પ્રાયશ્ચિત પ્રકરણ -31
કેતન ઘરે પહોંચ્યો ત્યારે રાતના સવા અગિયાર વાગી ગયા હતા. એ આવીને તરત જ એ.સી. ચાલુ કરીને સુઈ ગયો કારણ કે રોજ સવારે એ સાડા પાંચ વાગે ઊઠી જતો હતો. ઊઠીને રોજ એક કલાક એ યોગા અને મેડીટેશન કરતો હતો. સ્વામીજીએ ખાસ એને રોજ ધ્યાનમાં બેસવાની સલાહ આપી હતી !! એ પછી એ થોડું જોગીંગ કરવા જતો હતો.
એ બધો સવારનો રૂટિન કાર્યક્રમ પતાવી એણે નાહી લીધું. રોજ સવારે એ જાતે જ ચા બનાવી લેતો. ચા બની જાય એટલે ચા પીતાં પીતાં જ ન્યુઝપેપર વાંચવાની એને ટેવ હતી.
છાપું વાંચતાં વાંચતાં અચાનક એની નજર એક જાહેરાત ઉપર પડી. કોઇ આકસ્મિક કારણોસર એક હોસ્પિટલ વેચવાની હતી. એણે આખી જાહેરાત બે થી ત્રણ વાર વાંચી લીધી. કંઈક શરૂઆત કરવા માટે આ એક સરસ તક કુદરત આપી રહી હતી. હોસ્પિટલ ૫૦ બેડની હતી. પાછી મલ્ટીસ્પેશ્યાલીટી હતી એટલે તમામ પ્રકારની સારવાર અહીં થતી.
એણે જયેશ ઝવેરીને ફોન કરવાનો વિચાર કર્યો પણ હજુ સવારના આઠ વાગ્યા હતા એટલે કલાક પછી વાત કરવાનું વિચાર્યું.
બરાબર એ જ સમયે ચંપાબેન ઘરકામ માટે આવી ગયાં. ચાનાં બધાં વાસણ એમણે ધોઈ નાખ્યાં અને પછી આખા મકાનમાં કચરો વાળીને પોતું કર્યું. એ કામ પત્યું એટલે કપડાં ધોવાનું ચાલુ કર્યું.
કેતનને ચંપાબેનનું કામ બહુ જ ગમી ગયેલું કારણકે એ ખૂબ જ ચીવટપૂર્વક સાફસૂફી કરતાં.
સાડા નવ વાગે બધું જ કામ પતાવી ચંપાબેન ગયાં પછી કેતને જયેશ ઝવેરીને ફોન કર્યો.
" જયેશભાઈ તમને ટાઈમ હોય તો એકાદ કલાકમાં ઘરે આવી જજો ને ? "
" જી સાહેબ ... અડધી કલાકમાં જ આવી જઈશ. " જયેશ બોલ્યો.
લગભગ ચાલીસેક મિનિટ પછી જયેશ ઝવેરી કેતનના ઘરે આવી ગયો.
" જયેશભાઈ આ જાહેરાત વાંચી લો. તૈયાર હોસ્પિટલ વેચવાની છે. આપણે આ મોકો જવા દેવાનો નથી. ૩૦૦ બેડની લાલપુર રોડ ઉપર હોસ્પિટલ બનાવવાની મારી યોજના મેં પડતી મૂકી છે અને નાણાવટી સાહેબને પણ કહી દીધું છે. આપણે એના બદલે બીજા પ્રોજેક્ટ કરીએ છીએ." કેતન બોલ્યો.
" પરંતુ જો આ હોસ્પિટલ મળી જતી હોય તો ગરીબ દર્દીઓની સેવા આપણે કરી શકીએ. ટ્રસ્ટ તો તૈયાર જ છે એટલે તમે આ હોસ્પિટલના સંચાલકનો સંપર્ક તાત્કાલિક કરો. અને મને બધો ફીડબેક આપો. આપણે એ ટેક ઓવર કરવી જ છે. "
" અને બીજી એક વાત. અહીંની જે જે મોટી હોસ્પિટલો છે એમાં દાખલ થતા પેશન્ટોનાં સગાવ્હાલાને આપણે ટિફિન સેવા પહોંચાડી શકીએ એના માટે એક નાનો હોલ આપણે ભાડે રાખવો પડશે. જેથી ત્યાં જરૂરિયાતમંદ બહેનો આવીને રસોઈ કરી શકે. અને તેમને મહેનતાણું પણ મળે. એટલે સૌથી પહેલા તમે કોઈ હોલ શોધી કાઢો એ પછી ટિફિન સેવા માટે આપણે વિચારીશું. "
" જી શેઠ આજથી જ કામે લાગું છું. " કહીને જયેશ ઝવેરી ઉભો થયો.
