'મેં
કેમ પર્લ માં આ ફરક નોટિસ ન કર્યો?? હા, હમણાં એ ઘરે આવીને સ્કૂલની બહુ વાતો નહોતી
કરતી...નહિ તો જેવી ઘરે આવે એવી, ‘ આજે સ્કૂલમાં આ કર્યું... આજે ટીચરે આમ
કહ્યું... મારે કાલે ચાર્ટ પેપર લઇ જવાનું છે... બ્લા, બ્લા...’ સ્કૂલની તેની વાતો
જ ખૂટતી નહોતી. છેલ્લા થોડા દિવસોને યાદ કરતાં અંતરાને એ વાત રિઅલાઈઝ થઈ કે પર્લ
ચૂપ -ચૂપ રહેવા લાગી છે. ઉદાસ રહે છે. ઘરે પણ ખૂબ જ ઓછું બોલવા માંડી છે.’
આ બધું
વિચારીને અંતરાનું મન વધુ જોરથી ધબકવા લાગ્યું. તેણે સીધો વિનીતને ફોન લગાડયો...
“હેલો
વિનીત, તારી સાથે થોડી વાત કરવી છે... તું બિઝી છે?”
વિનીત
સામેથી કંઈ જવાબ આપે તેટલો સમય રાહ જોવાની ધીરજ અંતરામાં નહોતી...અંતરાએ ધડાધડ
બોલવાનું શરૂ કરી દીધું...“પર્લની ટીચરને
હું મળી આજે, એ કહે છે કે પર્લ ક્લાસમાં ઉદાસ રહે છે. વધુ કોઇ સાથે બોલતી નથી. હમણાં થોડા સમયથી તેનું ભણવામાં પણ ધ્યાન નથી હોતું. વિનીત, મને તો પર્લનું બહુ જ
ટેન્શન થાય છે.”
“અંતરા,
તું ખોટું ટેન્શન ન લે. ફોન પર બધી વાત નહિ થાય. હું રાતે ઘરે આવું ને એટલે આપણે
નિરાંતે વાત કરીએ. હમણાં તું શાંતિથી ઘરે
જા... અને હા, ઘરે પહોંચીને મને એક ફોન કરી દેજે કે હું પહોંચી ગઇ છું." વિનીતે એકદમ
સ્વસ્થ રહીને જ વાત કરી.
“ઓ.
કે. ચાલ, ફોન મૂકું છું.” કહીને અંતરાએ ફોન મૂકી દીધો. ઘરેથી નીકળી ત્યારે
વિચારીને નીકળી હતી કે વળતાં માર્કેટમાંથી શાક લેશે, પણ વિચારોમાં એવી અટવાઇ ગઇ કે શાક લેવાનું યાદ જ ન આવ્યું.
ઘરે
પહોંચ્યા પછી પણ અંતરા પોતાનામાં જ ખોવાયેલી હતી.. સાંજે માધવદાસે અંતરાને
પૂછ્યું, “ શું થયું બેટા? ટેન્શનમાં લાગે છે?”
“પપ્પા,
આજે હું પર્લની ટીચરને મળવા સ્કૂલમાં ગઇ હતી...” અંતરાએ આખી વાત માધવદાસને વિગતે
કહી."
“હા!
મને પણ પર્લ હમણાં ઉદાસ ઉદાસ લાગે છે! પહેલાં કેવી ખુલીને હસતી હતી, એવી હસતી
નથી... મને એમ કે ભણવાનું પ્રેશર હશે! પણ જો ખરેખર આ બાબત હોય તો આપણે આનો નિવેડો
લાવવો જ રહ્યો...નહિ તો આપણી ફૂલ જેવી છોકરીના કોમળ મન પર તેની ખરાબ અસર થશે!
અંતરા, તું છે ને, પર્લને થોડો વધારે સમય આપ... તેની સાથે રમ, તેને બહાર લઇ જા...તેને ગમતી ફિલ્મ દેખાડ... નવાં કપડાં લઇ આપ... ઘરના બે કામ ઓછા કરીશ તો કોઈ વાંધો નહિ... હું તો ઘરમા ફ્રી જ બેઠો હોઉં છું. તને ઘર માટે કોઈ ચીજ જોઈતી હોય તો મને કહી દે, હું લઇ આવીશ. વિનીત તો પોતાના કામમાં વ્યસ્ત છે. આજે રાત્રે તેને આવવા દે... જો
તેને ફાવે એવું હોય ને તો તમે ત્રણેય બે- ચાર દિવસ માટે મહાબળેશ્વર ફરી આવો...હવા
ફેર થઈ જશે. નવું વાતાવરણ હશે તો જૂનું બધું ભુલાઈ જશે. સ્કૂલમાં રજા પડે તો
પડવા દે.” માધવદાસ એકીશ્વાસે બધું બોલી ગયા..
