Panchavati in Gujarati Mythological Stories by Bhargav Patel books and stories PDF | પંચવટી

Featured Books
Categories
Share

પંચવટી

કણકણ પામી નવ્યતા ભોગે મોદ અનન્ત;

યૌવન ફૂટ્યું સર્ગમાં, લાગ્યો રાગ વસન્ત.


અંગ અંગ ઋતુરાજ સજાવે,

કણકણમાં ઉન્માદ જગાવે.

બહુવિધ વર્ણે સજે પ્રભાતો,

સુરભિ ધરી મારુત પણ વાતો.

સાંજ ઢળે કેસરના રંગે,

સુન્દરતા પ્રસરે સહુ અંગે.

ધરી નિશા પણ રૂપ અનેરું,

મોહે અન્તર જન જન કેરું.

મત્ત રહે મકરન્દવિલાસી,

તેમ જ સર્વ અરણ્યનિવાસી.

ઋતુનાયકના યશની સીમા,

ક્યાંય ન દીસે આ જગતીમાં.

એવી એક નિશાના શરણે,

ગોદાવરી તણાં પૃથુચરણે;

ઊભી એક કામિની જોતી,

ધરી વિભૂષામાં શુચિ મોતી.

વિલસે રૂપશ્રી સહુ અંગે,

વસે સ્વયં મન્મથ ભ્રૂભંગે.

અથવા નારીના અવતારે,

આવ્યા ઋતુપતિ આ સંસારે.


નિજ ચન્દ્રવદન પર સુધાસ્મિત રેલાવતી તથા નિજ અંગોમાં અનંગને આશ્રય આપતી એ રૂપવતી ત્યાં અશોકવૃક્ષ પાસે ઊભી ઊભી સામેના એક કુટીરને નિહાળતી હતી. પાંચ વટની અનેક સન્તતિઓથી આવૃત્ત એ નિર્જન વાટિકાની બૃહત્પરિધિમાં આ એક માત્ર કુટીર હતું. અને ગતસન્ધ્યા ટાણે એ સુન્દરીએ ત્યાં એક શ્યામલ તાપસી પુરુષને જોયો હતો. નિઃસન્દેહ એના શિર પર જટાટવી હતી; એના પરિધાનમાં ચર્મામ્બર અને વલ્કલ સ્પષ્ટપણે જોઈ શકાતાં હતાં અને એના આચરણમાં વૈરાગ્યના ગુણો પણ વિદ્યમાન હતા. પરન્તુ તે નર પાસે ધનુ તથા શરોથી પરિપૂર્ણ તૂણીર હતું. જે સમયે એણે એ નરનાં પ્રથમ દર્શન કર્યાં હતાં ત્યારે તે ધ્યાનમગ્ન હતો. અને ત્યારથી જ આ કામિનીના મનમાં પ્રશ્ન ઊઠ્યો હતો:


"શીશે ધારી જટાકિરીટ,

અંગે વલ્કલ ચર્મ વિનીત;

હસ્તે ધર્યાં ખડ્ગ-શર-ચાપ,

મળ્યો વીરને શો અભિશાપ?

અસંશય આ પુરુષ કોઈ અગ્રકુલીન ક્ષત્રિય છે જે દુર્ભાગ્યવશ દણ્ડ પામીને આ વનમાં વસ્યો છે. કિન્તુ આવા સુકુમાર રાજકુમારને કોઈ આવો કઠોરતા ભર્યો દણ્ડ શી રીતે આપી શકે? નિશ્ચયથી એના કોઈ ભાઈએ રાજ્યના લોભે આ પુરુષપુંગવને નિષ્કાસિત કર્યો છે."


