સાંજના
પાંચ વાગ્યા હતા. ડોરબેલ વાગી.અંતરાએ દરવાજો ખોલ્યો તો સામે મમતાબેન તેના દીકરા
કુણાલ સાથે ઊભાં હતાં.
“ઓ હો!
મમતા બેન તમે? આવો, આવો...કેમ છો? હાય કુણાલ? બહુ દિવસે આવ્યો બેટા?”
“ હાય
મામી? હું એકદમ મજામાં છું. તમે કેમ છો?” કુણાલે ખૂબ જ નમ્રતાથી મામી સાથે વાત
કરી.
“
મમ્મી, મમતાબેન અને કુણાલ આવ્યાં છે.” અંતરાનો અવાજ સાંભળતાં જ માલિની બેન પોતાના
રૂમમાં સૂતાં હતાં ત્યાંથી ઊઠીને બહાર આવ્યાં.
“ અરે,
મમતા, કુણાલ, આવ આવ...બેસ, હું બાથરૂમ જઈ આવું હો. અંતરા તું ચા મૂકી દે અને
કુણાલને દુધ પીવું હોય તો બનાવી દે.”
દીકરીના આવવાનો હરખ માલિની બેનના અવાજમાં ચોખ્ખો વર્તાતો હતો.
“
મમ્મી, મે હમણાં જ ચા બનાવી છે.. કુણાલ તારા માટે બોર્નવિટાવાળું દુધ બનાવી દઉં?”
અંતરા મહેમાનગતિમાં ક્યારેય પાછળ પડે નહિ.
“ ના
મામી, મને દૂધ નથી પીવું..” કુણાલે કહ્યું.
“લાવ
અંતરા, મારી ચા આપ ને! એટલે આગળ મગજ ચાલે! મને તો બપોરે ઉઠીને પહેલા ચા જોઈએ. કેમ છે મમતા? માંને તો ભૂલી જ ગઈ
સાવ...કેટલા દિવસે આવી? કુણાલ કેમ છે દીકરા?” માલિની બેન બોલ્યાં.
અંતરા
માલિનીબેન, મમતા બેન અને પોતાની ચા નાસ્તા સાથે લઇ આવી.
ચા
પીતાં પીતાં જ માલિની બેને અંતરાને પૂછ્યું, “ અરે અંતરા, પર્લ ઉઠી નથી હજી સુધી?
એને ઉઠાડ અને બોલ કે ફઈ અને કુણાલ આવ્યાં છે.”
અંતરા
રૂમમાં ગઈ, પર્લને ઉઠાડવા.
“આજે
પર્લ સ્કૂલમાંથી રડતાં રડતાં આવી.” માલિની બેને બપોરે શું થયું હતું તે વાત મમતાને કરી.
“કેમ?
શું થયું?” આમ તો
મમતાને પર્લની વાતો સાંભળવામાં કોઇ રસ નહોતો... છતાંય પૂછી લીધું.
“આજે
તેના ક્લાસમાં કોઇ છોકરીએ તેને ‘છ
આંગળીઓ વાળી’ કહીને ચિડવી તો તેને ખૂબ જ ખરાબ લાગ્યું. સ્કૂલમાંથી આવીને કંઈ બોલી
જ નથી.. બિચારી ચૂપચાપ સૂઈ ગઈ.” દાદીનો જીવ પર્લને દુઃખી જોઇને વલોવાઇ રહ્યો
હતો..
“છ આંગળીઓ
છે અને છ આંગળીઓવાળી કહ્યું તો એમાં રડવા જેવું શું છે? તને કહ્યુ હતું ને કે એ
અપશુકનિયાળ છે. ઘરમાં રડ્યા જ કરશે. રડો તો લક્ષ્મી ક્યાંથી આવે ઘરમાં.” મમતાએ
છણકો કરતાં કહ્યુ.
અંતરાએ
મમતાના આ શબ્દો સાંભળી લીધા. તેનું મોઢું ઊતરી ગયું. અંતરાને રૂમમાંથી આવતી જોઇને માલિનીબેને તરત જ
વાત ફેરવતાં કહ્યું,
“પર્લ,
જો તો કોણ આવ્યુ છે? કુણાલભાઈ આવ્યો છે.. ક્યારનો તારી રહે જુએ છે. જા, રમાડ એને
તારી સાથે. અંતરા, કુણાલને પર્લ સાથે પેસેજમાં રમવા દે.”
