પુનર્જન્મ 43
" વેલકમ મી.અનિકેત. "
" થેન્ક્સ સુધીરજી. "
" અરે સચદેવા, અનિકેતનું બરાબર સ્વાગત કરજો. એ મોનિકાનો એકનો એક ભાઈ છે . "
અનિકેત એ વાક્યમાં રહેલો વ્યંગ સમજ્યો. પરંતુ સ્વસ્થ કેમ રહેવું એ હવે તે શીખી ગયો હતી.
બિલકુલ સહજતાથી એ બોલ્યો.
" સુધીરજી, આ બધી વાહિયાત વાતોથી કંઈ મળતું નથી. મનને ખુશ કરવા કે લાગણીવેડા માટે બધું ઠીક છે. અને મને એ ખોખલી વાતોમાં રસ નથી. મારા એના ભાઈ હોવાથી મને કંઈ મળવાનું નથી. પણ તમે એમના પતિના નાતે ઘણું મેળવી શક્યા છો. તો પણ તમે એ બધાથી સંતુષ્ટ નથી. નહિ તો તમે મને કામ ના સોંપત.. એમ આઈ રાઈટ ? "
સુધીરને એવું લાગ્યું કે એના ગાલ પર કોઈએ એક તમાચો માર્યો છે. પતિ તરીકે પોતાના કેટલાક અધિકાર છે, જેનાથી પોતે વંચિત છે. પણ એ અનિકેતના મનની વાત જાણવા માગતો હતો. એટલે એ હસ્યો અને બોલ્યો.
" મને વિચાર આવ્યો કે કદાચ બહેન માટેનો પ્રેમ કામ કરવાની હા ના પાડતો હોય. "
" જેલમાં હતો ત્યારે ખુદની બહેન પણ છોડીને જતી રહી હતી એટલે હવે એવા કોઈ મોહ રહ્યા નથી. અને કામ હું નહિ કરું તો તમે બીજા કોઈ જોડે કરાવશો. એટલે મોનિકાનું ભવિષ્ય તો નક્કી છે. અને તમારો ફાયદો પણ યથાવત રહેશે. ગુમાવવાનું તો મારે એકલાએ જ છે. ત્રણ કરોડ.... જે હું ગુમાવવા તૈયાર નથી. "
" વેરી સ્માર્ટ. તારી વાત સાચી છે, ગુમાવવાનું તારે જ હતું. કામ કોણ કરે છે, તું કે બીજું કોઈ એ મારે માટે મહત્વનું નથી. "
" સુધીર જી, એટલે જ હું કામ કરીશ. બીજો કોઈ લાભ લે, એના કરતાં હું જ લાભ ના લઉં. કામ ક્યારે શરૂ થઈ શકે એમ છે ? "
"અનિકેત.. બસ, એ ટુર પતાવીને આવે એટલે તરત જ. "
" ઓ.કે. સુધીર જી. હું ઈચ્છું છું કે એ આવે એટલે વધુમાં વધુ એક મહિનામાં આ ચેપ્ટર પૂરું કરીએ. "
" ઓ.કે.. કંઈ વિચાર્યું છે. '
" સુધીરજી, અકસ્માત સૌથી સારો વિકલ્પ છે. અને કોઈ હીલ સ્ટેશન આના માટે સારી જગ્યા રહેશે. માથેરાન, માઉન્ટ આબુ કે બીજુ કોઈ હીલ સ્ટેશન. "
" ઓ.કે.. "
" નક્કી કરી મને અઠવાડિયા પહેલા કહેજો. જેથી હું જરા જગ્યા જોઈ કોઈ આયોજન કરી શકું. "
" વેલ.. આની ખુશીમાં કંઈક થઈ જાય. માય ફેવરિટ. રેડ વાઇન. "
" ઓહ નો. હું ડ્રીન્ક નથી લેતો. "
" યુ એન્ડ યોર સિસ્ટર, વેરી કુલ... વેદિયા... કમ ઓન યાર. ટેઈક બિયર. એન્ડ યુ નો બિયર ઇઝ નોટ વાઇન. "
અનિકેત હસ્યો. મનમાં કંઈક વિચારોનું યુધ્ધ થતું હતું. કેટલીક વસ્તુઓ જીવનમાં ક્યારેક પહેલી વાર જ હોય છે.
" યસ. યુ આર રાઈટ. બટ... ઇફ યુ નોટ ફોર્સ મી ફોર મોર પેગ. આઈ લાઈક રેડ વાઇન... "
" યસ, યે હુઈ ન મર્દો વાલી બાત. "
વચ્ચે પડેલી ટીપોઈ પર રેડવાઇનની બે બોટલ ત્રણ ગ્લાસ , થોડો નાસ્તો આવી ગયો.