અધુના ત્યાં કુટીરના દ્વાર પાસે એક અન્ય અભિજાત વીર પણ સચાપ બેઠો હતો. એનાં ગૌર અંગોમાં પણ એ જ લાવણ્ય હતું અને એની વિભામાં એ જ શૌર્ય હતું જે તેણે પેલા કૃષ્ણ યતિવેષધારીમાં જોયું હતું. અને એને જોતાં જ એ ચારુનિતમ્બિનીનું હૃદય બહુવિધ વિચારોમાં વિહરવા લાગ્યું: "નિશીથ પછીનો એક પ્રહરથી વધુ કાલ વીતી ગયો છે, છતાંય આ વીર કુટીરના દ્વારે આમ નિદ્રાહીન શા માટે બેઠો છે? શું એનાં પૃથુલોચનને સુષુપ્સા ત્યજી ગઈ છે? કદાચ એ કુટીરમાં સ્થિત કોઈ મૂલ્યવાન વસ્તુની ચિન્તામાં એના વિશાલાક્ષોને નિદ્રા નથી સ્પર્શતી. કિન્તુ યતિના વેષમાં આવા વિજન સ્થળે એવી તો શી મૂલ્યવાન વસ્તુ છે જે આવું પરિરક્ષણ માગે છે? એ જે હશે તે, પરન્તુ જો આ બેમાંથી કોઈ એક નરનો સંગ મળે તો તે ખલુ ભોગ્ય છે. આજાનુબાહુનો આશ્લેષ શું આ હૃદયને સદા સુખતૃપ્તિનો ઉમંગ નથી આપતો? એનું વજ્ર સમું વક્ષ અડતાં જ સ્ત્રીનાં અંગેઅંગમાં ભીષણ મદનાગ્નિ પણ જાગશે. અને યોગ્ય પુરુષને સ્વાધીન કરી તૃપ્ત થવું એ શું સ્ત્રીનો અધિકાર નથી? અવશ્ય છે; અવશ્ય છે. તેથી મારે એ કાજે ઉદ્યોગ કરવો જ રહ્યો."


મધ્યરાત્રિ પછીનો બીજો પ્રહર પણ પૂરો થવા આવ્યો અને ગગનની કાલિમા થોડી હટી. આવનાર રવિના વિવર્ણ પ્રકાશથી હવે દિવિ પણ સર્વથા ધૂસર દીસતું હતું. અને તેના પટ પર કેવલ અત્યન્ત કાન્તિમાન તારા જ સહજ જોઈ શકાતા હતા. તે કામાક્ષીએ પણ દૂરથી જ કુટીરના દ્વાર પર બેઠેલા નરને લક્ષ્ય કરીને એનો પરિચય લેવાનો નિશ્ચય કર્યો, જેથી અન્ય વીર વિષે પણ માહિતી મળી શકે.


આકાશને અવલોકતા બેઠા હતા લક્ષ્મણ તહીં;

આવી કુટીર કને ત્વરિત તે કામિની ઊભી રહી.

શિંજા સુણી આભૂષણોની વીર પણ ઊભા થયા;

જોઈ સમક્ષ હતી સ્વયં રતિ શી કુમારી સુહૃદયા.


મેખલા કટિએ લસે, હસે મન્દ ચન્દ્રમુખી;

મૌક્તિકોનો હાર ગૌર ગ્રીવાને સજાવતો.

હાર પર ચારુ એક કૌસ્તુભ શો મણિ શોભે,

સશ્વાસ સુરમ્ય સ્તનકુમ્ભોને કમ્પાવતો.

બેઠેલો અનંગ તેના કુટિલ ભ્રૂભંગો પર

કુન્તલના સુચક્રલ અલકો નચાવતો.

કિન્તુ કામને મળે ન ધામ સૌમિત્રીને મન,

ફરી પુરારિ-કટાક્ષ સ્મરને હરાવતો.


જોઈ તે વિદ્યુત સમી રૂપવતીને દ્વાર;

બોલ્યા મધુર વચન વિનયપૂર્વક નેમિકુમાર.


