Sajan se juth mat bolo - 22 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | સજન સે જૂઠ મત બોલો - 22

Featured Books
Categories
Share

સજન સે જૂઠ મત બોલો - 22

પ્રકરણ બાવીસમું/૨૨

‘બાંધ બાંધ્યા પહેલાં સરિતા ખુદ બંધનમાં બંધાવા આટલી આતુર થઇ જશે એ અંદાજ નહતો..’

સાહિલની નાદાની પર મનોમન હસતાં સપના બોલી..
‘હા... પણ મેં કહ્યું હતું કે, મને બાંધવી એ ખર્ચાળ અને જોખમી છે, અને મારો રુઆબદાર રૂતબો રૂપિયાને આભારી છે. શું તું એ કિંમતનો અંદાજ આંકી શકે છે ?


‘એક જ નજરમાં કાચના ટુકડાની કિંમત આંકી શકું છું... તો શું હું મારા ધબકારાની કિંમત ન આંકી શકું ? બોલ શું કિંમત છે...સંશય વગરના સ્નેહસરિતાની ?

‘વધુ નહીં...ફક્ત એક કરોડ રૂપિયા.’

એ સાંભળીને સાહિલ ખડખડાટ હસવાં લાગ્યો.. પછી બોલ્યો..
‘ઇતની મહેંગી મહોબ્બત કે સાથ ઇતના સસ્તા મજાક.. કમ ઓન સરિતા.. બી સીરીયસ.’

એટલે ગંભીરતાના સ્વરમાં સરિતા બોલી...
‘સીરીયસ હૂં ઈસલીયે એક કરોડ કિંમત લગાઈ હૈ.. વરના કીસીને મજાક મેં યે બાત સરિતા શ્રોફ સે કી હોતી તો ઉસકી ઝબાન ખીંચ લેતે, સાહિલ.’

કોઈ અંગત, પોતીકા, અતિવિશ્વાસુ વ્યક્તિ મજાકમાં ગરદન પર મુકલી ધારદાર કટારી આંખના પલકારામાં સ્મિત સાથે ઊંડો ઘસરકો પાડીને ખેંચી લે, પછી ફૂંટેલી રક્તધારા સાથે કારમી ચીસ ગળામાં ચોંટી જાય એવા અણધાર્યા ધક્કા જેવા સરિતાના સ્ફોટક નિવેદન બાદ એક સેકંડ માટે સાહિલનું હ્રદય ધબકારો ચુકી ગયું.
ઘડીભર પહેલાંના સાતમાં આસમાનમાં ઉડતાં પ્રફ્ફુલિત મનના પંખીડાને જાણે કોઈ નિષ્ઠુરતાથી વીંધી નાખ્યું હોય, એવી લાગણીની કંપારીથી સાહિલનું મન ખળભળી ઉઠ્યું.

તેમ છતાં એક ઊંડો શ્વાસ ભરી ગમગીનીથી ભરાયેલા ગળામાંથી માંડ માંડ સ્વર કાઢતાં સાહિલ બોલ્યો...

‘અચ્છા એક કરોડની સંખ્યામાં કેટલાં શૂન્ય આવે, એ ગણીને તને કોલ કરું.’
અને તરત જ સાહિલે કોલ કટ કર્યો..

એ પછી સ્હેજ અમથા નિસાશાના બોજ તળે દબાયેલા હળવાં હાસ્ય સાથે ફોન બાજુ પર મુકતા સપના બોલી..

