પ્રાયશ્ચિત પ્રકરણ 27
વેદિકાએ ફોન ઉપર જે સમાચાર આપ્યા એનાથી થોડી ક્ષણો માટે કેતન ગમગીન બની ગયો. વેદિકા એને ગમતી હતી અને એના માટે થોડું આકર્ષણ પણ હતું. છતાં બે વર્ષની રિલેશનશીપની વાત એણે જાણી એ પછી એનું મન પાછું પડી ગયું હતું. એટલે એની ગમગીની બહુ લાંબો સમય સુધી ટકી નહીં.
બે વર્ષનો ગાળો ઘણો લાંબો ગણાય. માનસિક રીતે બંને એકબીજાનાં બની ગયાં હોય એટલે હવે નવા સંબંધમાં પ્રેમની એ ઉષ્મા જોવા ના મળે. અને આમ પણ પહેલા પ્યારને જલ્દી ભૂલાવી શકાતો નથી. ચાલો જેવી ઈશ્વરની ઈચ્છા !!
કેતને પોતાની પ્રવૃત્તિઓમાં મન પરોવી દીધું. પંદરેક દિવસનો બીજો સમય પસાર થઈ ગયો. પંદર દિવસમાં ઘણું બધું બની ગયું હતું.
કેતનના એરપોર્ટ રોડ ઉપરના ૭ નંબરના બંગલાનો સોદો થઈ ગયો હતો. બિલ્ડરે રકમ થોડી ઓછી કરી હતી. કેતને પૂરી કિંમતનો ચેક જયેશ ઝવેરી ને આપી દીધો હતો. હવે પઝેશન મળે એ માટે ત્રણ મહિના રાહ જોવાની હતી.
સુરતમાં કેતનના ચેરિટેબલ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થઈ ગયું હતું અને કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ નામ ફાઈનલ થઈ ગયું હતું. કેતન સાવલિયા એમાં મેનેજીંગ ટ્રસ્ટી હતો. સિદ્ધાર્થે ટ્રસ્ટનાં પેપર્સ રજીસ્ટર એડી થી કેતનને મોકલી આપ્યાં હતાં.
' ટ્રસ્ટ રજીસ્ટર થઇ ગયું છે એટલે હવે હોસ્પિટલના પ્રોજેક્ટ માટે નાણાવટી સાહેબને મળવું પડશે.' કેતને વિચાર્યું.
" જયેશભાઈ એક-બે દિવસમાં તમે આપણા સી. એ. નાણાવટી સાહેબ સાથે મીટીંગ ગોઠવો. કારણકે ચેરીટેબલ ટ્રસ્ટ બની ગયું છે એટલે વહેલી તકે આપણે પ્રોજેક્ટ બનાવવો પડશે." કેતને જયેશ ઝવેરીને કહ્યું.
" હા સાહેબ કાલે જ ગોઠવી દઉં. એમનો બે દિવસ પહેલાં જ મારા ઉપર ફોન હતો કે ટ્રસ્ટનું કામ કેટલે પહોંચ્યું ? " જયેશ બોલ્યો.
" હા તો એમનો ટાઈમ લઈને મને ફોન કરી દેજો. હું એમની ઓફિસે પહોંચી જઈશ. તમે પણ સીધા આવી જજો. " કેતને કહ્યું અને ફોન કટ કર્યો.
બીજા દિવસે સાંજે ચાર વાગે જયેશનો ફોન આવી ગયો. સાડા ચાર વાગ્યા ની મીટીંગ ફિક્સ થઈ હતી.
" મનસુખભાઈ તમે આવી જાઓ. સાડા ચાર વાગ્યે કિરીટભાઈ નાણાવટીની ઓફિસે આપણે પહોંચવાનું છે. " કેતને મનસુખને સૂચના આપી.
" બસ દસ મિનિટમાં જ આવી જાઉં છું. પંદર વીસ મિનિટમાં જ આપણે પહોંચી જઈશું. " મનસુખે જવાબ આપ્યો.
બરાબર ચાર અને પાંત્રીસ મિનિટે કેતને સી.એ. ની ઓફિસમાં પ્રવેશ કર્યો. જયેશ ઝવેરી આવી ગયેલો હતો.
" આવો આવો કેતનભાઇ " કિરીટભાઈ એ પોતાની રીવોલ્વીંગ ચેરમાંથી ઉભા થઈને કેતનનું સ્વાગત કર્યું.
