The old days of Diwali in Gujarati Anything by Sonali Methaniya books and stories PDF | દિવાળી ના જુના દિવસો

Featured Books
Categories
Share

દિવાળી ના જુના દિવસો

દિવાળી ની મજા ! એ આજ ના યુવાનો અને બાળકો ને ક્યાં ખબર છે...આજ ના સમય માં મોટા ભાગ ના લોકો દિવાળી પર આઉટ ઑફ સ્ટેશન ફરવા જતા રે છે...એમના માટે દિવાળી ફક્ત રજાઓ છે તહેવાર નહી. ચાલો હું તમને પહેલા ના સમય ની દિવાળી માં લઇ જઉ...

દિવાળી ના 1 મહિના પહેલા મમ્મી ના મન માં વિચારો ચાલુ થઈ ગયા હોય કે ઘર સાફ ક્યારે કરશું દિવાળી માં નાસ્તો ક્યારે બનાવીશું.ઘર મા કઇ કઇ વસ્તુ લાવાની છે. કઈ વસ્તુ નાખી દેવાની છે. હા હા હા 😂...

દિવાળી ના 1 અઠવાડિયાં પહેલાં ઘર માં સાફ સફાઈ ચાલુ થયી ગયી હોય.ભાઈ બહેન વચ્ચે મીઠો ઝગડો થતો હોય કે તું મારિયા માં ચડ હું નઈ ચડુ...મારિયા માં ચડી ને બધો સામાન નીચે આપવાનો હોય ...અને જો જૂની યાદો મળી જાય તો જોઈને હસવા લાગવાનું એટલે કે મમ્મી પપ્પા ના લગ્ન નો આલ્બમ મળી જાય નાનપણ ના રમકડાં મળી જાય તો એને જોયા જ રાખીએ પછી મમ્મી બુમો પાડે અલ્યા શુ કરે છે ઉપર તું... કામ કરને...હજી કેટલું બધું કામ બાકી છે.

ઘર સાફ કરતી વખતે ઘર ના દરેક સભ્ય લાગી જતા હોય કામ કરવા .કોઈ સેપટ પાડતુ હોય તો કોક દીવાલ પર ચૂનો લગાડતા હોય તો કોક વાસણો ધોતા હોય તો કોક જૂની વસ્તુ ઓ જોઈને ખિલખિલાટ હસતા હોય તો કોક કામ માંથી છટકી જતું હોય .કામ કરતી વખતે ઘર માં બુમાં બુમ ચાલતી હોય.

પછી વારો આવે નાસ્તા નો...પાડોશી એકા બીજા ના ઘરે નાસ્તો બનાવામાં મદદ કરતા હોય ...મમ્મી ના હાથ ના મઠીયા ,મોંથાળ,મગજ,ચોળાફળી
ઘુઘરા,ફરશી પુરી,ગૈડું ચવાણું, આ હાહા બધા નાસ્તા ની સુગંધ આખા શેરી માં ફરતી હોય મોજ પડી જતી અને આ ફરશી પુરી માં મમ્મી અમને ચપ્પુ લઈને કાણા પાડવા બેસાડતી અમે પણ રમતા રમતા કાણાં પાડી દેતા...જાત જાત ના કેટલાય નાસ્તા સૌ હસતા રમતા સાથે મળી ને ફટાફટ બનાવી દેતા...

