શીર્ષક : જીવનનો વળાંક
©લેખક : કમલેશ જોષી
એક દિવસ અમે પ્રવાસમાં જતા હતા. "ઓહો, ચૂકી ગયા..." કહેતા હાઇ-વે પર દોડતી બસના ડ્રાઇવરે તરત જ લીવર ઘટાડી બ્રેક મારી બસને લેફ્ટ સાઇડ પર ઊભી રાખી. લગભગ બસ્સો મીટર સુધી બસ, ક્લિનરના ઈશારે રિવર્સમાં ચલાવી યુ ટર્ન લીધો અને રોડ ક્રોસ કરી સામેના રોડ પર બસ લીધી. બે મિનિટ ચલાવી ડાબી તરફનો સ્ટેટ હાઇ-વે પકડી લીધો. બસ ફૂલસ્પીડે સાચા રસ્તે દોડવા લાગી. "રિવર્સમાં ગાડી ચલાવવી એ કેટલું અઘરું કામ છે!" એ વિષય પર લગભગ દસેક મિનિટ સુધી ચર્ચા ચાલી. તમારી ગાડી ગમે તેટલી નવી હોય, તેમાં ગમે તેટલું પેટ્રોલ ભર્યું હોય, જો ગાડી ‘ખોટી દિશા’માં દોડી રહી હોય તો એ ક્યારેય મંઝિલે નહીં પહોંચે. નો મીન્સ નો. તમારે તમારી ભૂલ સ્વીકારી, તમારી ખોટી દિશામાં જતી ગાડીની સ્પીડ ઘટાડી, ગાડી રિવર્સ લેવી જ પડે. સમજદાર ડ્રાઇવર એને જ કહેવાય. જેટલું જરૂરી ‘એક બાર મેને કમિટમેન્ટ કર લી, ફિર મેં અપને આપકી ભી નહિં સુનતા’ છે, એનાથીયે વધુ જરૂરી ‘સેકન્ડ થોટ’ કે ‘સેકન્ડ ઓપિનીયન’ છે. વટમાં ને વટમાં ખોટી દિશામાં ગાડી દોડાવ્યે જાઓ તો પેટ્રોલ ખાલી થઈ જાય. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પહોંચી જાઓ તોયે મંઝિલ ‘મરતે દમ તક’ ન આવે.
સાચો વટ મંઝિલે પહોચવામાં છે, ગાડી દોડાવ્યે રાખવામાં નથી એ તો તમારા જેવા સ્માર્ટ અને સમજદાર વ્યક્તિને ક્યાં કહેવું પડે એમ છે! આપણી આસપાસ કે પરિચિતોમાં જે કપલ પચ્ચીસમી કે પચાસમી હેપ્પી મેરેજ એનીવર્સરી ઉજવતું હોય કે જે કર્મચારીને લોંગેસ્ટ સર્વિસ એવોર્ડ આપી સન્માનિત કરાયો હોય કે જે લંગોટિયા મિત્રો નિવૃત્તિ બાદ પણ પોતાના કાયમના અડ્ડે ચા પીવા ભેગા થતા હોય એની પાસે બેસી જોજો. જિંદગીમાં એવા બે-પાંચ ખતરનાક, અઘરા, ઈગોને ભાંગીને ભુક્કો કરી નાખે એવા વળાંકો, વટને બાજુએ મૂકીને, એ સ્માર્ટ અને સમજદાર વડીલે ચોક્કસ લીધા હશે. ‘અસત્યો માંહેથી સત્ય તરફ’ કે ‘તમસ માંહેથી જ્યોતિ તરફ’ કે ‘મૃત્યુ માંહેથી અમૃત તરફ’ લઈ જતી શક્તિ એટલે જીવનમાં થયેલી ‘
ભૂલોની સાચા હૃદયથી કબૂલાત કરાવતા, અંતરના ઊંડાણથી સોરી બોલાવતા આવા વળાંકો, યુ ટર્ન. મુશ્કેલ છે પણ નામુમકીન નથી.
