વિનીતે સ્કૂટર ચાલુ કર્યુ. અંતરા બેસી
ગઇ. વિનીત સ્કૂટર ચલાવતાં ચલાવતાં અંતરા સાથે વાતો કરી રહ્યો હતો, પણ અંતરા
મમ્મીના ટેન્શનમાં ખોવાયેલી હતી.. વિનીતની વાતમાં તેનું ધ્યાન જ ન ગયું..
“ અંતરા, અંતરા... શું થયું?” વિનિતના
થોડા મોટા અવાજથી તે ચોંકી ગઈ..
“ હ...વિનીત, મમ્મી ખૂબ જ ટેન્શનમાં
છે.”
“ શું થયું?” વિનીતે બાઈક ચલાવતાં
ચલાવતાં જ અંતરાને પૂછયું..
“થોડી લાંબી વાત છે. ઘરે પહોંચીને તને
કહું છું.” અંતરાએ કહ્યું..
ઘરની ચાવીથી વિનીતે દરવાજો ખોલ્યો તો
પર્લ મમ્મી પાસે જ સૂઈ ગઈ હતી. માલિનીબેન ટીવી જોતાં હતાં.. વિનીત સીધો બેડરૂમમાં
ગયો.. અંતરા રસોડામાં બધું આટોપવા માંડી. માલિનીબેને હોલમાંથી જ કહ્યુ, “ અંતરા,
વિનીતને થાળી આપી દે એટલે એ જમી લે.”
“ મમ્મી, વિનીતે સાંજે મોડેથી નાસ્તો
કર્યો છે.. એટલે એ જમવાની ના પાડે છે.”
અંતરાએ બિલ્ડિંગમાં આવતાં જ વિનીતને
જમવાનું પૂછી લીધું હતું ત્યારે વિનીતે જમવાની ના પાડીને આ કારણ બતાવ્યું હતું.
“ પાઉંભાજી બનાવી છે તે વધશે” અંતરા મમ્મીનો
સ્વભાવ જાણતી હતી. મમ્મીને ત્યાં ગયા હોઇએ કે બહાર ફરવા ગયાં હોઇએ ત્યારે અચૂક તે
ઘરે જમવા માટે ફોર્સ કરે જ. એક સ્વભાવ પડી ગયો હતો તેમનો. એટલે અંતરા વધુ કાંઈ
બોલી નહિ, પર્લને તેડીને રૂમમાં લઇ ગઇ.
જેવી અંતરા રૂમમાં આવી કે તરત વિનીતે પૂછ્યું,
“ શું થયું મમ્મીને?”
“ કહું છું” કહીને અંતરાએ દરવાજો બંધ
કરીને રૂમની લાઇટ બંધ કરી અને બેડ પર બેઠી. અંતરાએ આખી વાત માંડીને કરી.
“ વિનીત, વિનીત...” માલિનીબેન દરવાજો
ઠોકી રહ્યાં હતાં..
વિનીતે દરવાજો ખોલ્યો, “ હ માં...”
“ અરે બેટા, તારે જમવું નથી? પાઉંભાજી
બનાવી છે.”
“ ના માં, મેં આજે સાંજે વધારે નાસ્તો
કર્યો છે... મને ભૂખ નથી..” વિનીતે માંને શાંતિથી જ જવાબ આપ્યો..
“ તો ત્યારે જ ફોન કરી દેવો જોઈતો હતો. અંતરાને મમ્મીના ઘરે જવું હતું તો પાઉંભાજી બનાવીને ગઈ...હવે વધશે.” માલિની બેને
ચિંતા જતાવી..
“ કંઈ વાંધો નહિ માં...હું કાલે
ટિફિનમાં એ પાઉંભાજી જ લઇ જઈશ. મારા માટે સવારે ટિફિન નહિ બનાવતાં.”
“ ના, ના...વાસી પાઉંભાજી તારે શું કામ
લઈ જવી છે? અંતરા તને સવારે તાજું ટિફિન બનાવી દેશે. સૂઇ જાવ હવે શાંતિથી, જય
શ્રી કૃષ્ણ."
