પુનર્જન્મ 39
" હું થાકી ગઈ છું અનિકેત, હું હારી ગઈ છું. "
મોનિકાનું શરીર એના ધ્રુસકા સાથે કામ્પતું હતું. અનિકેતનો હાથ મોનિકાના માથે મુકાઈ ગયો. એ હળવા હાથે એને સાંત્વના આપતો હતો. મોનિકાના આંસુથી અનિકેતનો ખોળો ભીનો થઈ રહ્યો હતો.
" આટલું બધું ગાંડી, હું છું ને ! તારે થાકવાનું શા માટે... બોલ શું થયું. "
એ નાના બાળકની જેમ રડતી રહી. મા બાપ વગર ની એકલી છોકરી, ભૂખ્યા વરુ જેવા પિશાચો વચ્ચે ઘેરાયેલી હતી. અનિકેતને એની દયા આવી. અનિકેતે એનો ચહેરો ઉંચો કર્યો. એનો આખો ચહેરો આંસુઓથી ભરાઈ ગયો હતો. આંખો લાલ લાલ થઈ ગઈ હતી. અનિકેતે એના બે હાથમાં એનો ચહેરો લીધો અને એના કપાળે એક હળવું ચુંબન કર્યું. એ ચુંબનમાં પિતાનો સ્નેહ હતો, ભાઈનું આશ્વાસન હતું. બધા વિકારોથી દુર એવા શુધ્ધ ભાવનાઓનું પ્રતિક હતું.
" હવે એક પણ આંસુ પાડીશ, તો આ તારા ભાઈનું મરેલું મ્હો જોઇશ. "
મોનિકાએ અનિકેતને વધારે બોલતો અટકાવવા એના મ્હો પર હાથ મૂકી દીધો.
" મારી ઉંમર તને આપે ભગવાન. આવું ક્યારેય ના બોલતો. પણ હું હવે અહીં જ રહીશ. ત્યાં નહિ જાઉં. "
" અરે ગાંડી, આ તારું જ ઘર છે. બસ આટલામાં આટલું રડવાનું ? "
અનિકેતે પાણીની બોટલમાંથી પાણી ગ્લાસમાં કાઢી મોનિકાને આપ્યું. રડવું ક્યારેક ખૂબ જરૂરી હોય છે. દુઃખ દૂર તો નથી થતા, પણ એના ઘાની તીવ્રતા જરૂર હળવી થાય છે. મોનિકા પાણી પીને સ્વસ્થ થઈ.
" સામે સાત મકાનમાં લોકો રહેતા હતા. આઠ બંધ હતા. એ લોકો શહેરમાં રહે છે. એ લોકોમાં મોટાભાગના લોકો બિચારા આર્થિક રીતે તકલીફમાં હતા. કેટલાકના ઘર પણ બિસ્માર હતા. જે લોકો શહેરમાં રહે છે એમને મેં મ્હો માંગી રકમ આપી. જે લોકો અહીં રહેતા હતા એમને ગામની શરૂઆતમાં પાક્કા ધાબાવાળા મકાન અને ઉપર એમણે કહ્યું એ રકમ આપી મેં એ બધી જમીન ખરીદી લીધી. કાલે ત્યાં ભૂમિ પૂજન છે. હું ત્યાં મકાન બનાવી, પછી અહીં રહેવા આવી જઈશ. તને વાંધો તો નથી ને ? "
" ઓહ, તો આ સસ્પેન્સ છે. "
" હા, તું કદાચ ના પાડે તો ? એટલે જ તને કહ્યું ન હતું. "
" પણ, આ ઘર ન હતું કે તારે બીજું બનાવડાવવું પડ્યું. કદાચ આ નાનું પડ્યું હશે."
" એ શું બોલ્યો અનિકેત, એવું હોય તો મકાન બને એટલે તું ત્યાં જતો રહેજે, હું અહીં રહીશ. આ મકાન માં મા, બાપ, સુરભિ અને તારી ધડકન મને સંભળાય છે. આપણા પૂર્વજોના આશીર્વાદ અનુભવાય છે. હવે મોટા મકાનનો મોહ નથી અનિકેત. તારી પરમિશન છે ને નવા મકાન માટે? "
" હા... હવે ખુશ? "
" હા. ગામમાં બધાને આમંત્રણ આપ્યું છે. થોડી મારી બહેનપણીઓ પણ આવશે. "
" ગામમાં બધાને આમંત્રણ છે ? "
અનિકેત એક પ્રશ્નસુચક નજરે મોનિકાને જોઈ રહ્યો.
