Jivan Sathi - 21 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 21

Featured Books
Categories
Share

જીવન સાથી - 21

ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન થોડા ચિંતામાં પડી ગયા પણ પછી દિપેને તેમને સમજાવ્યું કે, તમે મારી સાથે મારા ઘરે આવો આન્યાની દવા ચાલે છે તે ડૉક્ટર સાહેબને પણ મળી લો અને મારા ગામવાસીઓને પણ મળી લો તેમજ આન્યાને તમારી સાથે તમારા ઘરે લઈ જવા માટે તેમની પાસેથી સંમતિ મેળવી લો અને ત્યારબાદ તમે આન્યાને તમારી સાથે લઈ જઈ શકો છો. "

આ બધી જ વાતો ચાલી રહી હતી અને આન્યા એકદમથી ભાનમાં આવી એટલે આટલા બધા માણસો પોતાની આજુબાજુ જોઈને દિપેનને પૂછવા લાગી કે, મને શું થયું છે ? કેમ અહીંયા આટલી બધી ભીડ ભેગી થઈ છે ?

દિપેન આન્યાને તેના મમ્મી-પપ્પાની ઓળખાણ કરાવતાં ‌કહે છે કે, " જો સાંભળ પૂર્વી આ આપણાં મમ્મી-પપ્પા છે અને તે હવે તને તેમની સાથે આપણાં ઘરે લઈ જશે તો તું જઈશને તેમની સાથે ? "

આન્યા જરા વિચારમાં પડી જાય છે... અને પછી દિપેનની સામે જોઈને ડૉ. વિરેન મહેતા અને મોનિકા બેનની સાથે જવા માટે સાફ ઇન્કાર કરી દે છે.

હવે બધાજ ચિંતામાં પડી જાય છે કે, શું કરવું અને આન્યાને કઈરીતે સમજાવવી ? પણ દિપેન જરા વિચાર કરીને કહે છે કે, " અંકલ તમે પહેલા મારી સાથે મારા ઘરે તો ચાલો પછી શાંતિથી આપણે શું કરવું તે નક્કી કરીએ.

અને મોનિકા બેન પહેલા પોતે જે બાધા રાખી હતી તે પૂરી કરવા માટે ડૉ. વિરેન મહેતાને કહે છે અને સૌ સાથે મળીને માં અંબેના દરબારમાં હાજર થાય છે અને ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન ખૂબજ ઉમળકાભેર પોતાની આન્યા માટે રાખેલી બાધા પૂરી કરે છે અને પોતાની દીકરી પરત મળવા બદલ માં અંબેના ચરણોમાં ઝૂકી ઝૂકીને માંનો ખૂબજ આભાર માને છે.

ત્યારબાદ ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન દિપેનની સાથે તેના ઘરે જાય છે ત્યાં આન્યાની જે ડૉક્ટર પાસે દવા ચાલતી હોય છે તેમને મળે છે અને પછી ગામવાસીઓને પણ મળે છે. નાનકડા આ ગામમાં આ વાત ફેલાઈ જાય છે કે, આન્યાના મમ્મી-પપ્પા મળી ગયા છે અને તેને લેવા માટે આવ્યા છે. ગામ આખામાં હર્ષોલ્લાસ છવાઈ જાય છે અને ગામ આખું આન્યાના મમ્મી-પપ્પાને મળવા અને જોવા માટે જાણે ઉમટી આવે છે.

ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન પણ ગામવાળાની સ્નેહભીની લાગણીથી ભીંજાઈ જાય છે. ગામના આગેવાનોને દિપેન આન્યાને પોતાના મમ્મી-પપ્પાની સાથે જવા માટે સમજાવવા કહે છે. આન્યાને ગામવાળા ખૂબજ સમજાવવાની કોશિશ કરે છે પણ આન્યા તો જીદ લઈને જ બેઠી છે કે તે તો અહીંયા પોતાના ભાઈ દિપેનની સાથે જ રહેશે.

ડૉ. વિરેન મહેતા અને મોનિકા બેન હવે શું કરવું તે વિચારે છે અને ત્યારબાદ દિપેનને પોતાની સાથે પોતાના ઘરે આવવા અને થોડા દિવસ આન્યાની સાથે રહેવા માટે વિનંતી કરે છે.

દિપેન પણ પોતાની નોકરી છોડીને જઈ શકે તેમ નથી તેથી આન્યાને ફરીથી ખૂબ સમજાવે છે કે, " તું થોડા દિવસ આ મમ્મી-પપ્પાની સાથે તેમના ઘરે જા પછીથી હું તને લેવા માટે આવીશ પરંતુ આન્યાના મનમાં એક જ વાત છે કે, હું તેમનાં ઘરે નહીં જવું" અને આન્યા ડૉ. વિરેન મહેતા તેમજ મોનિકા બેન સાથે જવાની ચોખ્ખી "ના" પાડી દે છે એટલું જ નહીં દિપેનને વળગીને રડવા લાગે છે.

આન્યાની આ પરિસ્થિતિથી ડૉ. વિરેન મહેતા સમજી જાય છે કે, આન્યા દિપેનને જ પોતાનો સગો ભાઈ માને છે અને તેના ઘરને જ પોતાનું ઘર માને છે અને આ હકીકતમાંથી બહાર તેને લાવવી હશે તો થોડો સમય તેને આપવો જ પડશે અને તેની સાથે ખૂબજ પ્રેમથી વર્તન કરવું પડશે.

મોનિકા બેન આન્યાની આ પરિસ્થિતિનો સ્વીકાર કરી શકતાં નથી અને ખૂબજ રડવા લાગે છે.... અને રડતાં રડતાં આન્યાને પોતાની બાથમાં ભીડી લે છે અને પોતાની સાથે પોતાના ઘરે આવવા માટે કાલાવાલા કરવા લાગે છે.....

આન્યાની સમજમાં આ કોઈ જ વાત આવતી નથી... આન્યા પોતાના મમ્મી-પપ્પાની સાથે જવા માટે બિલકુલ તૈયાર નથી.... હવે આગળ શું થાય છે? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/11/2021