What my fault in Gujarati Short Stories by Sheetal books and stories PDF | મારો શું વાંક

The Author
Featured Books
Categories
Share

મારો શું વાંક

વ્હીસલ વાગી અને ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર ઉભી રહી. બધા પેસેન્જરની સાથે હું પણ નીચે ઉતર્યો અને મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો. બપોરના બાર-સાડા બારનો સમય, ધોમધખતો તડકો અને વૈશાખી લુ, પરસેવે રેબઝેબ હું બેગ ઢસડતો ગેટની બહાર નીકળી રેલવે સ્ટેશનની બહાર નજર દોડાવી રીક્ષા શોધી રહ્યો હતો. મને ઉભેલો જોઈ એક રિક્ષાવાળો રીક્ષા લઈને મારી પાસે આવ્યો.

"ક્યાં જાવું છે સાયેબ?" મોમાં ભરી રાખેલી પાનની થુંકની પિચકારી રસ્તાના ખૂણે મારી એણે મને પૂછ્યું.

"આશિયાના સોસાયટી, પટેલ રોડ, કેટલા થશે ત્યાં જવાના?"

"એંસી રૂપિયા થશે."

"એં....સી, હું તો સાઠ જ આપીશ."

"ઠીક છે, તમે સાઠ આપજો, આમેય મારો જમવાનો ટેમ થઈ ગયો છે. તમને ઉતારીને હુંય ઘરે જઈશ."

બેગ રીક્ષામાં મૂકી ને હું પણ ગોઠવાયો એટલે એણે રીક્ષા દોડાવી.

હું એને જોઈ રહ્યો, વ્યવસ્થિત ઓળેલા વાળમાં આછી સફેદી, ખાખી યુનિફોર્મ, ચહેરા પર ઝીણી ઝીણી દાઢી, ગોરો વાન, મધ્યમ કદ, ઓવર ઓલ મને એ નખશીખ સારો માણસ લાગ્યો.

"શું નામ તમારું?"

"અસલી નામ તો છે કિશન ચૌહાણ, પણ... સાયેબ, અહીંના લોકો મને રાજુ રિક્ષાવાળાના નામથી ઓળખે છે." રસ્તા પર નજરની સાથે એની રીક્ષા પણ દોડી રહી હતી. "આમેય સાયેબ, નામમાં શું રાખ્યું છે. અહીંયા તો હું પોતેય ત્રણ-ચાર વરહથી જ રહેવા આવ્યો છું. એકલો જીવ છું એટલે આ લોકો જે નામથી બોલાવે એ પોતીકું જ લાગે છે."

"આ તે વળી કેવું? કોઈ નથી તમારું, અનાથ છો?"

"ના... ના સાયેબ, માં-બાપુ, નાનો ભાઈ, બેન બધાંય હતા, હું અનાથ નથી, ખૂની છું."

"ખુની....." મારા ગળે શોષ પડ્યો.

"ગભરાઓ નહિ સાયેબ, ચૌદ વરહની સજા ભોગવી ચુક્યો છું એ પણ કોઈ ગુનો કર્યા વગર."

"હું કાંઈ સમજ્યો નહિ." મેં ડર છુપાવતા પૂછ્યું.

"આમ તો જાતનો ચમાર છું, અહીંથી મીલો દૂર રહેતો હતો, બાપુ જોડા સીવવાનું કામ કરતા ને માં ગોદડીઓ સીવતી. ભણવામાં હોશિયાર હતો એટલે મને નિશાળે મોકલ્યો. રોજ ચાર કિલોમીટર ચાલીને આવ-જા કરતા કરતા દસ ધોરણ લગી ભણ્યો. એક દિ' બાપુને જમનું તેડું આયું ને ઈ અમને મૂકીને મોટા ગામતરે ઉપડી ગયા ને મારા માથે જવાબદારીનું પોટલું નાખતા ગયા. આગળ ભણવું હતું પણ નાના ભાઈ બેન ને ગોદડીઓ સીવીને ખુદ કંતાઈ ગયેલી માંદલી માં માટે વિચાર માંડી વાળ્યો ને બાજુના ગામની નિશાળમાં નોકરીએ લાગી ગયો ત્યારે મને મૂછનો દોરોય નહોતો ફૂટ્યો."

