Sajan se juth mat bolo - 23 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | સજન સે જૂઠ મત બોલો - 23

Featured Books
Categories
Share

સજન સે જૂઠ મત બોલો - 23

પ્રકરણ ત્રેવીસમું/૨૩

વહેલી સવારે મીડિયા જગતના માધ્યમથી એક બ્રેકીંગ ન્યુઝ વાયુ વેગે પ્રસરતાં શહેરના અંધારી આલમમાં એક અણધાર્યા છુપા ભયના સુનામીનો સંકેત ફેલાઈ ગયો..

‘ગત રાત્રિએ હાઇવે પર સાહિલ રવજી કોટડીયા નામના ડાયમંડ માર્કેટના વેપારીની કપાળ પર ગોળી ધરબીને કરાયેલી નિર્મમ હત્યા.’

સપનાએ જયારે કોઈપણ આનાકાની વગર કોલ પર મળવાની લીલીઝંડી આપી ત્યારે સાહિલના હૈયે ધરપત થઇ, એ પછી અનન્ય ઉન્માદના ઉમળકા સાથે બે ઘડી આંખો મીચી, આજે ઈશ્ક્દેવ સાહિલ ઇષ્ટદેવ કરતાં વધુ સરિતાના ભરોસે કિસ્મત કનેક્શનને જોડતી મંઝીલ તરફ પ્રયાણ કરવાં માટે કાર સ્ટાર્ટ કરતાં મ્યુઝીક સીસ્ટમ પર તેનું પસંદીદા સોંગ પ્લે કર્યું..

‘સાંસો મેં બઢી બેકરારી
આંખો મેં કઈ રત જગે
કભી કહીં લગ જાયે દિલ તો
કહીં ફિર દિલ ના લગે..
અપના દિલ મેં જરા થામ લૂં
જાદૂ કા મેં ઇસે નામ દૂં
જાદૂ કર રહા હૈ... અસર ચુપકે-ચુપકે
દો દિલ મિલ....

ડ્રાઈવ કરતાં સાહિલની બાજુની સીટ પર બેસેલો મજનુએ, માઉન્ટેન ડ્યુ સોફ્ટડ્રીંકના ટીનમાંથી ઘૂંટડો ભરતાં બોલ્યો..

છેલ્લાં એક-બે દિવસથી જેટ સ્પીડે ફરતાં તારા ફજેતફાળકા જેવા ફીતુર જોઇને લાગે છે કે, તું જરૂર કોઈ કાળો જાદૂ કરવાની કરવાની ફિરાકમાં છે. ભાઈ, જે કરજે એ સમજી વિચારીને કરજે. એવું ન થાય કે, જાદૂમંતર કરતાં કરતાં ક્યાંય તું ખુદ જ છૂમંતર થઇ જાય.’

‘કેમ ? કઈ વાત પરથી તને એવું લાગે છે ?
બેક વ્યુ મિરર સરખો કરતાં સાહિલે પૂછ્યું

‘આટલાં વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે સાહિલ કે, આપણે ક્યાં, કેમ, કોને અને ક્યારે મળવા જઈ રહ્યા છે, તેની કોઈ મેટર તે મારી જોડે શેર નથી કરી, એ વાત પરથી. તેનું કારણ પૂછી શકું ?

મજનુના વજનદાર પ્રશ્નાર્થથી સ્હેજ ઝંખવાયેલો સાહિલ બોલ્યો..

‘સાચું કહું મજનુ, લાઈફમાં પહેલી અને આખરી વખત કોઈના ભરોસે ભવસાગરમાં આંખ મીચીને ડૂબકી લગાવવા જઈ રહ્યો છું. ક્યાં, કયારે, કેમ શું થશે તેની મને પણ જાણ નથી પણ... કોઈએ મજાકમાં જૂઠનો આશરો લઈને મારી લાગણીની કિંમત આંકી છે. પણ, તેને ખ્યાલ નથી કે, દુનિયાભરના દૌલતની ચકાચોંધને ઝાંખી પાડે એવી ઝંખનાની ઝાંખી મારા રુદિયામાં લઈને બેઠો છું.’

‘પણ, યાર સાહિલ અચાનક તને જિંદગી સાથે આવો આંધળાપાટા જેવો જુગાર રમવાની ગમ્મત શા માટે સુજી ? એ મને નથી સમજાતું.’