સપના સાથેના સપના સાકાર કરવાં માટે માત્ર જીગર સાથે ફિગર પણ જોઈએ સાહિલ. સપના બુર્જ ખલીફાની ઉંચાઈ પર છે, જ્યાં તારું પહોચવું નામુમકીન છે સાહિલ. થેંક ગોડ, તારી વાણી અને તારી આંખોના પાણીમાં મને દેખાતી તારા નિસ્વાર્થ અને નિસંદેહ લાગણીએ તને ઉગારી લીધો. મારી જગ્યા એ બીજી કોઈક હોત તો.. તને રાતોરાત બાદશાહમાંથી ફકીર બનાવી દીધો હોત. મજાકમાં કરેલી એક કરોડની માંગણીથી તું મુફતમાં છૂટી ગયો દોસ્ત. અને રહી વાત તારા પારદર્શક પ્રેમની વાત તો... તેના માટે દિલથી માફી માગું છું... હાલ સપના માટે કોઈ રાજના શમણાં સજાવવાનો સમય નથી. જે સપનાને ગનનો ડર નથી તે તારા માસૂમ મનથી ડરી ગઈ છે. બાકી તારા માટે એટલું જ કહીશ કે, આ શહેરે સપનાને આપેલી સૌથી શ્રેષ્ઠ સોગાત એટલે સાહિલ.
થોડીવાર સુધી આંખો મીચીને ગુમસુમ પડેલો સાહિલ... અચાનક ખડખડાટ હસવાં લાગ્યો...પછી બોલ્યો...

‘ઓહહ.. માય ગોડ.. સરિતા.
આજની મુલાકાતની અંતિમ ઘડીએ તારા તંગ ચહેરા પરની લકીર સાથેનું તારુ અકળ મૌનએ વાતની પુરેપુરી પ્રતીતિ કરાવી ગયું કે, આ એક કરોડની વાત નથી, પણ વાર્તા છે. સરિતાના શરારતી સ્વભાવનું એક સવરૂપ. અચ્છા, ગમ્મતની ગેમ તે શરુ કરી છે, ખત્મ હું કરીશ. ત્યારે તારા પણ હોંશ ઉડી જશે યાદ એ રાખજે.

એ પછીના દિવસોમાં સાહિલ અને સપના દરમિયાન થયેલાં વાર્તાલાપમાં સપનાને સાહિલના સાવ નોર્મલ બિહેવિયરનો અહેસાસ થતાં સપનાને હાશકારા સાથે ધરપત થઇ કે, એક કરોડના હેવી ડોઝના ડરથી સાહિલનો ટાઢિયા તાવ જેવો પ્રેમનો ઉભરો શાંત પડી ગયો. છતાં અચાનક સાહિલના વર્તન અને વાણીમાં આવેલાં વિસંવાદિતાથી કયારેય શાંત ચિત્તે વિચારતાં સપનાને શંકાની સોય ભોંકાતી હતી.
આ તરફ.. હવે અધુરીયા જીવના ઇકબાલ મિર્ચીની ધીરજનો તંતુ તૂટવાની અણી પર હતો. તેનો એક અંતિમ નિર્ણય હતો, શિકાર જોઈએ અથવા તો સપના. આજે હવે આખરી ફેંસલો લેવાના આશયથી કોલ જોડ્યો સપનાને..

સમય હતો રાત્રિના દસ વાગ્યાંનો....ડીનર કર્યા પછી ટહેલવાની ઈચ્છા થતાં સોસાયટી નજીકના ગાર્ડનમાં વોક કરતી સપનાનો કોલ રણક્યો..ઇકબાલ મિર્ચીનું નામ વાંચતાં રીસીવ કરીને ‘ કરું છું થોડીવારમાં ’ ત્રણ ટૂંકા શબ્દો કહીને સપનાએ કોલ કટ કર્યો. એટલે ઇકબાલનું કાળું મોઢું, કડવું થઇ ગયું, પણ છેવટે ઇકબાલે નક્કી કર્યું કે, આજે તો સપનાને તેની શતરંજ જેવી ચાલમાં મ્હાત આપવી છે.

વોક કરતાં કરતાં સપનાએ વિચાર્યું કે, સાહિલના પ્રકરણ બાબતે ઈકબાલ સાથે શક્ય એટલો જલ્દી છેડો ફાડવો એ જ મુનાસીબ રહેશે. વાતે વાતે પંડમાં નાના પાટેકરની આત્મા ઘુસી જતાં તામસી દિમાગનો ઇકબાલ મિર્ચી બિલ્લુભૈયાના ડરથી મારું અહિત વિચારતાં સો વખત વિચાર કરે પણ, ન કરે નારાયણને આ બંને અક્કલના આંધળા આંખલાની લડાઈમાં ક્યાંય આ ઝમરૂખના ઝાડવાંનો ખો ન નીકળી જાય.

