jatashankar jatayu rahu dev pragat thaya part 5 in Gujarati Comedy stories by Om Guru books and stories PDF | જટાશંકર જટાયુ રાહુ દેવ પ્રગટ થયા - ભાગ 5

The Author
Featured Books
Categories
Share

જટાશંકર જટાયુ રાહુ દેવ પ્રગટ થયા - ભાગ 5

જટાશંકર જટાયુ

'રાહુ દેવ પ્રગટ થયા'


'કલ્યાણ થાઓ, આયુષ્યમાન બનો, કન્યા પધરાવો સાવધાન.' ત્રિપુંડશંકર ગોર બોલ્યા.

'અરે, અહીં તમે નવગ્રહ યજ્ઞ કરવા આવ્યા છો. કન્યા ક્યાં પધરાવો છો. આ વર્ષો પહેલા જે કન્યા પધરાઇ'તી એની સાથે હું ઊંધા ફેરા લઇ પાછી પધરાવવા માંગુ છું.' જટી સામે જોઇ ખુન્નસથી જટાશંકર બોલ્યા.

'તમે શું મનફાવે એમ બોલો છો. હું તમારા જીવનમાં ના આવી હોત તો વાંઢા રહી જાત. આ મારા બાપનો ઉપકાર માનો કે એમની સોના જેવી કન્યા તમને આપી.' જટીબેન ગુસ્સે થઇને બોલ્યા.

'વાંઢો રહી ગયો હોત તો સારું થાત. હું પણ સલમાન ખાનની જેમ જીવતો હોત અને જિંદગી આરામથી પસાર કરી હોત. તારી જોડે તો રોજ કકરાટ થાય છે. મારી અને એની ઉંમરમાં ખાલી પાંચ વરસનો જ ફરક છે. સાલી જિંદગી બની ગઇ હોત, લગન ના કર્યા હોત તો.' જટી સામે જોઇ જટાશંકર તાડુક્યા.

'તમારી જાતને સલમાન ખાન સાથે ના સરખાવો. બિચારા સલમાન ખાનનું આટલું મોટું અપમાન તો ના કરો. તમારું થોબડું તો રાકેશ બેદી જેવું પણ નથી લાગતું અને પોતાની જાતને સલમાન ખાન સાથે સરખાવો છો.' જટીબેને સીક્સર મારી.

'અરે આ તો જરા લગન કરાવીને આવ્યોને એટલે કન્યા પધરાવો અમસ્તુ મોંમાથી નીકળી ગયું. તમે બંન્ને આ ઝઘડો મુકો અને મારા ગયા પછી લડી લેજો.' ત્રિપુંડશંકર બોલ્યા.

'સાલું તમે ક્રિયા કરમમાં પણ આવું બોલી નથી જતા ને?' જટાશંકરે પૂછ્યું.

'ક્યારેક બી.પી.ની ગોળી લેવાનું ભૂલાઇ ગયું હોય ત્યારે આમનું તેમ ને તેમનું આમ થઇ જાય. આ તો કળિયુગ છે. લીલા સાથે થોડું સૂકું પણ બળે.' ત્રિપુંડશંકરે સોફા પર ગોઠવાતા કહ્યું.

'જટી તું અંદર જા. મારે ત્રિપુંડશંકર ગોર જોડે થોડી ખાનગી વાત કરવી છે.' જટાશંકર બોલ્યા.

'એવી તો શું વાત છે? કે મારી સામે ના થાય. હવે તો હું અહીં જ બેસીશ. જે ભસવું હોય તે મારી સામે જ ભસો.' જટીબેન શંકાશીલ દ્રષ્ટિથી જટાશંકર સામે જોઇ બોલ્યા.

'અરે આ ત્રિપુંડશંકર ગોર બેઠા છે ને મને શું ગમેતેમ બોલે છે. તારું મગજ ચસ્કી ગયું છે?' જટાશંકર ગુસ્સે થઇ બોલ્યા.

'હવે આ બધી લપ છોડો અને તમારે શું કહેવું છે તે બોલો.' જટીબેન બોલ્યા.

'તમારી કોઇ ઇન્ક્વાયરી તો નથી આવી ને? આ તો તમે ક્યારેય કાંણી પૈ પણ ના ખર્ચો અને એના બદલે આખો નવગ્રહ હવન કરવા બોલાવ્યો એટલે મને નવાઇ લાગે છે.' ત્રિપુંડશંકરે પૂછ્યું.

'અરે કોઇ ઇન્ક્વાયરી નથી આવી અને આ રીતે ઇન્ક્વાયરી... ઇન્ક્વાયરી કરીને ના ડરાવો યાર. હાર્ટ બેસી જશે. હવે મારી વાત બરાબર સાંભળો અને બંન્ને જણ વચ્ચે ના બોલતા.' જટાશંકરે બંન્નેને ચૂપ કરાવતા કહ્યું.