દિવાળી પર આખો પરિવાર ભેગો થતો હોય કાકા-કાકી ભાઈ-બહેન દાદા-દાદી આખું ઘર ભરાઈ ગયું હોય અને મજાક મસ્તી થતી હોય બધા ભેગા મળીને વાતો કરતા હોય રમતા હોય...પછી દાદા ને લઈને ફટાકડા ની ખરીદી કરવા જઈએ અને ત્યારે અમને એવું લાગતું જાણે 45 લાખ ની ગાડી લેવા જઈએ છીએ એટલો આનંદ હતો ને એ ફટાકડા ની ખરીદી માં...પછી દુકાન જોતા જ બધા ભાઈ બહેન ચાલુ પડી જાય દાદા મને ફુલજરી લઇ આપો દાદા મને ટેટા લઇ આપો દાદા હું તો મોટા બૉમ્બ જ લઇશ પછી દાદા અમને બધું જ લઈ આપતા સાપોલિયા,ફુલજરી, ટેટા, ચકેડી, મોટા બૉમ્બ ,ટીકડી નું તો આખું પેકેટ જ લઇ દેતા પછી અમે બંદૂક લેવાની જીદ કરીયે એટલે દાદા કેતા કે હું તમને બંદૂક કરતા પણ મસ્ત વસ્તુ બનાવી આપીશ જેમાં બહુ મોટો અવાજ આવે એટલે અમે માની જતા.ઘરે આવીને તરત જ દાદા એ અમને ટીકડી ફોડવા માટેનું દેશી સાધન બનાવી આપ્યું જેમાં બોલ્ટ માં ટીકડી ભરાવી દેવાની અને તેને જોડ થી જમીન પર પછાડવાની ...અમને એ સાધન તો બહુ ગમ્યું તું પણ આ દેશી સાધન થી ચોર પોલીસે ના રમાય ને એટલે કાકા અને પપ્પા પાસે જઈને આજીજી કરતા કે બંદૂક લાવી દો ને અમને... ગમે તેમ કરીને લાવી ને છૂટકો કરતા...પાછા ફટાકડા ના ભાગ પાડવાનો સમય આવે ...તારા આટલા ફટાકડા મારા આટલા પછી એકા બીજા ના ફટાકડા ના ભાગ માંથી શાના માનાં ફટાકડા ચોરી કરી લેતા...અને જો એમાં ફટાકડા ના મલિક ભાળી જાય તો આઈ બન્યું હા હા હા (હાસ્ય)

ધનતેરસ ના દિવસે ઘર ના દરેક સભ્ય ભેગા થઈને લક્ષ્મી માતા ની પૂજા કરીયે અને નવા વર્ષ માં આપણા ઘરે લક્ષ્મી માં પધારે તેવી પ્રાર્થના કરતા...રાત પડે એટલે નાના મોટા બધા સંતા કુકડી રમતા પછી મોડી રાત સુધી વાતો ના વડા કરતા અને નાસ્તા ના ડબ્બા ખોલીને નાસ્તો કરતા અને ઠંડી માં ગરમાં ગરમ ચા પીતાં...

પછી આવે કાળી ચૌદસ... કાલી ચૌદસ ના દિવસે મમ્મી આખા ઘર નો કંકાસ ઉતારીને ચાર રસ્તા પર મેકવા જતા...દાદા આકડી માકડી તૈયાર કરતા એમાં એવું હોય કે લાંબી સોટી માં કોડિયું બાંધ્યું હોય અને એમાં દિવેટ ને તેલ નાખીને ઘર માં ઉતારીને ગામ ના ઝાપે મેકવા જઈએ...પછી ઘરે આવીને ગરમાં ગરમ ભજીયા ખાવા બેસી જવાનું.

દિવાળી ના દિવસે ફટાકડા ફોડવાનો ઉત્સાહ એટલો બધો હોય કે નાયા વગર જ ફટાકડા ની થેલી કાઢીને બેસી જવાનું...ફોડતા નહીં ફક્ત જોતા... પછીગરમાં ગરમ ફાફડા જલેબી નો નાસ્તો દાદા લઈને આવે એટલે બધા સૌ સાથે મળીને ખાવા બેસી જતા પછી ખેતર માં આટો મારવા જઈએ પછી અમારા ગામ માં એક પાંજરા પોળ હતું જેમાં અબોલ જીવ ને રાખવામાં આવતા જેમાં ગાયો,ભેંસો,પક્ષીઓ, પ્રાણીઓ ઘાયલ અબોલ જીવ , કૂતરા , આ બધા ની સેવા કરવામાં આવતી તો દાદા અમને ત્યાં લઈ જાય અને ત્યાં અમે અબોલ જીવ ને ખાવાનું આપતા અને દાદા અમને ત્યાં જીવન ના પાઠ ભણાવતા કે અબોલ જીવ બોલી નથી શકતા પણ તેમના માં પણ વેદના હોય છે પીડા હોય છે તેથી તેમને હંમેશા મદદ કરવાની...