‘ફરમાઇયે ઈકબાલ શેઠ...’ કોલ લગાવતાં સપના બોલી..
‘અચ્છા,ચલો તુજે હમારા નામ તો યાદ હૈ.’ વ્યંગબાણ છોડતાં ઈકબાલ બોલ્યો
‘નામ ભી ઔર કામ ભી દોનો અચ્છી તરહ સે યાદ હૈ.’
બેન્ચ પણ બેસતાં સપના બોલી
‘કહાં તક ફંસા શિકાર...યા ફિર શિકારી ખુદ શિકાર હો ગયાં. ઐસી તો કોઈ બાત નહીં હૈ ના ? હસતાં હસતાં ટાલ પર હાથ ફેરવતાં ઇકબાલે પૂછ્યું.

એટલે ઇકબાલની ચસકેલ ડગરીને ચગાવવા ઢીલ આપતાં સપના બોલી
‘તુમ્હારે હોતે હૂએ કીસ કી જુર્રત હૈ, જો કોઈ સપના કા શિકાર કર શકે ?’

લટકતા ગાજર જેવું વાક્ય સાંભળતા ઇકબાલના પંડમાં એક મીઠી લહેર દોડી ગઈ.
છતાં મૂળ વાતનો છેડો પકડતાં ઈકબાલે પૂછ્યું..
‘કબ તક પિંજરે મેં આયેગા શિકાર ?
‘નહીં આયેગા.’
એક જ ધડાકે સપનાએ ઇકબાલના ચિત્તમાં ચગેલો પરિકલ્પનાનો પતંગ ખેંચ મારીને કાપી નાખ્યો.

‘નહીં આયેગા મતલબ ? ટાલ ખંજવાળતા સોફા પરથી ઊભાં થઈ ઇકબાલે પૂછ્યું
‘હમ કામ કરેગે પર ઇસ બંદે કો છોડકર. યે હમારે શિકાર કે લાયક નહીં હૈ બસ.’
સપના બોલી..
‘યે ક્યા ઉલ્ટી સુલ્ટી બાતેં કર રહી હૈ તું.. ? કૌન શિકાર હૈ યા નહીં હે યે તું તય કરેગી ક્યા ? લગતા હૈ, તેરી સોચ કે સાથ સાથ તેરી નિયત ભી બદલ ગઈ હૈ. યા ફિર મુફ્ત મેં હાથ લગી મુર્ગી મારકે સારે સોને કે અંડે અકેલે નિગલ જાને કા ઈરાદા હૈ ક્યા ?

‘ઐસી એક નહીં સેંકડો મુર્ગિયા બિલ્લુભૈયા અપની જેબ મેં લે કે ઘૂમતે હૈ, ફિર ભી મેં તુમ્હારે સાથે ક્યું કામ કર રહી હૂં ? જરા સોચ લેના. મેરે ભી અપને કુછ ઉસૂલ હૈ. ઔર અબ આગે ઇસ બંદે કો છોડકર હમ બાત કરેગે. બોલો હાં યા ?
તડ અને ફડની ભાષામાં વાત કરતાં નિર્ભયતાથી સપના બોલી.

ગુસ્સામાં આગ બબુલા થયેલો ઇકબાલ દાંત કચકચાવતાં મનોમન બોલ્યો.....

આગ લગાવીને છેલ્લી ઘડીએ લાગ જોઇને પડખું ફરી ગઈ સાલી, બિલ્લુના ખભે બંદૂક રાખી, લલચામણી કાયાના જોરે ધોળા દિવસે સપના બતાવતી આ લખ્ખણ ખોટી માયાવી માયાનું માખણ હવે સીધી આંગળીએ નહીં નિકળે. હવે આ શેરની ખાલમાં ફરતી લોમડીને હું મારી આંટીમાં લઇ, ઈકબાલની નાગાઈના નગ્ન નાચના આગની આંચમાં તપાવીશ, ત્યારે તડપીને તેની ઈજ્જત માટે ભીખ ન માંગે તો મારું નામ બદલી નાખીશ.
બીજી જ પળે ક્રોધનો કડવો ઘૂંટ ઉતારીને બોલ્યો..