"શું નામ હતું તારા ભાઈ બેનનું" હવે મને એની કહાણીમાં રસ પડવા લાગ્યો.

"ભાઈનું નામ શિવરામ ને બેનનું નામ મંજુ, બેઉ મને બહુ વ્હાલા હતા...."

"વ્હાલા હતા....એટલે હવે....."

"એક દિ' નોકરીએથી પાછો ફરતો'તો ત્યારે રસ્તામાં એક ખેતરની ઝાડીમાંથી મને રડવાનો અવાજ સંભળાયો. કોઈ સ્ત્રી રડી રહી હતી ને આજીજી કરી રહી હતી કે 'મારા પેટમાં તારું બાળક છે, જો તું મને નહિ અપનાવે તો મારે કૂવો પુરવાનો વખત આવશે' આ સાંભળીને હું ઝાડી પાસે ગયો ને જોયું તો મારી બેન મંજુ ગામના તલાટીના છોરા ગિરધરના પગ પકડીને ઉભી હતી. આ જોઈને મારી કમાન છટકી ને મેં ઝાડ નીચે પડેલ મોટો પાણો ગિરધરના માથામાં મારવા ઉપાડ્યો સાયેબ, પણ, હું મારું એ પહેલાં જ મારો ભાઈ શિવરામ પણ ત્યાં આવી પોગ્યો ને એણે હારે લાવેલું દાંતરડું ગિરધરના પેટમાં હુલાવી દીધું ને મેં એને ન્યાંથી ભાગી જવા કીધું."

"પછી...." મેં થુંક ગળા નીચે ઉતાર્યું.

"પછી શું થાય સાયેબ, પોલીસ પકડી ગઈ મને, મુકદમો ચાલ્યો ને મને ચૌદ વરહની સજા થઈ. સજા પુરી કરી હું ગામમાં ગયો તો ખબર પડી કે મારી માં ને મારી બેને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો'તો ને મારો ભાઈ તો પહેલાં જ ગામ છોડી નાસી ગયો હતો."

"તમે ભાઈને શોધવા પ્રયત્ન ન કર્યો? શું ઉમર હતી તમારા ભાઈની ત્યારે?" મારી ઉત્કંઠા વધી રહી હતી.

"હું જેલમાં ગયો ત્યારે એ લગભગ તેર વરહનો હતો. જેલમાંથી છૂટ્યા પછી મેં એને ગોતવા ઘણી કોશિશ કરી પણ હું નસીબનો બળિયો કે આ ત્રણ વરહથી હજી ગોતું જ છું. શિવરામેય મને મળવાની કે ગોતવાની કોશિશ ન કરી." એની આંખો તગતગી ઉઠી.

"એટલે હવે એ લગભગ ત્રીસેક વર્ષનો હશે, નહિ?"

"હા....હા....લગભગ એવડો જ, વચ્ચે ઊડતી ખબર આવી હતી કે એ બહુ મોટો માણસ થઈ ગયો છે, પણ ક્યાં છે એની ભાળ ન મળી, સાયેબ, અહીંયા જ ઉતરવું છે તમને?" એણે મને તંદ્રામાંથી જગાડ્યો.

"જરાક સામે દુકાને પૂછી જુઓને કે બંગલો નંબર સાત ક્યાં છે?"

"અબઘડી પૂછી આવું." સામે આવેલી પાનની દુકાને પૂછવા એ દોડ્યો.

"સાયેબ, જરાક આગળ જવું પડશે, હું તમને ન્યાં છોડી દઉં" રીક્ષા સ્ટાર્ટ કરી આગળ દોડાવી.

રાજુએ બંગલો નંબર સાત પાસે રીક્ષા ઉભી રાખી એટલે બેગ લઈને હું ઉતર્યો અને એને પૈસા ચૂકવી હું ગેટ તરફ ગયો અને એણે યુ ટર્ન લઈ રીક્ષા મારી મૂકી.

ગેટ પાસે લાગેલી નેમપ્લેટ વાંચી મને ચક્કર આવી ગયા, ત્યાં નામ લખેલું હતું...."શિવરામ ચૌહાણ, કોર્પોરેટર...."