
" વેલકમ મી. એન્થની. આઈ એમ મોનિકા ફ્રોમ ઈંડિયા.. "
એન્થની ચહેરા પર એક સામાન્ય હાસ્ય સાથે અંદર આવ્યો. એન્થની એક ચેર પર પગ પર પગ ચડાવી બેઠો. એણે એશ ટ્રેમાં ચિરૂટ બુઝાવી દીધી અને એક પેન અને લેટર પેડ કાઢ્યું.
" મિસ મોનિકા, બોલો હું આપને શી મદદ કરી શકું છું? "
મોનિકાએ સુરભિનો ફોટો ટેબલ પર મુક્યો. સાથે એક કાગળમાં સુરભિની વિગતો હતી.
" મી. એન્થની, છેલ્લે આ છોકરી મોંટ્રિયલમાં હતી. તમારે એનું એડ્રેસ લાવવાનું છે. પણ કોઈને ખબર ના પડે એ રીતે. "
એન્થનીએ ફોટો અને કાગળ હાથમાં લીધા અને એને જોઈ રહ્યો. દરવાજો નોક થયો. વૃંદાએ દરવાજો ખોલ્યો. બેરર કોફી અને નાસ્તો લઈને આવ્યો હતો. બધું મૂકી બેરર બહાર ગયો.
" મી.એન્થની, કોફી અને નાસ્તો લો. કામ થશે. "
એન્થનીએ ફોટો અને કાગળ બેગમાં મુકયા. કોફીનો કપ હાથમાં લીધો અને બોલ્યો.
" કેનેડામાં એક ઈંડિયન અને એમાંય ગુજરાતી, જેનો ફોટોગ્રાફ હોય એને શોધવું અઘરું નથી. સિવાય કે એણે દેશ છોડી દીધો હોય. "
" તમારી ફી ? "
" ત્રણ દિવસમાં કામ થશે કે કેમ એ હું તમને કહી દઈશ. કામ કેનેડામાં છે એટલે મારે કેનેડા જવું પડશે, એટલે ફી વધારે થશે. મારી ફી એક દિવસના 3000 ડોલર છે. "
મોનિકાએ 9,000 ડોલર ટેબલ પર મુકયા.
20 દિવસ પછી મોનિકા કેનેડા જવાની હતી. કેનેડામાં પણ ચાર પ્રોગ્રામ હતા. સાથે એ સુરભિને પણ મળવા માંગતી હતી. ભારત જતા પહેલાં એ સુરભિને જાણવા માંગતી હતી.. સુરભિને સચ્ચાઈ બતાવવા માંગતી હતી.
*** *** *** *** *** *** *** ***
ચૂંટણી આડે હવે દસ દિવસ જ બાકી હતા. અજયસિંહના પ્રચારની અસર હવે દેખાવા લાગી હતી. જે ગામોમાં બળવંતરાયનો દબદબો હતો, જ્યાં લોકો એમની સામે બોલતા હજાર વાર વિચાર કરતા હતા, ત્યાં આજે અજયસિંહનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો હતો. અને આનો જવાબદાર હતો અનિકેત. બળવંતરાયને પોતાની હારનો ડર નજર સમક્ષ દેખાયો. આજે બળવંતરાયે પૂરી તૈયારી કરી લીધી હતી. બાતમી પણ પાક્કી હતી.
સવારે દસ વાગે અનિકેત, ગુમાનસિંહ અને બીજા ત્રણ જણ, એમ કુલ પાંચ જણ જીપ લઈને બહાર નીકળ્યા. ગામના પાદરે આવેલ એક પાનના ગલ્લાવાળાએ બળવંતરાયના માણસને ફોન કર્યો. બળવંતરાય ખુદ બે જીપમાં દસ માણસ સાથે હાઇવે પર હોટલ વૈશાલીના એક ટેબલ સામે બેઠો હતો. હોટલ માલિક બળવંતરાયની સરભરામાં લાગી ગયો હતો. અનિકેતના નીકળ્યાની પાંચ મિનિટ પછી બળવંતરાય બન્ને જીપ સાથે સંતરામપુર તરફ જતા રસ્તા પર વળ્યાં.
બે વાહન આરામથી જઇ શકે એટલા પહોળા રસ્તા પર અનિકેતની જીપ આરામથી જઇ રહી હતી. આ અંદરનો રોડ હતો એટલે ટ્રાફીક ખૂબ ઓછો હતો. છુટા છવાયા વાહનો મળતા હતા. એક કિલોમીટર આગળ ચાર રસ્તેથી જમણી બાજુ ગણેશપુરામાં આજે પ્રચારનો પ્રોગ્રામ હતો. અજયસિંહ જાતે આજે ત્યાં આવવાના હતા. લગભગ પોણો કિલોમીટરથી વધારે દૂર ગયા પછી અનિકેતે જોયું સામેથી બે જીપ એમની તરફ આવી રહી હતી. જાહેર રસ્તા પર આવો વાહન વ્યવહાર એ તદ્દન સાહજિક હતું.