‘તું જીતી મેં હારા, અચ્છા ચલ, વક્ત લે કે આજા મેરે અડ્ડે પે. ઇસી બાત પે તેરી જીત કા જશ્ન મનાયેંગે. ઔર એક નયા મુર્ગા ફાંસા હૈ તેરે લિયે.’
તેની જાંઘ પર હાથ ફેરવતાં ફેરવતાં ઇકબાલ બોલ્યો

‘ઠીક હૈ અગલે હફ્તે મિલતે હૈ.’
એમ કહી કોલ કટ કર્યા પછી હસતાં હસતાં સપના બોલી..
આ ચસકેલની મુંડી ઠેકાણે લાવવા તેની ટાલ પર બિલ્લુના નામની એક ટપલી જ કાફી છે. મિયાંને મીંદડી બનતાં સ્હેજે વાર નથી લાગતી. એ પછી ગાર્ડનમાં એકાદ-બે ચક્કર લગાવીને ચાલવા લાગી તેના ફ્લેટ તરફ.

ફોન મુક્યા પછી ગુસ્સામાં ટેબલ પર પડેલો વ્હીસ્કીથી ભરેલો આખો ગ્લાસ એક જ ઘૂંટડે સડસડાટ ગળે ઉતારી, ક્લાસિક સિગરેટ સળગાવી ધણધણતી ધમણની માફક ફૂંકવા લાગ્યો.. ગુસ્સાથી ચહેરાની લાલાશ ખુન્નસ સાથે આંખોમાં ઉતરી આવી હતી. સિગરેટ કરતાં ઘવાયેલું સ્વાભિમાન વધુ સળગતું હતું. ત્યાં જ ખુર્શીદ લાલા ઈકબાલની રૂમમાં દાખલ થયો. ઇકબાલના તેવર જોઇને ખુર્શીદ સમજી ગયો કે, કંઇક ન બનવાનું બન્યું છે અથવા બનવાનું છે.

‘કિસકી શામત આઈ હૈ, માલિક ?’ દાઢી પર હાથ ખુર્શીદ બોલ્યો.
અડધી સિગારેટ એશ-ટ્રેમાં મસળતાં ઈકબાલ બોલ્યો..

‘વો હરામજાદી ગાંવ કી લૌંડી ઇકબાલ મિર્ચી કો સેંડી લગાને નીકલી હૈ.
જા અભી કે અભી ઉઠાકે લે આ સાલી કો, ઐસી હાલત કર કે રખ દૂંગા કી ખુદ કો મુંહ દિખાને લાયક નહીં રહેગી, ઉસકી માં કા...’

‘અરે.. ક્યા ઈકબાલ શેઠ.. દો ટકે કી છોકરી કે લિયે ઇતના ગુસ્સા ઠીક નહીં હૈ. ઇસ લોંડિયા કો તો મેં કભી ભી પટક કે આપકી ગોદ મેં ડાલ દૂંગા.પર અભી એક ઐસી ખબર લેકે લાયા હૂં કી, આપ તો ક્યા દારૂ કી બોટલ ભી નશે મેં ઝૂમને લગેગી.’
આંખો ઊલાળતા ખુર્શીદ બોલ્યો.

‘ઐસી ક્યા ખબર હૈ ? ’ સ્હેજ આંખો ઝીણી કરતાં ઇકબાલે પૂછ્યું

એ પછી ખુર્શીદ એ ખુફિયા ખબર ઈકબાલને સંભળાવતા ગેલમાં આવેલો ઈકબાલ બોલ્યો.
‘ચલ.. ઇસી બાત પે એક ઔર વ્હીસ્કી કી બોટલ ખોલ દે.’