" સૌથી પહેલાં એ કહો કે શું પીશો ? વાતો તો થતી જ રહેવાની છે. તમે પહેલીવાર મારી ઓફિસે આવ્યા છો. " કિરીટભાઈ બોલ્યા.
" ઠીક છે સાહેબ. કંઇક ઠંડુ જ મંગાવો. " કેતને જવાબ આપ્યો.
અને નાણાવટી સાહેબે પોતાના માણસને બોલાવીને ત્રણ થમ્સ-અપ નો ઓર્ડર આપ્યો.
" ચેરીટેબલ ટ્રસ્ટ બની ગયું છે અંકલ. 'કે. જમનાદાસ ' નામ આપણને મળી ગયું છે. હવે પ્રોજેક્ટની ચર્ચા માટે હું આવ્યો છું. તમારે પ્રોજેક્ટ માટે જે જે માહિતી જોઈતી હોય તે હું આપવા તૈયાર છું. " કેતન ઉત્સાહથી બોલ્યો.
" કેતનભાઇ આવડી મોટી હોસ્પિટલ ઉભી કરવી એ કામ તમે ધારો છો એટલું સહેલું નથી. પ્રોજેક્ટ તો હું બનાવી દઉં છું. પણ આમાં બહુ બધી પરમિશનો લેવી પડતી હોય છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને મ્યુનીસીપાલીટી આ તમામ સત્તાઓ ની આમાં માયાજાળ છે. સહુથી પહેલાં તો આરોગ્ય મંત્રાલયની પરમિશન લેવી પડે. એ પછી જ બીજી નાની-મોટી પરમિશનો ની વાત આવે. "
" અને એ તો બધું અમે ફોડી લઈશું. પરંતુ આ બધી પરમિશનો લેવામાં મહિનાઓ નીકળી જશે. આ કોઈ નાની પાંચ-દસ બેડની વ્યક્તિગત હોસ્પિટલ નથી. અઢાર એકરની જમીન તમને મળે છે તો લગભગ ૮૫૦૦૦ ચોરસ વાર જગ્યા થઈ. રોડ ટચ જગ્યા છે તો દસ ટકા રોડ સાઈડ ની જગા છોડી દેવી પડશે. રોડ જ્યારે પણ ભવિષ્યમાં પહોળા થાય ત્યારે એટલી જગ્યા કપાતમાં જાય. એટલે આપણે ૭૫૦૦૦ ચોરસવાર પકડીને ચાલવાનું. " કિરીટભાઈ બોલ્યા.
" આપણે એક મોડેલ તરીકે ૩૦૦ બેડની હોસ્પિટલ આ એરિયામાં બનાવી શકીએ. ત્રણ થી ચાર માળની આદર્શ હોસ્પિટલ ઊભી કરીએ તો ૧૫૦૦૦ ચોરસ વાર જગા આપણે માત્ર હોસ્પિટલ માટે રાખવી પડે. એક અલગ બિલ્ડીંગ હોસ્પિટલ ના સ્ટાફ માટે પણ બનાવવું પડે. ૫૦૦૦ ચોરસ વાર ની જગ્યામાં ત્રણેક માળનું બિલ્ડીંગ આરામથી બની શકે. "
" બાકીની લગભગ ૫૦૦૦૦ ચોરસ વાર જગ્યા આપણે ખુલ્લી છોડવી પડે. જેમાં ચાર એમ્બ્યુલન્સ માટેનો શેડ અને કાર પાર્કિંગ તેમ જ પબ્લિક પાર્કિંગ માટેના કેટલાક શેડ બનશે. પ્લાનિંગ એવું કરવું પડે કે અધિકારીઓ સ્થળ ઉપર જોવા આવે ત્યારે એક પણ સવાલ પૂછ્યા વગર મંજુર કરી દે. આજ કાલ પાર્કિંગ ઉપર ખાસ ભાર આપવામાં આવે છે અને ફાયર સેફટી પણ ખાસ જોવામાં આવે છે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે પણ આપણે વિચારવું પડે. પાણી માટે બોર બનાવવા પડે. ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશન બનાવવું પડે. નાનો ઓક્સિજન પ્લાન્ટ પણ મૂકવો પડે. "
" વાહ સાહેબ વાહ ! ખરેખર તમારું આ ક્ષેત્રમાં નોલેજ ઘણું બધું છે. " જયેશ ઝવેરી બોલી ઉઠ્યો.
