કવિતા સંગ્રહ
" શણગાર "
સૂરજ આથમવા ની શરૂઆત થઈ ,
પંખીઓ માળામાં પાછા ફરવા લાગ્યા
નિશા ની કાળી ચાદર બધે પથરાઈ ,
ચંદ્રના આવરણો ઉતરવા લાગ્યા
શરદની ઠંડી ઠંડી આહટ અનુભવાઈ ,
રાત રાણી ની મહેક પ્રસરવા લાગી
શ્વાસ માં વાતા વાયરાના અણુ સ્પર્શ્યા,
મંદિરોના ઘંટારવ નો ધ્વનિ સંભળાયો
" અદભુત "
અર્થોનું ઝરણું અસ્ખલિત છટાથી વહેતું
જણાવે ગાથા નિર્માણની અત્યંત અદભુત
સૃષ્ટિ ના સર્જક માં દૈદીપ્યમાન ભાસતા
રંગો ના કેનવાસ માં ક્યાં કોઈ કચાશ છે
નવજાત શિશુના અરણ્ય રુદને કાલીઘેલી
વાણીથી પરમને ક્યાં ખૂટે લગીરે મીઠાશ છે
પરસ્પર ના સંવાદો નિર્ભેળ કદાચિત શોધે
ઝાકળ વિના લાગણીને આ કેવી ભીનાશ છે
વિશ્વથી સૈકડો દૂર અવકાશે ઉત્સવ અસ્તિત્વનો
સમયથી અજાણ ' અલિપ્ત ' કેવી મોકળાશ છે .
અરજી
જાણું છું બધે જ છે જગત નો તાત
બસ સાંભળ હવે મારી થોડી વાત
ભૂલકાઓને હાલ આપ મુઠી ભાત
ધુત્કર્યો છે તારા આ અમીરો એ
ઘણી ખાધી તવંગરો ની લાત
અલ્લાહ , ભગવાન કે જીસસ
કયો છે ધર્મ ને ના પૂછ કઈ નાત
અંગ ઢંકાય ને લગીરે ન ઠુંઠવાઈ
નથી જોઇતી વસ્ત્રોની જોડી સાત
કાદવ ખરડાયેલો પણ પ્રેમાળ સ્મિત
ટાંચા સાધનોથી ભાગ્યને આપે માત
તૂટે છે એ રોજ થોડા ફદીયા સારુ
ભૂખ્યા પેટે સૂતો કાઢે ચંદ્ર વિનાની રાત
માંગે એની અધૂરી ઈચ્છાઓ એની ઘણી
' અલિપ્ત ' કહે કર પ્રચંડ ઉલ્કાપાત
પ્રેમ વિશે કોઈ કબૂલાત
નથી જોઇતી મારે
બસ તમારા મુખમંડલે ખુશીની
રજૂઆત થાય તોય ઘણું
શબ્દોનો કોઇ પ્રચંડ ઉલ્કાપાત
નથી જોઈતો મારે
બસ તમારી સાથે થોડી ઘણી
મીઠી વાત થાય તોય ઘણું
રોજબરોજ તમારી મુલાકાત
નથી જોઇતી મારે
બસ તમારા સ્વપ્ને થોડી
નિરાંત થાય તોય ઘણું
તમારી સાથે ભીંજાવા મેઘલી રાત
નથી જોઇતી મારે
લાગણીઓ ના વહેણ માં તણાવાની
શરૂઆત થાય તોય ઘણું
હશે
શબ્દ રૂપી ઝાકળ માં વરસવું
એના પ્રેમ માં હશે
મારા વિચારો ના સમુદ્ર માં અટવાવું
એની યાદો માં હશે
મારી વિશે ની કુણી લાગણીઓ
એની સંવેદનો માં હશે
એનું અજાણતાં જ મને મળવું
એની કલ્પનાઓ માં હશે
એના પ્રત્યે પ્રત્યે મારું આકર્ષણ
એની લાક્ષણિકતા માં હશે
ગમે છે
વિચારો ના વમળો માં અટકવું ગમે છે ,
કલ્પનાઓ ના આકાશમાં વિહરવું ગમે છે .
બસ એના જ ખ્યાલો માં ભટકવું ગમે છે ,
કોઇ જ કારણ વિના અમસ્તું મલકવુ ગમે છે .
અસ્તિત્વ રહિત ઝાંઝવા ના જળ માં ગરકવું ગમે છે ,
વિચારો તો એક બહાનું છે ' અલિપ્ત '
મન ને તો હકીકત થી છટકવું ગમે છે .