‘કારણ કે, અહીં પરસ્પરના પરીનિષ્ઠાની પરિસીમા પ્રીતની પ્રતીતિથી પાર અને અપાર છે. સ્નેહ પર શ્રધ્ધાએ સરસાઈ મેળવી છે. ઋજુ સંવેદનશીલતાના સ્ફુરતાં સ્પષ્ટ, સહજ અને સરળ સમીકરણ મૌલિક અને માર્મિક છે. અતળ સરિતા અને ચંચળ સાહિલ સંકળાયા છે, આસ્થાના આધારસ્તંભથી જોડાયેલા સ્નેહસેતુના તંતુથી.
હવે આ જદ્દોજહેત જજબાતના જુગાર માટે નહીં પણ જુગાડ માટે છે. ઈશ્કનો કારોબાર નથી પણ ઐતબાર છે, ઈબાદત છે. સમજ્યો.’

‘સાચું કહું.. ? ’ મજનુએ પૂછ્યુ.
‘આજે સટ્ટાબજારમાં ભૂલથી તું કોઈ ઘાયલ સાહિત્યકારની એઠી ચા પી ગ્યો લાગે છે.’
બોલતાં મજનુ જોરથી હસવાં લાગ્યો.

‘હદ કરે છે, યાર. તે તો મારી પ્રેમ પારાયણ પર પોતું ફેરવી દીધું. ઓહ્હ નો. યાર લાગે છે આજે આ વરસાદ પણ વિઘ્ન નાખીને વેરી બનશે.’
સાહિલ બોલ્યો

ઠીક સપનાને ફોન પર જણાવેલાં લોકેશન પર કાર સ્ટોપ કરતાં સંકોચની લાગણી સાથે સાહિલ બોલ્યો..
‘સોરી,મજનુ, મારે જેને મળવાનું છે, તેના માટે થોડો સમય મને પ્રાયવસી જોઈશે.
એટલે તું સામેના ઢાબા પર થોડો સમય વેઇટ કર, હું કોલ કરું ત્યારે આવી જજે,’

સાહિલે અચાનક કરેલા અકલ્પનીય નિવેદનથી મજનુને મન પર સ્હેજ લાગી આવ્યું.
છતાં ગંભીરતાને ગમ્મતમાં કાઢી નાખતાં હસતાં હસતાં મજનુ બોલ્યો..

‘પડછાયાથી પ્રાયવસી જોઈએ છે, એમ ?
‘દોસ્ત, દેવથી વિશેષ તને માનું છું એ વાત તું જાણે છે, સમજણની ઉમરથી જાણું છું કે, તારા સિવાય મારું કોઈ નથી. પોતીકા અને પારકાના ભેદ પારખવાની અધીરાઈમાં એટલો આગળ ન નીકળી જતો કે, તારી હયાતિથી જેના હૈયાં ધબકે છે, એ નોંધારા થઇ જાય.’

પહેલીવાર મજનુને આટલો ઈમોશનલ થઇ જતાં સાહિલ બોલ્યો..
‘અરે.. મજનુ તું તો મારા અસ્તિત્વનો આધાર અને ઓળખ છો યાર, કેમ આવું બોલે છે ? અને પ્રાયવસી માટે એટલે વિનંતી કરી કે, હજુ અનુમાનિત બંધ અનુબંધની સાંકળ ‘જો’ અને ‘તો’ ના અટકળ પર અટકેલી છે. આજે તું મારી જિંદગીના સૌથી ભાગ્યશાળી પળનો ભાગીદાર બનવા જઈ રહ્યો છે. બસ થોડી પ્રતિક્ષા કર..’
‘ઓલ ધ બેસ્ટ.’
આટલું બોલી સાહિલ સાથે હાથ મિલાવી મજનુ વરસતાં વરસાદમાં સો એક મીટર દૂર આવેલાં ઢાબા તરફ દોડ્યો..

હવે સપના જે કારમાં હતી ત્યાંથી સાહિલે જણાવેલાં સ્થળ વચ્ચે માત્ર પાંચથી સાત મીનીટનું અંતર હતું.. પણ અચાનક માવઠાં જેવા ત્રાટકેલા વરસાદી માહોલ, અજાણ્યુ સ્થળ અને રાત્રિ સમયના કારણે સપના ખચકાટ સાથે સ્હેજ ગભરાહટ અનુભવતી હતી.
સાહિલે જણાવેલાં નિશ્ચિત સ્થળ પર આવી પહોચતાં ઠીક સાહિલના ઈનોવા કારની પાછળ ટેક્ષી થંભાવી સપનાએ કાર ચાલકને થોડા સમય માટે થોભવાનું કહ્યું.

