ઓપન
હાઉસ હતું. અંતરા એકલી જ સ્કૂલમાં ગઇ. પર્લે ના પાડી, તેને નથી આવવું. વિનીતને
એક ઇમ્પોર્ટન્ટ મિટિંગ અટેન્ડ કરવી હતી એટલે તેને ઓફિસે જલ્દી જવું હતું.
“ગુડ
મોર્નિંગ મે’મ... પર્લ રાયચુરા...” કહીને અંતરાએ અંજલિ મિસ પાસેથી પર્લની પેપરની ફાઈલ
લીધી.
પર્લના
માર્ક્સ જોઇને અંતરાની આંખો પહોળી થઇ ગઇ. આટલા ઓછા માર્ક્સ?? એંસીમાંથી બધા જ સબ્જેક્ટસમાં
પચાસની નીચે જ માર્ક્સ હતા!!
અંતરાએ
દરેક પેપર ખોલીને ક્વેશ્ચન સાથે આન્સર ટેલિ કરવાની કોશિશ કરી. પર્લે મોટાભાગના
આન્સર બ્લેન્ક છોડી દીધા હતા! આન્સર પેપરના ઉપરના હાંસિયામાં આડીઅવળી ઉભી લાઈનો
કરેલી દેખાઇ. મેથ્સના પેપરમાં તો લગભગ એક પણ દાખલો પૂરો કર્યો જ નહોતો.જે કરેલા
હતા એમાં બધે જ ગોટાળા વાળેલા હતા. મેથ્સના માર્ક્સ ૩૮!!
અંતરાને
તો સમજ જ નહોતી પડતી કે એંસીમાંથી એંસી કે પિંચોતેર સુધીમાં બધા જ વિષયોમાં માર્ક્સ
લઇ આવનારી પર્લને આ શું થઈ ગયું છે??
કેટલીય
વાર તો અંતરાએ પેપર પર નામ ચેક કર્યું કે ટીચરે ભૂલથી કોઇ બીજા વિદ્યાર્થીનું પેપર
તો આમાં નથી લગાડી દીધું ને!! પણ નામ પર્લ રાયચુરા જ લખેલું હતું. અંતરાનું તો
મગજ કામ કરતું બંધ થઇ ગયું.
લગભગ
એક કલાક સુધી એ બધા પેપર આગળ પાછળ કરતી રહી.. ઘડીભર તો તેને પર્લ પર ખૂબ જ ગુસ્સો
આવ્યો. મનોમન નક્કી કરી લીધું હતું કે આજે તો ઘરે જઈને પર્લની બરાબર લેફ્ટ રાઈટ
લઈશ.
અંતે
ટીચર પાસે અંતરા પાછી ફાઇલ મૂકવા ગઇ ત્યારે હજુ તો અંતરા ટીચરને કંઈ કહે એ
પહેલાં અંજલિ મીસે જ અંતરાને પૂછ્યું,
“તમે
બધાં પેપર્સ જોયાં? શું થયું છે પર્લને? તેનું નામ હંમેશા ટોપ થ્રીમાં હોય છે.તે
ઠીક છે ને?”
લગભગ
બધા જ પેરેન્ટ્સ પેપર્સ આપીને જતા રહ્યાં હતાં.. એકાદ હજુ ફાઇલ ચેક કરી રહ્યાં
હતાં, એટલે અંતરાએ ટીચરને કહ્યું,
“મિસ,
આઇ વોંટ ટુ ટોક વિથ યુ...”
“પ્લીઝ
વેઇટ, લેટ મી અરેંજ ઓલ ધ ફાઇલ્સ... ધેન આઇ વિલ ટોક ટુ યુ.”
અંતરા
બેન્ચ પર બેઠી રહી. પંદર મિનિટ પછી અંજલિ મિસે અંતરાને બોલાવી.
અંતરાએ મિસને આખી વાત કરી કે પર્લ હવે કેવી ગુમસુમ રહે છે. કોઈની સાથે બોલતી નથી... કોઇ
સામેથી બોલાવે તો પણ વાત કરવાનું ટાળે છે. હસતી બોલતી નથી.
અંતરાની
વાતો સાંભળીને અંજલિ મિસ પણ થોડી વિચારમાં પડી ગઇ. પછી બોલી,
“હા,.
મેં પણ એ વાત નોટિસ કરી છે. શી ઈઝ નોટ ટોકિંગ વિથ એનીબડી... મને પણ પર્લની ખૂબ જ
ચિંતા થાય છે. તમે એક કામ કરશો? અમારી સ્કૂલમાં સાયકોલોજીસ્ટ છે, શ્વેતા દલાલ...તમે એમને મળો. તેમને મારું નામ અને ક્લાસ, ડિવિઝન કહેજો...એ પરફેક્ટ વ્યક્તિ છે
પર્લને ગાઈડ કરવા માટે..અત્યારે એ સ્કૂલમાં જ છે. તમે સેકન્ડ ફલોર પર જશો એટલે
લેફટના કોર્નર પર તેમની કેબિન આવશે. મીટ હર રાઇટ નાઉ...ઓ. કે.?”