ચમકારો
ચતુર્ભુજ અટારી એ બેઠો
અત્તર ના ઝીણાં છાંટા ઉડાડે
મૃત્યુલોક માં વિહરતો બેપગો
લાચાર ને નિસહાય ભાસે
વાસના ના આવેગ અનુસરતો
નૈતિકતા ને નેવે મૂકી ભાન ભૂલે
અતિરેક આવેગ નો ધસમસતો
ક્ષણાર્ધ અંતે પશ્ચાતાપ પામરનો
ઝંઝાવાત વાયુનો વૃક્ષો ટક્યા અડગ
મેઘગર્જના સુણી પસાર ભયનું લખલખું
સૃષ્ટિ માં તાંડવ ને આભનો ગડગડાટ
સમુદ્ર દહોળે ' અલિપ્ત ' નિર્મળ રહે
નહિ ફાવે
મોરલાઓ નો મધુલયબદ્ધ ટહુકાર
મેઘવાદળો ને બોલાવી લાવે
તારા કમળ જેવા હોઠો પર
છવાયેલું મૌન મને નહિ ફાવે
માત્ર મેઘનું અમૃતપાન કરતા ચાતક ને
ગ્રીષ્મ માં વર્ષાઋતુ નું યાદ આવે
તારા પ્રત્યે ની આં કુણી સંવેદના
ભૂલવાનું મને નહિ ફાવે
શરદપૂનમ માં થયેલું ચંદ્રગ્રહણ સમુદ્ર માં
વિકરાળ મોજાં ને ત્સુનામી ખેચી લાવે
અચાનક અંકુરેલી લાગણીઓ ના સંબધ માં
મને તારાથી જુદા પડવાનું નહિ ફાવે
' કેવો ? '
યાચતો એ સૌની સામે લાચાર નજરે ,
એને જોઈ નબીરાઓને ઘણી સુગ ચડે
વિહવળ થઈ નિસહાય તાપ એ રોજ ખમે ,
છતાંય આંતરડી ઠરે એટલું અન્ન ન મળે
વૈભવી પરિધાનો ને આલીશાન આવાસો ,
મેલું હૃદય પણ શ્રીમંતાઈ નો ઢોંગ સૌને
જીર્ણ છે આવરણો ને મન સદાય ચોખ્ખું રાખે ,
ઘોબો છે કટોરીમાં ને માણસાઈ નું તેજ આપે
તૂટેલા છાપરા નો એને છોછ નથી જરીયે ,
હમેશા હસતો એ કાદવના પુષ્પ સરીખો .
' અલિપ્ત '
શા માટે ખુદને પિંજરામાં બંધ રાખે છે
પોપટ ને તો ઊડવું પણ છે
આ લોઢાના સળિયા ઓ અટકાવી રાખે છે
લાચાર છે પણ નાસમજ નથી જરીયે એ
માનવતા ના વ્યાખ્યાનો બાંધવામાં સૌ
હરહંમેશ મુજબ ગુલતાન છે
બસ ખાલી આઝાદી જોઈશે મૂંગા જીવોની
બાકી જંગલ માં રખડવાનું આવડે છે
તારા આં ઉપકાર ની જરૂર નથી એને
ખુદ ને જ ખુમારી થી જીવતા આવડે છે
ઉડવા માટે તો આખું આસમાન છે પણ
તારા આં ખોખા ના ભોગળ બંધ રાખે છે
સ્વતંત્ર એને મુક્ત વિશ્વ માં વિહરવું ગમે છે
પક્ષીઓને પાંજરે પ્રાણીઓને ખીલે બાંધે છે
અબોલ છે ભ્રમ દૂર કર ,સમજી નથી શકતો
તું એની વાણી છતાંય અહંકાર રાખે છે
ઉદ્ વિકાસ થી સુસંસ્કૃત બન્યો એવો મોહ
દૂર કર તારા થી વધુ શુદ્ધ લાગણીઓ રાખે છે
જાણ્યું અજાણ્યું શબ્દો માં ન માણ્યું
વર્તણૂક કરેલી પણ આંખો માં સમાવ્યું
પોતે ન જાણ્યું પણ દુનિયા એ વખાણ્યું
ભરતી આવે પણ ચંદ્ર એ ન જણાવ્યું
આંસુ આવ્યા ને લાગણીઓ એ રડાવ્યું
વહાલ ધસમસતું પણ મૌન ન સળગાવ્યું
અળગુ રહે સૌથી પણ દર્દ ના દેખાડ્યું
ખારાશ અંતરની પણ સરોવરે ન વહાવ્યું
સોડમ મઘમઘતી પણ સમયે ન બચાવ્યું
હકીકત તરછોડી છતાં શમણાં થી સજાવ્યું
ઘૂઘવતા મોજાએ પણ લહેરખી થી વધાવ્યું
પરંપરા નો વૈભવ કોરાણે અલિપ્ત પીછાણ્યું
મને યાદ નથી
આપણી પહેલી મુલાકાત ના
અથડાયેલા અંશો મને યાદ નથી
ઝાકળબિંદુ સ્વરૂપે થયેલો મુશળધાર
કદાચ અત્યારે મને યાદ નથી
અપેક્ષાઓ ના વમળ માં અટવાયેલો
ને તારી વાતો મને યાદ નથી
સંયોગ ના કારણે અજાણતાં જ
થયેલું તને મળવાનું મને યાદ નથી
જાણ બહાર થયેલો આપણા મધુસંબધો
નો આવિષ્કાર મને યાદ નથી
તારું વીણા ની જેમ બોલવું ને મારું
ગદગદિત થવું મને યાદ નથી
મારી તારી માટેની લાગણીઓ ને આપણી
સંવેદના મને યાદ નથી
' એમાંય વળી શું '
શમણાંઓ છે કેટલાય અધૂરાં !
આથમે છે સૂરજ એમાંય વળી શું ?
સંબધો ના સેતુઓ નથી પૂરાં !
ઓટ છે દરિયે એમાંય વળી શું ?
સંવેદના ઓ ના અગણિત ચૂરેચૂરા !
ઉણપ છે વાતા વાયરાની એમાંય વળી શું?
પ્રત્યક્ષ ઘોંઘાટ ને છતાંય બહેરા !
ફૂટે નવો ફણગો એમાય વળી શું ?
અસ્પષ્ટ આકારો ને ભૂલતા ચહેરા !
સળગતો તાપ એમાય વળી શું ?
અદ્રશ્ય ને ચોપડે ચૂકવાતા કશાક વેરા !
ડાળે ઉતરતું પંખી એમાંય વળી શું ?
કાળચક્ર થી ગોઠવાતા ભવેભવ ના ફેરા !
સુકાયેલી આં ધરા એમાંય વળી શું ?