પ્રાયશ્ચિત પ્રકરણ-30
મનસુખ માલવિયા કેતનને વાલ્કેશ્વરીમાં આવેલી આતિથ્ય રેસ્ટોરન્ટમાં લઈ ગયો. રેસ્ટોરન્ટ પેક હતી એટલે પંદરેક મિનિટ વેઇટ કરવું પડ્યું.
રેસ્ટોરન્ટ ખરેખર સારી હતી. ઘણા સમય પછી એ પંજાબી ફૂડ ખાવા માટે આવ્યો હતો. એણે વેઈટરને એની પ્રિય સબ્જી વેજિટેબલ મક્ખનવાલા અને પાલક પનીર નો ઓર્ડર આપ્યો. સાથે તંદુરી રોટી દાલ ફ્રાય જીરા રાઈસ રોસ્ટેડ પાપડ અને છાસ તો ખરાં જ !!
મનસુખને કેતન શેઠની સાથે જમવા બેસવા માં થોડો સંકોચ થતો હતો પરંતુ કેતન આવું કોઈ અંતર રાખવા માગતો ન હતો એટલે એણે મનસુખને પણ પોતાની સાથે જ બેસીને ડિનર લેવાનું કહ્યું.
જમવાનું પૂરું થયું અને હેન્ડવોશ માટે બાઉલ મંગાવ્યા ત્યાં જ એણે વેદિકાને કોઈ હેન્ડસમ યુવાન સાથે રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતી જોઈ. વેદિકા એના ટેબલ પાસેથી જેવી પસાર થઈ કે તરત એણે એને રોકી.
" વેદિકા થોડીવાર બહાર વેઇટ કર. મારે તારી સાથે વાત કરવી છે. "
" અરે સાહેબ તમે ? મારું તો તમારી તરફ ધ્યાન જ ના ગયું !! " આશ્ચર્યથી વેદિકા બોલી.
" નો પ્રોબ્લેમ. તમે લોકો થોડીક વાર બહાર બેસો. હું પાંચેક મિનિટમાં જ આવું છું. "
અને વેદિકા જયદેવનો હાથ પકડીને બહાર ખેંચી ગઈ.
" જયદેવ બહાર આવો... આપણે થોડી વાર પછી જમીએ છીએ. " વેદિકા જયદેવને બોલી.
બીલ ચૂકવીને કેતન અને મનસુખ બહાર આવ્યા. વેદિકાને એણે ઉભેલી જોઈ.
" મનસુખભાઈ તમે ગાડી માં બેસો હું આવું છું. " કહીને કેતન રેસ્ટોરન્ટની બહાર વેદિકા જ્યાં ઊભી હતી એ તરફ ગયો.
" કેતન સર.. આ જયદેવ સોલંકી જેની મેં તમને વાત કરી હતી. " વેદિકાએ કેતનને જયદેવનો પરિચય કરાવ્યો.
" કેમ છો જયદેવ ? મારો પરિચય તો વેદિકા તમને આપી દેશે. હવે પહેલાં તમે લોકો મારી વાત સાંભળી લો.
હું પ્રતાપ અંકલને મળી આવ્યો છું. તમારા બંનેના લગ્ન માટે એમને પૂરેપૂરા કન્વીન્સ કરી દીધા છે. એ સામેથી તમારી માફી પણ માગશે. તમારે હવે ડરવાની કોઈ જરૂર નથી. મેં વેદિકાને વચન આપ્યું હતું કે તારું કન્યાદાન તારા પપ્પા પ્રતાપ અંકલ જ આપશે. " કેતને જયદેવની સાથે હાથ મિલાવતાં કહ્યું.
" તમે શું વાત કરો છો સાહેબ !! રિયલી ? મને તો માન્યામાં જ નથી આવતું કે પપ્પા અમારાં લગ્ન માટે માની જાય !! " વેદિકા ખુશીથી લગભગ ઉછળી પડી.