રાત્રે
પર્લને સુવડાવીને અંતરા, વિનીત, માધવદાસ અને માલિનીબેન હોલમાં બેઠાં. બધી વાતની
ચર્ચા થઈ. અંતે માધવદાસ અને વિનીતનો એક જ મત નીકળ્યો કે બે- ચાર દિવસ માટે મહાબળેશ્વર જઇ આવીએ. વાતાવરણ બદલાશે એટલે બધું ઠીક થઈ જશે.
વાતની
વચમાં માલિનીબેને ટહુકો મૂક્યો, “ હા, હા...મને કોઈ વાંધો નથી. ભલે જતાં.એ તો
મારાથી જેવી થાય એવી રસોઈ બનાવી લઈશ...”
માધવદાસ
પત્નીનો સ્વભાવ જાણતા હતા એટલે તરત જ બોલ્યા, “ તું રસોઈની ચિંતા ન કર... આપણે એવુ
હોય તો ટિફિન મંગાવી લઈશું.”
“અમારા
બી.પી (બ્લડ પ્રેશર)વાળા લોકોનો આ જ
પ્રોબ્લેમ...બપોરે જમીએ એટલે એવું ઘેન ચડે.. .અંતરા નહિ હોય એટલે મારે બપોરે સવિતા બાઇ કામ કરીને ન જાય ત્યાં સુધી
જાગવું પડશે, અને એક વાર સૂતાં એટલે મર્યા.. કોઇ ખૂન કરીને જતું રહે ને તોય ખબર ન
પડે."
માલિની
બેને ફરિયાદનો સૂર આલાપ્યો, પણ જોયું કે અત્યારે કોઈ સાંભળે તેમ નથી, એટલે પોતે જ
રસ્તો કાઢી લીધો...“એ તો વાંધો નહિ... હું બપોરે હોલના સોફા પર જ સૂઇ જઇશ.”
*** *** ***.
**
વિનીત,
અંતરા અને પર્લ મહાબળેશ્વરથી પાછા આવી ગયાં. પર્લ થોડી ખુશ દેખાતી હતી. બધાને
હાશકારો થયો.. મહાબળેશ્વર જવાનું ફળ્યું. સ્કૂલમાં લગભગ અઠવાડિયાનો ગેપ થઇ ગયો
હતો. ત્રણ દિવસ રોકાયાં. એક દિવસ બેંક હોલિડે આવી ગયો. ઘરમા બધા ખુશખુશાલ હતા કે
ચાલો, હવે સોમવારથી પર્લ પાછી સ્કૂલ જશે. ભૂતકાળનું બધું ભૂલી ગઇ હશે અને હવે ફરી
ફ્રેશ શરૂઆત કરશે. પણ...
પણ
બધાની આશા પર પાણી ફરી વળ્યુ.. એવું કંઈ જ ન થયું.. સોમવારે પર્લ સ્કૂલમાંથી પાછી
ફરી ત્યારે એવી જ ઉદાસ અને મુરઝાયેલી હતી. અંતરાએ આડીઅવળી વાતો પૂછીને પર્લ પાસેથી
જાણવાની કોશિશ કરી કે આજે પણ ક્લાસમાં અને બસમાં છોકરાઓ ચીડવતા હતા? પણ અંતરાની એ
કોશિશ બેકાર રહી.. પર્લ એટલી ચિડચિડી થઇ ગઇ હતી કે કોઈ વાતનો સરખી રીતે જવાબ જ
નહોતી આપતી.