છેલ્લાં એક-બે દિવસથી સાહિલના ધરમૂળથી બદલાયેલાં વર્તનની નોંધ લેતાં મજનુ ગણગણ્યો..

‘શરદી ખાસી ન મલેરિયા હુઆ.યે ગયા યારો ઇસકો...લવેરિયા હુઆ...
ઓયે, રાજુ મેન્ટલમેન. હવે મગનું નામ મરી.. સોરી સિમરન પાડે તો સારું. તેરે થોબડા કા ચોકઠાં દેખ કે લગતા હૈ, કી દિલવાલી દુલ્હા લે જાયેગી. અબ નામ તો બતા ?

તરો તાઝા તાજગીભરી આંખોમાં તરતાં શમણા સાથે એક ઊંડો શ્વાસ ભરીને સાહિલ બોલ્યો..
‘સરિતા’
‘ક્યાંની છે, કેવી છે, કોણ છે ? ’ હરખઘેલા મજનુએ સડસડાટ સવાલ પૂછ્યા

બસ એટલું સમજી લે દોસ્ત કે, સરસર સરતી સરિતાએ સ્થિર થઈને ભટકતા સાહિલને એક નવો આયામ અને ઘાટ આપ્યો છે.’

એટલે મજનુ બોલ્યો..
‘મતલબ..મહેંદી લગા કે રખના ડોલી સજાકે રખના.. ગાયન પર ભાંગડા કરવાનો વખત આવી ગયો છે એમ..? ’ સાહિલના ગાલ ખેંચતા મજનુએ પૂછ્યું

‘હાં, પણ શાયદ એવું લાગે છે કે, સાહિલ પર આવીને મારી પ્રેમ કહાનીની કશ્તી ડૂબી જશે.’ નિરાશાના સૂરમાં સાહિલ બોલ્યો

‘કેમ તે ના પાડે છે ? મજનુએ પૂછ્યું
‘ના કહેવાનો સવાલ નથી પણ..તેણે...’ આગળ બોલતા સાહિલ અટકી ગયો.
‘પણ શું સાહિલ..? અચરજ સાથે મજનુએ પૂછ્યું
‘કંઈ નહીં છોડ..’ સાહિલે તેનું વાક્ય પૂરું કર્યું ત્યાં સૂર્યદેવનો કોલ આવ્યો..

‘ઓ દિલ ફેંક ડાયમંડ કિંગ ચલ હમણાં આવીજા ‘ગોલ્ડન પ્લાઝા’ સેન્ટરની બાજુની ગલીમાં આવેલી ‘શેખ આર્મ્સ શોપ’ પર. નહીં તો ગન પહેલાં ગનની પરમીશનને જંગ લાગી જશે.’
‘અચ્છા ચલ આવ્યો અડધો કલાકમાં.’

એ પછી મજનુ સાથેની અધુરી વાત પડતી મુકીને નીકળવાની તૈયારી કરતાં સાહિલે મજનુને સૂર્યદેવે કરેલી સેલ્ફ ડીફેન્સ માટેના ગનના મેટરની વાત કરી. એટલે હસતાં હસતાં મજનુ બોલ્યો..
‘મતલબ, ઘોડો ચલાવાનો અને ઘોડીએ ચડવાનું, એક સાથે બન્ને હાથમાં લડ્ડુ એમ.’

‘પણ, હાલ તો મને આ બન્ને લાકડાંના લડ્ડુ દેખાય છે. અચ્છા હવે એક વાત સાંભળ ત્રણ દિવસ પછી આપણે બન્નેએ એક પાર્ટીને ડાયમંડનું પાર્સલ ડીલીવર કરવાં માટે..’
અચનાક કંઈ યાદ આવતાં આગળ બોલતાં સાહિલ અટકી ગયો..

‘કેમ અટકી ગયો સાહિલ ? મજનુ બોલ્યો
‘મતલબ મેં હજુ કશું ફાઈનલ નથી કર્યું....કારણ કે, એ ડાયમંડના સૌદા સાથે મારા કિસ્મતના સિતારા જોડાયેલા છે. અચ્છા ચલ પછી વાત કરીશું.’

