ફોનની
ઘંટડી વાગી. અંતરાએ ફોન ઉપાડ્યો...
“હેલો,
હા મમ્મી, જય શ્રી કૃષ્ણ...કેમ છે તું? કેમ છે ઘરે બધા?”
“જય
શ્રી કૃષ્ણ બેટા, અમે બધા મજામાં છીએ. બહુ દિવસથી તારો ફોન નથી એટલે મેં કહ્યું
કે લાવ, તારા ખબર પૂછી લઉં.”
“સાંભળ,
ચારુ અને ટીનુ ઘરે આવી ગયાં છે. ચિરાગ ચારુની મમ્મીના ઘરે જઈને બંનેને લઇ
આવ્યો. બંને હમણાં તો શાંત છે. ચિરાગના અટકેલા પૈસા થોડા થોડા પાછા આવી રહ્યા
છે. એટલે તે પણ થોડો ખુશ રહે છે.” હેમલતા બેન એકીસાથે જ બધું બોલી ગયાં.
અંતરાને
વચ્ચે કંઈ બોલવાનો મોકો જ ન મળ્યો, પણ મમ્મીની વાતો સાંભળીને અંતરાના મોઢા પર
ખુશીની લહેર ફરી વળી. ચાલો, કંઇક તો સારા સમાચાર મળ્યા.
“ઘરે
બધા કેમ છે? પર્લ, વિનીત કુમાર? તારા સાસુને મારા જય શ્રી કૃષ્ણ કહેજે.” હેમલતા
બેન બોલ્યાં.
“મમ્મી,
બધા જ મજામાં છે.” એક સેકન્ડ માટે અંતરાને થયું કે પર્લ વિશે તે મમ્મીને કહે, પણ
બીજી જ મિનિટે વિચાર માંડી વાળ્યો.. 'ના, ના... મમ્મી ઓલરેડી ટેન્શનમાં છે. તેનું ટેન્શન વધારવું નથી.’
“હવે
કયારે આવે છે તું? આંટો મારજે પાછી...”
“હા,
મમ્મી, આવીશ ટાઈમ કાઢીને.”
“ભલે,
ચાલ આવજે... જય શ્રી કૃષ્ણ.” કહીને હેમલતાબેને ફોન મૂકી દીધો.
અંતરા મમ્મી
સાથે વાત કરીને ખૂબ જ હળવી થઇ ગઇ. સમય સૌથી બળવાન છે. દરેક કામ તેના નિર્ધારિત
સમય પર જ થતું હોય છે. પર્લનું જીવન પણ બદલાઇ જશે. તેના જીવનમાં આવેલું આ તોફાન
પણ શમી જશે. પર્લને સમજાવવા માટે કોઈ તક મળે તો તેને તરત જ ઝડપી લેવી, એવા આશયથી
અંતરા એ તકની રાહ જોઈ રહી હતી.
ઓપનહાઉસ
થયું તેને ચાર પાંચ દિવસ વીતી ગયા હતા. હવે પર્લ થોડી ઠીક લાગતી હતી એટલે અંતરાને
થયું કે હવે મોકો જોઇને પર્લ સાથે શ્વેતા દલાલને મળવાની વાત કરવી જોઇએ..
“પર્લ,
આ વખતે હું તારા ઓપન હાઉસમાં ગઇ હતી ત્યારે દાદરા ચડતી વખતે મેં સેકન્ડ ફ્લોર પર
એક કેબિન જોઇ.. ત્યાં કોણ બેસે છે?”
“એ
શ્વેતા દલાલ છે. હમણાં નવા અપોઈન્ટ થયાં છે, સ્કુલ માટે, તે સાયકોલોજિસ્ટ છે.”
અંતરાને શ્વેતા મેડમ વિશે ખબર હતી!
“અચ્છા,
હું જયારે નીચે ઉતરતી હતી ત્યારે બે- ત્રણ પેરેન્ટસ પોતાનાં બાળકોને લઈને તેમની
કેબિનની બહાર ઉભા હતા.” અંતરાએ વાતને આગળ વધારવાની કોશિશ કરી...
“અમારા
ક્લાસમાં નીલ કટુડિયા કરીને છોકરો છે. એ બહુ જ તોફાની છે. એને ગુસ્સો પણ બહુ જ આવે
છે. ઘણીવાર તેણે ગુસ્સામાં ઘણાં છોકરાઓને નુકસાન પહોંચાડ્યું છે.. આવા છોકરાઓને
શ્વેતા મિસ ઘણીવાર પોતાની કેબિનમાં બોલાવતી હોય છે.” પર્લે શ્વેતા મિસના કામ વિશે
મમ્મીને થોડું વિસ્તારથી કહ્યું.
“અચ્છા,
પર્લ... આપણે આ મિસને એક વખત મળીએ તો?” અંતરાએ મમરો મૂકી દીધો.
“શેના
માટે??” પર્લે અચંબિત થઈને પૂછ્યું.
“એમ
જ...આ છોકરાઓ તને ચિડવે છે ને એ માટે...”
“તો
એમાં શ્વેતા મિસ શું કરશે? એ તો કોઈ છોકરવને સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય તો એમને
મળે છે. મને નથી મળવું તેમને...” પર્લે ધડ કરતી ના પાડી દીધી. પર્લે એટલી
મક્કમતાથી જવાબ આપ્યો હતો કે અંતરાને બીજી વાર કંઈ પૂછવાની હિંમત જ ન થઇ!!
