હાઇવે રોબરી 39
સોનલે બ્રેક મારવી પડી કેમકે આગળની ગાડી ઉભી થઇ ગઇ હતી. સોનલે રિયર વ્યુ મીરરમાં જોયું , પાછળ પણ એક ગાડી બિલકુલ પાછળ ઉભી થઇ ગઇ હતી. સોનલને વિચાર આવ્યો કે કદાચ આગળની ગાડી ખરાબ થઈ ગઈ હશે. અને આગળની ગાડીમાંથી બે વ્યક્તિ વ્યવસ્થિત કપડાંમાં ઉતર્યા અને સોનલની ગાડી તરફ આવ્યા. સોનલને એ લોકોનું પાછળ આવવું અજુગતું લાગ્યું , પણ એ હજુ વધારે વિચારે ત્યાં સુધીમાં બન્ને માણસો તેના અને નંદિની તરફ , કારના દરવાજામાં રિવોલ્વર તાકીને ઉભા થઇ ગયા. એ માણસે દરવાજો ખોલવા ઈશારો કર્યો. સોનલે કાચ નીચે કર્યો. બહારના ગરમ પવનનો એને સ્પર્શ થયો. નંદિની એ પણ કાચ નીચે કર્યો.
' ઓપન ધ ડોર , ઓપન ડોર કવીકલી , અધર વાઇઝ આઈ વિલ કિલ યુ. '
નંદિની કંઈ સમજી શકે એ પહેલાં સોનલે એનો દરવાજો ખોલ્યો. અને એ તરફના માણસે નંદિનીને ધમકીભર્યો ઓર્ડર કર્યો..
' એ ય મિસ ઈંડિયા , સમજમાં નથી આવતું , દરવાજો ખોલ. '
સોનલને એનું તોછડાપણું ખૂંચતુ હતું. પણ એ સમજી ગઈ હતી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. નંદિની એ દરવાજો ખોલ્યો. સોનલની બાજુનો માણસ ગન પકડીને ઉભો રહ્યો. અને નંદિની તરફના માણસે એક રૂમાલમાં દવા નાંખી નંદિનીના નાક પર એ રૂમાલ દબાવી દીધો. નંદિની એનો હોશ ગુમાવવા લાગી. એક ત્રીજો માણસ આવી ગયો હતો. સોનલ તરફનો માણસ ગન તાકીને ઉભો જ હતો. ત્રીજા માણસે દવા વાળો રૂમાલ સોનલના ચહેરા પર દબાવ્યો. સોનલે વિરોધ કરવાની કોશિશ કરતી રહી અને બેહોશી તરફ ઢળતી ગઈ.
બન્ને માણસોએ રિવોલ્વર પેન્ટના બેલ્ટમાં ભરાવી અને સોનલ અને નંદિનીને ઉંચકીને પાછળની સીટોમાં બેરહમીથી નાંખી. બેહોશીમાં બન્ને માંથી એકપણ એ સમજવા સક્ષમ ન હતી કે ક્યાંય ઇજા પણ થઈ છે.
બન્ને ગન વાળી વ્યક્તિ સોનલની ગાડીમાં આગળ બેઠી અને એક ઝીકઝાક હોર્ન વગાડ્યું. ગાડી સ્ટાર્ટ કરતાં પહેલાં એમણે દિલાવરને ફોન કરી મેસેજ આપી દીધા. આગળની ગાડીનો માણસ આ બધું જોઈ રહ્યો હતો એણે ગાડી સ્ટાર્ટ કરી. અને ત્રણે ગાડી રવાના થઈ.
ગણતરીની મીનીટોમાં આખું કામ પૂરું થયું. આ કામ ચાલતું હતું ત્યારે એક ગાડી પસાર થઈ હતી. પણ એ સમયે એ લોકો એ કામ અટકાવી દીધું હતું. કેમકે એ સમયે બન્ને અર્ધબેહોશ થઈ ગઈ હતી. મુખ્ય રસ્તાને બાજુમાં રાખી અંદરના રસ્તે એમણે ગાડીઓ ચલાવી. સોનલની ગાડી સૌથી પાછળ રાખી હતી. સૌથી આગળની ગાડી ઘણી આગળ રાખી હતી. એટલે જો આગળ કોઈ પોલીસનો પ્રોબ્લેમ લાગે તો એ કોલ કરી પાછળની ગાડીને એલર્ટ કરી શકે.
સોનલની ગાડીમાં બેઠેલા બન્ને માણસો દિલાવરના ખાસ માણસો હતા. અને આખા ઓપરેશનને પૂરું કરવાની જવાબદારી એમની હતી.
સોનલની ગાડીમાં નોન ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો માણસ છોટુ છત્રી એ ગાડીની અંદરનો રિયર વ્યુ ગ્લાસ બન્ને બેહોશ છોકરીઓ તરફ કર્યો. એને આ બન્નેની સુંદરતા સંમોહિત કરતી હતી. એ માણસ ન હતો. ભૂખ્યો વરુ હતો. સમાજ માટે નાસુર , સમાજ પર કલંક.
' દિલાવર બોસ આવા શિકાર શોધી ક્યાંથી લાવે છે ? '
ગાડી ચલાવનારની આંખોમાં ગુસ્સા ના ભાવ આવ્યા. એણે મીરર ફેરવી નાંખ્યો. બાજુ માં બેઠેલો છોટુ હસ્યો.....