“ઓ.કે
મિસ...થેંક યુ” કહીને અંતરા ક્લાસમાંથી બહાર નીકળી. ફોર્થ ફ્લોરથી સેકન્ડ ફ્લોર
જવા માટે તે દાદરા જ ઊતરી ગઇ. સેકન્ડ ફ્લોર પર લેફટ કોર્નરમાં કેબિન દેખાઇ. દરવાજો
ખુલ્લો જ હતો છતાં અંતરાએ ખખડાવ્યું...
“મે આઇ
કમ ઇન, મેમ?”
“પ્લીઝ
કમ” સામેથી મીઠો અવાજ આવ્યો.
“માયસેલ્ફ
અંતરા રાયચુરા”
“પ્લીઝ,
હેવ અ સીટ...હું ગુજરાતી જ છું. તમે મારી
સાથે ગુજરાતીમાં વાત કરી શકો છો...”
“ઓહ,
ઓકે... એકચ્યુલી મારી ડોટર પર્લ રાયચુરા ફીફથ એ માં છે... તેના વિશે મને વાત કરવી
હતી.”
“હા,
બોલો ને.” શ્વેતા દલાલે શાંતિથી જવાબ આપ્યો.
અંતરાએ
પર્લનું ડિવિઝન આ વર્ષે બદલાયું... થી માંડીને પર્લને તેના ક્લાસમાં અને બસમાં
છોકરાઓ કેવી રીતે ચીડવતા હતા... ત્યાર બાદ અંતરા કેવી રીતે અંતર્મુખી થઇ ગઇ...ઉદાસ
રહેવા લાગી...બધા સાથે વાત કરવાનું ટાળવા લાગી...આ બધી જ વાતો શ્વેતા મેડમને
વિગતે કહેવા લાગી...
“આઇ
સી...તમે એક કામ કરશો? તમે પર્લને મારી પાસે લઇ આવો. મને તેના મનમાં શું ચાલી
રહ્યું છે તે જાણવું છે.”
“ઓકે...”
“હું
સોમવારથી શનિવાર સુઘી સવારે અગિયારથી પાંચમાં અહીં જ હોઉં છું.. તમને જયારે ફાવે
ત્યારે તેને મારી પાસે લઇ આવો.”
“ઓકે
મેમ, થેંક યુ સો મચ ફોર યોર સપોર્ટ.” કહીને અંતરા શ્વેતા દલાલની કેબિનમાંથી બહાર
નીકળી ત્યારે તેના દિલનો અડધો ભાર જાણે ઓછો થઇ ગયો હતો! કેટલી સરસ રીતે વાત કરી
શ્વેતા દલાલે! જો તેમનાં બોલવાની મારા પર આટલી પોઝિટિવ અસર થતી હોય તો પર્લ પર તો
સો ટકા તેમની વાતોની પોઝિટિવ અસર થશે!! થેંક ગોડ!
આ નવી રાહ દેખાડવા બદલ..બસ, હવે પર્લના ઉદાસ રહેવાના દિવસો ખતમ! ફરી પાછી
મારી દીકરી ખિલી ઉઠશે!!
અંતરાએ
ઘરની ડોરબેલ વગાડી ત્યારે તેની આંખોમાં રીતસરના ખુશીના આંસુ વહી રહ્યા હતા.
“શું
થયું અંતરા?” માલિનીબેને દરવાજો ખોલતાં સામે અંતરાની આંખોમાં આંસુ જોયા એટલે પૂછ્યુ...
“કંઈ
નહિ મમ્મી..” કહીને અંતરા રૂમમાં ફ્રેશ થવા જતી રહી. પર્લ હજુ સૂતી હતી એટલે દરવાજો બંધ કરીને અંતરા હોલમાં આવી.
“તારે
તાજી ચા પીવી હોય તો મૂકી દે... હું પણ પીશ
અડધો કપ..” માલિની બેનની પારખું નજરે
અંતરાની આંખોમાં ચિંતાના ભાવ જોઈ લીધા હતા.. સાસુ- વહુ વચ્ચે સરસ રેપો
બંધાઈ ગયો હતો! એક ટેન્શનમાં હોય તો બીજો તરત જ પારખી લે...સૌથી સારી વાત એ હતી કે
બંને સાથે બેસીને એકબીજાનું ટેન્શન હળવું કરી શકતાં હતાં!
અંતરાએ
ચા બનાવી. બંનેના ચાના કપ લઈને હોલમાં આવી. અંતરાએ માલિનીબેનને સ્કૂલમાં થયેલી બધી
વાતો કરી.
“પણ
તું શું બહાનું કાઢીને પર્લને એ બેન (શ્વેતા દલાલ) પાસે લઇ જઇશ?? હવે એ કંઈ નાની
કિકલી નથી કે તું એને ફોસલાવીને લઇ જાય... પહેલાં બધો વિચાર કરી લે.. પછી તને જેમ
ઠીક લાગે તેમ કર.”