કોઈ એક સવારે એવું બને કે તમારા ઘરની ડોરબેલ વાગે અને તમે બારણું ઉઘાડો તો સામે, દિવસો - મહિનાઓ - વર્ષોથી રિસાયેલું તમારું પ્રિય પાત્ર ઊભું હોય અને કહે "ડીયર, આઈ એમ એક્સટ્રીમલી સોરી, ભૂલ મારી હતી, પ્લીસ મને એક તક આપ..." અથવા તમારા જૂના બોસ ઊભા હોય અને કહે કે "સોરી દોસ્ત, આજે મને તારી વેલ્યુ સમજાઈ છે, એક વાર ફરી ઓફિસ જોઇન કરી લે, પ્લીસ..." અથવા તમારો જૂનો પાડોશી ઊભો હોય અને કહે "મેં ગુસ્સામાં ઘણું બધું કહી નાખ્યું, તમારા ફેમિલિએ અમને કેટલી બધી હેલ્પ કરી છે, ઝઘડો કરતી વખતે આ કશું મને યાદ જ ન આવ્યું, આઈ એમ સોરી.." અથવા તમારા ઇન-લો ઉભા હોય અને કહે "અમે તમારા બંનેની વચ્ચે ખોટા આવ્યા, એ આજે અમને સમજાઈ ગયું છે, પ્લીઝ અમને માફી આપો, તમારી લાઈફ રિસ્ટાર્ટ કરો..." અથવા તમારો અંગત મિત્ર ઊભો હોય અને કહે "હું તારા માટે ઘણું બધું અનાબ-શનાબ બોલી ગયો, તારી સરળતા અને સજ્જનતા મને આજે સમજાઈ ગઈ છે, ચલ આપણા જૂના અડ્ડે.. એક-એક કપ કડક-મીઠી ચા પીઇએ." લિસ્ટ બહુ લાંબુ બની શકે.
પણ તમે એ વિચારો કે જો આવું બને તો તમને કેવું લાગે? કોઈ તમારી પાસે આવીને પોતાની ભૂલની, તમારી સાથેની એણે કરેલી ગેરવર્તણુંકની માફી માંગે એ ઘટના તમારા મન મસ્તિષ્કમાં કેવો ઉજાશ ફેલાવે? ભીતરે સળગતી કોઈ ચિનગારી જાણે ઓલવાઈ જાય, ટાઢક છવાઈ જાય, એક અનોખો ખુમાર અનુભવાય. ઊંડા અંધારામાં ગરકાવ થઈ ગયેલી જિંદગી, પૂરેપૂરો એકસો એંસી અંશનો વળાંક લઈ, સાતમા આકાશે પહોંચી જાય. બટ, કિન્તુ, પરંતુ...
આ એકસો એંસી અંશનો વળાંક બહુ ઈમ્પોર્ટન્ટ છે. ઉપરના પેરેગ્રાફના તમામ વાક્યોમાં 'જો તમે કોઈના દરવાજે ઊભા રહી ડોરબેલ વગાડી શકો તો કેવું?' ન સમજ્યા? શું તમે પણ કોઈના ‘ગેર સમજ કરી બેઠેલા જીવનસાથી’ કે ‘કદર ન કરી શકનાર જૂના બોસ’ કે ‘અનાબ-શનાબ બકી ગયેલા મિત્ર’ કે પાડોશી કે ઇન-લો નથી? બાજી બગડી ગયાને દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયા છે. તમે અને સામેનું પાત્ર, એકબીજાથી અલગ થયા પછી, ઘોર અંધકાર, નિરાશામાં હજારો ડગલા ચાલી ગયા છો અને હજુ લાખો ડગલા ચાલવાના છે. પણ જો સહેજ હિમ્મત કરો, જરાક અમથું નુકસાન વ્હોરી લેવા તૈયાર થાઓ તો અજવાળું દસ કદમ કે નેક્સ્ટ ડોર સ્ટેપ કે દસ આંકડાઓ ડાયલ કરવા જેટલું જ છેટું છે. બસ એક વળાંક લો અને મંઝિલ તમારી સામે.
તમારે હિમ્મત કરી ‘મંઝિલે અપની જગહ હૈ રાસ્તે અપની જગહ, જબ કદમ હી સાથ ના દે તો મુસાફિર ક્યા કરે’ જેવા ગીતોને ફગાવવાના છે અને ‘દિલકી નાજુક રગે તૂટતી હૈ, કોઈ ઇતના ભી યાદ ન આયે’ ગીત સાંભળતી વખતે જેનો ચહેરો યાદ આવે છે એ પવિત્ર હૃદયની પાસે જઈ, સાચા હૃદયથી ‘તુમ્હી મેરી મંઝિલ, તુમ્હી મેરી પૂજા, તુમ્હી પ્રાણ મેરે, તુમ્હી દેવતા હો’ કહેવાનું છે. અને હા, વિશ્વાસ રાખજો ‘યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થ: ધનુર્ધર:, તત્ર શ્રીર્વિજયોર્ભૂતિ, ધ્રુવા નીતિર્મતિર્મમ.'
દિવાળી પહેલા જૂનો કચરો સાફ કરી, નવી ઘોડી, નવો દાવ રમીએ તો કેવું? બાકી તમે ખુદ સમજદાર છો. ઓલ ધી બેસ્ટ.
kamlesh_joshi_sir@yahoo.co.in