એ જીપ બિલકુલ નજીક આવી અને સ્હેજ રોડ તરફ વળી અને આખો રસ્તો રોકી એ જીપ ઉભી થઇ ગઇ.
અનિકેતને અચાનક બ્રેક મારવી પડી. અનિકેત અને એના માણસોને આખી વાત કંઇક અજુગતી લાગી. પરંતુ એ હજુ કાંઈ વિચારે એ પહેલાં બળવંતરાય ઉતરીને અનિકેતની સામે આવ્યા અને અનિકેતને એક લાફો મારી દીધો અને એ પાછળ હટી ગયા. તરત જ બીજા નવથી દસ માણસો હાથમાં હોકી અને લાકડીઓ લઈને આવ્યા અને અનિકેત અને એના માણસો પર તૂટી પડ્યા.
રોડ ઉપર જતા લોકો દૂર ઉભા રહી તમાશો જોવા લાગ્યા હતા. એમાંથી કેટલાક લોકો મોબાઈલમાં વિડીયો શૂટ કરવા લાગ્યા હતા. બળવંતરાયનો એક માણસ ગયો અને એમને ધમકાવી આવ્યો. એ લોકો થોડા આગળ જઇ પાછા ઉભા રહ્યા અને વીડિયો ઉતારવા લાગ્યા.
પહેલો રાઉન્ડ અનિકેત માટે કલ્પના બહારનો હતો. પરંતુ તરત જ અનિકેત આખી વાત સમજી ગયો. અને એમણે પણ બરાબર સામનો કર્યો. પણ સામે પક્ષે સંખ્યા ડબલ હતી. પરંતુ અનિકેત અને ગુમાનસિંહ ડબલ તાકાતથી લડતા હતા. બળવંતરાયના માણસો ભાડૂતી હતા. જ્યારે અનિકેત અને ગુમાનસિંહની લડાઈ પોતાની હતી.
પરંતુ દસ મિનિટ પછી એક અપ્રત્યાશીત ઘટના બની. અજયસિંહ એમના પ્રોગ્રામ પ્રમાણે છ જીપ લઈ ગણેશપુરા આવવા નીકળ્યો હતો. એણે ચાર રસ્તા પર આવતાં દૂર ચાલતું આ ધીંગાણું જોયું. આ એરિયામાં કોઈ આવી ઘટના થાય તો પોતાના માણસો હોઇ શકે એ સ્વાભાવિક હતું. અજયસિંહે પોતાના સેક્રેટરી મોહનને પોતાના માણસો સાથે આ ધીંગાણા તરફ મોકલ્યા. અને એ પોતે ચાર જીપ સાથે ચાર રસ્તા પર રોકાયો. અનિકેતને જોતા જ મોહને એના માણસોને આદેશ આપ્યો. બીજી બે જીપના માણસો આ તોફાનમાં જોડાયા.
બળવંતરાયની હાલત કફોડી થઈ ગઈ હતી. બળવંતરાય બન્ને બાજુથી ઘેરાઈ ગયો હતો. બીજા માણસોએ મોરચો સંભાળી લીધો હતો. અનિકેતના જમણા ખભા પર અને હાથ પર ભયંકર દર્દ થતું હતું. પીઠમાં પણ ભયંકર વેદના થતી હતી. ત્રણ વાર માથા પર થયેલ ઘા ચુકાવવા જતા એ ઘા જમણા ખભા પર આવ્યા હતા. ગુમાનસિંહના માથામાંથી લોહી નીકળતું હતું. એ બધા હવે સાઈડમાં નીકળી ગયા હતા. અજયસિંહના બીજા માણસોએ મોરચો સંભાળી લીધો હતો.
ત્રણ માણસો બળવંતરાય ઉપર તૂટી પડ્યા હતા. બળવંતરાયના માથામાંથી લોહી નીકળતું હતું. એ લોકોએ બળવંતરાયને જીપમાંથી ખેંચી નીચે નાંખ્યા હતા. બળવંતરાયને મોત નજર સમક્ષ દેખાતું હતું. અને આ બધાનો જવાબદાર હતો અનિકેત......
(ક્રમશ:)
20 ઓક્ટોબર 2020