' મુસ્તાક , તારે તો આશ્રમમાં ભરતી થઈ જવું જોઈએ. સાલો ભગત.... '
***************************
લગભગ એક કલાકની જર્ની પછી ત્રણે ગાડીઓ એક ફાર્મ હાઉસની અંદર ઘુસી. ચારે બાજુ કાંટાવાળી ફેનસિંગની સાથે વૃક્ષની લાઈન હતી. ચારે બાજુ લીંબુ , ચીકુ , પપૈયા એવા અનેક ફળ ફૂલ વગેરેના વૃક્ષ હતા. કાચો રસ્તો અંદર જતો હતો. અંદર બે માળનું એક જુના ઢબનું મકાન હતું. ખાસ રિનોવેશનના અભાવે ખન્ડેર જેવું લાગતું હતું. કદાચ એના માલિક પાસે ફાર્મ હાઉસ પર આવવાનો સમય નહિ હોય. અથવા એનો માલિક વિદેશમાં હશે....
ત્રણે ગાડીઓ એ મકાન આગળ આવી ઉભી રહી. ત્રણે ગાડીઓ માંથી માણસો ઉતરી સાઈડમાં ઉભા રહી ગયા. ગાડીઓનો અવાજ સાંભળી નાથુસિંહ મકાન માંથી બહાર આવ્યો. બધા મળી લગભગ દસ અગિયાર માણસો ત્યાં હતા.
નંદિની અને સોનલ બન્ને બેહોશ હતા. મુસ્તાક અને છોટુ એ બન્નેને ઉંચકી લીધી અને મકાનમાં લઇ જઇ મેઈન રૂમમાં મુકેલી ખુરશીઓ માંથી બે ખુરશીમાં બેસાડી. બન્નેના હાથ પગ ખુરશીના પાયા અને હાથા સાથે બાંધી દીધા હતા. બન્ને બેલેન્સ રાખી શકવા સક્ષમ ન હતી. પણ ખુરશી પર બન્ને બેહોશ અવસ્થામાં બેઠી હોય એવું લાગતું હતું. બન્નેના માથા સાઈડમાં ઢળેલા હતા. છોટુ આ બન્નેને જોઈ રહ્યો હતો. એની આંખોમાં વિચિત્ર ભાવ આવતા હતા. પરંતુ મુસ્તાકની હાજરીમાં એણે સીધા રહેવું એ એની મજબૂરી હતી.
બે માણસ ફાર્મ હાઉસના ગેટ પર મોકલી દીધા હતા. મુસ્તાક , છોટુ અને બીજા ચાર એમ છ માણસ રૂમમાં બેઠા હતા. ચાર માણસોને મકાનની બન્ને સાઈડ અને પાછળના ભાગમાં ફેલાવી દીધા હતા. છોટુ એના ત્રણ મિત્રો જોડે પત્તાં રમવા બેસી ગયો હતો. મુસ્તાક ખુરશી પર બેસી કોઈ પોકેટ બુક વાંચતા સિગારેટ પી રહ્યો હતો. છોટુ વારેઘડીએ બન્ને છોકરીઓને જોઈ રહ્યો હતો.
નાથુસિંહ મકાનની બહાર ઓટલા પર ખુરશીમાં બેસી સિગારેટ પી રહ્યો હતો. એને મનમાં વિચાર આવતો હતો કે પોતે લૂંટ કેસની એક માહિતી આપવાના ચક્કરમાં કેટલો આગળ વધી ગયો. એક સન્નમાનજનક નોકરીની જગ્યાએ ક્યાં આવી ગયો ? શું પોતે જે રસ્તે જઇ રહ્યો હતો એ યોગ્ય હતો ? નો ડાઉટ સરકારી નોકરીમાં અહીંના જેવા એશો આરામ ન હતા પણ આ જીદંગીનું આયુષ્ય કેટલું ? અને આનું મૂલ્ય શું ? આ નિર્દોષ છોકરીઓને પડનાર ત્રાસનો પણ હું ભાગીદાર ? એનું મન વિચલિત થઈ ગયું. સિગારેટની આગળ થયેલી રાખને એણે નીચે ખંખેરી. પણ એટલી સરળતાથી એ વિચારોને ખંખેરી ના શક્યો. એ વિચારતો રહ્યો....
***************************
સાંજના ચાર વાગ્યા હતા. નિરવ ટાઈમનો ચોક્કસ વ્યક્તિ હતો. એ ક્રાઇમ બ્રાન્ચની હેડ ઓફીસની નીચે આશુતોષની રાહ જોતો હતો. આશુતોષ લેઈટ પડ્યો હતો. પરંતુ નિરવમાં ધીરજ હતી , એ સમજતો હતો કે આશુતોષ નોકરી કરે છે . અને નોકરિયાતને શું તકલીફ હોય છે. અને શહેરનો ટ્રાફીક... બાપ રે...
ચાર અને પાંચ થઈ. અને આશુતોષ આવ્યો.
' સોરી , હું લેઈટ થઈ ગયો. '
' ઇટ્સ ઓકે.. કમ. '
બન્ને રાઠોડ સાહેબની ઓફીસ આગળ પહોંચ્યા. લગભગ દસ મિનિટ પછી બન્નેને અંદર બોલાવ્યા. બન્ને અંદર ગયા. અને નમસ્તે કરીને ઉભા રહ્યા. રાઠોડ સાહેબ બન્નેને જોઈ રહ્યા...
( ક્રમશ : )
15 જુલાઈ 2020