"હકીકતમાં વાત એમ હતી જ નહીં?"મેં શાણપણથી કહ્યું.
"ત્યારે તું ફાટને,શું વાત હતી?"માતુશ્રી (પિતાજીની હાજરી હોવાથી) જરા ઉગ્ર થઈને બોલ્યા - ના, મહિષાસુરનું મર્દન કરવા જતી દુર્ગાની જેમ બોલ્યા.
"એમાં વાત ખરેખર એમ હતી કે ભગવાન બ્રહ્મા જ્યારે મહાહાસ્યોપાધ્યાય જ્યોતીન્દ્ર દવેનું...."
"એ ઊભો રે કોડા!...આ જીતુભાઇ કોણ?"પિતાજી તાડુકયા.
"પપ્પા,જીતુભાઈ નહિ,જ્યોતીન્દ્ર ભાઈ.હાસ્યવિવેચક મધુસુદન પારેખે એટલે જ કહ્યું છે કે હાસ્યક્ષેત્રે જ્યોતિઓ...."
"હવે આ વાણિયો વચ્ચે ક્યાં ઘુસાડ્યો તે? પેલા તો દવે હતા ને?બ્રાહ્મણ ને?"
"અરે,મારી મા!એ તો બ્રાહ્મણ જ,પણ આ તો વિવેચલ,પેલા તો સર્જક!"
"હવે ભાઈ તું એ બધું જવા દે તારું વૈતરું ને સરપોલિયું ને એ બધું...સીધી મુદા પર આવીને વાત કર."
"અરે પણ બાની પૂંજી સમાન બાપુજી!વૈતરું નહિ વિવેચક અને સરપોલિયું નહિ સર્જક!"
"અરે હવે આ તારો ગગો તો સમજતો જ નથી.મારા જેવા લોઢા વાળાને સરસ્વતી વળગાડે છે."
"હશે.સારું ચાલો (દુર્ભાગ્ય!). તો સાંભળો હવે વાત.તો એ બ્રહ્મા જ્યોતીન્દ્રનું સર્જન કરતા હતા ને એટલે કે જીતુભાઈનું સર્જન કરતા હતા ને ત્યારે આટલું પાતળું શરીર બનાવતા બનાવતા તેમને પરસેવો વળી ગયો.આથી એમને વળી સરસ્વતી દેવીની મદદ માંગી."
"આ પાછી એ ગરીબડીને વચ્ચે લાવ્યો.હું સાચું કહું છું હો જો આમ ને આમ તું એની પાછળ રખડયા કરીશ ને તો તારા બાયડી છોકરા ખાવા ભેગા પણ નહીં થાય!" પિતાજીએ ચિંતા વ્યક્ત કરી.
"તમે પણ બે મિનિટ મૂંગા મરો ને.છોકરાને બોલવા દેતા નથી.હજુ તો ભણે છે ત્યાં બાયડી છોકરા કરી નાખ્યા!"માતુશ્રી તાડુંકયા - મારા બદલે પિતાજી પર.કોઈક વખત ચમત્કાર થાય ખરા!
"જોકે મમ્મી,પિતાજીની વાતમાં મને વાંધો નથી."મારી જુવાની જાગી.
"બંધ થા બુહા, તને કોણ પરણાવશે એની દીકરી?પણ એ અત્યારે વાત નથી કરવી,તું મૂળ વાત પર પાછો આવ!"
"સારું.તો બ્રહ્માજીએ સરસ્વતી દેવીની મદદ માંગી.બંનેએ ભેગા મળીને એકદમ બિમારીથી ભરપૂર એક પાતળી આકૃતિ બનાવી દીધી.સરસ્વતીના હાથે બનેલ હોય એટલે વિદ્યા તો આવી જ હોય!એટલે એ પાતળી આકૃતિ આગળ જતાં જ્યોતીન્દ્ર ઉર્ફે 'જીતુભાઈ' થયા."
"પણ મુઆ,આમાં તારી વાત તો ક્યાંય આવી જ નહીં.આ જીતુભાઈ જાય તેલ લેવા.તારી વાત કર."
"મમ્મી, એમ ન કહેવાય જીતુભાઈનું આદરણીય નામ છે ગુજરાતી સાહિત્યમાં."
"એ મર હોય નામ મોટું,પણ આઠાનોય મળે છે એ ધંધામાં?ધૂળ ને ઢેફા!" પિતાજીએ દુનિયાદારી બતાવી.
"સારું હવે મારી વાત.તો જ્યોતીન્દ્ર ઉર્ફે જીતુભાઈની દેહરચના તૈયાર થઈ ગઈ પછી બ્રહ્માજીએ જોયું તો હજુ બે વસ્તુ વધી હતી - થોડોક કાચો માલસામાન અને બિમારીઓ!તો બ્રહ્માજીને થયું કે ચાલો આમાંથી એકાદ માણસ બનાવી નાખીએ અને એમને પૃથ્વી પર મોકલી એની સાથે રમ્યા કરીશું.ત્યાં સરસ્વતીદેવીએ પૂછ્યું કે હવે મારી મદદની જરૂર ખરી? બાકી હું જઉં. તો બ્રહ્માજીએ કહ્યું કે ના,હવે તમે જાઓ.આ માણસમાં કંઈ વધારે બુદ્ધિ નાખવાની છે નહીં,ખાલી બિમારીઓના અનુભવ માટે જ આ મૂર્ત પદાર્થને નીચે મોકલવાનો છે.પછી સરસ્વતી દેવી ચાલ્યા ગયા."
"હા... શ..." મારા પિતાજીને સરસ્વતી દેવીથી બહુ ચીડ એનો નુમનો!
"પછી બ્રહ્માજીએ એ કાચો માલ અને બિમારીઓ ભેગી કરી મને બનાવી નાખ્યો.સમજ્યા હવે,હું ભણવામાં નબળો અને બિમાર પડવામાં સબળો કેમ છું એ?"
"એ તમને કહું સાંભળો.પેલા ડોકટર સાહેબને બોલાવી લાવો.મને લાગે છે કે આપણા આ બુહાને મગજમાં તાવ ચડી ગયો છે એટલે જ તો આવા લવારા કરે છે."
"એને મગજનો તાવ નથી,એનું ચસ્કી જ ગયું છે.છતાંય હું બોલાવી લાવું ડોકટર."
હું આ સાંભળીને સમસમી ગયો.
(તાજેતરમાં જ ડેન્ગ્યુના મચ્છરોને મેં અન્નદાન કરાવ્યું.એના પ્રતાપે મને પણ ડેન્ગ્યુ થયેલો એ સમય દરમિયાન ઘડાયેલી રચના છે.આથી હવે જો તમને જો પસંદ ન આવે તો દોષ મારો નહિ,ડેન્ગ્યુના મચ્છરોનો છે.)