લક્ષ્મણ બોલ્યા: "હે ચારુહાસિનિ, મહાપશુઓની ગર્જનાથી અનુશાસિત આ નિર્જન વનમાં આપ શી રીતે આ વાટિકાના દ્વાર સુધી આવી પહોંચ્યાં? નિશા હજી હમણાં જ વીતી છે ને સૂર્યોદયને પણ હજી તો થોડો સમય છે. તો એવામાં આપ આટલા ગાઢ અન્ધકારમાં ક્યાંથી આવો છો? અને આપનું ગન્તવ્ય શું છે?"


સુમિત્રાનન્દનની વિનીત વાણી સાંભળીને પોતે પણ વિનય બતાવતી એ શીલવતી બોલી: "હે નરપુંગવ, હું તો આ જ અરણ્યની નિવાસિની છું. તેથી અહીંના સર્વ માર્ગો મારે કાજે નિર્ભય છે. હું યથેચ્છ વિહાર કરતી વનનાં પરિવર્તનશીલ રૂપોનાં દર્શન કરીને નિત્ય હરખાઉં છું."


"તો તમારો યથેચ્છ વિહાર તમને આ વાટિકામાં શી રીતે લઈ આવ્યો તે જણાવો." સૌમિત્રીએ સસ્મિત કહ્યું.


"જે વાટિકામાં સુરાધિપતિ ઇન્દ્ર સમાન સુન્દર તેમ જ મહાપ્રતાપી નરે પોતાનો આલય બાંધ્યો હોય ત્યાં તો સૌ આપોઆપ આકર્ષાતા ચાલ્યા જ આવે છે."


"સુરપતિનો વૈભવ જોઈને ઘણાને ઇર્ષ્યા થાય છે અને એમનો વેષ જોઈને મોહ થાય છે. મારો વૈભવ તો આ વસ્ત્રો અને કુટીરમાં જ તમે જોઈ શકો છો. અને મારો વેષ જોઈને તમારા જેવી રૂપવતી સ્ત્રી મુગ્ધ થઈ હોય એ કલ્પનાતીત છે."


"જો તમે એમ જ માનતા હો તો તમે સીમા કરતાં વધારે ઋજુ છો. અને તમારી ઋજુતા પણ એટલી જ મોહક છે."


"પણ એ મોહ વ્યર્થ છે. હું વિવાહિત છું." લક્ષ્મણે કહ્યું.


"પ્રતાપી પુરુષને એ બન્ધન નડતું નથી. અને સ્ત્રી માટે મનસ્તૃપ્તિથી મહત્ કોઈ અન્ય મોક્ષ નથી."


" હે સુભગે, મોક્ષ તૃપ્તિમાં જ રહ્યો છે એમ જાણીને જ આખું જગત અર્થને સેવે છે. પણ મોક્ષ તો એ તૃપ્તિ સાથે બંધાયેલી આશાને પણ પ્રકૃતિનું એક બન્ધન સમજવાના જ્ઞાનમાં રહેલો છે."


સુન્દરીને આ વાત સમજાઈ નહિ. અર્થ અને કામમાં નિરત રહેનારા લોકો માટે જ્ઞાનોપદેશ સહજ સફલ નથી નીવડતો. આથી એણે કહ્યું, "મુક્તિ વિષેના વિચારો કરવાનું કર્તવ્ય યતિઓનું છે. પરન્તુ હે મહાબાહો, તમારો યતિવેષ પણ મને તમારા યતિ હોવાની પ્રતીતિ નથી કરાવતો. હાથમાં ધરેલાં આ શરચાપ તો કોઈ રણધીરની જ વિભૂતિનાં દર્શન કરાવે છે. તો પ્રથમ, હે ચન્દ્રવદન, મારું કુતૂહલ તોષો અને મને જણાવો કે તમે કોણ છો અને શા કારણે વનવાસનું દુર્ભાગ્ય પામ્યા છો?"