જટાશંકરે પોતાની બંડીના ગજવામાંથી જર્જરીત થઇ ગયેલી, ફાટી ગયેલી અને મરણ પથારીએ પડેલી પોતાની જન્મપત્રિકા કાઢી અને જન્મપત્રિકા ત્રિપુંડશંકરને આપી.

'મારા આ ગ્રહો જોઇને કહોને કે મારે કોઇ મરણયોગ તો નથીને અત્યારે? કારણકે સપનામાં એકવાર યક્ષ આવ્યો હતો, મને નરકમાં લઇ જવા માટે અને જટી મારો સામાન પણ પેક કરતી હતી. એટલું જ નહિ હું હમણાં દિલ્હી ગયો ત્યારે પ્લેનમાં મને એવું સ્વપ્નું આવ્યું કે હું મરીને સ્વર્ગલોકમાં જતો રહ્યો છું. આવા ચિત્રવિચિત્ર સ્વપ્નાઓ આવે છે. મારા ગ્રહોની પરિસ્થિતિ જોઇ તમને શું લાગે છે? કહોને.' જટાશંકરે ત્રિપુંડશંકરને પૂછ્યું.

'હાય, હાય... હું તમારી પત્ની થઇને તમારો નરકલોક માટે સામાન બાંધું? તમે મને આવી નગુણી સમજો છો? તમે એટલું પણ ના વિચાર્યું કે જો હું વિધવા થઉં તો મારે ચાંલ્લો ના થાય, હજી હમણાં જ ખરીદેલી સાડીઓ ના પહેરાય અને શણગાર બરાબર ના સજું તો મારા ફોટા સારા નથી આવતા. આ બધી તમને ખબર છે તો તમે મારા વિશે આવું કઇ રીતે વિચારી શકો?' જટીબેન રડતાં રડતાં બોલ્યા.

'અરે આ તો સ્વપ્નમાં જે આવ્યું હતું એ વિગતવાર ત્રિપુંડશંકરને જણાવું છું. જેથી એમને ગ્રહો જોવાની ખબર પડે અને તમે અમારો બંન્નેનો ઝઘડો જોવાનું બંધ કરો અને કુંડળીમાં ગ્રહો જોવાનું શરૂ કરો.' જટાશંકર તપીને બોલ્યા.

જર્જરીત થયેલી જન્મપત્રિકાને ત્રિપુંડશંકરે હળવેથી ખોલી અને ગ્રહો ઉપર નજર નાંખાવાનું શરૂ કર્યું. કુંડળીના ગ્રહો જોતાં જોતાં એમની આંખો ચકળવકળ થવા લાગી. બે-ત્રણ વાર માથે હાથ મુક્યો અને આંગળીના વેઢે કશુંક ગણવા લાગ્યા. એમના મોઢા ઉપર ચિંતાની રેખાઓ તણાઇ આવી.

'અરે આ રીતે ચૂપ ના રહો. ગભરામણ થાય છે. કંઇક બોલો ત્રિપુંડશંકર.' જટાશંકરે ચિંતાભર્યા સ્વરે કહ્યું.

'નવે નવ ગ્રહોની પરિસ્થિતિ અસ્થિર છે. રાહુદેવ અને શનિદેવ વચ્ચે વિખવાદ છે. ગુરૂદેવ સુઇ ગયા છે. કેતુદેવ વગર વિચાર્યે બારેબાર ખાનામાં આંટા મારે છે. બુધદેવ પોતે અસમંજસમાં પડ્યા છે. મંગળદેવ જ્યાં જોવાનું છે ત્યાં નથી જોતા ને બીજે જ ક્યાંક જુએ છે. શુક્રદેવ ઠંડા થઇને બેઠા છે. સૂર્યદેવ સંપૂર્ણપણે નિષ્ક્રિય લાગે છે.' ત્રિપુંડશંકરે જટાશંકરની કુંડળીનો ચિતાર બતાવ્યો.

'માર્યા ઠાર. હવે આનો કોઇ ઉપાય તો બતાવો.' જટાશંકર બોલ્યા.

'ઉપાય તો છે. આ નવગ્રહનો હવન આપણે કરવાના છીએ એમાં થોડા હોમ વધારે કરવા પડશે. દક્ષિણા થોડી વધારે થશે અને એક ઘીનો ડબ્બો દાનમાં આપવો પડશે. બોલો મંજુર?' ત્રિપુંડશંકર બોલ્યા.

કંજૂસાઇના બાદશાહ એવા જટાશંકરે કમને હા પાડી.

જટાશંકરની હા સાંભળી ત્રિપુંડશંકર ખુશ થયા અને યજ્ઞની બધી તૈયારી કરી અને જટાશંકર અને જટીબેનને યજ્ઞ કરવા માટે પાટલા ઉપર બેસવા માટે કહ્યું.