" હા વેદિકા.. એક-બે દિવસમાં તારા પપ્પા સામેથી જ તને કહેશે કે એકવાર જયદેવ ને ઘરે બોલાવ ! "
" કેતનભાઇ તમને કયા શબ્દોમાં હું મારી ખુશી વ્યક્ત કરું ? આભાર માનવા માટે પણ કોઈ શબ્દો નથી !! બે વર્ષ સુધી હું અને વેદિકા એકબીજાના ગાઢ પ્રેમમાં હતાં. લગ્નની તૈયારી પણ કરેલી. પરંતુ અંકલે મને એવી ધમકી આપી કે મેં વેદિકાનો નંબર જ બ્લોક કરી દીધો. "
" તમે તો અશક્યને શક્ય બનાવી દીધું . આમ તો વેદીએ તમારા વિશે આછી પાતળી માહિતી આપી હતી પરંતુ મારા મનમાં તમારું કોઈ ક્લિયર પિક્ચર ન હતું. તમે આ કામ કરી શકશો એ બાબતમાં પણ મને થોડી શંકા હતી. પણ તમે ખરેખર કરી બતાવ્યું. તમને મળીને ખૂબ જ આનંદ થયો. " જયદેવ બોલ્યો.
" અને તમને જોઇને મને પણ આનંદ થયો. બીજી એક વાત વેદિકા... તમારા લગ્નનો તમામ ખર્ચો હું ઉપાડવાનો છું એ વાત પણ મેં પ્રતાપ અંકલને કરી છે એટલે ધામધૂમથી તમે લગ્ન કરો. લગ્નમાં કોઈપણ જાતની કસર છોડતા નહીં. તમારું હનીમૂન પણ મારા તરફથી. !! " કેતને હસીને કહ્યું
" આજે તો તમારી આ વાતોથી જ મારુ તો પેટ ભરાઈ ગયું ! સારું થયું તમારી મુલાકાત આમ અચાનક આજે થઈ ગઈ !! મેં તમારા વિશે જે ધાર્યું હતું એના કરતાં પણ મહાન છો તમે !!! અમારા બંનેના જીવનમાં તમે દેવદૂત બનીને આવ્યા છો. જીવનભર અમે તમારાં ઋણી રહીશું. " કહેતાં કહેતાં વેદિકાની આંખોમાં પાણી આવી ગયાં.
" અરે વેદિકા મને ચણાના ઝાડ ઉપર ચડાવીશ નહીં. આટલાં બધાં વખાણ રહેવા દે ! હું એક સામાન્ય માણસ છું. માનવતાના સંબંધે મેં આ કામ કર્યું છે. જીવનમાં બધાંને ખુશીઓ વહેંચવી છે. અને એ જ મારું લક્ષ્ય છે. તમે લોકો હવે શાંતિથી જમો. બસ આ સમાચાર આપવા માટે જ મેં તમને રોક્યાં હતાં. ઓલ ધી બેસ્ટ !! " કહીને કેતન તરત જ પોતાની ગાડી તરફ ગયો.
ઘરે પહોંચ્યા ત્યારે રાતના સાડા દસ વાગી ગયા હતા. કેતન શેઠને ઉતારી મનસુખ પોતાની બાઇક લઇને ઘરે ગયો.
પરંતુ જ્યારે એ ઘર પાસે પહોંચ્યો ત્યારે એની પોતાની શેરીમાં રહેતા દામજીભાઈ ચૌહાણના ત્યાં લોકોનું ટોળું ભેગું થયું હતું. દામજીભાઈ બિચારા સાવ સીધાસાદા માણસ હતા. એક પ્રાઇવેટ ફેક્ટરીમાં નોકરી કરતા હતા.
બે ગુંડાઓ તેમના ઘરમાં બેસીને ખુબ જ ગાળાગાળી કરતા હતા. એ લોકો પૈસાની વસૂલી માટે આવ્યા હતા. એમની બે યુવાન દીકરીઓની સામે એ ગાળો બોલતા હતા. લોકોને તમાશો થયો હતો.