અંતરા
રમકડાંની બેગ પેસેજમાં લઈ આવી. પર્લ અને કુણાલ સાથે એ પણ પેસેજમાં જ બેઠી. મમતાબેન
અને માલિનીબેનની ધીમા અવાજે વાતો ચાલુ હતી. અંતરા એકદમ અપસેટ થઈ ગઈ. મમતાબેન અને
ગરિમાબેન જ્યારે પણ આવે ત્યારે પર્લ માંટે ખરાબ જ બોલતાં હોય છે. તેમની નેગેટિવ
વાતો સાંભળીને અંતરાના મનમાં તેમનાં પ્રત્યેની લાગણી કુંઠાઈ ગઈ હતી.. માત્ર સંબંધ
જાળવવા ખાતર એ ચૂપ હતી. મન તો એવું થતું હતું કે મમતાબેન અને ગરિમાબેનની બોલતી બંધ
કરી દે, પણ વિનીતના લીધે એ ચૂપ રહેતી.
“ અરે
અંતરા, પપ્પા (સસરા)ને ફોન કરીને કહી દે ને કે આવતાં આવતાં મમતા અને કુણાલ માટે
સમોસાં લેતા આવે. મેં બપોરે ફોન કર્યો હતો ત્યારે પર્લ માટે દ્રાક્ષ લઇ આવવાનું
કહ્યું હતું. પાછું યાદ કરાવજે એમને... આવતાં જ હશે.. જલ્દી ફોન લગાડ એમને.”
માલિનીબેનનો ઉત્પાત થોડો વધી ગયો..
અંતરા
પાછી ઘરની અંદર આવી. સસરાને ફોન લગાડયો, “પપ્પા મમતાબેન અને કુણાલ આવ્યાં છે. તમે
ક્યાં પહોંચ્યા છો?...તો આવતાં આવતાં તેમનાં માટે સમોસા લેતાં આવો ને! મમ્મી કહે
છે.” અંતરાનો મૂડ ખરાબ હતો.
અંતરાનું પડેલું મોઢું જોઇને માલિની બેને અંતરાનો મૂડ ઠીક કરવાની કોશિશ કરી,
“અંતરા,
તારા અને વિનીત માટે પણ કહી દે... કેટલા લઇ આવે?”
“મમ્મી,
મને ઇચ્છા નથી..”
“કેમ?”
“ઇચ્છા
નથી... બહુ મોડી જમી છું..”
“
ખવાશે હવે! એક તો ખાઈશ ને?”
“ના
મમ્મી, જરાય ઇચ્છા નથી.”
“મંગાવ
ને હવે! તું નહિ ખાય તો વિનીત ખાઇ જશે.”
“ના
મમ્મી, મને જરાય ઇચ્છા નથી.” કહીને અંતરાએ સસરાને લગાડેલો ફોન મૂકી દીધો.
“પર્લ
બેટા, ઓ પર્લ... જો તો દાદા તારા માટે શું લઇ આવ્યા છે?” માધવદાસે પર્લ અને કુણાલને
પેસેજમાં રમતાં જોઇને જ બૂમ પાડી..
પર્લ
દોડતી દાદા પાસે આવી અને બોલી, “સમોસા, મને ખબર છે દાદા... મમ્મીએ તમને સમોસા
લાવવા માટે ફોન કર્યો હતો..”
“ના,
બીજું પણ તારા માટે કંઇક લઇ આવ્યો છું. બોલ શું હશે?”
પર્લે દાદાના
હાથની થેલીઓમાં જોઈ લીધું અને તરત જ કૂદકા મારીને બોલી, “ દ્રા.. ક્ષ..! પર્લ એટલી
ખુશ થઈ ગઈ કે તે કુદાકુદ કરવા લાગી.
“હા,
મારી પર્લને બહુ ભાવે છે ને! કુણાલ ભાઇને પણ આપજે હો.”
“હા
દાદા” પર્લ ખુશ થઈ ગઈ..
“કેમ
છે કુણાલ?”
“મજામાં
છું નાના...”
માધવદાસ
હોલમાં આવ્યા તો મમતા અને માલિનીબેન પોતાની વાતોમાં મશગુલ હતાં.. અંતરા રસોડામાં
હતી..
માધવદાસે
રસોડા તરફ જતાં જતાં જ મમતાને પૂછ્યું, “કેમ છે મમતા બેટા?”
“હા
પપ્પા, મજામાં છું” કહીને મમતા પાછી તેની મમ્મી સાથે વાતોમાં લીન થઇ ગઈ..
માધવદાસ
રસોડામાં ગયા, “લે બેટા અંતરા, આમાં પર્લ માટે દ્રાક્ષ અને સમોસા છે. તારા માટે પણ
લઇ આવ્યો છુ.. ગરમા ગરમ ઉતરતા હતા. ડિશમાં કાઢ.”
