આવનાર વ્યક્તિ એ પ્રશ્ન પૂછ્યો ,"શું આ શ્રી જગદીશ ભાઈનું ઘર છે?"
આશિષે આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે પૂછ્યું, "હા, પણ તમે કોણ છો??"
" જી હું 'આનંદ અનાથાશ્રમ' માંથી આવું છું. ત્યાંના મેનેજર સાહેબે મોકલ્યો છે. આ અમારું કાર્ડ છે. "આવનાર વ્યક્તિએ કહ્યું.
" હા, તો શું કામ છે? "આશીષે થોડા અણગમાના ભાવ સાથે કહ્યું
" જી, વાત એમ છે સાહેબ કે હું જગદીશ સાહેબ પાસેથી રૂપિયા દસ હજારનો ચેક લેવા આવ્યો છું." આવનાર વ્યક્તિ
"ચેક ... દસ હજારનો" આશિષના બોલતા પહેલા જ રુચિકા અચાનક આવીને બોલી.
"હા, મેડમ, સર, જગદીશ સાહેબ દર મહિને અમારા અનાથાશ્રમમાં રૂપિયા દસ હજારનો ચેક મોકલે છે. કયારેય ભૂલતા જ નથી.પણ છેલ્લા બે મહિનાથી ચેક નથી મળ્યો, તો મેનેજર સાહેબે મને ચેક લેવા તેમજ તેમની તબિયત વિશે પૂછવા મોકલ્યો છે."
આશિષ ને સમજમાં આવતું ન હતું કે શું કહેવું પણ કંઈક વિચારી ને બોલ્યો, " જુઓ, પપ્પા તો અત્યારે બહાર ફરવા માટે ગયા છે. ઘર તેમજ પૈસાના વહીવટની જવાબદારી મને સોંપીને ગયા છે પણ આ અનાથાશ્રમના ચેક બાબતે મને કોઈ વાત કરી નથી."
" હું સમજી શકું છું સાહેબ કે આવી રીતે તમે મને અજાણ્યો જાણી પૈસા ન આપી શકો પણ જગદીશ સાહેબે જ કહ્યું હતું કે આમ તો તેઓચેક મોકલવાનું કદી ભુલશે નહિ પણ કોઈ કામના ભારણના લીધે કે પછી ઉંમરના લીધે ભૂલી જાય તો કોઈ આવીને લઈ જઈએ બસ એટલે જ મેનેજર શ્રી એ મને મોકલ્યો છે. એવું હોય તો તમે સાહેબને પૂછીને પછી આપો. હું રાહ જોઇશ.આપ શાંતિથી સાહેબ સાથે વાત કરી જણાવો."આવનાર વ્યક્તિએ નમ્રતાપૂર્વક કહ્યું.
આશિષ ," ઠીક છે, હું આવું હમણાં. "એમ બોલી પોતાના રૂમમાં ચાલ્યો ગયો.આવનાર વ્યક્તિ હોલમાં જ આશિષના આવવાની રાહ જોતો બેસી રહ્યો.
ત્યાં જ રૂમમાંથી રુચિકાના જોર જોરથી બોલવાનો અવાજ સંભળાવવા લાગ્યો."જો આશિષ આપણા પૈસા કાઈ આમ વેડફવા માટે નથી. આવા બધા તો પૈસા માંગવા દોડ્યા આવે તો શું આપણો વિચાર કર્યા વગર કાંઈ આપી ન દેવાય! અને આમે ય આવા અનાથાશ્રમમાં ઉછરતા બાળકો ચોર કે ગુંડા જેવા જ હોય છે. આવા પાછળ ખોટો ખર્ચ કરવાનો કોઈ અર્થ જ નથી. પપ્પા એ તો ન જાણે કેટલાય રૂપિયા આવી રીતે વેડફી દીધા હશે. સારું થયું કે આપણે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. નહિતર આપણી જાણ બહાર કોને ખબર કેટલીય જગ્યા એ આવી રીતે પૈસા ઉડાવ્યા હશે."
આશિષ અકળાય ને બોલ્યો, " રુચિકા ધીમે બોલ એ હોલમાં બેઠો છે.એક તો એને કેમ કરીને ટાળવો એ સમજાતું નથી ને તું આમ રાડો પાડે છે . મને પણ ખબર છે કે આમ પૈસા દેવા યોગ્ય નથી.ચાલ હવે બહાર જઈ તેને અત્યારે તો બહારનો રસ્તો દેખાડી દઈએ."