દામજીભાઈએ પોતાની મોટી દીકરીના લગ્ન પ્રસંગે ત્યાંના પ્રખ્યાત માથાભારે ભૂપતસિંહ પાસેથી મહિને ૧૦ ટકા વ્યાજે બે લાખ રૂપિયાની લોન લીધી હતી. મજબૂરીના કારણે એમના પોતાના મકાનનો દસ્તાવેજ ભૂપતસિંહને લખાણ લખીને આપવો પડયો હતો.
દોઢ વર્ષ સુધી તો દર મહિને ૨૦૦૦૦ લેખે ૩ લાખ ૬૦ હજાર તો વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. પરંતુ છેલ્લા છ મહિનામાં એ એક પણ હપ્તો ભરી શક્યા નહોતા. ભૂપતસિંહના માણસો આજ ને આજ તમામ રકમ ચૂકવી દેવાની અથવા તો ૨૪ કલાકમાં મકાન ખાલી કરવાની ધમકી આપતા હતા. દામજીભાઈ અને એમનાં પત્ની બે હાથ જોડી ગુંડાઓને કરગરતાં હતાં.
મનસુખ બધું સમજી ગયો અને તરત જ બાઇકને પાછી વાળી. એ ઝડપથી કેતન શેઠના ઘરે પહોંચી ગયો.
"તમે તાત્કાલિક ગાડીમાં બેસી જાઓ અને મારી સાથે ચાલો શેઠ. મારી શેરીમાં રહેતા દામજીભાઈના ત્યાં પૈસા વસૂલી માટે ગુંડા લોકો આવ્યા છે અને ખૂબ જ ગાળાગાળી કરે છે. ૧૦ ટકા વ્યાજે એમણે બે વર્ષ પહેલા બે લાખ લીધેલા અને સાડા ત્રણ લાખ જેટલું વ્યાજ તો ચૂકવી પણ દીધું છે "
કેતન કોઈની પણ તકલીફ જોઈ શકતો ન હતો. વિના વિલંબે એ ગાડીમાં બેસી ગયો. દામજીભાઈ ના ઘર પાસે જઈને મનસુખે ગાડી ઉભી રાખી. કેતને જોયું કે દામજીભાઈ ના ઘરમાંથી મોટે મોટેથી અવાજ આવતો હતો. અને રાત્રે પણ લોકો ભેગા થયેલા હતા.
નીચે ઉતરીને કેતન સીધો દામજીભાઈ ના ઘરમાં ગયો અને સૌથી પહેલાં ફટાફટ બંને ગુંડાઓના ફોટા પાડી લીધા.
" બોલો ભાઈ કેમ દાદાગીરી ચાલુ કરી છે ? શરીફ માણસોના ઘરે આવીને આટલી રાત્રે બેન દીકરીઓની સામે આટલી ગંદી ગાળો બોલતાં તમને શરમ નથી આવતી ? "
" તું કોણ છે ભાઈ ? જલ્દીથી હાલતી નો થઈ જા. બહુ લાગતું હોય તો તું પૈસા ચૂકવી દે !! " એક ગુંડો બોલ્યો.
" મને તું હાલતી નો થઈ જા કહે છે ? હવે જો હું તારા શું હાલ કરું છું !! લાતોં કે ભૂત બાતોંસે નહીં માનતે. ભડનો દીકરો હોય તો હવે દસ મિનિટ બેસી રહેજે."
કહીને કેતને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાવડાને ફોન કર્યો.
" ચાવડા સાહેબ કેતન બોલું. પટેલ કોલોનીનું એક એડ્રેસ લખાવું છું. ફટાફટ પોલીસ વાન લઇને આવી જાવ. હું એફ.આઈ.આર નોંધાવું છું. એરેસ્ટ કરી લો બન્ને જણાંને. આજે થોડી ધોલાઈ કરો અને કાલે કોર્ટમાં રજુ કરો. હું કોર્ટમાં આવી જઈશ સાક્ષી આપવા. " અને કેતને મનસુખને પૂછીને શેરી નંબર અને મકાન નંબર લખાવી દીધાં.