સાંજે ચારેક વાગે જયેશ ઝવેરીનો ફોન કેતન ઉપર આવ્યો.
" સાહેબ હોસ્પિટલમાં જઈને બધી તપાસ કરી લીધી છે. એકદમ ચાલુ હોસ્પિટલ છે. મકાન થોડું જૂનું છે એટલે રીનોવેશન કરાવવું પડે. તુલસીદાસ બદીયાણી આ હોસ્પિટલના સંચાલક છે. એમનું પ્રાઇવેટ ફેમિલી ટ્રસ્ટ છે અને ટ્રસ્ટના બેનર હેઠળ હોસ્પિટલ ચાલે છે. તમામ સાધનો ઉપલબ્ધ છે. સ્વતંત્ર પ્લોટમાં ત્રણ માળની હોસ્પિટલ છે. પાર્કિંગની પણ પૂરી સુવિધા છે. પટેલ કોલોનીથી બહુ દૂર પણ નથી. વિકાસ ગૃહ રોડ ઉપર જ આ હોસ્પિટલ છે." જયેશ બોલ્યો.
" પાર્ટી શું કહે છે ? ક્યાં સુધી આપવા માગે છે ? "
" પાર્ટી એ મને દસ કરોડની વાત કરી. એ લોકોનું ફેમિલી અમેરિકા સેટ થઈ રહ્યું છે એટલે આ ચાલુ હોસ્પિટલ કોઈ સારી પાર્ટીને વેચી દેવા માંગે છે. હું માનું છું ત્યાં સુધી નવ કરોડ સુધી પતી જાય એમ છે. ૧૦ નર્સ, ૫ વોર્ડ બોય, ૪ સ્વીપર, ૨ રેસિડેન્ટ ડોક્ટરનો સ્ટાફ છે. બાકીના પાંચ વીઝીટીંગ ડોક્ટર્સ છે. "
" હા એટલે આપણે કંઈ કરવાનું રહેતું જ નથી. એકદમ રેડી હોસ્પિટલ છે. તમે નેગોશીએશન ચાલુ કરી દો. ફાઇનલ મીટીંગ વખતે હું આવીશ. " કેતન બોલ્યો.
સાંજના પાંચેક વાગે મનસુખ માલવિયા બાઇક લઇને આવ્યો. એની સાથે એની જ શેરીમાં રહેતા દામજીભાઈ ચૌહાણ પણ હતા.
" સાહેબ આ ગુલાબજાંબુનું પૅકેટ ખાસ જૈન વિજય માંથી તમારા માટે લાવ્યો છું. તમે મારા માટે જે પણ કંઈ કર્યું છે એના માટે મારી પાસે કોઇ શબ્દો જ નથી. હું બહુ નાનો માણસ છું. કઈ રીતે આભાર માનું એ મને આવડતું નથી.
" આજે ભૂપતસિંહ પોતે બપોરે બે વાગ્યે મારા ઘરે આવીને મારા ઘરનો દસ્તાવેજ અને લખાણ પાછો આપી ગયો છે. જે પણ પૈસા આજ સુધીમાં મેં આપ્યા એમાં મૂડી અને વ્યાજ બધું આવી ગયું એમ એણે મને કહ્યું. હવે મારે એને એક પણ રૂપિયો આપવાનો નથી. ઉપરથી એણે બે હાથ જોડી મારી અને મારાં પત્નીની માફી માગી સાહેબ. મને તો બધું સપના જેવું લાગતું હતું. "
" મારા જેવા એક અજાણ્યા માણસ ઉપર તમે આટલી બધી દયા કરી સાહેબ ? " કહીને દામજીભાઈએ ઘૂંટણિયે બેસીને કેતન ના પગ પકડી લીધા.
" અરે અરે વડીલ. તમારાથી આ રીતે મારા પગે ના પડાય. ભગવાનને તમે પગે લાગો. તમે સાચા અને પ્રામાણિક માણસ હતા તો ઈશ્વરે તમને મદદ કરી ! મારાથી જે થઈ શકતું હતું તે મેં કર્યું. " કેતને એમને બે હાથ પકડી ઊભા કર્યા.
" ના સાહેબ. તમે તો મારા માટે ભગવાન છો. ભૂપતસિંહને તમે ઓળખતા નથી. એના જેવો માણસ આવો ગરીબ ગાય થઈ જાય એ કોઈ નાની વાત નથી સાહેબ. "
કેતન સમજી ગયો કે આશિષ અંકલે બરાબરનો ચમત્કાર બતાવી દીધો હશે. નહીં તો કાલે જે દાદાગીરીથી એ માણસ વાત કરતો હતો એ આમ બાકીની રકમ ભૂલી જાય અને દસ્તાવેજ પણ પાછો આપી આવે એ શક્ય જ નથી !!