શરૂઆતની પૂજાવિધિ પતાવ્યા બાદ હોમ કરવા માટે ત્રિપુંડશંકર પહેલો શ્લોક બોલ્યા અને હવન સામગ્રીનો હોમ કર્યો. હોમ થતાની સાથે જ ધુમાડો થયો અને એ ધુમાડામાંથી રાહુદેવ પ્રગટ થયા.

શરીરે બળવાન, આઠ ફૂટથી વધારે ઊંચી હાઇટ, મોટી આંખો, હાથમાં ભારે ગદા, શરીર ઉપર સુવર્ણ અને રત્નોના દિવ્ય આભૂષણ સાથે પ્રગટ થયેલા રાહુદેવને ત્રણે જણા જોઇ રહ્યા.

'હે બ્રાહ્મણ, મારા નામે કળિયુગના માણસોને ખોટો ખોટો શા માટે ડરાવે છે? મારું નામ સાંભળીને લોકો ડરી જાય છે. તમે લોકો મારા કારણ વગરના અવગુણો બધાંને બતાવી મોટી દક્ષિણા લો છો?' રાહુદેવ ગુસ્સેથી બોલ્યા.

ત્રિપુંડશંકર રાહુદેવનો દેખાવ જોઇ એમને ઓળખી ગયા. એમને બે હાથ જોડ્યા. જટાશંકર અને જટીબેનો તો પહેલેથી જ થથરતા થથરતા હાથ જોડીને બેઠા હતાં.

'અરે પ્રભુ, તમારા નામે તો અમારા ઘર ચાલે છે. આ યજમાનોને તમારો ડર ના હોય તો એક રૂપિયો પણ દક્ષિણા ના આપે. આપ તો અમારા આરાધ્ય દેવ છો. આપ અમારા માટે પૂજનીય છો.' ત્રિપુંડશંકર બોલ્યા.

'તમે લોકો અમીર અને ગરીબ બંન્નેને મારા નામથી ડરાવો છો. બિચારા ગરીબનો શું વાંક? ઈશ્વરે જેને ગરીબ બનાવ્યા હોય એને હું જરાય દુઃખી કરતો નથી. તમે એ લોકો પાસેથી પણ પૈસા પડાવો છો. હું તને આજે ભસ્મીભૂત કરી દઇશ.' રાહુદેવ ગુસ્સામાં બોલ્યા.

'અરે પ્રભુ, મારા પર દયા કરો. મારે એક પત્ની અને નવ બાળકો છે. બધાંના લગન તમારા આશીર્વાદથી થઇ ગયા છે. મારે હજી એમનો ઘરસંસાર જોવાનો બાકી છે.?' ત્રિપુંડશંકરે ભેંકડો તાણીને કહ્યું.

'ના, માફ કરાય જ નહિ. મારા નામે ડરાવવાની અને પૈસા ઉઘરાવવાની પ્રથા આ કળિયુગમાં બંધ કરાવવા માટે અને દાખલો બેસાડવા માટે અને મારા સ્વભાવનો સારો દાખલો બેસાડવા માટે મારે તને ભસ્મીભૂત કરવો જ પડશે અને આ ભયંકર કળિયુગમાં નવ બાળકોના પિતા બનતા તને શરમ ના આવી?' રાહુદેવ ગુસ્સામાં બોલ્યા.

'હું તમારા નામે ગરીબોની પાસેથી પૈસા નથી લેતો પણ આ જટાશંકર જેવા જેમના બેંકના ખાતા બે નંબરના રૂપિયાથી ભરેલા છે એમની પાસેથી જ પૈસા લઉં છું.' ત્રિપુંડશંકરે જટાશંકર સામે આંગળી કરી.

રાહુદેવે જટાશંકર સામે તીક્ષ્ણ નજરે જોયું.

'પ્રભુ મેં પણ ક્યારેય કોઇની પાસેથી બળજબરીથી પૈસા નથી લીધા. અહીં લેતીદેતીની જ પ્રથા છે. બસ મેં તો એ પ્રથાને જ નીભાવી છે.' જટાશંકરે પોતાનો બચાવ કરતા કહ્યું.

'રાહુદેવ, આ જૂઠ્ઠું બોલે છે. એમને જ્યાંથી મળ્યા ત્યાંથી એમણે પૈસા બનાવ્યા છે અને હવે શેરબજારમાં બે ગણા અને ત્રણ ગણા કરે છે.' જટીબેને રાહુદેવને જટાશંકર વિશે ફરિયાદ કરતા કહ્યું.