પેલા બંને જણાના તો મોતિયા જ મરી ગયા. આ માણસે તો ફોટા પણ પાડી લીધા અને પોલીસ પણ બોલાવી લીધી. ધોલાઈ કરવાની અને કોર્ટમાં લઇ જવાની પણ વાત કરી. બંનેમાંથી એક જણે પોતાના માલિક ભૂપતસિંહને ફોન કર્યો અને બધી વાત કરી.
" એ ગોલકીનો મરવાનો થયો લાગે છે ! એ હજુ ભુપતસિંહને ઓળખતો નથી. ફોન આપ એને ! "
ગુંડાએ કેતનને ફોન આપ્યો. " લો વાત કરો અમારા બોસ સાથે "
" કેમ ભાઈ બહુ ચરબી ચડી છે ? નવો-નવો આવ્યો લાગે છે જામનગરમાં. પોલીસ પણ મારું કંઈ બગાડી શકવાની નથી. બીજાના મામલામાં બહુ ડબ ડબ કર મા . તું તારા રસ્તે હાલતો થઈ જા. મારી તાકાતની તને હજુ ખબર નથી "
" શું નામ તમારું ભાઈ ? " કેતન ઠંડા કલેજે બોલ્યો.
" ભૂપતસિંહ "
" તો ભૂપતસિંહ આવતીકાલે સવારે ૧૧ વાગ્યે પોલીસ સુપ્રિટેન્ડન્ટની ઓફિસમાં તમે હાજર થઈ જજો. અને તમારી પાસે ૧૦ ટકા વ્યાજે પૈસા ધીરવાનું જે લાયસન્સ હોય એ પણ જરા લેતા આવજો. ત્યાં મારી ઓળખાણ પણ આપીશ અને તમારી તાકાત પણ જોઈ લઈશ. " કહીને કેતને ફોન કટ કર્યો.
બે મિનિટમાં ગુંડા ઉપર ફરી ભૂપતસિંહનો ફોન આવ્યો.
" સાંભળ, બહુ લાંબુ કરવા જેવું નથી લાગતું. આ કોઈ પોલીસ અધિકારી જ લાગે છે નહીં તો આ રીતે મારી સાથે વાત ના કરે. આપણા ધંધામાં દુશ્મનાવટ ના ચાલે. તું એને કંઈ બોલ્યો હોય તો પગે પડીને માફી માગી લે અને પોલીસ આવે તો મારી સાથે વાત કરાવજે." ભૂપતસિંહે કહ્યું અને ફોન કટ કર્યો.
" માફ કરો સાહેબ ભૂલ થઈ ગઈ. અમને જવા દો. ફરી ક્યારે પણ આ ઘરે પગ નહીં મૂકીએ. " બંને ગુંડા ઘૂંટણિયે પડીને કેતનને કરગરતા હતા.
કેતન કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ઊભો રહ્યો. થોડીવારમાં ચાવડા વાન લઈને આવી ગયો.
" લઈ જાઓ એમને. હું પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાવી દઉં છું. બેન દીકરીઓ સામે ગંદી ગાળો બોલે છે. વગર લાઇસન્સે ૧૦ ટકા વ્યાજે પૈસા ધીર્યા છે. જબરદસ્તી મકાન ખાલી કરાવે છે. જેટલી કલમો લાગુ કરવી હોય તે કરો " કેતન બોલ્યો.