દિવાળી ની રાતે ઘર માં ઘી અને તેલ દિવા ગોઠવીએ...ફટાકડા ફોડવાની તૈયારી થતી હોય અને ઘર માં દાદા ને પેલા ટેટા ની દિવેટ કાઢવા બેસાડી દેતા અને પછી મમ્મી અમને જુના કપડાં પહેરાવી દે જેથી ફટાકડા ફોડતા ક્યાંય કાણું ના પડે બુમો ને દેકારા થી આખું ઘર ગુંજવાતું હોય...ચકેડી ને સરગાવીયે એટલે બધા બોલીએ દેરાણી જેઠાણી બાઝીયા દેરાણી જેઠાણી બાઝીયા...બધા જોર જોર થી હસતા... પછી રાત્રે મોડા સુધી ઘર ની બહાર આંગણું વાળીને રંગોળી પૂરતા. જેમાં દિવા દોર્યા હોય ને નૂતન વર્ષે ની શુભેચ્છા ને કેટલુંય લખ્યું હોય.રંગોળી માં ભાત ભાત ના રંગ પૂરતા બાળકો રાતે મમ્મી ને કહીને સુવે મમ્મી સવારે 4 વાગે જગાડજો... રાતે મન માં પેલા... નવા કપડાં પહેરવાના હોય ને એ મોંઘેરો ઉત્સાહ હોય...

પહેલા ના સમય માં 1 જોડી કપડાં ની નવી લાવાની જ અને એ કપડાં બેસતા વર્ષ ના દિવસે વટ ભેર પહેરવાના અને સવારે સૌથી પહેલા તૈયાર થઈ ગયા હોય એટલે તીવ્ર જિજ્ઞાસા હોય કે કોઈક હમણાં મારા વખાણ કરશે કે વાહહ બેટા વહેલા તૈયાર થયી ગયો...(હાસ્ય)

પછી સવારે બધાને પગે લાગવાનું અને એના બદલે 5 ની અને 10 રૂપિયા નવી કડકડતી નોટ મળતી. ઘર માં અલગ અલગ નાસ્તા ની થાળી ઓ મેકાતી હોય મુખવાસ ની ડિશ મેકાતી હોય.હાલતા ચાલતા ખાતા જઈએ તો મમ્મી નો તરત જ અવાજ આવે આ તમારા માટે નથી મહેમાન માટે છે... હવે એક પણ અડતા નઈ...પછી ગામ માં દરેક ના ઘરે ઘરે જઈને પગે લાગવાનું હોય અને નવા કપડાં પહેરયા હોય એટલે આમ મન માં વટ તો એટલો ને જાણે મોટા ઓફિસર ના હોય...આખા ગામ માં પગે લાગીને આવીએ એટલે ભાઈ બહેન વચ્ચે હિસાબ થતો મારે આટલા બધા પૈસા આવ્યા તારે કેટલા લાવ્યા...પછી કુળ દેવી માં ના દર્શન કરવા જતાં.

પછી આવે ભાઈબીજ જ્યાં ભાઈ એ બહેન ના ઘરે મળવા જાય અને ત્યાં જઈને બહેન ના હાથ માં ભણીયા ના હાથ માં રોકડી આપીને બપોરે જમી ને ઘરે આવતા.

પહેલા ના સમય ની જેવી દિવાળી હતી એવી અત્યારે ક્યાં થાય છે અત્યારે તો દિવાળી પર ઘરે તાળા હોય અને બહાર ના તૈયાર દિવા હોય અને નામ પણ ના આવડે એવી બહાર ની મીઠાઈ ઓ હોય જે ખવાતી ના હોય ફક્ત શોભા ની હોય...ઘર સાફ તો કામ વાળા આવીને કરે એટલે ઘર સાફ ની મજા મળવાની જ નઈ...નાસ્તો પણ તૈયાર
લાવાના એટલે નાસ્તા બનાવતી વખતે આનંદ મળવાનો જ નઈ... કાળી ચૌદસ ના દિવસે તો હોટેલ માં જવાનું હોય એટલે ઘર નો કંકાસ જવાનો જ નઈ...દિવાળી પહેલા ના સમય જેવી ઉજવીને જોજો ઓઉતઓફ સ્ટેશન કરતા સારી લાગશે...

માણસ મેહનત કરે છે ફક્ત ખાવા માટે ?? વધુ પૈસા કમાવા માટે ?? મોટા ઘર માં રેવા માટે ??મોટી ગાડીયો માટે ?? આ બધું શુ કામનું જો મન માં આનંદ જ ના હોય.તહેવાર આપડને ખુશ રહેતા શીખવે છે.તહેવાર આપડને પરિવાર ની નજીક લાવે છે તહેવાર આપડને આનંદ માં રહેતા શીખવે છે...

આખા પરિવાર સાથે એજ જૂની દિવાળી મનાવીએ... અને સાચો આનંદ પ્રાપ્ત કરીયે

HAPPY DIWALI 🎉🎉🎉🎇