વરસતાં વરસાદ વચ્ચે ઝડપથી કારમાંથી ઉતર્યા પછી છુપા ડર સાથે ઈનોવા કારનું બેક ડોર ઉઘાડી, સપના દાખલ થઇ.. ત્યાં બેક સીટ પર કારમાં સાહિલને એકલો જોઈ, સપનાએ હાશકારો અનુભવ્યો..

થોડી ક્ષણો બન્ને એકબીજાની સામું જોતાં રહ્યાં....સપનાએ ભીનાં કેશ પરથી તેના નીતરતાં ચહેરા પર ટપકતાં ટીપાંને હળવેકથી તેના દુપટ્ટાથી લૂંછયા. ઉપસ્થિત રહેવા માટે અચાનક સાહિલે આપેલા ઉખાણાં જેવા આવેદનથી ઉખડેલા શ્વાસોશ્વાસની હાંફથી સપનાની છાતી ધબકતી હતી. અનકમ્ફોરટેબલ ફીલ કરતી સપનાને જોઇને સાહિલે પૂછ્યું..

‘કેટલી તકલીફ પડી અહીં સુધી પહોંચવામાં ?’
‘એક કરોડથી વિશેષ.’ સ્હેજ હળવાશ અનુભવતાં હસતાં હસતાં સપના બોલી..
‘હવે પ્લીઝ પઝલ જેવી મુલાકાતના પૂર્વભૂમિકાની પ્રસ્તાવના રજુ કરો તો, રહસ્યમય કથાના સારાંશનો કંઇક સંકેત મળે.’ સપના બોલી..

તરત જ સાહિલ બોલ્યો..
‘માત્ર એક કરોડ રૂપિયા ? સરિતા, ક્યા પરિમાણના આધારે તે આપણા અપ્રતિમ અનુબંધની કિંમત આંકી અને શા કારણે ?’


‘આ સવાલ તો તું મને કોલ પર પણ પૂછી શક્યો હોત..તો તેના માટે અહીં સુધી
બોલાવાનુ કારણ પૂછી શકું ? સાહિલના સવાલ સામે સપનાએ સવાલ ધર્યો.

‘તેનો જવાબ છે મારી પાસે, પણ એ પહેલાં મને મારા સવાલનો સાંભળવો છે.’
સાહિલ બોલ્યો

‘હમ્મ્મ્મ...કારણ તો નહીં આપું, પણ મને રકમ આપણા સુરક્ષિત ભવિષ્ય માટે પર્યાપ્ત લાગી એટલે કહી.’ સપના બોલી

એટલે તરત જ સાહિલ બોલ્યો..
‘જૂઠ.. જૂઠ...અને તદ્દન જૂઠ. અચ્છા ચલ મને બીજી એક વાતનો જવાબ આપ, શહેરથી આટલાં દૂર, અજાણ્યાં સ્થળ પર, અયોગ્ય સમયે મારા એક કોલ પર અહીં સૂધી આવવાનું મુખ્ય કારણ ?

‘અટલ વિશ્વાસ.’
આંખોમાં ઉતરી આવેલી એક અનોખી ચમક સાથે સપના બોલી

એટલે શેકહેન્ડ માટે સાહિલે સપના તરફ હાથ લંબાવ્યો અને સપનાએ પણ એટલા જ ઉમળકા અને ગર્મજોશીથી હસ્તધૂનન કરતાં સાહિલ બોલ્યો..

‘જ્યાં ફક્ત વિશ્વાસનો વાસ હોય, ત્યાં સહજતાથી સઘળું સુરક્ષિત હોય, તો પછી ત્રાટક કરી, એક કરોડની રકમની આડશનો આશરો લેવાનું કોઈ કારણ ખરું ? ’

આંખના પલકારામાં ખડક જેવા અડગ આત્મવિશ્વાસથી સાહિલે સપનાની ફૂલપ્રૂફ બાજી ઉંધી પાડી દીધી. આટલું સાંભળતાં સપનાના શાતિર દિમાગમાં જાણે શોર્ટસર્કિટ થઇ ગઈ. ડોળા ચકળવકળ અને મનોદશા ડામાડોળ થઇ ગઈ.