" મારા ક્લાયન્ટને કોઈપણ જાતની તકલીફ ભવિષ્યમાં ના પડે એ જોવાની જવાબદારી મારી છે જયેશભાઈ "
" તમારી વાતથી મને સંતોષ થયો છે અંકલ " કેતન બોલ્યો.
" તમે એક કામ કરો. અહીંના કોઈ સારા બિલ્ડરને મળીને કનસ્ટ્રકશન કોસ્ટ કઢાવી લો. ૧૫૦૦૦ × ૪ માળ એટલે ૬૦૦૦૦ ચોરસ વાર બાંધકામ માત્ર હોસ્પિટલ બિલ્ડીંગનું થશે. ૧૫૦૦૦ ચોરસ વાર બાંધકામ ત્રણ માળના રેસીડેન્સ બિલ્ડીંગ નું થશે. તમારે સૌથી પહેલાં એક સારા આર્કિટેક પાસે ડિઝાઇન પણ બનાવવી પડશે. "
" આ સિવાય હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર માં વપરાતાં તમામ સાધનો, એમ.આર.આઇ જેવાં ઈમેજીંગ સિસ્ટમ માટેનાં સાધનો, પેથોલોજી લેબોરેટરી ઈકવિપમેન્ટ, ૩૦૦ બેડની કોસ્ટ વગેરે ચર્ચા તમે અહીંની ગવર્મેન્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટને મળીને કરી શકો છો. એ સિવાય તમે આ બધાં સાધનો સપ્લાય કરતી કંપનીઓ પાસેથી પણ ભાવ મંગાવી શકો છો. કારણકે પ્રોજેક્ટ માટે મારે આ બધી કોસ્ટ અલગ-અલગ બતાવવી પડશે. " કિરીટભાઈ બોલ્યા.
" જી અંકલ " કેતન બોલ્યો.
" કેતનભાઇ આપણી પાસે ઘણો સમય છે. તમે શાંતિથી આ બધું કામ પતાવો. એકવાર લાલપુર રોડ ઉપરની સરકારી રિઝર્વ જમીન તમારા ટ્રસ્ટના નામે થઈ જાય પછી જ આપણે આ પ્રોજેક્ટ બનાવવાનું ચાલુ કરીશું. અને તમારા ટ્રસ્ટના પેપર્સ મને મોકલી આપજો. " કિરીટભાઈ બોલ્યા.
" જી અંકલ. મારું બધું કામ હવે જયેશભાઈ જ સંભાળવાના છે એટલે હું એમને બધા પેપર્સ આપી દઈશ. એ તમને પહોંચાડી દેશે. મારા પ્રોજેક્ટ માટે તમારે કંઈ પણ પૂછવું હોય તો જયેશભાઈ સાથે વાત કરી લેજો. " કેતન બોલ્યો.
" અચ્છા આ પ્રોજેક્ટ માટે આપણે બેંકમાંથી કોઈ લોન લેવાની છે ? તો હું એ પ્રમાણે પ્રોજેક્ટ બનાવું. " કિરીટભાઈ એ પૂછ્યું.
" ના સાહેબ તમામ ખર્ચ આપણું ટ્રસ્ટ ઉપાડશે. " કેતને કહ્યું.
" ઓકે.. તો માત્ર સરકારી પરમિશન માટે જ આ પ્રોજેક્ટ બનાવવો પડશે. આપણે જે પણ ડોક્ટર્સ સર્જન નર્સિંગ તેમજ વોર્ડ બોય સ્ટાફ વગેરે રાખીએ તો તેમને પણ દર મહિને પગાર ચૂકવવો પડશે. એટલે એનું પણ પ્રોવિઝન અલગથી બતાવવું પડશે. હોસ્પિટલ શરૂ કરીને ચલાવવા સુધી કેટલું ફંડ આપણને જરૂર પડશે એ પણ હું તમને કહી દઈશ. હું એવો પ્રોજેક્ટ બનાવીશ કે જેથી કાલ ઊઠીને બેંક લોનની જરૂર પડે તો પણ આપણને મળી શકે. " નાણાવટી બોલ્યા.
" ભલે સાહેબ. મને ખરેખર ખૂબ જ સંતોષ થયો છે. તમે આજે મને ઘણી બધી માહિતી આપી છે. મેં આટલું બધું તો વિચાર્યું જ નહોતું " કેતન બોલ્યો.