તે જ સમયે પ્રાચીએ પોતાનાં મુકુલિત નયન ખોલ્યાં અને મૃદુલ શિશુરવિ પોતાની અરુણિમા રેલાવતાં તેના ભાલ તરફ આરોહણ કરતાં દેખાયા. અખિલ આકાશને રશ્મિના અશ્વોએ પોતાની હેષા થકી તરત જીતી લીધું અને યામિનીનું સઘળું શાસન પલવારમાં અસ્ત થઈ ગયું. સૂર્યનાં બાલકિરણો તે શુભ્રાંગિણીનાં કનકાભૂષણોને સ્પર્શીને તેમને અનુપમ જ્યોતિથી શણગારી રહ્યાં. વનતરુવાસી ગગનચારીઓનો મધુર રવ પ્રભાતી બનીને સર્વાક્ષ પિતામહને સત્કારી રહ્યો અને સર્વ વનચારી વસન્તની આહ્લાદક ઉષાના સ્ફૂર્તિવર્ધક વિભાવને પોતાનાં હૃદયમાં ધરી રહ્યાં.


તે જ સમયે કુટીરના દ્વાર પણ ઊઘડ્યા અને સૂર્યની કનકવિભાને અભિભૂત કરતી એક દીપ્તિ પોતાના અરુણ વદનકુસુમથી સ્મિત રેલાવતી ઉષાના આશ્લેષમાં આવીને ઊભી રહી. ઊંડા શ્વાસમાં પ્રભાતનો વાસન્તી વૈભવ ગ્રહીને તેણે સર્વપ્રથમ નિજકુલજનક વયોવૃદ્ધ ભાસ્કરને વિનીત અંજલિ અર્પી; અને તદનન્તર એવા જ પ્રસન્નવદને પ્રાંગણના તરુ પાસે ઊભેલા સૌમિત્રી તરફ આવી.


લક્ષ્મણ સાથે ઊભેલી રમ્યાલંકૃતા એ વનચારિણી તો કુટીરમાંથી ઉદ્ભવેલી ઉષાનું સૌન્દર્ય જોતાં જ ક્ષુબ્ધ થઈ ગઈ. એણે પોતાની ઇન્દ્રિયોમાં શૈથિલ્ય પ્રસરતું અનુભવ્યું. જે નારી કોઈ પ્રકારના અલંકાર વિના પણ આવી સકલમનઃસમ્મોહિતા છે, તે જો સ્વયં સાગરસમ્ભવા જેવો શૃંગાર કરીને આવે તો તે નિખિલ ચરાચરની રમ્યતાને પણ અભિભૂત કરી શકવામાં સમર્થ છે.


કામિનીએ મનમાં વિચાર્યું: "તો આ જ મૂલ્યવતીના રક્ષણ માટે બન્ને પુરુષો નિત્ય સાવધાન રહેતા જણાય છે. અસંશય તે આ બેમાંથી કોઈ એકની ભાર્યા છે. અને જો એમ હોય તો મારા મનોરથમાં એ કણ્ટક છે. સૌને મુગ્ધ કરનારી એની સુન્દરતાને હું મારા કાર્યનું વિઘ્ન કદાપિ નહિ બનવા દઉં."


મનોવિનોદ માટે હરખાતી વિદેહનન્દિનીએ આવતાંની સાથે જ લક્ષ્મણને કહ્યું, "અહો સૌમિત્રિ, સાક્ષાત્ કામપ્રિયા રતિ આપણા દ્વારે ઊભી છે અને તમે એની સાથે વ્યર્થ સંવાદો આચરીને ક્વચિત્ આતિથ્યનો વિનય પણ ન બતાવ્યો. વિજન વનમાં રજનીના તિમિરમાં ભમતી તે કેટલી ભયભીત થઈ હશે ને અન્તે આ કુટીર જોઈને અહીં આવી હશે. આટલાં વર્ષ મારી બહેનથી દૂર રહીને તમે શું એ વાણીચાતુર્ય પણ ભૂલી ગયા?"