'અરે જટી, તું મારી દુશ્મન કેમ બને છે? મને ખબર જ હતી કે હમણાં જ તું મારા વિરુદ્ધમાં બોલીશ. મારા ગળામાં ફાંસીનો ફંદો કેમ નાંખવો એની જ તું રાહ જુએ છે. હમણાં મને રાહુદેવ ભસ્મીભૂત કરી નાંખશે.' જટાશંકર રડતાં રડતાં બોલ્યા.

'તું સટ્ટો પણ કરે છે? સટ્ટો કરવો એ મોટું પાપ છે. મહારાજ યુધિષ્ઠિરના જીવન ચરિત્ર ઉપરથી તે બોધ નથી લીધો કે સટ્ટો ના કરવો જોઇએ.' રાહુદેવે ગુસ્સામાં જટાશંકરને જ્ઞાન આપ્યું.

'અરે પ્રભુ, શેરબજારમાં ઓફીસીયલ રીતે કામ કરવાની પરવાનગી સરકારે જ આપેલી છે. અહીં શેરબજારમાં સટ્ટો કરવો એ ઓફીસીયલ છે. મારી પાસે મારા પોતાના ડીમેટ એકાઉન્ટ પણ છે.' જટાશંકર રડમસ અવાજે બોલ્યા.

'સટ્ટો એટલે સટ્ટો. છતાં ઓફીસીયલ હોય તો કરવામાં વાંધો નહિ. પણ જે પૈસા કમાય એમાંથી માનવસેવાના કામ અવશ્ય કરજે.' રાહુદેવ બોલ્યા.

'પ્રભુ મને માફ કરો. હવે હું આવી ભૂલ નહીં કરું અને ગરીબોને પણ દાન-દક્ષિણા આપી મફત જમાડીશ અને આ ત્રિપુંડશંકરની વાત નહીં માનું.' આટલું બોલતા બોલતા જટાશંકરે રાહુદેવના પગ પકડી લીધા.

જટાશંકરની માફીથી રાહુદેવ પ્રસન્ન થયા અને એમને માફી આપી અને આશીર્વાદ આપ્યા.

'હવે તારે શું કરવું છે, ત્રિપુંડશંકર?' ત્રિપુંડશંકર સામે જોઇ રાહુદેવે પૂછ્યું.

'પ્રભુ મને પણ માફ કરો. આવી ભૂલ હું પણ હવે નહીં કરું અને તમારા નામે યજમાનોને ભડકાવાનું બંધ કરી દઇશ અને તમારા ગુણગાન ગાઇશ.' ત્રિપુંડશંકર પણ રડતાં રડતાં બોલ્યા.

'સારું હવે તમે તમારી કીધેલી વાત યાદ રાખજો. જો આ વાત ઉપરથી ફર્યા છો ને તો તમારી ખેર નથી.' રાહુદેવ આટલું બોલી અને અદૃશ્ય થઇ ગયા.

જટાશંકરના કાનમાં જોરજોરથી ઘંટના અવાજો આવવા લાગ્યા.

'રાહુદેવ કી જય..... રાહુદેવ કી જય..... રાહુદેવ કી જય....' ની બૂમો જટાશંકર પાડવા લાગ્યા.

જટાશંકર બૂમો પાડતા હતાં ત્યારે એમની છાતી પર બે હાથ જોરથી પડ્યા.

'અરે શાની બૂમાબૂમ કરો છો? બહાર ત્રિપુંડશંકર ગોર આવીને બેઠા છે. તમારી રાહ જુએ છે.' જટીબેન બોલ્યા.

'સાલું મારી જિંદગી હરામ થઇ ગઇ છે. સ્વપ્નમાં જે આવે છે એ બધાં મને ડરાવીને જ જાય છે.' આંખ ચોળતા ચોળતા જટાશંકર બેડરૂમમાંથી બહાર નીકળ્યા અને ત્રિપુંડશંકર જ્યાં બેઠા હતાં એની સામેના સોફામાં ગોઠવાયા.

'જટાશંકર નવગ્રહ હવન માટે તૈયાર છો ને?' ત્રિપુંડશંકરે પૂછ્યું.

'નવગ્રહ હવન તો થઇ ગયો. રાહુદેવે કીધેલી વાત તો તમને યાદ છે ને?' જટાશંકર મૂછમાં હસતાં હસતાં બોલ્યા.

'રાહુદેવ મને ક્યારે મળ્યા? અને મને ક્યાં કંઇ વાત કહી છે? તમે શું બોલો છો?' ત્રિપુંડશંકર આશ્ચર્યચકિત થઇને બોલ્યા.

'પણ મારે રાહુદેવ સાથે વાત થઇ ગઇ છે. હવે નવગ્રહ પૂજન કરવાની જરૂર નથી. આપ ચા પાણી કરી આપના ઘરે જાઓ.' આટલું બોલી જટાશંકર પાછા બેડરૂમમાં જતા રહ્યા.

- ૐ ગુરુ