***. **. ***
ઘરમાં
આજે ચારે બાજુ ખૂબ જ ચહેલપહેલ હતી. હોલના પડદાથી માંડીને સોફાના કવર... બધું જ
બદલવામાં આવ્યુ હતું. માલિની બેને હોલમાં જ બેડરૂમ જેવી વ્યવસ્થા કરી લીધી હતી.
“અંતરા,
ખમણ ઢોકળા પર કોપરું કોથમીર છાંટીને લીલાં મરચાંનો વઘાર કર્યો છે ને? શાક- દાળ એક
વાર ચાખી જો... મસાલો બરાબર છે ને? નહિ તો આવતાં વેત જ શાલુની રાડારાડ ચાલુ થઇ
જશે... અને એકવાર એ બોલવાનું શરૂ કરશે ને તો મને બોલવાનો મોકો જ નહિ આપે.” માલિની
બેને ચિંતાનો સૂર આલાપવાનું ચાલુ જ રાખ્યું.
“મમ્મી,
આ તમે પાંચમી વાર કહી રહ્યાં છો... તમે જરાય ચિંતા ન કરો... મેં ખમણ ઢોકળા પર
કોપરું- કોથમીર છાંટીને લીલા મરચાનો વઘાર કરી દીધો છે અને દાળ- શાક મેં ચાખી લીધાં
છે... એકદમ માસીને ભાવે એવા જ ટેસ્ટી બન્યાં છે.”
આજે
સાત વર્ષે માલિની બેનની અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં રહેતી નાની બહેન શાલિની ઉર્ફ
શાલુ મુંબઈ આવી રહી હતી.. આમ તો એની
જેઠાણીનું ઘર વિલે પાર્લેમાં છે, પણ પોતાની કંફર્ટ લેવલ જળવાઈ રહે તે માટે મોટા
ભાગે શાલુ મોટી બેન માલિની ને ત્યાં જ ઉતરે. જોકે, અમેરિકાથી આવે તોય સૂવે હોલના સોફા પર જ. કોઈને હેરાન ન કરે... શાલિની બેન પરણીને પતિ દિલીપ સાથે ન્યુ યોર્ક ગયા ત્યારથી જ જોબ કરતાં હતાં. ધીરે
ધીરે બંનેએ જોબ છોડીને પોતાનો ગિફ્ટ સ્ટોર સ્ટેશન પાસે જ ખોલ્યો.. હવે તો એ સ્ટોર
ધમધોકાર ચાલે છે, જોકે, શાલુની મહેનત, આગવી સૂઝ, ચપળ નજર
અને તેજ નિર્ણયશક્તિને કારણે તેમનો સ્ટોર ધમધોકાર ચાલવા માંડ્યો.
શાલિની
દિલની ઉદાર અને દિલીપ સ્વભાવે થોડા ચીકણા. આ ભેદને લીધે તેમના વચ્ચે લગભગ નાના
મોટા યુદ્ધ થયાં કરે. જોકે બોલવામાં મોફટ શાલિની બેન એટલા જ લાગણીશીલ. ખાવાના ખૂબ
જ શોખીન, પણ જોઇએ બધું વ્યવસ્થિત... જરા પણ ઓગણીસ- વીસ હોય તો આખું ઘર માથે લઈ લે.
સ્વભાવિક છે કે માલિની બેનને શાલુના આવવાના માત્ર સમાચાર મળ્યા તો ટેન્શન થઇ
ગયું.
વિનીત
માસીને લેવા એરપોર્ટ ગયો હતો. રાત્રે સાડા દસ વાગ્યાની ફ્લાઇટ હતી, પણ ફ્લાઇટ
અડધો કલાક મોડી હતી.. ત્યારબાદ લગેજ બહાર આવવામાં અને ઘરે પહોંચવામાં ઘણું મોડું
થઈ ગયું હતું.
રાતના
એક વાગ્યો હતો..વિનીતનો ફોન આવ્યો ત્યારે તેઓ મલાડ પહોંચી ગયા હતા એટલે હવે ગમે
ત્યારે ઘરની બેલ વાગશે.. ની તૈયારી સાથે માલિની બેન, માધવ દાસ અને અંતરા અહીંથી
ત્યાં દોડી રહ્યાં હતાં.
ડોરબેલ
વાગી એટલે માલિની બેન દોડતાં દરવાજો ખોલવા ગયાં. સામે પિંક કલરના ટોપ, બ્લ્યુ જીન્સ
અને બ્લેક ઓવરકોટમાં શાલુ ઉભી હતી..
“હેય
માલિની... કેમ છે? બુઢ્ઢી લાગે છે તું તો! વાળને કલર નથી કરતી?” માલિનીના સફેદ વાળ
અને સાદા અંબોળા સામે જોઈને શાલુ બોલી.
“પહેલાં
જય શ્રી કૃષ્ણ તો બોલ... તું અમેરિકા રહે છે, હું નહિ...” શાલુના બર્ગંડી કલર કરેલા
વાળને હાથથી લહેરાવતાં માલિની બેન બોલ્યાં...
“આવા
કલર મને ન શોભે... અમે તો સીધા સાદા જ ભલા... કોટનનો સાડલો, સાદો અંબોળો...કોઇ દિવસ
પાઉડર પણ નથી લગાડયો મોઢા પર...”
બંને
બહેનો એકબીજાને ભેટી... બેઉની મીઠી નજર મળી ત્યાં તો વિનીત શાલુની બે મોટી બેગ લઈને
લીફ્ટમાંથી બહાર નીકળ્યો. માસીને હજી દરવાજામાં જ ઉભેલી જોઇને વિનીત બોલ્યો...
“અરે
શાલુ માસી, અંદર ચાલ... અહિયાં જ ઉભી રહીને વાતો કરતી રહીશ?”
ક્રમશઃ