એ પછી થમ્સ-અપ પીને કેતન અને જયેશ ઝવેરી સી.એ.ની ઓફિસમાંથી બહાર નીકળ્યા.
" જયેશભાઈ આપણી ઓફિસની સાઈટ ઉપર તમે ચક્કર મારતા રહેજો. " કેતન બોલ્યો.
" શેઠ ઓફિસની ચિંતા તમે કરો મા. હું એની પાછળ જ છું. મારું રિયલ એસ્ટેટનું કામ તો મેં બંધ કરી દીધું છે એટલે હવે આપણા કામમાં જ ધ્યાન આપી રહ્યો છું. " જયેશ બોલ્યો.
કેતને એ પછી ગાડી પોતાના ઘર તરફ લેવડાવી. હવે આજે બીજો કોઈ જ પ્રોગ્રામ ન હતો એટલે ઘરે પહોંચીને એણે મનસુખને રજા આપી.
એ.સી. ચાલુ કરીને કેતન બેડ ઉપર આડો પડ્યો. હોસ્પિટલ બનાવવાનું કામ એટલું બધું સહેલું નહોતું એવું એને સી.એ.ની વાત સાંભળીને લાગ્યું. પોતે પૈસા તો ખર્ચી શકે પણ જવાબદારી ઘણી મોટી હતી. કેટકેટલી પરમિશનો અને કેટકેટલી મીટીંગો. અને આ બધું એને એકલા હાથે જ કરવાનું હતું. એને લાગ્યું ૩૦૦ બેડની હોસ્પિટલ ઉભી કરવી એ નાના છોકરાના ખેલ નથી.
હજુ સરકારી જમીન ખરીદવાની બાકી હતી. આરોગ્ય મંત્રાલયમાં પ્રોજેક્ટ મૂક્યા પછી કેટલા સમયમાં પરમિશન આવે એ પણ કંઈ નક્કી ન હતું. એ પછી કન્સ્ટ્રક્શન ચાલુ થાય તો એમાં પણ આટલી મોટી હોસ્પિટલ બનાવવામાં જ ઓછામાં ઓછું એક વર્ષ લાગી જાય. એ પછી બધાં સાધનો મંગાવવાં પડે. એટલે લગભગ દોઢ વરસ પકડીને ચાલવું પડે. ત્યાં સુધી સમય કેવી રીતે પસાર કરવો ? સુરત તો એ જઈ શકે તેમ ન હતો. એ અડધા કલાક સુધી મનોમંથન કરતો રહ્યો.
અને એને એક બીજો જ વિચાર આવ્યો. એ ઉભો થઈ ગયો. એણે તરત જ એના સી.એ કિરીટભાઈ નાણાવટીને ફોન કર્યો.
" વડીલ કેતન બોલું છું. સાંજે વળતી વખતે તમે મારા ઘરે આવી શકો ? તમારાથી છુટા પડ્યા પછી મેં કંઈક વિચાર્યું છે અને એમાં મારે તમારી કેટલીક સલાહ અને માર્ગદર્શન જોઈએ છે. " કેતને કહ્યું.
" અરે કેતનભાઇ તમે તો મારા વીઆઈપી ક્લાયન્ટ છો. ના પાડવાનો કોઈ સવાલ જ નથી. લગભગ સાડા છ વાગે પહોંચું " નાણાવટી બોલ્યા. અને સમય પ્રમાણે એ કેતનના બંગલે આવી ગયા.
" બોલો કેતનભાઇ કઈ બાબતની ચર્ચા કરવી છે ? " તેમણે સોફા ઉપર બેઠક લેતાં કહ્યું.
" જુઓ અંકલ. તમે તો જામનગરના વતની છો. અનુભવી છો. મારું ચેરીટેબલ ટ્રસ્ટ પણ હવે તૈયાર છે. તમે આપણી હોસ્પિટલ માટે પણ ખૂબ જ વિગતવાર ચર્ચા મારી સાથે કરી. હવે હોસ્પિટલ સિવાય આપણે બીજી કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી શકીએ ? " કેતન બોલ્યો.
