Shu Thase? in Gujarati Motivational Stories by Keval Makvana books and stories PDF | શું થશે?

Featured Books
Categories
Share

શું થશે?




(ગૌરવ ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને બોલ્યો)

ગૌરવ : હે‌ ભગવાન! મારાં બાળક પર દયા કર. તું મારો જીવ લઈ લે, પણ મારી દીકરીને સ્વસ્થ કરી દે. હું તારી સામે હાથ જોડું છું. તું એક નાનાં બાળક સાથે આવું કેમ કરી શકે.

(નંદિની ગૌરવ પાસે જઈને બોલી)

નંદિની : ગૌરવ! તું શાંત થઈ જા. તું આવી રીતે હિમ્મત હારી જા એ ન ચાલે. ભગવાન આપણી મદદ જરૂર કરશે.

ગૌરવ : નંદિની! હવે મારામાં હિંમત નથી રહી. મારી દીકરી આટલી નાની ઉંમરમાં કેટલું બધું સહન કરી રહી છે. મારાથી તેની હાલત જોવાતી નથી. ભગવાનને તેનાં ઉપર જરા પણ દયા નહીં આવતી હોય.

(ગૌરવ આટલું બોલ્યો ત્યાં તેની પાસે ડૉક્ટર આવ્યાં.)

ડૉક્ટર : મિસ્ટર ગૌરવ! તમારાં બાળકને પ્લાઝમાની જરૂર છે. તમારે બે કલાકની અંદર પ્લાઝમા ડોનરની વ્યવસ્થા કરવી પડશે. તમારાં બાળકની તબિયત ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. અમારા હૉસ્પિટલ તરફથી પૂરતો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે એ તો તમે પણ જાણો જ છો. આવાં સમયમાં ભાગ્યે જ કોઈ પ્લાઝમા ડોનર મળે છે. તો તમે તમારી તરફથી પ્રયત્ન ચાલુ રાખો અને અમે અમારી તરફથી પ્રયત્નો ચાલુ રાખીએ.

ગૌરવ : ઠીક છે. હું તપાસ કરું છું. તમને પણ એક વિનંતી છે કે મારાં બાળકને કંઇ ન થવાં દેતાં.

ડૉક્ટર : અમે પૂરતો પ્રયત્ન કરીશું, બાકી બધું ભગવાન પર આધારિત છે. કહેવાય છે ને જ્યાં દવા કામ નથી લાગતી ત્યાં દુઆ કામ લાગી જાય છે.

ગૌરવ : હું તપાસ કરું છું.

ગૌરવ દોઢ કલાકથી ફોન પર વાત કરીને અલગ અલગ જગ્યા પર પ્લાઝમા ડોનર શોધતો હતો , પણ હજુ સુધી કોઈ ડોનર મળ્યું ન હતું. તે નંદિની પાસે ગયો.

ગૌરવ : નંદિની! મેં મારાં તરફથી જેટલાં પ્રયત્નો થઇ શકતાં હતાં તેટલાં કર્યા, પણ કોઈ ડોનર નથી મળી રહ્યું. હવે શું થશે? જો મારી દીકરીને કંઇ પણ થશે તો હું જીવી નહિ શકું. હું પહેલાં જ આ કોરોનાને કારણે મારાં મમ્મીને ગુમાવી ચૂક્યો છું. હવે મારામાં કોઈ પણ દુઃખ સહન કરવાની હિંમત નથી.

નંદિની : ગૌરવ! રીયા મારી પણ દીકરી છે, પણ મેં હજી સુધી હિંમત નથી હારી. મને વિશ્વાસ છે કે ભગવાન જરૂર આપણી મદદ કરશે.

(ગૌરવ ગુસ્સો કરતાં બોલ્યો)

ગૌરવ : નંદિની! ભગવાન ક્યારે આપણી મદદ કરશે? જ્યારે આપણી દીકરીને કંઈક થઈ જશે ત્યારે! મને તો હવે ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો છે.

(ગૌરવ આટલું બોલ્યો ત્યાં તેનો ફોન વાગ્યો. ગૌરવ ફોન ઉપાડીને બોલ્યો.)

ગૌરવ : હેલ્લો! કોણ બોલે છે?

(સામેથી એક અનિકા નામની સ્ત્રી બોલી.)

અનિકા : હેલ્લો! મિસ્ટર ગૌરવ વાત કરે છે?

ગૌરવ : હા, હું ગૌરવ વાત કરું છું. તમે કોણ બોલો છો?

અનિકા : હું અનિકા વાત કરું છું. મારી ડૉક્ટર સહેલી પાસેથી મને જાણ થઇ કે તમારાં બાળકને પ્લાઝમાની જરૂર છે. તો હું તમારાં બાળકને પ્લાઝમા ડોનેટ કરી શકું છું.

ગૌરવ : આભાર! તમારો ખૂબ ખૂબ આભાર! હું તમને હૉસ્પિટલ નું એડ્રેસ મેસેજ કરું છું. કૃપા કરીને તમે જલ્દીથી અહીં આવી જાવ. મારાં બાળકની તબિયત ખરાબ થઈ રહી છે.

અનિકા : હા! હું આવું છું.

અનિકા હૉસ્પિટલ પર આવી અને તેણે રીયાને પ્લાઝમા ડોનેટ કર્યું. ડૉક્ટર ગૌરવ પાસે ગયાં.

ડૉક્ટર : હવે તમારાં બાળકની તબિયત સારી છે. હવે તમે તેને ઘરે લઈ જઇને તેની ઘરે જ સારવાર કરી શકો છો. તમે બધી ફોર્મેલીટી પૂરી કરી નાખો.

ગૌરવ : આભાર!

(નંદિની હાથ જોડીને બોલી.)

નંદિની : ભગવાન! તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.

ગૌરવ : નંદિની! અનિકા આપણાં માટે આશાની કિરણ સાબિત થઇ છે.

નંદિની : હા! એ તો છે.

ગૌરવ : મને માફ કરજો ભગવાન! હું ગુસ્સામાં તમારાં માટે ઘણું ખરાબ બોલી ગયો. તમે આવાં કપરાં સમયમાં મારી મદદ કરી એનાં બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

•~•~•~ સમાપ્ત ~•~•~•