સ્વસ્થ થવાની કોશિષ કરી, હાથમાંથી સરકતી બાજી સંભાળતા સપના બોલી..

‘ચલો થોડીવાર માટે તારી વાત માની પણ લઉં પણ, આ એક કરોડથી પણ વિશેષનું શું રહસ્ય છે ?’

‘માત્ર એટલું જ કે તારા એક કરોડના જુઠાણાની વાર્તાને હું ગંભીરતાથી સ્વીકારીને સહમતી આપું તો..વિશ્વાસની ગરિમા જળવાઈ રહે અને જુઠાણાનો છેદ ઉડી જાય બરાબરને ?

હવે પાસાં ઊંધાં પડતાં સપના તેની જ ચાલમાં બરાબર ફંસાઈ ગઈ. હવે સપના માટે પીછેહઠ કરવા તલભાર પણ જગ્યા નહતી. છતાં અજાણ્યાં બનવાનું નાટક કરતાં સપના બોલી..

‘મતલબ...? હું કંઈ સમજી નહીં.’

‘એક મિનીટ’
એમ કહી સાહિલે સપનાના જમણા હાથની હથેળી તેના હાથમાં લઇ, તેની પર બ્લ્યુ કલરની મખમલની ચાર ઈંચની પોટલી મૂકી.

‘આ શું છે ? ’ આશ્ચર્ય સાથે સપનાએ પુછ્યું
ઊંડો શ્વાસ લઇ, સપનાની આંખમાં આંખો પોરવતા સાહિલ બોલ્યો
‘તારા રુઆબદાર રુતવાનો જવાબ. મારી સિમ્પથી અને તારી સંપતિ.’
એટલે પઝલ જેવી પોટલી ઉઘાડતાં વ્હેત જ સપનાની આંખો અંજાઈ ગઈ અને મતિ મૂંઝાઈ ગઈ.

પોટલી રિઅલ ડાયમંડથી ભરેલી હતી. સપના હજુ કંઇ સમજે કે, પૂછે એ પહેલાં સાહિલ બોલ્યો..

‘એક કરોડથી વધુના ડાયમંડ છે બોલ, હવે તો તારું ભવિષ્ય તારા હાથમાં સુરક્ષિત છે ને ?
ગંભીરતાથી આરંભ કરેલા હનીટ્રેપના ગેમ પ્લાનને ગમ્મતના રવાડે ચડાવ્યાં પછી ઓવર કોન્ફિડન્સમાં એક કરોડ જેવી માતબર રકમના તિકડમનું તીર છોડીને ગેમ ઓવર કરવાનો સપનાનો પ્લાન સુપર ફ્લોપ થઇ ગયો. એક કરોડના હીરાની કિંમત આગળ સપના સાહિલના ભારોભાર ભરોસાના ભાર તળે દટાઈ ગઈ.

સાપે છછુંદર ગળ્યા જેવી દશા થઇ ગઈ સપનાની. વાતવાતમાં વાતનું એટલું વતેસર થઇ ગયું કે વાત ટાળવા કે વાળવા માટે સપનાને કોઈ ઉપાય કે ઉત્તર સૂઝતો નહતો. પછી સ્હેજ થોથવાતા સપના બોલી..

‘અરે.. સાહિલ .. એ તું હું તારી જોડે...’
હજુ સપના તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં સાહિલ બોલ્યો...

‘મજાક કરતી હતી એમ જ ને...?

‘પણ...હું સ્હેજે મજાકના મૂડમાં નથી. તારી ચેલેન્જ જેવી એક કરોડની ડીમાંડને પૂરી કરવા આ એક કરોડથી વધુ કિમતના રીઅલ ડાયમંડ પુરાવાની પાવતી તરીકે તારા હાથમાં આપ્યા છે. હજુ’યે તારા મન મસ્તિષ્કમાં મારા પ્રથમ સ્નેહ સ્પર્શના સ્પંદન માટે કોઈ સંશયને સ્થાન હોય તો કહી દે.’

