અર્પણ
એ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.
પ્રસ્તાવના
આ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય...
પરિકલ્પના
ફાલ્ગુની દોસ્ત
પ્રકરણ-૨૧
અમૃતાના સકારાત્મક વલણ દરેકની પ્રાર્થના અને એના કરેલ કર્મના ફળ રૂપે એ પોતાના ઘરે આવી ચુકી હતી. ઘરમાં શોભાબહેન સહિત દરેક પરિવારે ખુબ જ પ્રેમથી એનો ઘરમાં આવકાર કર્યો હતો. ભાર્ગવીને એ વાતનો રંજ હતો કે હવે ફરી ભાભી એકદમ પેલા જેવા સક્ષમ ન બને ત્યાં સુધી બાળક દત્તક લેવાની વાત મુલતવી રાખવી પડશે છતાં હવે ઘરનું વાતાવરણ ખુબ આનંદિત રહેતું હોવાથી એ ભાભી માટે ખૂબ જ ખુશ હતી.
ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. ગાયત્રી બહેન થોડા થોડા દિવસે ભાભી પાસે આવી એમનું માતૃત્વ ન ધારણ કરી શકવાનું દુઃખ તેમના મન પર હાવી ન થાય એ માટે પોતાની હાજરી પુરાવી ભાભીનું ધ્યાન નવી યાદોને સમેટવામાં રહે એવું વાતાવરણ ઉભું કર્યા કરતી હતી.
અપૂર્વ પણ પોતાના મિત્ર વિનયને તેની પત્ની એમના બાળકો અને તેના નાના ભાઈની એકની એક દીકરી કે જે એમના માતાપિતાને ખોઈ ચુકી હતી એ 'હની' ને લઇ ને વારંવાર કોઈ પણ બહાને પાર્ટી ગોઠવતો કે જેથી ભાભી ઘરમાં આનંદના માહોલમાં જૂની કોઈ પણ વાતને યાદ જ ન કરે. વળી વિનયના બાળકો મોટા હતા આથી હનીને પણ ભવ્યા સાથે વધુ બનતું એ વાતની નોંધણી અપૂર્વ અને ભાર્ગવીએ નોંધી લીધી હતી.
રાજેશ તો અમૃતાના નામની જાણે માળા જ જપતો હતો. ખરેખર આટલો બધો પરિવારમાં પ્રેમ આવી જશે એવી રમેશભાઈને કલ્પના જ નહોતી..
શોભાબહેન બોલતા નહોતા પણ એમની નજરમાં રહેલ ઝેર વર્તાતુ હતું પણ હવે આખો પરિવાર જાણે એમની એ વર્તણૂકને નજરઅંદાજ કરતા શીખી ગયો હતો. આથી ઘરમાં શાંતિ યથાવત રહેતી હતી.
...... એક વર્ષ પછી........
અમૃતા ઘરના મંદિરની આરતી કરી, દરેકને આરતી લેવા અને ગરમાગરમ નાસ્તો કરવા ડાઈનિંગ ટેબલ પર આવવા બૂમ પાડે છે. ભાર્ગવી એમને જોઈ મનમાં જ વિચારે છે કે, ભાભી પેલા ફક્ત પોતાની ફરજ જ નિભાવતા હતા પણ હવે તો એ ફરજથી મળતાં આનંદને પણ માણી રહ્યા છે. પોતાની ભાભીને નજર ન લાગે એ માટે ભાર્ગવી આંખનું આંજણનું ટપકું ભાભીના કાનની પાછળ કરે છે અને ભાભીને કહે છે, "આઈ એમ સો હેપી ફોર યુ." એમ કહી ભાભીના હાથ પકડી એમને ફુદરડી ફેરવે છે.