અંતરાએ
પર્લની જૂની ફ્રેન્ડ ફલકની મમ્મીને ફોન કર્યો, આડીઅવળી વાતો દ્વારા જાણવા મળ્યું
કે પર્લની ક્લાસ ટીચર અંજલિ મિસ રજા પર છે. અને પ્રિન્સિપાલ મેડમ પણ...સ્કૂલને કોઇ
એવોર્ડ મળ્યો છે, જેની સેરેમની દિલ્હીમાં છે, એટલે અંજલિ મિસ અને પ્રિન્સિપાલ મેડમ
બંને દિલ્હી ગયાં છે.
અંતરા
ફોન રાખ્યા બાદ મનમાં ને મનમાં બધી વાતોને ગોઠવવા માંડી.. એનો મતલબ પોતે જયારે
અંજલિ મિસને મળી એના બીજા દિવસથી પર્લ સ્કૂલમાં નહોતી ગઇ.. અમે મહાબળેશ્વર ગયાં હતાં..
એટલે.. એનો મતલબ એ કે અંજલિ મિસે ક્લાસમાં કોઇ વાત જ નહિ કરી હોય.અને હવે તે રજા
પર છે!
‘હે
ભગવાન!’ અંતરા મનોમન બબડી. વિચારોમાં ને
વિચારોમાં અંતરાએ સાંજની રસોઈ પતાવી લીધી! અને પર્લને હોમ વર્ક કરાવવા બેઠી.
“પર્લ
ચાલ બેટા, હોમ વર્ક શું છે આજનું? બુક ખોલ...”
“મમ્મી,
મને કાલે સ્કૂલમાં નથી જવું.” પર્લે નીરસતાથી જવાબ આપ્યો.
“કેમ
બેટા?”
“બસમાં
મને આજે પણ નિરવી અને તેની ફ્રેન્ડસ ચિડવતી હતી”
“તો
એના માટે કંઈ સ્કૂલ થોડી બંક કરાય? તું બસની ચિંતા ન કર. મેં તેનો રસ્તો વિચારી
લીધો છે...”
“શું”
“કાલે
તને સવારે બસ માટે છોડીશ ને ત્યારે બસમાં આન્ટી આવે છે એ જ્યાં બેસે છે ને... ક્લીનરની સીટ પર...આન્ટીને કહું છું કે તને એની બાજુમાં બેસાડે એટલે તને કોઈ
ચિડવશે નહિ...” પર્લને મનમાં ધરપત થાય તેવી રીતે અંતરાએ તેને સમજાવી.
સવારે
અંતરાએ એમ જ કર્યું. બસની કેરટેકર આન્ટીને સમજાવી દીધી કે પર્લને તેની બાજુમાં જ બેસાડે. જેથી તેને કોઈ ચીડવે નહિ. અને બે મિનિટ બસને ઉભી
રખાવીને અંતરાએ નિરવીને કડક આવાજમાં ઠપકો
આપ્યો, જેથી તે પર્લને ચીડવે નહિ.
અંતરા
મનમાં ને મનમાં ખુશ થતી ઘરે ગઈ કે આજે તો બધું સેટ થઈ ગયું છે.. હવે કોઈ પર્લને
ચિડવશે નહિ.. અને સાચ્ચે એવું જ થયું..બસવાળી આંટીની ધાકથી નિરવી અને તેના
ફ્રેન્ડસની હિંમત જ ન થઈ પર્લ ને ચિડવવાની. ત્યાં સુધીમાં અંજલિ મિસ પણ રજા પરથી
પાછી આવી ગઈ હતી. તેણે કલાસમાં બધા છોકરાવને વોર્નીગ આપી હતી! એટલે હવે કોઈની હિંમત નહોતી
ચાલતી, પર્લને ચિડવવાની.
આ બધી
જદ્દોજહદ છતાં પર્લમાં જબરદસ્ત બદલાવ આવી રહ્યો હતો. દિવસે દિવસે તે અંતર્મુખી થઇ
રહી હતી. કોઇ સાથે ખાસ વાત કરતી નહોતી.. સ્કૂલમાં પણ તેનું બોલવાનું સાવ ઓછું થઈ
ગયું હતું.vઅંતરા તેને હોમવર્ક કરાવવા બેસતી ત્યારે પણ સ્કૂલ વિશે પર્લ ખાસ કોઈ
વાત કરતી જ નહીં. અંતરા પોતે પણ સ્કૂલની વાત વધુ કરવાનું ટાળતી. ડરના માર્યા, કે
પર્લ પાછી અપસેટ ન થઈ જાય...
ક્રમશઃ