" કાર્યો તો આપણે ઘણાં કરી શકીએ કેતનભાઈ. પરંતુ તમને એમાં રસ પડવો જોઇએ. મેડિકલ અને આયુર્વેદ બંને કોલેજો અહીંયાં છે એટલે નવી કોલેજ ઊભી કરવાનો તો કોઈ સવાલ નથી. એ સિવાય ગૌશાળા ઊભી કરી શકીએ. ગરીબો માટે સદાવ્રત ખોલી શકીએ. તરછોડાયેલા વૃદ્ધોની સેવા માટે વૃદ્ધાશ્રમ પણ ખોલી શકીએ. " નાણાવટી બોલ્યા.
" હમ્... મને સદાવ્રત અને વૃદ્ધાશ્રમ નો આઈડિયા વધારે ગમ્યો. તે સિવાય મારી એવી ઈચ્છા છે કે એક એવું અલગ ફંડ આપણે રાખીએ જેમાંથી ગરીબ અને મધ્યમ વર્ગનાં કુટુંબોની દીકરીઓનાં સમૂહ લગ્નો થાય. પાંચ છ મારુતિ વાન ખરીદીને આજુબાજુનાં ગામડાઓમાં હરતાંફરતાં દવાખાનાં ઊભાં કરી શકીએ."
" જે ગરીબ બાળકો સ્કૂલની ફી ભરી શકતાં ના હોય એમની ફી આપણું ટ્રસ્ટ આપે . હોસ્પિટલમાં દાખલ થયેલાં ગરીબ પેશન્ટોને ઓપરેશન માટે આપણું ટ્રસ્ટ આર્થિક મદદ કરે. પેશન્ટોનાં સગાં વહાલાં માટે ટિફિનની વ્યવસ્થા કરીએ. આઈડિયા તો મનમાં ઘણા આવી રહ્યા છે. બસ મારા આ બધા આઈડીયા ઉપર થોડું પેપરવર્ક કરી લો. જે જે કામ શક્ય હોય તે બધાં જ આપણે કરવાં છે "
" બહુ સરસ વાત કરી કેતનભાઇ તમે !! તમારો વિચાર બહુ જ ઉમદા છે. આવાં કાર્યોમાં સહભાગી થવા બદલ મને પણ આનંદ થશે. તમે જે જે વિચારો છો તે બધું જ થઈ શકે તેમ છે. " કિરીટભાઈ ઉત્સાહથી બોલ્યા.
" અને સદાવ્રત તો દ્વારકામાં જ ખોલવા નો મારો વિચાર છે. કારણકે એ ચારધામ યાત્રા નું મોટું ધામ છે એટલે વધુ ને વધુ યાત્રાળુઓ અને સાધુ સંતો મફત પ્રસાદનો લાભ લઇ શકે. ત્યાં એકાદ ધર્મશાળા પણ ઊભી કરીએ. " કેતન બોલ્યો.
" અને અંકલ આ બધા જ નવા પ્રોજેક્ટ ઉપર કાલથી તમારે જ કામ કરવાનું છે. મારી પાસે એનું કોઈ જ્ઞાન નથી. તમે જ્યાં કહેશો ત્યાં હું ચેક આપતો રહીશ. અને તમને આ સેવાનું અલગ મહેનતાણું પણ મળી જશે. તમારે આ બધાં કામો માટે જેને જેને કામે લગાવવા હોય તેમને કામે લગાવી શકો છો. વૃદ્ધાશ્રમ માટે જમીન કે પ્લોટ શોધવાનું કામ જયેશભાઈ સંભાળશે. સદાવ્રત માટે તમે દ્વારકામાં સારું લોકેશન શોધી લેજો. સમૂહ લગ્નો માટે પણ ટ્રસ્ટના નામે તમે જાહેરાતો કરી શકો છો. હોસ્પિટલમાં ટિફિન સેવા માટે શું કરવું એ પણ તમે વિચારી લો. " કેતન બોલ્યો.
" અને તમારી સાથે આજે વાત થયા પછી 300 બેડની મોટી હોસ્પિટલ નો પ્રોજેક્ટ આપણે પડતો મૂકીએ છીએ. મને એ મારા માટે ગજા બહારનું સાહસ લાગે છે. હું એકલો પહોંચી નહીં વળું. "
નાણાવટી સાહેબ કંઈ બોલ્યા નહીં. એ આ આદર્શ યુવાનને બસ જોઈ જ રહ્યા ! કેટલા બધા ઉદાર અને ઉમદા વિચારો છે એના !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)