“ જય શ્રી કૃષ્ણ માં” કહીને વિનીતે
દરવાજો બંધ કર્યો.બંને ફરી વાતોએ વળગ્યાં.
“ ચિરાગભાઇ આમ તો બહુ જ સમજુ છે. એ દારૂની લતે કેવી રીતે ચડ્યા?
કદાચ ટેન્શનને હળવું કરવા પીતાં હશે, એમાંથી આદત પડી ગઈ હશે. કાઈ નહિ, બધું ઠીક
થઈ જશે...અંતરા, તું છે ને એકાત્રા બે દિવસે ચિરાગ ભાઇ અને મમ્મી સાથે વાત કર્યા
કર. એમને સારું લાગશે. ચિરાગ ભાઈને ફોન કરે તો એવું બતાવતી નહિ કે આ બધું તને ખબર
છે. આમ જ ફોન કર્યો, એમ કહીને વાત કરજે.. ચાલ સૂઇ જઈએ હવે. તું ચિંતા ન કર.
બધું ઠીક થઈ જશે.”
લાઈટ બંધ થઈ. વિનીત તો થાકેલો હતો, તરત
જ સુઈ ગયો,પણ અંતરા જાગી રહી હતી.
એક બાજુ મમ્મી અને ભાઈની ચિંતા થઈ રહી
હતી તો બીજી તરફ વિનીત પર અઢળક પ્રેમ ઉભરાઈ રહ્યો હતો! વિનીત કેટલી સરસ રીતે
બીજાની ભાવનાઓને, બીજાની તકલીફોને સમજી શકતો હતો! તેના આ પ્રેમાળ સ્વભાવને કારણે
તેના પર વધુ વ્હાલ આવતું હતું.. અંતરા અને
વિનીત માત્ર પતિ પત્ની જ નહોતાં..સારા મિત્રો પણ હતાં. કદાચ આવી રીતે જ લગ્ન
જીવનની ગાડી ચાલતી હશે!! પતિ, પત્નીના પરિવારને જેટલું સારી રીતે સમજે, એટલા જ પ્રેમથી પત્ની
પતિના પરિવાર સાથે તાદાત્મ્ય સાધતી હોય છે. સંબંધોનું પણ મીઠાઈ જેવું જ છે.જેટલું ગળપણ નાખો એટલી સંબંધોમાં મીઠાશ વધે. જેટલો પ્રેમ આપો એનાથી વધુ સામેથી
મળે છે.
એટલે જ પતિ પત્ની બંને પરિવારની નાની
મોટી નોક ઝોક, બોલાચાલી કે મ્હેણાં ટોણાં... બધું ખૂબ જ હળવાશથી ખંખેરી નાખતાં હોય
છે.. પ્રેમની કોઇ પરિભાષા નથી હોતી કે પ્રેમ આવી રીતે જ થાય.. પ્રેમમાં આમ જ થાય,
એવું કોઇ શાસ્ત્રોમાં લખેલું નથી.. પતિ પત્નીનો બંનેના પરિવાર સાથે જેટલો ગાઢ
સંબંધ બંધાય છે, એટલો તેમના વચ્ચેનો પ્રેમ વધુ સુદ્રઢ બને છે.
ઘણીવાર અંતરાને અફસોસ થતો કે વિનીત
જયારે કોઈ ઠોસ નિર્ણય લેવાની વાત આવતી
ત્યારે થોડો ઢીલો પડી જતો હતો.. ખાસ કરીને મમતા બેન અને ગરિમા બેન સામે. ઘણીવાર
અંતરાને લાગતું હતું કે તેને થોડો
અગ્રેસિવ પતિ મળવો જોઈતો હતો.. પણ જ્યારે
લાગણીભરી પરિસ્થિતિમાં પર્ફોર્મ કરવાનું આવે ત્યારે વિનીત અવ્વલ નંબરે
આવતો! ત્યારે અંતરાને થતું કે વિનીત મારા માટે પરફેક્ટ પતિ છે!