પેલા લોકો હવે ખરેખર ધ્રુજવા લાગ્યા. એમણે ફરી પાછો ભૂપતસિંહને ફોન કર્યો. " શેઠ પોલીસ આવી ગઈ છે અને પેલા સાહેબ ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન પણ આવે છે. "
" ઇન્સ્પેક્ટર ને ફોન આપ "
" અરે ઇન્સ્પેક્ટર...હું ભૂપતસિંહ બોલું. આ લોકોને જાવા દ્યો. આ ભાઈ કોણ છે મને કંઈ ખબર નથી પણ જે હોય તે. તમે બધું સંભાળી લો. વહીવટ આપણે સમજી લઈશું. તમે તો મને ઓળખો જ છો. હું વચનનો પાકો છું. "
" વડીલ આ કેસ હવે મારા હાથમાં રહ્યો નથી. મારે લઈ જવા તો પડશે જ. નહીં તો મારી નોકરી જોખમમાં આવી જાય. બહુ મોટા સાહેબ છે. કોર્ટમાં ના લઈ જવા હોય તો સવારે મને મળી લેજો. તમારું માન રાખીને હું મારઝૂડ નહીં કરું." કહીને ચાવડાએ કેતનની સામે જોયું. કેતને ઇશારાથી ગ્રીન સિગ્નલ આપી દીધું.
અને કેતને તરત જ આશિષ અંકલને ફોન કર્યો અને બધી વિગત જણાવી દીધી.
" બે લાખની સામે દોઢ વર્ષમાં સાડા ત્રણ લાખ વસૂલ કર્યા છે અને છતાં ઘર ખાલી કરાવવાની ધમકી આપે છે. એના બે ગુંડા બેન દીકરીઓ સામે ગંદી ગાળો બોલે છે. ભૂપતસિંહ કાલે સવારે ૧૧ વાગે તમારી ઓફિસે આવશે. એને જરા ધરતી ઉપર લાવી દેજો. " કેતન બોલ્યો.
" તું ચિંતા ના કર. એ હું જોઈ લઈશ. "
ચાવડાએ પણ આખી વાત સાંભળી લીધી. કેતનની નીડરતા માટે એને માન થયું. એણે કેતન સાથે હાથ મિલાવ્યા. અને બંને ગુંડાઓને વાનમાં બેસાડીને નીકળી ગયો. એ ખુશ હતો. ભૂપતસિંહ પાસેથી સારી રકમ કાલે મળવાની હતી.
" વડીલ.. તમે જરા પણ ચિંતા ના કરો આજ પછી ભૂપતસિંહ તમારું નામ પણ નહીં લે. " કેતને દામજીભાઈને કહ્યું.
" સાહેબ તમે તો મારા માટે ભગવાન બની ને આવ્યા છો. હું તો તમને ઓળખતો પણ નથી. છતાં તમે મારા ઉપર આટલી બધી દયા કરી ? કઈ રીતે તમારો આભાર માનું ? " કહેતાં કહેતાં દામજીભાઈ લગભગ રડી પડ્યા.
" ભગવાનનો આભાર માનો વડીલ. એની કૃપા વગર આ શક્ય જ નથી. હું તો માત્ર નિમિત્ત છું. આ મનસુખભાઈ મને અહી લઈ આવ્યા. "
દામજીભાઈએ મનસુખ માલવિયા સામે પણ હાથ જોડ્યા.
" તમે તો મારા બાપ ના ઠેકાણે છો. મેં માત્ર પાડોશી ધર્મ બજાવ્યો છે. ચાલો અમે રજા લઈએ." કહીને મનસુખ બહાર નીકળીને ગાડીમાં બેઠો અને કેતન પણ પાછલી સીટ ઉપર ગોઠવાયો.
ભેગા થયેલા લોકો આ નવા મરદ માણસને જોઈ જ રહ્યા !! હીરોની જેમ એણે એન્ટ્રી કરી.
મનસુખ માલવિયાને તો બધા ઓળખતા જ હતા. પણ આજે બધાના મનમાં મનસુખ તરફ માન વધી ગયું. મનસુખ પણ હવે કામનો માણસ બની ગયો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)
"