Aa Janamni pele paar - 5 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | આ જનમની પેલે પાર - ૫

Featured Books
Categories
Share

આ જનમની પેલે પાર - ૫

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૫

દિયાન અને હેવાલીને સપનામાં પણ કલ્પના ન હતી કે તેમણે આ રીતે છૂટા પડવાનો વખત આવશે. જન્મોજનમ સાથે રહેવાનું વચન આપ્યું હોય અને એકબીજા માટે જ સર્જાયા હોય ત્યારે અચાનક એક અણધાર્યું તોફાન એમની સામે આવી જશે એવું વિચાર્યું જ ન હતું.

થોડા દિવસ પહેલાં વહેલી સવારે ઊઠીને જ્યારે દિયાને એક વાત હેવાલીને કરી ત્યારે હેવાલીએ પણ સામે એવી જ વાત કરી. બંનેએ સમાંતર એકસરખો અનુભવ કર્યો હતો. એ જાણીને બંને ચમકી ગયા હતા. બંનેના જીવનમાં એક સાથે કોઇ અજાણી વ્યક્તિનું આગમન થયું એ યોગાનુયોગ હતો કે કુદરતનો કોઇ ખેલ હતો એ સમજવાનું બંને માટે સરળ ન હતું. બંને માટે આ જનમમાં એક નવી જ દુનિયાના દ્વાર ખૂલી રહ્યા હતા. ક્યાંય વાંચ્યું ના હોય કે કોઇ ફિલ્મમાં જોયું ના હોય એવું જીવનમાં બનવા લાગે ત્યારે કોઇપણ આશ્ચર્યમાં પડી જાય. અને એ સંજોગોમાં શું કરવું એ સમજી ના શકાય. દિયાને આંખો ચોળતાં કહ્યું:'હેવાલી, આપણા સાથનો આ પહેલો જન્મ છે...' ત્યારે એની વાત યોગ્ય હોય એમ હેવાલી પણ બોલી હતી:'હા દિયાન, હું પણ ગયા જન્મમાં બીજા કોઇની હતી...'

'તો શું મને ગઇકાલે રાત્રે જે અનુભવ થયો અને જે જાણવા મળ્યું એ ખરેખર સપનું ન હતું પણ સચ્ચાઇ હતી?' દિયાને પોતાની વાતની ખરાઇ માટે હેવાલીને પૂછ્યું.

'હું પણ એ જ કહું છું કે મને ગઇકાલે જે સપનું આવ્યું એ હકીકત હશે કે કોઇ ભ્રમ?' હેવાલી પોતાની વાતનો જાતે જ અંદાજ બાંધી રહી હતી.

'હેવાલી, ગઇકાલે સપનામાં મને એક યુવતી મળી. મને કહે કે હું તમારી પત્ની છું. મેં કહ્યું કે હું તો પરિણીત છું. મારા હેવાલી નામની યુવતી સાથે લગ્ન થયા છે. ત્યારે એ કહે કે એ લગ્ન તો આ જનમમાં થયા છે. તમારી સાથે મારા લગ્ન તો ગયા જનમમાં થયા હતા. હું આ જનમની પેલે પારથી તમારી પાસે આવી છું. તમારી સાથે ભવોભવનું બંધન હતું. આપણે સાત જનમ સાથે જીવવાના વચન આપ્યા હતા. હજુ બીજો જન્મ શરૂ થયો છે અને તમે બીજાનાં કેવી રીતે થઇ ગયા? હું શિનામી છું... મને ના ઓળખી? એની વાતો સાંભળીને હું ચોંકી ગયો હતો. મેં કહ્યું કે મને મારા આ જન્મના બાળપણની ઘણી વાતો યાદ નથી ત્યાં ગયા જનમની તો શું ખબર હોય? ત્યારે એણે કહ્યું કે મારા પર એનો અધિકાર છે. મારી સાથે એ જ પત્ની તરીકે રહેવાનો હક્ક ધરાવે છે. ગયા જનમમાં ભવોભવ સાથે રહેવાનું વચન આપ્યું હતું એ નિભાવવાનું છે. મેં કહ્યું કે મને ખબર હોત કે કંઇ જાણતો હોત તો હેવાલી સાથે લગ્ન જ કર્યા ના હોત...તેણે કહ્યું કે હવે તું હેવાલીને છોડી દે અને મારો થઇને વચન પૂરું કર. આ તો બીજો જન્મ છે. આપણે સાત જનમ સાથે જીવવાનું છે...' દિયાને પોતાને સપનામાં મળેલી શિનામી નામની યુવતીની વાતો હેવાલીને અક્ષરશ: કહી.

તેની વાતો સાંભળીને હેવાલી કહે:'એ કેવું કહેવાય કે જેમ તને સપનામાં શિનામી નામની યુવતી આવીને સંદેશ આપી ગઇ એ રીતે મને મેવાન નામનો યુવાન આવીને કહી ગયો છે. તે કહેતો હતો કે તું મારા દિલની રાણી રહી છે. આપણે ગયા જનમમાં પતિ-પત્ની હતા અને દરેક જનમમાં ફરી મળવાનું વચન આપ્યું હતું. આપણે બીજા જનમમાં મળવાનું હતું. મેં કહ્યું કે મને એવી કોઇ ખબર જ ન હતી. કોઇને પોતાના પૂર્વજન્મની ક્યાં ખબર હોય છે. આ જન્મમાં જેની સાથે લગ્ન નક્કી થાય એ જ ગયા જન્મમાં પણ જીવનસાથી રહ્યો હોય ને? મેં દિયાન નામના યુવાનને મારો જીવનસાથી બનાવ્યો છે. અને અમે જન્મોજનમ સાથે રહેવાનું વચન આપી દીધું છે. ત્યારે એ કહે કે એ ભૂલને સુધારવી પડશે. આપણે ફરી એક થવાનું છે. જન્મોજનમનો સાથ નિભાવવાનો છે. તું મારી છે અને કાયમ મારી જ રહેશે. મારા સિવાય તારે કોઇનો વિચાર કરવાનો નથી. તારે દિયાનને છોડી દેવો પડશે. હું તારા જીવનમાં આવી ગયો છું. હવે આપણાને જન્મોજનમ સુધી કોઇ અલગ કરી શકશે નહીં...'

દિયાન અને હેવાલી પોતાના સપનામાં થયેલા વિજાતીય પાત્રોના સંવાદથી નવાઇ પામી રહ્યા હતા. બંનેને એક સાથે કોઇ આવીને એકસરખી વાત કહી જાય એ કોઇ ભ્રમ ના હોય શકે. એ સપનું ના હોય શકે. એમાં કોઇ સચ્ચાઇ જરૂર છે. આ વાતને સપનું સમજીને વિસરી ના જવાય. કોઇ ફોન કરીને કે પત્ર લખીને આવી વાત કરે તો એને પકડી શકાય પરંતુ આમ સપનામાં આવીને કહી જાય એને સાચું કેવી રીતે માનવું અને એની વાત મુજબ આગળ કેવી રીતે વધવું એ સમજાતું ન હતું. બંનેની દ્વિધા સરખી હતી. બંને એકબીજાને દિલોજાનથી ચાહતા હતા. બંનેના મનમાં એ પ્રશ્ન રમી રહ્યો હતો કે એમની સ્વર્ગમાં બની હોય એવી જોડીને અલગ થવાની વાત કોણ અને કેમ કરી રહ્યું છે એનું રહસ્ય શોધવું કેવી રીતે?

ક્રમશ: