Khodiyar Dham - Varana in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | ખોડિયાર ધામ - વરાણા

Featured Books
Categories
Share

ખોડિયાર ધામ - વરાણા

#વરાણા
#આઇશ્રીખોડિયારમાઁ
વરાણા આ તીર્થ સમી થી 8 km અને રાધનપુર થી 25 km હાઇવે મહેસાણા રાધનપુર હાઇવે ને અડીને આવેલુ છે.અહીં રહેવા, જમવા માટે સુવિધા સરસ છે.એકાદ વખત રણની આ દેવી મા ખોડિયાર ની જાત્રા અચૂક કરવી જોઈએ.
ખોડિયાર માતા હિંદુ ધર્મના એક દેવી છે.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ (ગઢવી)હતા.તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ,જોગડ,તોગડ,બીજબાઈ, હોલબાઈ,સાંસાઈ,જાનબાઈ(ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.તેમનું વાહન મગર છે.તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો,જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો.પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું.મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર,માયાળુ અને પરગજુ હતાં.તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો.તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો.જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી.મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ.વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં.તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી.એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે,તેનું મો જોવાથી અપશુકન થાય છે.જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે.અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા.રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું.કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે' તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા.ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા.તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી.મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી.આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે.મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો.આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.
આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી.તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા,જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા.આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ,જોગડ,તોગડ,બીજબાઈ,હોલબાઈ, સાંસાઈ,જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે,એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં.તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા.તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી.આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે.જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
એક વખત ખોડિયારમાં રાજસ્થાનથી પાછા આવતાં વરાણા રોકાયાં હતાં.તે જગ્યાએ ગામલોકોએ તેમની યાદ અને ભક્તિની જ્યોત સતત પ્રજ્જવલિત રહે તે હેતુસર વિક્રમ સંવત 1365 મા ગામ તળાવ નજીક ખોડિયાર માતાની પ્રતિષ્ઠા કરી નાનકડી દેરી બનાવી. હાલ જે મોટું મંદિર છે તેની નીચે ભોંયરામાં તે નાનકડું મંદિર યથાવત રાખી નવેસર નું બાંધકામ કરેલ છે. કહેવાય છે કે રાં નવઘણ પોતાનું કટક લઇ જૂનાગઢ થી નીકળી આ જગ્યાએ રાતવાસો કરેલો હતો.અને તેમની સાક્ષાત કુળદેવી આઈ વરુડી ની હાજરીમાં આ મંદિર તત્કાલીન ગામલોકોએ બાંધેલું અને મહિમા અપરંપાર હોવાને કારણે લખો લોકો દર્શને આવે છે.મહામાસની આઠમે પ્રથમ પુત્રની જનમની ખુશીમાં દરેક દંપતિ તલ ગોળ નો સવા મણ પ્રસાદ કરે છે.અહીં 8 દિવસ સુધી લોકમેળો હોય છે. અને આ મેળામાં વાઢિયારની સંસ્કૃતિ જોવા મળે છે. પહેલા લોકો બળદ ગાડું લઇ રાતવાસો રોકાઈ મેળો માલતા. લૉક વાદય ડબલું (ડફલી ) ખૂબજ પ્રખ્યાત હતું .હવે તે લુપ્ત છે. આજુબાજુ નાં લોકો ધંધા માટે કે દર્શન માટે આ પ્રદેશનો મેળો પરંપરાગત પ્રખ્યાત છે. અહીં ની બોલી વઢીયારી બોલી બોલાય છે. અને લોકો પણ માયાળુ છે.જેમણે દર્શન નથી કર્યાં તેમને વિનતી કે જરુર તમારા પરિવાર ને લઇ ને રાત રોકાજો.જમવાનું, રહેવાનું નિજી ખર્ચે મળી રહે છે.આઈશ્રીખોડીયાર માતાની આપણા બધાં પર કૃપા વરસતી રહે તે વિચાર સાથે
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )
જયખોડિયાર.