ચુપકીદીમાં કૈદ સપનાની હાલત જોતાં સાહિલ બોલ્યો..
‘સરિતા... તારું મૌન તને કસૂરવાર સાબિત કરવા માટે પર્યાપ્ત છે. તારો અંતિમ નિર્ણય જાણવા માટે જ મેં તને અહીં બોલવી છે, અને આજે તારા નિર્ણય સાથે મારી જિંદગીનો અંજામ પણ સંકળાયેલો છે, એટલું સમજી લે જે. હવે તું જ નક્કી કરીને કહે કોની શાઈનીંગ વધુ છે, મારા શબ્દોના સચ્ચાઈની કે હીરાની ?’

સાહિલના પારદર્શક પ્રેમની પરાકાષ્ઠાએ સપનાના ખોખલા અહંકાર અને અસ્તિત્વને ધરમૂળથી હલબલાવી નાખ્યાં. બહારની ચિક્કાર વર્ષા કરતાં તેનો માંહ્યલો તેની જાત પર વધુ ધિક્કાર વરસાવી રહ્યો હતો. ખુદને શહેરના બાપ સમજતી સપનાના મનોવાંછિત મનસુબાને સાહિલે નિસંદેહ, નિસ્વાર્થ પ્રેમના હૂંફથી ફૂંક મારી, ધ્વંસ કરીને સાફ કરી નાખ્યો હતો.

ખુદ પરનો આક્રોશ ઠાલવતાં અચાનક સપના બોલી..

‘પ્લીઝ.. સાહિલ સ્ટોપ ઈટ. પહેલાં મને સાંભળી લે, પછી તું જે કહીશ એ હું સાંભળવા અને સ્વીકારવા સહમત છું.’
એમ કહી સપના થોડીવાર ચુપ થઇ ગઈ.

વરસાદી માહોલથી વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પણ, કારની ભીતર તંગદિલીનું તાપમાન ઊંચું હતું. અંતે સપના હિંમત એકઠી કરીને બોલી...

‘એક્ચ્યુલી, તારા સંપર્કમાં આવવાં માટેનું કારણ કંઇક જૂદું જ હતું.. ખુબ મોટો ગેમ પ્લાન હતો, તને ફંસાવવા માટેનો.. અને તેના માટે હું...’

હજુ સપના તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં કારની વિન્ડો પર કોઈએ ટકોરા માર્યા..
બહાર ખુબ જ અંધકાર હતો. સાહિલને થયું કે મજનુ હશે એટલે ડોર ઓપન કરતાં જ..

સામે એક પડછંદ કાયા ધરાવતાં બુકાનીધારી વ્યક્તિએ મજબૂત બાવળાના જોરે ખેંચીને પૂરું ડોર ઉઘાડી નાખ્યું. તેના હાથમાં રિવોલ્વર હતી.
એ જોઇને સાહિલ અને સપના બન્ને ગભરાઈ ગયાં..
વીજળીના ચમકારા કરતાં પણ અનેક ગણી ગતિએ બુકાનીધારી વ્યક્તિએ ઘડીના છઠા ભાગમાં ચતુર દિમાગથી એક સાથે અનેક પાસા વેરી દીધા..
હજુ બન્નેમાંથી કોઈ કશું બોલે એ પહેલાં પેલી વ્યક્તિ આશ્ચર્ય સાથે બોલી...
‘થેંક યુ સપના....’
બીજી જ પળે સપના પરિચિત અવાજ સાંભળતા જોરથી બોલી..
‘ખુર્શીદ લાલા, તુમ ? ઔર યે સબ ક્યા હૈ ? ’ હેબતાઈ ગયેલી સપના બોલી..

સપનાની વાતને નજરઅંદાઝ કરતાં સાહિલને સંબોધતા ખુર્શીદ લાલા બોલ્યો
‘ઓ હીરો, જરા ભી હિરોપંતી કિયે બગૈર તેરે પાસ જો હીરે હૈ વો જલ્દી સે મુઝે દે દે. વરના.. યે ગન ભી અસલી હૈ ઔર ઉસમેં ભરી ગોલીયાં ભી સમજે. દિમાગ ચસકેગા તો ચલ જાયેગી હાં.’

આ દ્રશ્ય જોઇને સપનાને લઇ આવેલી કારનો ચાલક ઝડપથી કાર સ્ટાર્ટ કરી ડરનો માર્યો ભાગી છુટ્યો.

સાહિલ તો હજુ એ આઘાતથી ઘાયલ હતો કે, લૂટારું એ સરિતાને સપના નામથી કેમ સંબોધી અને તેનું આ વ્યક્તિ સાથે શું કનેક્શન ?

હજુ ખુર્શીદ લાલા કંઈ હરકત કરે એ ત્યાં... સ્હેજ પણ ડર્યા વિના સપના બારણું ઉઘાડી, ખુર્શીદ લાલા પાસે આવીને તેનો વિરોધ કરે એ પહેલાં ખુર્શીદ લાલાએ જોરથી રિવોલ્વરની મૂઠનો નિર્દયતાથી સપનાના માથાના ભાગમાં પ્રહાર કર્યો. ઈજા પહોંચતા તમ્મર સાથે આંખે અંધારા આવી જતાં સપના ફસડાઈ પડી.

એ જોઇ, હિંમત એકઠી કરી, ખુર્શીદનો કોલર ખેંચી ઊંચાં અવાજે સાહિલ તેને લલકારવા ગયો ત્યાં... ખુર્શીદ લાલા સાહિલના લમણે રિવોલ્વર ધરતાં બોલ્યો..

‘આખરી બાર બોલ રહા હૂં, જાન પ્યારી હૈ તો ચુપચાપ હીરે મેરે હવાલે કર, નહીં તો ચુટકી બજાતે હી તેરા ખેલ ખત્મ હો જાયેગા.’

એક સેકંડ માટે તો સાહિલને થયું કે કહી દઉં.. ‘મારી નાખ.’

એ પછી પ્રાણઘાતક માનસિક હુમલાના આઘાતથી પડી ભાંગેલો સાહિલ હીરાની પોટલી ખુર્શીદ લાલાના હાથમાં આપવાનો વિચાર કરતો હતો ત્યાં જ.....

વીજળીના એક જબરદસ્ત કડકા સાથે મેઘગર્જના થતાં વીજળી ગૂલ થઇ અને સર્વત્ર કાળું ડીબાંગ અંધારુ છવાઈ ગયું...

થોડીવાર પછી રિવોલ્વરના એક ધડાકા સાથેની ચીસના ચિત્કારથી વાતવરણ ગુંજી ઉઠ્યું..

કપાળને આરપાર વીંધતી કારતૂસથી ચહેરાના ફુરચે ફુરચા ઉડતાં, લોહીથી લથપથ સાહિલનો નિષ્પ્રાણ દેહ કયાંય સુધી પડી પડ્યો રહ્યો....


દિલધડક ઘટનાના અડધો કલાક પછી....
આશરે રાત્રિના સાડા અગિયારની આસપાસ તેના બેડરૂમમાં લેપટોપ પર કોઈ સિક્રેટ મિશનની કડીઓ ગોઠવવાંમાં મશગૂલ સૂર્યદેવનો મોબાઈલ રણક્યો... ડિસ્પ્લે પર નામ ફ્લેશ થયું..

‘સાહિલ’

‘હાં, બોલ સાહિલ..’
પણ સામા છેડેથી ફક્ત હીબકાં ભરી ભરીને ધ્રુસકે ધ્રુસકે રડવાનો અવાજ સંભળાતા સૂર્યદેવ સફાળો બેઠો થઇ ગયો..

‘હેલ્લો... સાહિલ ..શું થયું સાહિલ..? કેમ આટલો રડે છે ?..’

રુદનના કંપન પરથી સૂર્યદેવને અંદાજ આવતો હતો કે, નક્કી કંઇક અણધાર્યું ઘટ્યું છે.
‘હેલ્લો.. સાહિલ પ્લીઝ સ્ટોપ ક્રાયિંગ.’
ગળે ડૂમો ભરાઈ આવતાં સામા છેડેથીથી અવાજ આવ્યો..
‘સાહેબ.....બબબબબબ, સાહિલ મરી ગયો..’
બસ આટલું બોલતાં ફરી હૈયાંફાટ રુદન શરુ થયું

આટલું સંભળાતા તો...એક સેકંડ માટે બાહોશ અને નીડર સૂર્યદેવના શરીરમાં કંપારી છુટી ગઈ. બીજી જ પળે સ્વસ્થ થતાં અત્યંત અધીરાઈથી સૂર્યદેવે પૂછ્યું..