મમ્મીની
વાત તો સાચી હતી. પર્લને જો હું એમ કહું કે ચાલ, તારી સ્કૂલની સાયકોલોજિસ્ટને
મળવા જવું છે તો એ કાઈ એકવારમાં હા નહિ પાડી દે... રસોઈ બનાવતા બનાવતા અંતરા આનો તોળ
શોધતી રહી..
“પર્લ
ઉઠીને બહાર હોલમાં સોફા પર બેઠી હતી. આજે તેનું ઓપનહાઉસ હતું એ પર્લને ખબર હોવા
છતાં તેણે એકેય વાર મમ્મીને પોતાનાં માર્ક્સ ન પૂછયા! અંતરા તેની બાજુમાં આવીને
બેઠી. પર્લને તેના રીઝલ્ટની કોપી હાથમા આપી અને બોલી, “પર્લ, તને ખબર છે, ઇંગ્લિશમાં તને કેટલા માર્ક્સ
આવ્યાં છે?”
“૪૬” પર્લે
કોઇ પણ જાતના હાવભાવ બદલ્યા વગર કહ્યું...
“હે!!
તને કેવી રીતે ખબર પડી?? મે તો તને માર્કસ કહ્યાં પણ નથી??” અંતરાની આંખો પહોળી થઇ
ગઇ!!
“અમારી
બધી ટીચરે અમને બધા પેપર્સ બતાવ્યા હતાં..અને કહ્યું હતું કે કંઈ ભૂલ હોય તો જે તે
સબજેક્ટ ટીચર પાસે જઈને સુધારી આવો." આટલું બોલતાં બોલતાં પર્લ રડવા માંડી. અંતરા પર્લના રડવાનું કારણ જાણતી હતી, છતાં કંઈ બોલી નહિ.
માલિની
બેન આવીને પર્લ પાસે બેઠાં. તેના માથે હાથ ફેરવતાં ફેરવતાં પૂછવા લાગ્યાં,
“શું થયું પર્લ બેટા??” કેમ રડે છે?” પર્લ
દાદીના ખોળામા માથું રાખીને રડવા માંડી.
“મારી
સામે જો દીકરા.. શું થયું, મને કહેશે? અંતરા, પર્લ માટે પાણી લાવ તો જરા.”
“દાદી,
મને બહુ ઓછા માર્ક્સ આવ્યા છે." પર્લ હીબકાં ભરી ભરીને રડી રહી હતી.
“ઓય
રે! એમાં શું આટલું રડવાનું? આ કંઈ છેલ્લી પરીક્ષા થોડી છે તારી? આ તારા ચોપડા
છાપવાવાળાય મૂરખા છે બધા. આવું અઘરું અઘરું કુમળા છોકરાવના મગજમાં ક્યાંથી જાય?
તોય તને તો આટલું આવડે છે. દાદીને જો કોઈ આ ચોપડીઓ વાંચીને પરીક્ષા આપવાનું કહે
તો હું તો નાપાસ જ થઈ જાઉ...”
માલિની
બેન પર્લને હળવી કરવાની કોશિશ કરી રહ્યાં હતાં.“તને ખબર છે, મને તો સ્કૂલમાં જ
જવું નહોતું ગમતું (હસતાં હસતાં) હું તો
દરરોજ નવા નવા બહાનાં શોધતી હતી, મારી માંને કહેવા માટે..’માં, આજે પેટ દુઃખે છે..
માં આજે માથું દુખે છે, વગેરે, વગેરે...”
માલિનીબેનનું
તીર નિશાના પર બરાબર લાગ્યું... દાદી- દીકરી બેઉ ખડખડાટ હસવા લાગ્યાં..એ બંનેને
હસતાં જોઇને અંતરાથી પણ હસી પડાયું.
મનોમન
વિચારવા લાગી. વડીલો ઘરમા હોય તો આ ફાયદો થાય. તમે તો હજી સમસ્યાને કેવી રીતે
સુલઝાવવી તેના રસ્તા શોધતાં હો ત્યાં તો વડીલો એ સમસ્યાનું નિવારણ પણ કરી નાખે!
પોતાનાં અનુભવના નીચોડથી...'વાળ તડકામાં સફેદ નથી કર્યા..'અત્યારે આ કહેવત સાચા
અર્થમાં પોતાની સામે સાર્થક થયેલી જોઇ રહી હતી અંતરા.
અત્યારે
તો પર્લને મમ્મીએ સમજાવી- બુઝાવીને ચૂપ કરી દીધી, પણ હવે તેને શ્વેતા દલાલ પાસે
કેવી રીતે લઇ જવી?? અંતરા મનોમન વિચારતી રહી.. જોકે અત્યારે રિઝલ્ટ જોઇને પર્લ જે
રીતે અપસેટ થઇ ગઇ હતી, તે જોઇને લાગ્યું કે ત્રણ- ચાર દિવસ પર્લ સામે કોઈ નવો
પોઇન્ટ ડીસ્કસ ન કરવો.. જેમ ચાલે છે તેમ બધું ચાલવા દેવું.
ક્રમશઃ