અપૂર્વ દૂર ઉભો બંને દેરાણી જેઠાણીની મસ્તી નિહાળી રહ્યો હતો. અપૂર્વ મનમાં જ બોલ્યો કે, 'હવે એ સમય આવી ગયો છે કે રાજેશભાઈ અને ભાભી માટે મેં કરેલ વિચાર રજુ કરું.' પોતાના વિચારને રજુ કરવા એ તરત એક પ્લાન ઘડી લે છે. બધા જ નાસ્તો કરવા આવી ગયા હતા. અપૂર્વએ કીધું, "આજે વિનય એના પરિવાર સાથે સાંજે જમવા આવશે. ભાભી કાંઈક તમારા હાથનું સરસ ડિનર બનાવજો."
અમૃતા તો આ સાંભળી તરત બોલી, "વાહ હની આવશે!" ભાભીના ચહેરા પર એકદમ આનંદ છવાઈ ગયો અને એ હરખાતા બોલી ઉઠ્યા, "હું ભવ્યા અને હની માટે એમની પસંદના વેજ મંચુરિયન અને બ્રાઉની બનાવીશ અને આપણા બધા માટે ભાર્ગવી જે કહે તે બનાવી આપીશ." અપૂર્વએ તરત નોંધ્યું કે, ભાભી હનીના નામથી કેટલા ખુશ થઈ ગયા. તેણે આંખના ઈશારે ભાર્ગવીને પણ કીધું કે ભાભી કેટલા ખુશ થયા.
અમૃતા બધું જ ડિનર બનાવી અને હનીની આવવાની રાહ જોતી હતી. જેવા વિનયભાઈ આવ્યા કે તરત હની પણ અમૃતાભાભીને વળગી પડી. બંનેને આમ પ્રેમથી મળતા જોઈ રાજેશ પણ ખુશ થતો હતો. બધાએ ડિનર કરી લીધા બાદ અમૃતાભાભી ભવ્યા અને હની જોડે મસ્તી કરી રહ્યા હતા, શોભાબહેન, નીલા અને ભાર્ગવી કિચનમાં બધું ઠીક કરી રહ્યા હતા. વિનયના બંને બાળકો રમેશભાઈ જોડે લેપટોપ પર કંઈક સર્ચ કરી રહ્યા હતા. વિનય, રાજેશ અને અપૂર્વ ત્રણેય એકલા બેઠા વાતો કરી રહ્યા હતા. અપૂર્વને આજ ખરો સમય લાગ્યો પોતાની વાત રજુ કરવાનો અને એમને વાત રજુ કરી. ભાઈ અને વિનય તમે બંન્નેને હું એક મારા મનની વાત કહેવા ઈચ્છું છું, જો તમને ઠીક લાગે તો હું જાણવું?
હરકોઈના જીવનમાં અહીં છે અધૂરપ.
સૌ કોઈના જીવનમાં છે કોઈ તો ખપ.
એક "દોસ્ત" નિભાવશે હવે મૈત્રીની રીત.
ને પૂર્ણ થશે હવે જીવનની આ અધૂરપ!
વિનય અને રાજેશ તરત બોલ્યા, "બોલને શું ગોળ ગોળ વાત ફેરવે છે?"
અપૂર્વ ધીર ગંભીર અવાજે બોલ્યો, "હું એવું ઈચ્છું છું કે, ભાઈ તમે અને ભાભી આ હનીને દત્તક લઈ લો ને! જો વિનય અને નીલાભાભી આ વાત માટે મંજૂરી આપે તો. એક મા બાપ વિનાની દીકરીને કદાચ પોતાના માતાપિતા પરિવાર રૂપે મળી જાય તમારા રૂપમાં! અને તમારા જીવનની ખોટ પણ પુરાઈ જાય.!" હિંમત કરીને આટલું બોલી અપૂર્વ અટકી ગયો.
રાજેશભાઈ અચાનક જ મળેલા પ્રસ્તાવનો શું જવાબ આપે એ બાબતે મુંઝાઈ ગયા. પણ વિનય જાણે મનમાં કાંઇક વિચારી રહ્યો હોય એવું અપૂર્વને લાગ્યું, આથી અપૂર્વએ પૂછ્યું, "શું વિચારે છે વિનય?"