ચાલો જે થયું તે સારું થયું. પોતે નિમિત્ત બન્યો એનો જ એને આનંદ હતો.
કેતને પેકેટ તોડીને એક ગુલાબજાંબુ ચાખી લીધું. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ હતું. એણે પેકેટ બંધ કરીને દામજીભાઈ ને પાછું આપ્યું.
" દામજીભાઈ આ પેકેટ તમારા ઘરે લઈ જાઓ અને મીઠાઈ તમારા ઘરમાં જ વહેંચો. જે પણ બન્યું છે એના આનંદમાં તમારા પરિવારને પણ ભાગીદાર બનાવો. કોઈપણ તકલીફ હોય તો અડધી રાત્રે પણ આવી શકો છો."
અને ફરી બે હાથ જોડીને દામજીભાઈ મનસુખ માલવિયા સાથે રવાના થયા.
એ જ દિવસે રાત્રે આઠ વાગે ચાવડા નો ફોન પણ આવી ગયો.
" સર તમારાં પગલાં મારા માટે તો બહુ જ શુકનિયાળ સાબિત થયાં છે. "
" કેમ શું થયું ? " કેતને પૂછ્યું. જો કે એ સમજી તો ગયો જ હતો કે ભૂપતસિંહના બે ગુંડાઓ ને છોડવા માટે ચાવડાને ધનલાભ તો થયો જ હશે.
" સર.. તમે પકડાવેલા બે ફોલ્ડરિયાઓ ને છોડાવવા માટે ભૂપતસિંહ સવારે નવ વાગે પોલીસ સ્ટેશન આવ્યો હતો. આજે તો બહુ જ નરમાશથી વાત કરતો હતો. મને તમારા વિશે પૂછતો હતો પણ મેં કહ્યું કે એ તો બહુ મોટા સાહેબ છે. "
" મને કહે કે તમે એમને રિક્વેસ્ટ કરો કે મારે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ પાસે જવું ના પડે. પરંતુ મેં કીધું કે તમારા આ બે માણસોને છોડવા એ મારા હાથમાં છે. બાકી સાહેબે તમને મળવાનું કહ્યું છે તો એમાં હું માથું ન મારી શકું. તમારે જવું તો પડશે જ. સાહેબ કાલે બહુ જ ગુસ્સામાં હતા. બિચારો ઢીલો પડી ગયો. બેઉ જણ ને છોડવા માટે મેં લાખ રૂપિયા ની વાત કરી હતી પણ છેવટે પિંચોતેર હજારમાં સોદો થયો. " ચાવડા બોલ્યો.
" બસ તો પચાસ હાજર તમે રાખો. બાકીના પચીસ તમે કાલે દામજીભાઈ ના ઘરે જ પહોંચાડી દો. બિચારો ગરીબ માણસ છે અને કાલે બહુ જ ગાળો ખાધી છે. " કેતન બોલ્યો.
" જી સર. બીજી કોઈ સેવા હોય તો કહેજો. "
" હા ચોક્કસ કહીશ. " કહીને કેતને ફોન કટ કર્યો.
જમવાનું તૈયાર થઈ ગયું હતું એટલે કેતને જમી લીધું. આજે દક્ષાબેને મુઠીયાં બનાવ્યાં હતાં. સાથે ચા હતી.
આજનાં મુઠીયાં ખાધા પછી કેતનને લાગ્યું કે ખરેખર દક્ષામાસી પાસે રસોઈની જાદુઈ કળા હતી. એણે એની જિંદગીમાં આટલાં ટેસ્ટી અને આટલાં સોફ્ટ મુઠીયાં ક્યારેય પણ ખાધાં ન હતાં.
" માસી તમે આટલાં સરસ મુઠીયાં કઈ રીતે બનાવો છો ? મને પણ થોડું થોડું શીખવાડો ને !! "
" સાહેબ તમે શીખીને શું કરશો ? તમારાં લગન થાય એટલે બેનને હું બધું શીખવાડીશ. "
" હા એ તો તમારે શીખવવું જ પડશે. પણ આમાં તમે શું નાખ્યું છે ? "
" કંઈ નહીં સાહેબ ! થોડી દુધી અને થોડી કોબીજને છીણી લેવાની. ચણાનું ભરડું અને સોજીનો લોટ મિક્સ કરી દેવાનો . મીઠું મરચું અજમો વગેરે મસાલા નાખીને ખાટા દહીંમાં લોટ બાંધી દેવાનો. થોડીક ખાંડ ઉમેરો. થોડા તલ નાખવાના. થોડોક ફુદીનો અને થોડીક કોથમીર. ચપટી ખાવાનો સોડા જેથી મૂઠિયાં પોચાં થાય." દક્ષાબેન બોલી ગયાં.