" એક સ્નેહા ના મળી. અને એના પિતાને મેં આમંત્રણ આપ્યું નથી. "
" જે દિવસે સ્નેહા મને સવાલ પૂછશે કે મારા એક પિતા જ તને ભારે પડ્યા ? તો હું એને શું જવાબ આપીશ ? "
" એટલે એમના દુશ્મનને મળી ચૂંટણીનો પ્રચાર કરે છે ? "
" ચૂંટણી અલગ વાત છે. એમાં બે ભાગ છે. એમના પક્ષે પણ ઘણા લોકો છે. પણ પ્રસંગમાં આખું ગામ આવે અને એ એકલા ઘરે રહે તો સ્નેહાને દુઃખ થાય. "
" ઓ.કે.. રમણકાકાને લઈને હું આમંત્રણ આપી આવું છું. "
" વૃંદા ને બોલાવી છે ? "
મોનિકા એક પળ અનિકેત સામે જોઈ રહી. અનિકેતને લાગ્યું કે એ એના અંતરના ભાવને જોઈ રહી છે..
" હા, એ કાલે સવારે આવશે. "
*** *** *** *** *** *** ******
અનિકેતના હાથમાં, એક મોટા કાગળમાં એક ડાયગ્રામ હતો. અનિકેત એ ડાયગ્રામ ને જોઈ રહ્યો.
" મોનિકા, આમાં મને કાંઈ ખબર નથી પડતી. પણ તે પ્લાન એપૃવ કર્યો છે તો સરસ જ હશે. "
મોનિકા ઉત્સાહિત હતી. એ એનીકેતની બાજુમાં આવીને બેઠી. અને અનિકેતને સમજાવવા લાગી.
" અને અનિકેત તને ખબર છે, મેં આમાં એક ખાસ વસ્તુ કરાવડાવી છે. મારા ઘરનો દરવાજો આ ઘરના દરવાજાની બિલકુલ સામે રખાવ્યો છે. અને ઉપરના માળની ગેલેરીમાંથી આ ઘર દેખાય એવું રાખ્યું છે. હું કંટાળીશ ત્યારે ગેલેરીમાં ખુરશી નાંખીને બેસીશ અને સ્નેહા પર ઓર્ડર ચલાવીશ. "
" હું મારા ઘરનો દરવાજો બદલાવી દઈશ. "
" મેં એવડી મોટી ગેલેરી કરાવી છે કે તું ગમે તે કર, મારી નજરથી બચી નહિ શકે. "
" હું દિવાલ ઉંચી કરાવી દઈશ. "
" વહુ ઘેલો. "
" બધા વહુ ઘેલા જ હોય, એને બિચારીને હેરાન થોડી કરવાની હોય. "
" અનિકેત તને એવું લાગે છે હું ભાભીને હેરાન કરું. એને તો હું હાથમાંને હાથમાં રાખીશ. અને અનિકેત બધા વહુ ઘેલા નથી હોતા. "
" જેમકે ? "
" જેમકે સુધીર. "
અનિકેતનું હદય કાંપી ઉઠ્યું. ક્યાંક મોનિકાને કોઈ શંકા તો નહિ ગઈ હોય ? મોનિકાના ચહેરા પર ઘૃણાના ભાવ હતા.
" મારી માતા પિતાના મંદિર જેવા પવિત્ર ઘરને એની ઐયાશીની ગંદકીના છાંટાથી એણે અભડાવ્યું છે. હવે એ ઘરમાં એની સાથે મારું મન ગભરાય છે. મને એનો ડર લાગે છે અનિકેત. મને એનો ડર લાગે છે. "
" રિલેક્સ મોનિકા. સમય જોડે બહુ તાકાત છે. એવું હોય તો તું અહીં રોકાઈ જા. હું છું ને. તને કંઈ નહીં થવા દઉં. "
મોનિકાના મોબાઈલની રીંગ વાગી. મોનિકાએ કોલ રિસીવ કર્યો.
" મેડમ, રોય સ્પીકિંગ. "
" યસ, શું ખબર છે ? "
" રિપોર્ટ તૈયાર છે. "
" વોટ્સએપ કરી શકીશ ? '
" કરી દઉં, પણ પ્રાઇવસીની જવાબદારી તમારી. "
" ઓ.કે. સેન્ડ કર. હાર્ડ કોપી પરમદિવસે હું ઘરે આવીશ, સવારે 10 વાગે, ત્યારે ફક્ત મારા હાથમાં આપજે. અને પેમેન્ટ એ વખતે તને મળી જશે. "
અનિકેતે મોનિકાએ શું કહ્યું એ સાંભળ્યું, પણ એની સમજમાં કંઈ ના આવ્યું. દસ મિનિટ પછી મોનિકાના મોબાઇલમાં નોટિફિકેશન આવ્યું. મોનિકાએ રિપોર્ટ જોયો. એના ચહેરા પર એક રાહતના ભાવ આવ્યા.
(ક્રમશ:)
10 ઓક્ટોબર 2020