‘સાહિલ, દુનિયા ભલે કહે કે પ્રેમ આંધળો છે, પણ તું પ્રેમમાં તારી જાતને આંધળીનો સાબિત ન કરતો દોસ્ત.’
સાહિલની ગર્ભિત વાતનો સટીક ઉત્તર આપતાં મજનુ બોલ્યો..

મજનુએ થોડામાં ઘણું કહી દીધું.. એ પછી સાહિલ રવાના થયો સૂર્યદેવે જણાવેલાં લોકેશન તરફ.

‘હર વક્ત ઉછલતી નદી અગર અચનાક શાંત બનકે બહેને લાગે તો ઉસકી ગહેરાઈ કા પતા લગાના મુશ્કિલ હો જાતા હૈ.’
સપનાએ કોલ રીસીવ કરતાં બિલ્લુ બોલ્યો.

‘આપને તો પહેલી નજર મેં મેરી ગહેરાઈ કા પતા લગા લિયા થા, બિલ્લુભૈયા.’
સપના બોલી

‘પર પિછલે એક હફ્તે સે ઇતની ખામોશ કયું હો..? તેરે સન્નાટે કે પીછે કિસી બડે તૂફાન કી આહટ સુનાઈ દે રહી હૈ સપના, સબ ઠીક હૈ ના ? ઇકબાલને કોઈ શરારત તો નહીં કી ના ?
બિલ્લુએ પૂછ્યું

‘હાં... હાં.. સબ ખેરિયત હૈ, ઈકબાલ કે ખર્ચે સે અપને ખેતમે હરિયાલી કર રહી હૂં બસ, ઔર આપકા નામ લેતે હી ઉસ ગંજે કા પાયઝામાં ગીલા હો જાતા હૈ.’
બોલતાં સપના હસવાં લાગી.

‘ઔર ઉસકા ઢૂંઢા હુઆ પરિંદા ?’ બિલ્લુએ પૂછ્યું
‘અરે.. વો પરિંદા તો અભી કાફી નાદાન હૈ, જબ ચાહુ દાના ચુગ જાએગા.’
સપના બોલી.

‘પર તુજે સૌદા મંજૂર હૈ ?.’ બિલ્લુએ પૂછ્યું
‘અપને ચાહને સે ક્યા હોતા હૈ.. વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા હોતા હૈ.’

‘જય ગંગા મૈયા કી.’
એમ કહી બિલ્લુએ કોલ કટ કર્યા પછી બે ઘડી આંખો બંધ કરી લોંગ આરામદાયક ખુરશીમાં પડ્યા પડ્યા બિલ્લુ મનોમન બોલ્યો..

‘લગતા હૈ આસ્તીન મેં છીપે દો-ચાર પન્નો સે સપના તાશ કી બાજી જીતના ચાહતી હૈ. પર નાદાન લડકી યે નહીં જાનતી કી તકદીર જબ તાશ કે પન્ને ફેંકેગી તો જાન કી બાજી સમેટ લેગી.’

આ તરફ આર્મ્સ શોપ પર સાહિલ આવી પહોચ્યો એટલે સૂર્યદેવ વિધિધ ગનની વિશેષતા વિષે ગુણગાન ગાવા લાગતાં સાહિલ બોલ્યો..

‘ભાઈ, મારો નાનો એવો ડાયમંડનો વેપાર છે, મારે ડાઈનામાઈટનો બિઝનેશ નથી કરવાનો. અને આ પણ તારા આગ્રહથી કમરે કંઠી બાંધુ છું યાર. બાકી મને તો રમકડાંની રિવોલ્વરથી પણ નફરત છે.’

એ પછી હસતાં હસતાં આર્મ્સના તલસ્પર્શી અભ્યાસુ સૂર્યદેવે એક લાખ,બાવીસ હજારની ઇન્ડીયન મેઈડ અધ્યતન ધાતુ અને હળવા વજનની રિવોલ્વર, બેલ્ટ સાથે ખરીદી અને સાહિલના કમર સાથે બાંધ્યા પછી સૂર્યદેવે પૂછ્યું..
‘બોલ કેવી ફીલિંગ્સ આવે છે ?