“પપ્પા,
મને જરા પણ ઇચ્છા નથી..આજે બપોરે બહું જ મોડી જમી છું.. એટલે મેં તમને ના પાડી
હતી.” અંતરાએ પપ્પાને પોતાનો મૂડ ખરાબ છે તેની ખબર ન પડે તેની પૂરી તકેદારી રાખીને
કહ્યું.
“અરે,
તું ચાખી તો જો... 'રાધા ક્રિષ્ન’ માંથી લઇ આવ્યો છું.. ક્યાં ક્યાંથી લોકો સમોસા
ખાવા આવે છે ત્યાં... દરરોજના એક હજાર સમોસા વેચાય છે તેના. એમ જ થોડી વેચાતા હશે!
તું ફટાફટ કાઢીને લઇ આવ..” કહીને માધવ દાસ પોતાની રૂમમાં જતા રહ્યા.
અંતરાએ
બધાને સમોસા ચટણી પીરસ્યા. માધવદાસે પોતાના રૂમમાં જ સમોસા ખાધા. અંતે માં –
દીકરીની વાતો પૂરી થઈ ત્યારે માલિનીબેને બૂમ પાડી...
“અરે સાંભળો છો? રૂમમાં કેમ બેઠા છો? બહાર આવો..
મમતા આવી છે ને તમે શું રૂમમાં જઈને બેસી ગયા? વાત તો કરો દીકરી સાથે...”
માધવદાસ
બહાર આવ્યા... “મલયકુમાર ન આવ્યા?”
“ના
પપ્પા, એને જરા હમણાં યર એન્ડીગનાં લીધે ઓફિસમાં બહુ કામ રહે છે.”
“તારા
સાસુ- સસરા કેમ છે? તેમની તબિયત તો સારી રહે છે ને!” માધવદાસે મમતા સાથે વાતનો
કંઇક દોર સાધવા પૂછ્યું..
“એમને
શું તકલીફ છે? તૈયારમાલ ખાઓ, પીઓ ને એશ
કરો.. દીકરો કમાય છે પછી એમને શું ચિંતા? મમ્મી, તને હું શું કહું, બંને જણ એટલા
ખોટા ખર્ચા કરે છે કે વાત ન પૂછ... આમાં હું ઘરનું ગાડું કેવી રીતે ગબડાવું?”
“કુણાલનો
ભણવાનો ખર્ચો, તેના કરાટે ક્લાસ, ડ્રોઈંગ ક્લાસ..આ બધાની ફી ભરું કે તેમના ફાલતુ
ખર્ચા ઉપાડું?તું માનીશ, ગયા મહિને મારું આખું બજેટ ખોરવાઈ ગયું.. મારા સસરાને
સંભળાતું નથી. મલયે તેમને પાંત્રીસ હજારનું કાનનું મશીન તાબડતોબ અપાવી દીધું.
મારો કીટીના ગૃપમાંથી ગોવા જવાનો પ્લાન હતો, જેના માટે મારે પૈસા ભરવાના હતા. ક્યાંથી ભરું? આ તો મારી ફ્રેન્ડે હમણાં મારા પૈસા ભરી દીધા છે. આવતા મહિને હું
તેને આપીશ. નહિ તો મારો ગોવા જવાનો પ્લાન કેન્સલ થઈ જાત.”
“ક્યારે
જવાનું છે તારે ગોવા? કોણ કોણ જાવ છો?” માલિની બેને ઉત્સુકતાથી પૂછ્યું.
“હું
એકલી જ વળી.. બીજું કોણ? મારા કિટીના ગ્રુપની બધી
લેડીઝ જ છે..” અંતરા થોડી અતડાઇને બોલી..
“તો
કુણાલ કોની પાસે રહેશે?”
“છે ને
દાદા- દાદી ઘરે.. રાત્રે મલય આવશે ઘરે ત્યારે કુણાલનું હોમ વર્ક અને નોટ્સ જોઈ
લેશે.. મને પણ મારા માટે થોડો સમય જોઈએ કે નહિ? આખો દિવસ ઘર, છોકરાવ સાચવી સાચવીને
હું પણ કંટાળી જાઉં છું.” મમતાએ નિસાસો નાખતાં કહ્યું.
“હા,
હા... તું ફરી આવ. કુણાલ તો દાદા દાદી પાસે રહે છે એટલે વાંધો નથી.. એમ તો કુણાલ
અહીં રોકાય તો પણ કોઈ વાંધો નથી, પણ કુણાલ દાદા- દાદીનો હેવાયો છે. એટલે એ ત્યાં
સારી રીતે રહેશે.”
માલિનીબેને મલાવો કરતાં કહ્યું.
ક્રમશઃ