‘મજનુ... એ હેલ્લો, આ તું શું બોલે છે ? ક્યાં છે સાહિલ ? તું ક્યાં છે ? શું થયું સાહિલને ? મજનુ..’
થોડી ક્ષણો બાદ...માંડ માંડ જાતને સંભાળ્યા પછી મજનુએ ત્રુટક ત્રુટક અવાજમાં હ્રદય દ્રવી ઉઠે એવી દાસ્તાન સુણાવતા સૂર્યદેવ રીતસર બેડ પર ફસડાઈ પડ્યો.. અશ્રુધારા ફૂટી પડી. છપ્પનની છાતી ધરાવતાં સૂર્યદેવની છાતીના પાટિયા બેસી ગયા. પળ માટે કાળજું ચિરાઈ ગયું હોય એવી મનોમન ચીસ નીકળી ગઈ..
થોડી ક્ષ્રણો માટે સૂર્યદેવ મોબાઈલ બાજુ પર મુકીને બન્ને હથેળીમાં મોં દાબીને ઊંડા ઊંડા શ્વાસ ભરવા લાગ્યો..

‘સાહેબ.....બબબબબબ, સાહિલ મરી ગયો..’
આ શબ્દો સંભાળતા સૂર્યદેવને લાગ્યું જાણે તેના કાનમાં કોઈએ ધગધગતું સીસું રેડયું હોય..જાણે કોઈએ બર્બરતાથી પ્રહાર કરી તેનું કોઈ અંગ વાઢી નાખ્યું હોય. સાહિલ આ ફાની દુનિયા છોડીને જતો રહ્યો એ ઝંઝાવાત જેવી વાતની ખબર માત્રથી મક્કમ અને મજબૂત મનોબળ ધરાવતાં સૂર્યદેવનું સમગ્ર અસ્તિત્વ ખળભળી અને દ્રવી ઉઠ્યું.

ગહન શ્વાસ ભરી, ચિત્તને શાંત કર્યા પછી સૂર્યદેવ બોલ્યો..
‘હું ન આવું ત્યાં સુધી કોઈની પણ જોડે એક શબ્દ શેર ન કરીશ. હું શક્ય એટલો જલ્દી પહોચું છું.’

ત્વરિત તેજ ગતિમાં નીકળીને મજનુએ જણાવેલાં સ્થળ સુધી પહોચતાં પહોચતાં સૂર્યદેવે ફોરેન્સિક લેબના ફિંગરપ્રિન્ટ એક્ષ્પર્ટ, ડોગ સ્કવોડ, એમ્બ્યુલેન્સ, મીડિયા પર્સન, એવા ચારથી પાંચ અત્યંત જરૂરી અને કોફીડેન્શિયલ કોલ્સ કરીને આગળના રણનીતિનો એક રફ ગ્રાફ દિમાગમાં તૈયાર કરી નાખ્યો.

એ પછી અંદાજે રાત્રિના એક અને ચાળીશ મિનીટની આસપાસ મોબાઈલ રણક્યો.
બિલ્લુભૈયાનો. અડધો કલાક પહેલાં નિદ્રાધીન થયેલાં બિલ્લુએ આંખો ઉઘાડ્યા વગર જ કોલ રીસીવ કર્યો.

‘બિલ્લુભૈયા..એક બુરી ખબર હૈ..’ બિલ્લુનો અતિ વિશ્વાસુ સાગરિત ગણપત બોલ્યો

‘બોલ.’ સ્હેજ પણ વિચલિત થયાં વગર બિલ્લુએ પૂછ્યું

‘વો નઈ લડકી હૈ ના સપના, ઉસકે યાર કા મર્ડર હો ગયાં ? ગણપત બોલ્યો..

સફાળો ઊભાં થતાં બિલ્લુ બોલ્યો..
‘વો સાહિલ કા ? કબ ? કહાં ?
‘હાં..સાહિલ કા, હાઇવે પર... કબ હુઆ યે તો પતા નહીં, પર વો ટીવી ચેનલ મેં એક દોસ્ત હૈ, ઉસને કોલ પે બતાયા અભી.’
‘ખબર પક્કી હૈ ?’ ઠોસ બંધ ખાતરી કરવા બિલ્લુએ ફરી પૂછ્યું..
‘સોલે આના પક્કી ખબર હૈ, બિલ્લુભૈયા, વરના ઇતની રાત કો મેં આપકો કોલ નહીં કરતાં.’ મક્કમતાથી ગણપત બોલ્યો..
‘અચ્છા તું બાકી કી બાત કા પતા લગા, ઔર મુજે કોલ કર.’
બેડ પરથી ઊભાં થતાં બિલ્લુ બોલ્યો..
કોલ કટ કરી, પહેલો કોલ ડાયલ કર્યો સપનાને...
પણ, નો રીપ્લાઈ.

