મીરાં કશુંજ બોલ્યા વગર દાદીને ભેટી પડી. થોડી ક્ષણોમાં દાદી સ્વસ્થ થઈ ગયા. તેમણે મીરાંને કહ્યું.."મેં તો કલ્પનાયે ન્હોતી કરી કે,મારી જિંદગી આવો પણ વળાંક લેશે...!પણ, જો... હું એક વાત સ્પષ્ટ કહી દઉં છું. હું કંઈ કાયમ માટે મોહનના ઘરે તેની સાથે રહેવાની નથી. આ તો એની જીદ આગળ મારે નમવું પડ્યું છે.
ગામમાં નાના બાળકોને ટ્યુશન કરાવી મારા ગામના ધરે રહી હું મારું રહેઠાણ ફરીથી બનાવીશ.
મીરાંને ખબર હતી કે મોહન આવું કંઈ થવા નહીં દે. એટલે, તેણે દાદીની વાતમાં હા એ હા કરી નાખી. બંન્ને ચાલતા ચાલતા ઓફિસમાં આવ્યા. મોહને બધી ફોર્માલીટી પૂરી કરી નાખી હતી.મોહન મગનકાકા પાસેથી વિદાય લેવા ઉભો થયો અને તેમને પગે લાગ્યો.
મીરાં અને સીતા દાદી પણ તેમની વિદાય લેવા લાગ્યા. સીતા દાદી કહે..."મારા અહીં વિતાવેલા એ સમયને અને તમારા આશ્રમને હું ક્યારેય નહીં ભૂલી શકું.. મારી જિંદગીના ઘણા મહત્વના વર્ષો મેં અહીં વિતાવ્યા છે. તે સમય દરમ્યાન જો મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો.
મગન કાકા કહે.. "તમારા થકી તો મારો આશ્રમ પણ ખિલખિલાટ કરતો અને પ્રફુલ્લિત રહેતો હતો. તમારી ખોટ અમારા આશ્રમને પણ સદા રહેશે. પણ, બીજી તરફ અંતરમાં એક ખુશી એ પણ છે કે કોઈ રાહ જોતા વ્યાકુળ નેત્રોને એનું સ્વજન મળ્યું. તમે ખુશીથી જાઓ. જ્યારે મન થાય ત્યારે આશ્રમ તમારો જ છે એમ સમજી ફરી આવજો. આશ્રમની મુલાકાત લઈ એની યાદગીરીને ફરી જીવંત કરજો. આટલું કહેતાં મગન કાકાની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયા.
મોહન,મીરાં અને સીતા દાદી બધા આશ્રમમાંથી વિદાય લઈ ચાલી નીકળ્યા. રસ્તામાં ત્રણેય એકબીજા સાથે સ્નેહાળ સંબંધોની યાદગીરી ને વાગોળતા જઈ રહ્યા હતા.એટલે રસ્તો ખૂબ જ ઝડપથી કપાઈ ગયો અને બસ સ્ટેશન આવી ગયું.
માધવપુરની બસ પકડી બધા બસમાં ગોઠવાઈ ગયા. બે જણાની સીટમાં બારી બાજુ સીતા દાદી અને બાજુમાં મીરાં બેસી ગઈ. મોહન તેની બાજુની બીજી સીટમાં બેઠો.
બસની ઘંટડી વાગી અને બસ ફરી મંઝિલ તરફ ચાલતી થઈ. સીતા દાદીના અંતરમાં અનેરો ઉત્સાહ હતો. બીજી તરફ મીરાં અને મોહનની આંખો પણ એકબીજાનો મૂક આભાર અભિવ્યક્ત કરી રહ્યા હતા.
થોડી ક્ષણો સુધી બધા એમ જ ચૂપ રહ્યા. પછી ઓપચારિક વાતો શરૂ થઈ. આ બધું બન્યું એમાં ઘણો બધો સમય પસાર થઈ ગયો હતો. મીરાં ઘરેથી જે બહાનું બતાવી આવી હતી તેના માટે આ સમય ખૂબ વધારે કહેવાય.. આ વાતનું ભાન હવે મીરાંને થયું અત્યાર સુધી તો તે કોઈ બીજી વાત વિચારવા માટે તૈયાર જ નહોતી. પણ, હવે ભીતરમાં ચોરી પકડાઈ જવાનો ડર પણ સતાવવા લાગ્યો. જેની અસરથી તેનો ચહેરો પણ મુરઝાવા લાગ્યો.
મોહન મીરાંનો સ્વભાવ જાણતો હતો એટલે કયારેક ચોરી છૂપીથી મીરાંની સામે જોઈ લેતો.સીધે સીધો તેનો અંતૅભાવ અને પ્રેમ અભિવ્યક્ત કરવામાં એને સીતાદાદીની હાજરી રોકી લેતી.એટલે ,પ્રેમમાં ઓતપ્રોત બે પાત્રો મર્યાદામાં રહી પ્રેમને અંકુરિત કરવામા વ્યસ્ત હતા.
કહેવાય છે ને કે સાચો પ્રેમ કોઈ નિકટતાનો પણ મોહતાજ નથી હોતો એતો અંતરે રહીને પણ ઝુરી જાય..મોહને પણ મીરાંના ચહેરા પર આ ચિંતાની રેખાઓને પામી ગયો.તેણે આંખોના ઈશારા માત્રથી મીરાંને સ્વસ્થ કરવા પ્રયત્ન કર્યો.મીરાં મોહનની સ્નેહભરી દ્રષ્ટિ પામી થોડી શાંત બની, એની ચિંતા ઓછી થઈ ગઈ.
એટલામાં બસ ઊભી રહી.મુસાફરો ચા-પાણી માટે નીચે ઉતરવા લાગ્યા.મોહન પણ મીરાં અને સીતા મેડમ માટે ચા લેવા નીચે ઊતર્યો.થોડીવારમાં બધા મુસાફરો પરત આવી ગયા પણ મોહનને આવતા વાર લાગી..ડ્રાઈવર પણ હવે ઉતાવળ કરતો હતો.એટલે,મીરાં દાદીને કહી મોહનને શોધવા બસમાંથી નીચે ઊતરી અને તેને આમ-તેમ શોધવા લાગી.
વધુ આવતા અંકે...
-ડૉ.સરિતા (જલધિ)