‘સાચું કહું, હજારો વર્ષ પછી વાનરમાંથી તબદીલ થયેલી માનવજાતિને કાળક્રમે લુપ્ત થયેલી તેની પૂંછડી ફરી ઊગી હોય એવી ફીલિંગ્સ આવે છે બોલ. મારા હનીમૂનના બજેટ જેટલું આંધણ, તો તે ચાર ઈંચની ફટાકડીમાં કરી નાખ્યું. મને આ ગન પ્રત્યેના તારા લગાવનું ગણિત ગળે નથી ઉતરતું.’

‘મારા માટે તારા જીવના જતન કરતાં કશું કિંમતી નથી સમજ્યો. અને રહી તારા હનીમૂનની વાત ત્યારે તો તોપ ફોડવાની છે.’
એ પછી બન્ને હસતાં હસતાં ત્યાંથી રવાના થયાં.
સાહિલના ઠોસ અનુમાન મુજબ સરિતાના એક કરોડની માંગણીને વિનોદવૃત્તિ સમજીને સરિતાને નહેલે પે દહેલા જેવો ઉત્તર આપવાની સાહિલની ઉત્કંઠા જેવી ઉતાવળ...

ઈકબાલને ગાળામાં કાંટાની માફક ખૂંચતી સપનાની જવાનીને પી જવાની તરસ

બિલ્લુભૈયાને અકળાવતું સપનાનું આંશિક અકળ મૌન

હરદમ ખુર્શીદલાલાની ખોપડી ભમતું નજરમાં રાખેલું લક્ષ્યવેધ જેવું મંજર

મૃગજળ જેવી સરિતાની ભુલભુલામણીમાં ભોળા સાહિલના ભટકી જવાની ભીતિથી સંતાપ અનુભવી રહેલો સૂર્યદેવ.

અને આ સૌના વિભિન્ન ચિત્ર-વિચિત્ર અસમંજસ વચ્ચે સાવ બેફીકર અને બિન્દાસ થઈને મહાલતી સપના પર ત્રણ દિવસ પછી રાત્રિના આશરે આઠેક વાગ્યાની આસપાસ કોલ આવ્યો સાહિલનો. અદમ્ય ઉત્સાહ સાથે સપના કોલ રીસીવ કરતાં ખુશમિજાજીના સ્વરમાં સાહિલ બોલ્યો..

‘એક કરોડ નહીં, પણ એક કરોડથી’યે કિંમતી વાત શેર કરવી છે. થોડો સમય ફાળવીશ તો આંનદ થશે.’

‘હમ્મ્મ્મ...કયારે ? આંગળીઓ પોરવી વાળ સરખાં કરતાં સપનાએ પૂછ્યું..
‘નીયરલી હાલ્ફ એન અવરમાં. ’ સાહિલ બોલ્યો..
‘ ક્યાં ?

નેશનલ હાઇવે પર હાઇટેક સિમેન્ટ ફેકટરી પછી લેફ્ટ સાઈડ પર એક વડલાના ઝાડ નજીક એક ઢાબો છે, ત્યાં સિલ્વર કલરની ઈનોવા પાર્ક કરેલી હશે ત્યાં આવી જજે.’

‘ઓહ્હ.. આટલે દૂર એ પણ અત્યારે. ? કંઇ ખાસ છે ? ’
આશ્ચર્ય સાથે સપનાએ પૂછ્યું..

‘એક કરોડથી વિશેષ છે.’ સાહિલ બોલ્યો..
એક મિનીટ વિચાર્યા પછી સપના બોલી...

‘અચ્છા ચલ આવું છું. કાર નંબર મેસેજ કરી દે.’
‘ઓ.કે. ડન.’
તરત જ સપનાએ કોલ જોડ્યો ખુર્શીદ લાલાને, અને બીજી જ પળે કટ કર્યો..
એ વિચારથી કે, ભર્યા નાળીયેર જેવી સ્થિતિમાં ખુર્શીદને ઇન્વોલ્વ કરવો યોગ્ય નથી.
એટલે કોલ જોડ્યો મનજીતને..