સુમિત્રાતનયે સવિનય સીતાનાં ચરણોમાં વન્દન કરતાં કહ્યું: "અરે ભાભી, આ સુન્દરી વનથી અપરિચિત કોઈ અબલા નથી. એ તો અભયા વનવિહારિણી છે, જે અકસ્માત્ આપણે દ્વારે આવી પહોંચી છે. હું એમનો પરિચય લેતો જ હતો ને તમે આવી પહોંચ્યાં."


"અર્થાત્ મેં એક અત્યન્ત સુદૃઢ કથામાં વિઘ્ન આણ્યું?"


"સુદૃઢ કથા?"


"હા, કામિની તમને અવલોકીને અહીં આવી છે. અન્યથા એને અહીં પધારવાનો અન્ય શો હેતુ હોઈ શકે? અને હું એનાં નેત્રોમાં તમારા વિષેનો મોહ પણ જોઈ શકું છું. એ તમારો પરિચય કરવા માગે છે. અર્થાત્-"


"ના. ના. હું એવા પરિચય માટે ઉપલબ્ધ નથી." લક્ષ્મણે કહ્યું.


જનકકુમારીએ હસતાં હસતાં તે સુન્દરી તરફ જોઈને કહ્યું, "આટલાં વર્ષોથી સ્ત્રીસંસર્ગથી દૂર રહીને મારા દિયર સ્ત્રી પ્રત્યે મનોહારિણી વાણી શી રીતે વાપરવી એ ભૂલી ગયા છે. અને મુનિસત્સંગના આધિક્યથી થોડા વધારે નિર્મોહી જણાય છે. પણ એમાં તમારે એમનો દોષ જોવાની જરૂર નથી. એ તો નિતાન્ત વિશુદ્ધ મનના અતિધીર અને સ્નેહસભર પુરુષ છે. વર્ષોથી પોતાની અનુરાગિણી પત્નીથી વિયુક્ત છે, માટે એમના વર્તનમાં જણાતી થોડી અસહજતા એમનો ખોટો પરિચય કરાવે છે. પણ એમનો ગાઢ પરિચય થતાં જ એ સર્વ અસહજતા એક વિનોદી તર્કમાત્ર જણાશે."


આકાશમાં બાલરવિ ઉત્ક્રાન્ત થતા હતા અને ત્યાં જાનકીનો સંવાદી સ્વર સાંભળીને રઘુકુલશિરોમણિ રાજીવનયન રામ પણ કુટીરની બહાર પધાર્યા. નિજવંશસંસ્થાપક વિવસ્વાનનાં દર્શન કરી તેમ જ એમને માનસાંજલિ અર્પીને તેઓ પણ ત્યાં આવ્યા. તે આગન્તુકા ચારુહાસિનીને તો પૃથુલોચન દાશરથીનાં દર્શનમાત્રથી એમના વિષે મોહ ઉત્પન્ન થઈ ગયો. લક્ષ્મણે રામનાં ચરણ સ્પર્શ કર્યાં અને એમને આ સ્ત્રીના આગમનની કથા જણાવી. પ્રફુલ્લવદન રાઘવે તે અતિથિને પોતાના કુટીરના પ્રાંગણમાં સત્કારીને એને આસન આપ્યું.


ચારુમુખીનાં નયનમાં ઊપજ્યો મોહ અપાર;

બેઠી સમ્મુખ આસને, કરતી હૃદય વિચાર.


"આપ્યો ન કોઈએ મને આવો વિનય કદાપિ;

અસંશય પુરુષ આ કોઈ અભિજાત છે.

શ્યામલ શરીર, અતિકોમલ હૃદય વળી;

ધીર ધનુર્ધારી કેરો અમર પ્રતાપ છે.

આચાર-વિચારથી ય જડે કુલવાન વીર;

કિન્તુ તેને શો આ વનવાસનો સન્તાપ છે?

પામું ન જો નર આવો વરના વરણરૂપે,

તો આ અવતાર સાચે મારે માટે શાપ છે."