રુચિકા અને આશિષ પોતાના બેડરૂમમાંથી બહાર હોલ માં આવ્યા તો આવનાર વ્યક્તિ ત્યાંથી ચાલી ગયો હતો. આ જોઈ રુચિકા ખુશ થતા બોલી,"જોયું આશિષ તું ખોટો મને કહેતો હતો ,પણ મારા જોર જોરથી બોલવાના લીધે જ એ સમજીને ચાલ્યો ગયો કે અહીંયા તેની દાળ નહિ ગળે.. અને કોઈ પૈસા નહિ મળે. હવે તું નાહક ચિંતા ન કરતો આવતા મહિને પણ તે પૈસા માંગવા નહિ આવે."
આશિષ," રુચુ તને મારી જીવનસાથી તરીકે પસંદ કરીને મેં મારી જિંદગીનું સૌથી સારું કામ કર્યું છે..કોઈ પ્રોબ્લેમમાં મને જ્યારે કાઈ સમજ ન પડે કે શું કરવું ત્યારે તું એ પ્રોબ્લેમ જલ્દીથી જ સોલ્વ કરી નાખે છે.રીએલી તું તો તું જ છો. "
થોડા મહિના પછી 'આનંદ અનાથાશ્રમ' ના મેનેજર ફરી આશિષના ઘરે આવ્યા. આશિષ અને રુચિકા એ પહેલાં તો જાણ્યે અજાણ્યે તેમને આવકાર આપ્યો પણ જેવી તેમણે પોતાની ઓળખાણ આપી કે તરત જ રુચિકા મોં મચકોડતા બોલી," તમારા એ મોકલેલ માણસને અમે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે પપ્પા બહાર ગયા છે તો અમે કોઈ પૈસા નહિ આપીએ તો પણ તમે ફરી વાર આમ પૈસા માંગવા ચાલ્યા આવ્યા?
રુચિકાની વાત સાંભળી મેનેજર સાહેબ કઈક આશ્ચર્ય સાથે બોલ્યા," લે હજુ જગદીશ ભાઈ બહારગામથી આવ્યા નથી. હું તો એમને ઘણા સમયથી ઓળખું છું અને મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ ક્યાંય બહાર બહુ જતા નથી અને કદાચ જો અનિવાર્ય સંજોગોમાં જવાનું થાય તો તેઓ બે- ત્રણ દિવસ માટે જ બહાર રોકાણ કરે છે. આટલા સમયથી કેમ તેઓ બહાર જ છે?? તે બંનેની તબિયત તો ઠીક છે ને?
મેનેજરની આવા ઉલટતપાસ કરતા હોય તેવા પ્રશ્નોથી અકળાયને ગુસ્સે થયેલ રુચિકા બોલી,"તો તમને શું એવું લાગે છે કે અમે જુઠ્ઠું બોલીએ છીએ!અને પપ્પા જ્યાં ગયા હોય ત્યાં તમારે શુ એમાં?? પૈસાની ના કહી એટલે તમે તો જાણે પાછળ જ પડી ગયા છો."
રુચિકાના બોલવાથી બગડતી બાજી જાણે કે સુધારવા માંગતો હોય એમ આશીષે કહ્યું," જુઓ વડીલ, મમ્મી અને પપ્પા બને ઘણા સમયથી તીર્થ યાત્રા પર ગયા છે .ક્યારે આવશે એ હજુ નક્કી નથી. તેમણે મને અનાથાશ્રમમાં આપવાના ડોનેશન વિશે પણ કોઈ વાત કરી નથી..તો હું કેવી રીતે આપને....."
આશિષની મુંઝવણ જાણે કે સમજાય ગઈ હોય તેમ મેનેજરશ્રી બોલ્યા," અરે, હું સમજુ છું આશિષ ભાઈ, પણ તમને અને બેનને કઈક ગેરસમજ થાય છે.તેદિવસે મને મારા માણસે બધી જ વાત કરી હતી.એટલે જ આજે હું અહી તમારી પાસે કોઈ ચેક લેવા નથી આવ્યો પણ તમને કઈક આપવા આવ્યો છું..."
(ક્રમશઃ...)