" આટલું બધું તો ક્યાંથી યાદ રહે માસી ? જે હોય તે પણ આ તમારી પોતાની માસ્ટરી છે. મારે ખાલી જાણવું હતું કે આટલાં બધાં ટેસ્ટફૂલ મુઠીયાં તમે કેવી રીતે બનાવો છો ! "
જમી લીધા પછી થોડું ચક્કર મારવા માટે કેતન બહાર નીકળ્યો. ચાલતો ચાલતો મેઇન રોડ ઉપર આવ્યો. અષાઢ મહિનો શરૂ થઈ ગયો હતો. આકાશ વાદળછાયું હતું. ઉકળાટ ભરેલું વાતાવરણ જોતાં આજે રાત્રે વરસાદ પડવો જોઇએ એવું એને લાગ્યું. મેઇન રોડ ઉપર લગભગ અડધો કિલોમીટર સુધી ચાલ્યો. એ ત્યાંથી પાછો વળતો હતો ત્યાં જ એણે એક્ટીવા પર નીતાને આવતી જોઈ.
નીતાએ પણ એને જોઈ લીધો હતો. એણે એક્ટિવાને બ્રેક મારી.
" શું વાત છે સાહેબ.. આજે ચાલતા ચાલતા ? "
" બસ એમ જ ... જમ્યા પછી આજે વોક કરવાની ઈચ્છા થઈ. ચાલવાની પ્રેક્ટિસ હવે છૂટી ગઈ છે. બાકી અમેરિકા હતો ત્યારે તો રેગ્યુલર ચાલવા જતો. સવારે થોડું જોગીંગ કરી લઉં છું. "
" તમને વહેલી સવારે બહાર જતા જોઉં છું ત્યારે તમારી સાથે જોગીંગ કરવાની મને પણ બહુ ઈચ્છા થાય છે પણ અમારું જામનગર તમારા અમેરિકા કે સુરત જેવું નથી સર. અહીં તો બહાર આપણને કોઈ સાથે જોઈ જાય તો પણ બીજા દિવસે વાતો ચાલુ થઈ જાય. પેલા નરેશભાઈ જેવા તો આવી તક છોડે જ નહીં. "
" એટલે તમારી ઈજ્જત ખાતર હું બહુ સંયમ રાખું છું. બાકી હું તો કોઈની પરવા કરતી જ નથી. મને તમારા ઘરે આવીને ઘણી બધી વાતો તમારી સાથે શેર કરવાનું બહુ મન થાય છે. મને સમજી શકે એવી મારે લાયક કોઈ વ્યક્તિ જ નથી અહીંયા. "
" તારે ક્યારેક કોઈ અગત્યની ચર્ચા કરવી હોય કે કોઈ સલાહ લેવી હોય તો તું મારા ઘરે આવી શકે છે. હું કોઈનાથી ડરતો નથી નીતા. "
" તમારી વાત સાચી છે સાહેબ પણ તમે અહીં નવા નવા છો. તમે લોકોને ઓળખતા નથી. તમારી ઈર્ષા કરનારા પણ અહીં છે. પણ તમારો ડર એટલો બધો છે કે કોઈ હિંમત કરી શકતું નથી. પણ જો તમારા ઘરે આવવાનું ચાલુ કરું તો લોકો વાતો કર્યા વગર ના રહે. ભલે તમારી સામે ના બોલે. "
" તમારો મારા ઉપર એટલો બધો ઉપકાર છે સાહેબ કે તમારી સામે કોઈ આંગળી ચીંધે એવું હું ક્યારે પણ નહીં કરું ! બાકી મારું ચાલે તો ૨૪ કલાક તમને મારી નજરથી ખસવા જ ના દઉં. પરંતુ અમે નાનાં માણસો છીએ. તમારી સામે મારી કોઈ જ હેસિયત નથી એટલે મનને મારવું પડે છે. બાકી તમારા માટે મારા મનમાં કેવી લાગણી છે એ તો માત્ર હું જ જાણું છું સર " કહીને નીતાએ એક્ટીવા સ્ટાર્ટ કરીને એક્સીલરેટર આપ્યું. નીતા વિદાય થઈ ગઈ અને કેતન એને જોતો જ રહી ગયો.
કેતન નીતાની વાતો સાંભળીને થોડો બેચેન બની ગયો. નીતાએ એને આજે મોઘમમાં ઘણું કહી દીધું. એને નીતા પહેલેથી જ ગમતી હતી. ખૂબ જ સ્માર્ટ અને દેખાવડી હતી. જો જાનકી એના જીવનમાં ના આવી હોત તો નીતા એની પહેલી પસંદગી હોત !!
' ના... હવે જાનકી સાથે મારાં લગ્ન થવાનાં છે. મારે મારા ચંચળ મનને કાબુમાં લેવુ જ પડશે.' - કેતન વિચારી રહ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)