જિતેન્દ્રિય મહાબાહુ રામને સામે વિરાજેલા જોઈ અતિથિ મનોરમાએ કહ્યું, "હે સુભગ, તમે બન્ને ધનુર્ધર શા કારણે આ દુર્ગમ વનમાં વનવાસીઓની જેમ વસો છો? શા માટે તમારા જેવા કુલીન પુરુષોએ આ પ્રકારની વેદના સહેવી પડે છે? હું તમારી કથા જાણવા માટે ઉત્સુક છું."


પ્રસન્નવદન રાઘવેન્દ્રે પણ સવિનય તેના પ્રશ્નોનો ઉત્તર આપતાં કહ્યું, "હે સતિ, હું ઇક્ષ્વાકુવંશોદ્ભવ કીર્તિયુત મહારાજ રઘુના પૌત્ર સ્વર્ગસ્થ કોસલનરેશ દશરથનો જ્યેષ્ઠ પુત્ર રામ છું; અને પિતાના વચનની પૂર્તિ કાજે વનમાં આવીને વસ્યો છું. આ મારી ભાર્યા, વિદેહરાજ જનકની પુત્રી સીતા છે અને તમે જેને સૌપ્રથમ મળ્યાં હતાં તે મારો અનુજ સુમિત્રાનન્દન લક્ષ્મણ છે. વૈદેહી અને લક્ષ્મણ મારા પ્રત્યે અત્યન્ત પ્રીતિ રાખતાં હોવાથી મને અનુસરતાં અહીં વનવાસ ગાળે છે. આ ચતુર્દશ વર્ષનો કાલ એકાન્તમાં વિતાવવા માટે જ અમે દણ્ડકારણ્યની આ રમણીય વાટિકામાં નિવાસ કર્યો છે."


રામનાં મધુર વચન સાંભળીને તેમ જ વનવાસના કારણ વિષેનું કુતૂહલ તોષવા માટે તે રમણીય સ્ત્રીએ ફરીથી રામને કહ્યું, "પિતાના વચનની પૂર્તિ માટે વનગમન કરવું એ અસંશય તમારું આભિજાત્ય દર્શાવે છે. પરન્તુ હે દાશરથિ, એવાં શાં વચન હતાં જેના પરિણામે તમે આ સ્થિતિ પામ્યા છો? એ વિષે પણ તમે મને વિસ્તારથી જણાવો."


તે રમણી સમ્મુખ સકલ સ્થિતિનો કરવા ભાસ;

સ્વયં જણાવ્યો રાઘવે પોતાનો ઇતિહાસ.


મોહ વધ્યો તે કથા સુણીને રામની;

મતિ માને તે હૃદયવિરાજિત કામની.

'પતિરૂપે છે યોગ્ય સકલ ગુણમય પુરુષ;

ભાર્યા તેની કિન્તુ જડે અતિશય દુરુહ.'


અન્તઃસ્થ મદનની વાણીને અનુસરતી તે વિચારવા લાગી: "રઘુકુલતિલક રામ તો તન તેમ જ મનથી પુનીત છે. અને માટે જ આ જગતમાં મારે માટે તે એકમાત્ર ઉત્તમ વર છે. પરન્તુ તેમના આ ગુણોને કદાચ તેમની પત્ની જોઈ શકતી નથી. અને જો જોતી હશે તો સમજતી નથી. શરીર અને હૃદયથી સર્વથા ભોગ્ય આ પુરુષને તે શાં સુખ આપી શકતી હશે? કંઈ નહિ. તેથી જ તો આ નર વનમાં પણ ખલુ યતિ થઈને જ રહે છે. અર્થાત્ તે રામ માટે સહેજ પણ યોગ્ય નથી. રામે હમણાં જ એનો પરિત્યાગ કરીને મારો અંગીકાર કરવો જોઈએ. રઘુકુલશિરોમણિ રામ ખરેખર એક ઉત્તમ પુરુષ છે. અને જો મારે એમના હૃદયમાં સ્થાન પામવું હોય તો મારે એમને મારો વાસ્તવિક પરિચય પણ જણાવવો જોઈએ. મને વિશ્વાસ છે કે મારા પરિચયોપરાન્ત તેઓ મને અપનાવશે."