સચદેવાને ઘરે જવાનું મોડું થતું હતું. એટલે એ એક પેગ લઈ રવાના થયો. સુધીરને આજે પહેલી વાર મોનિકાની ગેરહાજરીમાં મોકો મળ્યો હતો. એ મન મૂકીને પીતો હતો. સુધીર હવે ફૂલ નશામાં હતો.
" સુધીરજી એક વાત પૂછું. "
" બોલ ? "
" સુધીરજી મને તો આ કામમાં ફાયદો જ છે, પણ તમે મોનિકાથી છૂટાછેડા લઈ લેતા તો પણ તમને ફાયદો તો થતો જ ને? "
" એ અભિમાની મને કંઈ ના આપતી. અને આપતી તો પણ આ અઢળક દોલત આગળ એ નહિવત હોત. બધું તો મને ત્યારે જ મળે જ્યારે એ ના હોય. "
બીજો અડધો કલાક સુધીર જોડે વિતાવી અનિકેત જવા માટે ઉભો. સુધીરે હાથ મિલાવ્યા અને અનિકેતે રજા લીધી.
*** *** *** *** *** *** *** ***
લગભગ સાડા અગિયાર થઈ ગયા હતા. બાબુ અને વિશાલ સાવંતને પોણા બારનો સમય આપ્યો હતો. હોટલ અનુપમાના એરકન્ડિશન્ડ લોન્જમાં અનિકેત પહોંચ્યો ત્યારે વિશાલ સાવંત ઢોંસો ખાઈ રહ્યો હતો. બાબુ કોફીનો કપ હાથમાં લઇને બેઠો હતો. અનિકેતને થયું કે એ મોડો હતો..
" સોરી ફ્રેન્ડ્સ, હું થોડો લેટ થઈ ગયો. "
" બોસ, જમવાનું ટાઇમસર હોવું જોઈએ, બીજું બધું ચાલે."
સાવંત એજ રમુજી સટાઇલમાં બોલતો હતો.
બાબુ થોડો ધીર ગંભીર હતો...
" બાબુ ભૂખ લાગી છે. આ જાડિયો તો ચાલુ થઈ ગયો... આપણે પણ કંઈ લઈ લઈએ. "
" અનિકેત મને કચરાપટ્ટી નહિ ફાવે. ફિક્સ થાળી મંગાવી લે. "
" એ ભાઈ, મારી પસંદ ઉમદા છે. એને કચરાપટ્ટી નહી કહેવાની. "
" જાડિયા અમારે તારા જેમ ફાંદ નથી વધારવી. "
અનિકેતે ઓર્ડર આપ્યો અને પાણીનો ગ્લાસ હાથમાં લીધો.
જમવાનું પત્યું અને આઈસ્ક્રીમ ખાતાં ખાતાં સાવંતે એક કવર ટેબલ પર મુક્યું.
" બોસ રિપોર્ટ. "
અનિકેતે એને બેગમાં મુક્યું અને બે કવર ટેબલ પર બન્નેની સામે મુકયા. બન્ને એ કવર લઈ પોતાની બેગમાં મુક્યા.
" તમને બન્નેને બે ચાર દિવસમાં કેટલાક કામ સોંપીશ. તૈયાર રહેજો. અને વિશાલ જો કોઈને લો બજેટની ફિલ્મ બનાવવી હોય તો કેટલા બજેટમાં બને ? "
" બોસ, એ આપણું કામ નહિ. ફિલ્મ બનાવવી એ આપણું કામ નહી."
" અરે આપણે નથી બનાવવાની. જસ્ટ પૂછું છું. માની લે કે કોઈ તને ફિલ્મનો ફોટોગ્રાફર બનાવે તો તારે તો રૂપિયા થી જ મતલબ છે ને? "
" બોસ, લો બજેટની ફિલ્મ તો 15 થી 20 કરોડમાં પણ બની જાય. "
" ઓહ. એટલા બધા રૂપિયા થાય? "
" આ તો લો બજેટ ફિલ્મની વાત કરી. "
" બાપ રે. અને ફ્લોપ ગઈ તો રોડ પર આવી જવાય. એના કરતાં બીજો ધંધો સારો. ચલો, હું રિપોર્ટ જોઈ લઉં પછી તમને ફોન કરું છું. "
" ઓ.કે.. "
*** *** *** *** *** *** *** ***
અનિકેત એક ટેબલલેમ્પ ચાલુ કરી ખાટલામાં આડો પડ્યો હતો. બહાર નિરવ શાંતિ હતી. ક્યાંક તમરાનો અવાજ આવતો હતો. ચન્દ્રનું અજવાળું અનિકેતને હંમેશા મોહિત કરતું હતું.
અનિકેતે સાવંતે આપેલ સીલબંધ કવર ખોલ્યું.
(ક્રમશ:)
17 ઓક્ટોબર 2020