સામાન્ય રીતે આવો માહોલ દર વખતે જોવા મળતો નથી પરંતુ આજે કંઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો હતો. આરોપીને જોવા માટે કોર્ટમાં ભારે ભીડ જામેલી હતી અને જેટલી અંદર કોર્ટમાં ભીડ હતી તેનાથી વધારે ભીડ કોર્ટની બહાર પણ જામેલી દેખાતી હતી.
આખા શરીરે સાંકળથી બાંધીને આરોપી શંકરને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.
પચ્ચીસ વર્ષની ઉંમરે આરોપી શંકરને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
આરોપી શંકર એક ખતરનાક ચોર હતો દર બીજા દિવસે તે ચોરી કરતો હતો અને એટલી સાવધાનીથી કરતો હતો કે પોતાની પાછળ કોઈ સબૂત છોડીને જતો ન હતો તેથી ઝડપાતો પણ ન હતો.
આ વખતે તેણે શહેરના ખ્યાતનામ જ્વેલર્સ સુવર્ણકૃપામાં એક કરોડના કિંમતી હિરાની ચોરી કરી હતી.
આરતી અગ્રવાલ સુવર્ણકૃપા જ્વેલર્સમાં છેલ્લા દશ વર્ષથી નોકરી કરતી હતી.
એક કરોડોનો આ કિંમતી હિરો સૌથી છેલ્લે તેણે એક બિઝનેસમેનની પત્ની સીમા બેનને બતાવ્યો હતો અને પછી પોતાની જાતે સેફમાં મૂક્યો હતો.
ત્યાર પછી આ હિરાને કોઈએ સેફમાથી બહાર પણ કાઢ્યો ન હતો.
બરાબર પંદર દિવસ પછી આ હિરો ખરીદવા માટે એક ઘરાક આવતાં આ હિરો સેફમાંથી બહાર કાઢવા માટે આરતી ગઈ તો સેફમાં હિરો હતો જ નહીં.
ખૂબજ તપાસ કરવામાં આવી પરંતુ હિરાની કોઈજ ભાળ ન મળી.
છેવટે પોલીસ કમ્પલેઈન કરવામાં આવી અને આરતી ઉપર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો અને તેને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવી.
આરતીના ભાઈ વિપુલને પોતાની બહેન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે તે કદી પણ આ રીતે ચોરી કરે નહિ તેણે આરતીનો કેસ જાસૂસને સોંપ્યો.
જાસૂસ રાજુ અને તેની ટીમે પોતાની કુનેહપૂર્વકની આવડતથી ચોર શંકરને પકડી પાડયો હતો અને શંકરે આ પહેલાં કરેલી બધી જ ચોરીઓની કબૂલાત પણ કરી લીધી હતી.
આમ, આરતી નિર્દોષ સાબિત થઈ હતી અને શંકરને તેનાં તમામ ગૂનાઓની કબૂલાતને કારણે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
ફાંસીની સજા આપવામાં આવતાં પહેલાં આરોપીને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે.
આરોપી શંકરને પણ તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવતાં તેણે પોતાની માં ને છેલ્લીવાર મળવાની ઈચ્છા બતાવી.
આરોપી શંકરની માં ગંગાને કોર્ટમાં હાજર કરવામાં આવી.
શંકરે પોતાની માંને જણાવ્યું કે, "હું આજે ફાંસીને માંચડે તારે કારણે લટકી રહ્યો છું."
તેની માં ગંગાને, આ વાત સાંભળીને નવાઈ લાગી અને તેણે પોતાના દિકરાને કહ્યું કે, "મારી પરવરિશમાં એવી શું ખામી કે ખોટ રહી ગઈ કે તારે ચોર બનવું પડ્યું ?"
ત્યારે શંકરે જવાબ આપ્યો કે," હું જ્યારે નાનો હતો અને તે મને શાળામાં ભણવા માટે મૂક્યો હતો ત્યારે હું દરરોજ મારા ક્લાસના બીજા વિદ્યાર્થીઓની મને ગમતી એક એક વસ્તુ ચોરી કરીને ઘરે લાવતો હતો ત્યારે એ જ વસ્તુ તું ખુશ થઈને ઘરમાં મૂકતી હતી, મારી એ ચોરી માટે તે મને એ વખતે જ લાફો માર્યો હોત અને એ વસ્તુ જેની હતી તેને પાછી સોંપતાં શીખવ્યું હોત તો હું આજે આટલો મોટો ચોર ન બન્યો હોત અને મારે ફાંસીએ લટકવાનો વારો ન આવ્યો હોત "
શંકરની આ વાત ત્યાં હાજર દરેકને સાચી લાગી અને તેની માં ગંગાને પણ સાચી લાગી અને તેણે કોર્ટ સમક્ષ પોતાની ભૂલની કબૂલાત કરી તેમજ તેને પોતાની હરકત ઉપર ખૂબજ પસ્તાવો પણ થયો અને પોતાનો દિકરો ગુમાવ્યાનું પારાવાર દુઃખ પણ થયું પરંતુ હવે જે થઈ ગયું તેને કોઈ બદલી શકે તેમ ન હતું.
અને શંકરને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવી.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/6/2021