આમ વિચારીને તેણે દશરથાત્મજ રામને કહ્યું, "તમારી કથા ખલુ અત્યન્ત મર્મસ્પર્શી છે. અને સત્ય કહું તો તમારા આ ગુણો પર હું મુગ્ધ છું. હે રઘુકુલકલહંસ, હું તમને મારો વાસ્તવિક પરિચય આપું છું. અને સાથે મારી આખી કથા પણ સંભળાવું છું. હું મનુના વંશમાં જન્મેલી કોઈ માનુષી નથી. હું તો નિશાચરવંશમાં જન્મેલી દનુજા છું. મારું નામ શૂર્પણખા છે. આ આખા દણ્ડકારણ્ય પર જે શાસન કરે છે તે નિશાચરોમાં ઉત્તમ ખર, દૂષણ અને ત્રિશિરા મારા ભાઈઓ છે. અને અરણ્યની દક્ષિણ સીમાથી સાગરોપરાન્ત જે સુવર્ણનગરી છે તે મારા જ્યેષ્ઠ ભ્રાતા દશમુખ રાવણની રમ્યપુરી લંકા છે. મારા ભાઈઓની હું પ્રિય બહેન છું અને માટે જ તેઓ મારે કાજે કાર્ય કરવા હંમેશાં તત્પર રહે છે. હે રાઘવ, તમે સાચે જ ગુણાગાર છો. તમારા ગુણોની સરખામણી કરી શકે એવો પુરુષ મનુવંશમાં અન્ય કોઈ હોઈ શકે નહિ. આથી જ હે આજાનુબાહો, હું તમને મારું હૃદય સમર્પવા માગું છું."


અને પછી મિથિલેશનન્દિની તરફ આંગળી ચીંધીને તે મતિભ્રષ્ટા રજનીચરી બોલી, "અને આ સ્ત્રી જેને તમે પોતાની ભાર્યા કહો છો તે નિતાન્ત ગુણવિહીન અને અબુધ નારી છે. તેથી તે તમારા જેવા ગુણાઢ્ય નરને યોગ્ય નથી. હે રઘુવતંસ, આવી વિપરીત સ્ત્રીનો પરિત્યાગ કરીને તમારે કોઈ સુન્દર અને ગુણવતી નારીનું વરણ કરવું જોઈએ. મારામાં જે ગુણ છે તે આ અબુધ નારીમાં ક્યાંય દેખાતા નથી. આ સ્ત્રી તમને કોઈ પ્રકારનું સુખ આપવામાં સમર્થ નથી તથા એને તમારી સેવાનો પણ બોધ નથી. માટે હું તમને પ્રાર્થના કરું છું કે તમે તત્ક્ષણ એનો પરિત્યાગ કરો અને મારા પ્રણયસમર્પણને સ્વીકારીને મને પોતાના વામાંગે સ્થાન આપો."


શૂર્પણખાની કથા તેમ જ એનો અનુરોધ સાંભળીને દશરથના બન્ને પુત્રોને એની અલ્પમતિનો બોધ થઈ ગયો. વિદેહતનયા ત્યાં અક્ષુબ્ધ ઊભી હતી અને નિર્મલ નયનથી તે નિશિચરીને જોતી હતી. સીતાનાં નેત્રોમાં ન તો તિરસ્કાર હતો કે ન ક્રોધ. પણ એને નિર્વિકાર જોઈને એ રજનીચરીનો રોષ વધવા લાગ્યો. તે આગળ બોલી, "હે કૌસલ્યાનન્દન, જો તમારા મનમાં આ સ્ત્રી વિષે કોઈ સન્દેહ હોય તો હું તત્ક્ષણ એને ભક્ષીને તમને દ્વિધામુક્ત કરી દઈશ. તમે માત્ર એકવાર મારી વિનન્તી સ્વીકારો; હું તમને વચન આપું છું કે હું આ તુચ્છ સ્ત્રીને કણ્ટક બનવા નહિ દઉં."