‘હેલ્લો.. અંકલ..’
‘હાં.. બેટી બોલો.’
‘જી અંકલ હાઇવે કી ઔર જાના થા અભી...આ શક્તે હો ક્યા ?
‘અરે.. બેટી પર અભી તો મેં શહર સે દેઢસો કિલોમીટર દૂર હૂં.. આને મેં તીન ઘંટે લગ જાયેંગે.’ મંજીત બોલ્યો.
‘અચ્છા ઠીક હૈ.’ એમ કહી સ્હેજ નિરાશા સાથે સપનાએ કોલ કટ કર્યો.
‘ના પાડી દઉં સાહિલને કે, નહીં આવી શકું ? એવું મનોમન વિચાર્યું..
પણ તરત જ વિચાર સ્ફૂર્યો કે, જો ન ગયા પછી પસ્તાવો કરવો અને અંધારામાં રહી, રહસ્યમાં ઘુંટાવા કરતાં બહેતર છે કે, વાતનો અંત આવે. એવું નક્કી કરીને ફટાફટ રેડી થઈ, લીફ્ટમાં દાખલ થઈને આવી ગ્રાઉન્ડ ફ્લોર પર.

સોસાયટીને અડીને આવેલો રોડ ક્રોસ કરીને સામે ટેક્ષી પાર્કિંગ તરફ એક ટેક્ષીચાલકને ઈશારો કરતાં...એક નવજુવાન ટેક્ષી લઈને આવ્યો સપના પાસે.

‘હાઇવે કી તરફ લે લો.’
બેક સીટમાં બેસતાં સપના બોલી..ત્યાં હળવો વરસાદ શરુ થયો..

અને સપનાના મોબાઈલમાં મેસેજ આવ્યો..
‘ઈનોવા કાર નંબર, ડીએલ સેવન સીપી ફાઈવ સેવન સિકસ વન’

‘ઈનોવા કાર નંબર, ડીએલ સેવન સીપી ફાઈવ સેવન સિકસ વન’
સેઈમ મેસેજ આવ્યો ખુર્શીદ લાલાના મોબાઈલમાં એટલે કન્ફર્મ કરવાં માટે ખુર્શીદ લાલએ કોલ જોડ્યો..

‘શિકાર નિકલ ચુકા હૈ ?
‘અભી અભી મેરે સામને સે નિકલા હૈ.’ સામે છેડેથી જવાબ આવ્યો
‘ટાર્ગેટ લોકેશન ? તેની કાર સ્ટાર્ટ કરતાં ખુર્શીદે પૂછ્યું
‘તુમ સિર્ફ મુજે ફોલો કરો..બસ.’

અશાંત અને ઉચાટ ભર્યા મન સાથે જેટલી સપનાને ઝટ સાહિલને મળવાની અધીરાઈ વધતી ગઈ તેમ વરસાદ પણ જોર પકડતો ગયો..

થોડીવારમાં ધોધમાર વરસતા વરસાદે કારની ગતિ અવરોધી..ધીમી ગતિ એ કાર આગળ વધતી ગઈ અને સપનાના મનમાં અણધાર્યા સંકટના વાદળો ગર્જવા લાગ્યાં..

છેકને મધ્યરાત્રિ સુધી ચિક્કાર વરસેલાં વરસાદ પછીનું તોફાન શાંત પડ્યું પણ..

વહેલી સવારમાં મીડિયા જગતના બ્રેકીંગ ન્યુઝ વાયુ વેગે પ્રસરતાં શહેરમાં એક છુપા ભયના સુનામીનો સંકેત ફેલાઈ ગયો..

‘ગત રાત્રિએ હાઇવે પર સાહિલ રવજી કોટડીયા નામના ડાયમંડ માર્કેટના વેપારીની કપાળ પર ગોળી ધરબીને કરાયેલી નિર્મમ હત્યા.’

-વધુ આવતાં અંકે.