એ પછી ફોન જોડ્યો ઇકબાલ મીર્ચીને... ત્યાંથી પણ એ જ પ્રત્યુતર સાંભળવા મળ્યો.
એટલે બિલ્લુને સંગીન મામલાના ભણકારા સંભળાતા નાઈટ ડ્રેસમાં જ રવાના થઇ, ફટાફટ કાર ભગાવી સપનાના ફ્લેટ તરફ..


અસામાન્ય ગતિમાં સપનાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કાર એન્ટર કરી..
સિક્યુરીટી ગાર્ડ સાથે જરૂરી મસલત કર્યા બાદ... સાતમાં માળે આવી બિલ્લુ દાખલ થયો સપનાના ફ્લેટમાં..ડોર ઉઘાડીને જોયું તો..

બેઠકરૂમના સોફા પર ઊંહકારા ભરતી અર્ધજાગૃત અવસ્થામાં સપના પડી હતી. બાવડું પકડીને ઢંઢોળવા છતાં સપનાની આંખો ઉઘડતી નહતી..એટલે બાજુના ટેબલ પર પડેલો પાણીનો જગ રીતસર સપનાના મોં પર ઢોળી દેતા હતપ્રભ દશામાં અચાનક સપનાની આંખો ઉઘડી ગઈ. સામે બિલ્લુને જોઈને ગભરાહટથી આહત સપના અશ્રુ નીતરતી આંખો સાથે એટલું બોલી...

‘બિલ્લુભૈયા.... એ લોકો સાહિલને મારી નાખશે.. તમે એ લોકોને...’
સપનાના મુખેથી હજુ શબ્દો નિકળે એ બિલ્લુએ એક સણસણતો તમચો સપનાના ગાલ પર ચોડી દીધો. બિલ્લુની હથોડાછાપ થપ્પડ પડતાં સપના સંતુલન ગુમાવી બેઠી. સપનાનો ગુલાબી ગાલ, લાલ થઇ ગયો અને હથેળીની છાપ ઉપસી આવી.

‘મર ગયાં સાહિલ. સાલી.. તેરી બેવકૂફી કી વજહ સે. તેરે જિસ્મ કે ગુરુરને એક બેગુનાહ કી જાન લે લી.’
આંખોમાં ઉતરી આવેલાં ખુન્નસ સાથે ખીજમાં ભરાયેલો બિલ્લુ ઊંચાં અવાજમાં રીતસર તાડૂક્યો..
‘મર ગયાં સાહિલ.... મર ગયાં સાહિલ..... મર ગયાં સાહિલ....’

રગેરગમાં ચિંગારી ભડકી ઉઠે તેવા જલદ શબ્દ સાંભળતા, હજ્જારો ફીટની ઉંચાઈની ટેકરી પરથી કોઈએ ધક્કો મારીને ખાઈમાં ફંગોળી દીધા જેવી દશા સપના અનુભવી રહી હતી. ચિત્તભ્રમ થતાં એવો ભાસ થયો જાણે આસપાસનું સઘળું અનિયંત્રિત ગતિમાં ભમવા લાગ્યું. શરીર ધ્રુજવા લાગ્યું..

જયારે કોઈ તીક્ષ્ણ ધારદાર હથિયાર હૈયાં સોંસરવું આરપાર વીંધાઈ જાય ત્યારે ગળું ચીરતી જે ચીસ નીકળે એવાં.... ચિત્કાર સાથે બાજુમાં પડેલા કાચના જગને સામેની દીવાલ પર ટીંગાડાડેલા ફૂલ લેન્થ અરીસા પર બળપૂર્વક ઘા કરતાં સપનાએ ચીસ પાડી...

‘સાહિલલલલલલલલલલલલલલલલલલલલલ’

-વધુ આવતાં અંકે.