†** ***.
***
પર્લ રડતી રડતી સ્કૂલ બસમાંથી નીચે ઊતરી..
અંતરા થોડી ગભરાઈ ગઈ..
“શું થયું પર્લ? કેમ રડે છે બેટા?”
પર્લ રડતાં રડતાં જ બોલી, “મમ્મી, આજે અમારું ડિવિઝન બદલાયું. મારા
કલાસમાં બધા અજાણ્યા છોકરા- છોકરીઓ આવ્યાં છે. તેમાંના અમુક લોકો તો પ્લેગ્રુપથી જ
એકબીજાને ઓળખે છે, ઍટલે તેમનું આખું મોટું ગ્રૂપ છે.” પર્લ ફરી રડવા માંડી.
વળી સ્વસ્થ થતાં બોલી,
“મમ્મી, મારી કોઇ જ ફ્રેન્ડ નથી આ
કલાસમાં. એટલે મારી બેન્ચ પર મારી બાજુમાં
બેઠેલી માહીને મેં સામેથી બોલાવીને ‘હાય’ કર્યું.. પણ તેની બીજી ફ્રેન્ડ એ માહીને
મારી સાથે વાત ન કરવા દીધી.. એણે કહ્યું, “ આને તો છ આંગળીઓ છે..” કહીને મારો મજાક
ઉડાવીને જોરજોરથી હસવા માંડી.”
પર્લ ફરી રડવા માંડી. અંતરાએ તેને શાંત
કરતાં સમજાવ્યું, “જવા દે બેટા, બધા એકસરખા ન હોય. ઘણાને મજાક કરવાની આદત
હોય. તું મજાક સમજીને આ વાત મનમાંથી કાઢી નાખ.”
“મમ્મી, એ લોકો મને ચિડવતા હતા. મને
ખૂબ જ ગુસ્સો આવ્યો એ લોકો પર." પર્લ હજુ પણ ધૂંધવાયેલી જ હતી..
અંતરા પર્લનું મન બીજે વાળવા માટે તેને
બાજુમાં આવેલી વેફર બિસ્કીટની દુકાનમાં લઈ ગઇ. ત્યાંથી તેને તેની મનગમતી ચોકલેટ
અને વેફરનાં પેકેટ અપાવ્યાં એટલે પર્લ થોડી શાંત થઈ.
ઘરે આવીને પર્લ વધુ કંઈ બોલી નહિ,
ગુમસુમ જ રહી. જમીને સૂઈ ગઇ. માલિનીબેને અંતરાને પૂછ્યું,
“આજે પર્લને શું થયું છે? કાઇ બોલતી પણ
નથી."
“મમ્મી, આજે તેનો કલાસ બદલાયો છે. તેના
જૂના કોઇ ફ્રેન્ડ આ ક્લાસમાં નથી. બધા જ નવા આવ્યા છે.. એમાંથી કોઈ એકે તેને 'છ આંગળીઓ વાળી' કહીને
ચિડવી..એટલે તેને ખરાબ લાગી ગયું. બસમાંથી ઉતરી ત્યારે જ રડતી રડતી ઉતરી હતી. તેને
ચોકલેટ વેફર અપાવ્યા પછી થોડી શાંત થઈ.” અંતરા બોલી.
“આજકાલના છોકરાઓય કમાલના છે. આવી કોઈ
મજાક કરે!! એ પિટ્યાઓની કોઇ મજાક કરશે ને ત્યારે તેમને ખબર પડશે! મારી દીકરીને કારણ વગર રડાવી. હું છે ને એના દાદાને ફોન કરું છું. એ મુંબઈ ગયા છે ને તો સાંજે આવતાં આવતાં તેના માટે દ્રાક્ષ લઇ આવે. પર્લને દ્રાક્ષ બહુ જ ભાવે છે.” પર્લને કેવી રીતે ખુશ કરવી, તે માલિનીબેનને બરાબર
આવડતું હતું!
ક્રમશઃ