તેનાં વચન સાંભળીને રામે સુશાન્ત સ્વરમાં કહ્યું:


"મુખચન્દ્ર જોઈ જેનું સુખ પામે મન મારું,

દુર્નિવાસ વનવાસમાંહિ છે તે મારા શ્વાસ.

શાથી કરું પરિત્યાગ, એ છે મારું શુભભાગ્ય;

સીતાનાં સુલોચનમાં મારો જીવનપ્રભાસ.

આત્માના અભાવમાંહિ અચેતન હોય તન;

મારા ઉરમાં તો જાનકીનો અચલ નિવાસ.

ક્ષમા કરો, કિન્તુ તવ આશા પૂરવાનો કોઈ

વિકલ્પ, હે નિશિચરિ, નથી અત્ર મારે પાસ."


સુણી રામને નિશિચરી પામી ઉરમાં ક્રોધ;

ધૈર્ય ત્યજી ભભકે નયન લેવાને પ્રતિશોધ.


વિનીત રામે ફરી તે રજનીચરીને કહ્યું, "હે કામરૂપિણિ, અમે ચારેય ભાઈઓ ગુણોમાં સમાન છીએ. માટે તમે જે ગુણ મારામાં અવલોકો છો, તે જ ગુણ મારા અનુજ લક્ષ્મણમાં પણ વિદ્યમાન છે. એ અહીં પત્ની વિના વાસ કરે છે. જો તમે ઈચ્છો તો આ વિષે એનો અભિપ્રાય માગી શકો છો. એની જે ઇચ્છા હશે તે એ તમને જણાવશે. હું આશા કરું છું કે તમને મનોવાંછિત ઉત્તર મળશે."


આમ, રામનાં વચન સાંભળીને તે કામાન્ધ નિશિચરીનો રોષ થોડો ઓછો થયો અને પોતાની કામેચ્છાઓ લઈને હવે તે સુમિત્રાનન્દન તરફ વળી. લક્ષ્મણે એની મન્દમતિને પારખી લીધેલી. એથી જ જ્યારે રામને કહેલાં વચન એણે લક્ષ્મણને કહ્યાં ત્યારે લક્ષ્મણે હસતાં હસતાં કહ્યું, "તમે સત્ય જ કહેલું, હે દનુકુલરમણિ, જે ગુણ તમારામાં વિદ્યમાન છે તે અન્ય કોઈ માનુષી સ્ત્રીમાં મળવા શક્ય નથી. એમાં જનકનન્દિનીની તો તુલના જ શી?"


આમ, શૂર્પણખાના જ અગાઉના વિધાન પર સુમિત્રાનન્દને વ્યંગ્ય કર્યો, પણ મન્થર બુદ્ધિવાળી એ રજનીચરીએ એનો મર્મ જાણ્યો નહિ. એથી વિપરીત એણે એમાં દશરથકુમારની સ્વીકૃતિ જોઈ કે ખરેખર સીતામાં એવા એક પણ ગુણ નથી જે એનામાં છે. એથી એણે વિચાર્યું કે આ સ્ત્રી ખરેખર જ મારે માટે કણ્ટક સમાન છે. માટે હું એને ભક્ષીને જો મારો માર્ગ નિષ્કણ્ટક કરીશ તો જ આ બે નરમાંથી કોઈ એક મને વરશે.


હતમતિ તે બોલી પછી કરી રામને લક્ષ્ય;

"આજ અસંશય જાનકી બનશે મારું ભક્ષ્ય.

હવે મને વિશ્વાસ છે કે આ માનુષીમાં મારી તુલના કરી શકે એવા કોઈ ગુણ નથી. હે રઘુકુલપતંગ, હું પૂર્વે સૌભાગ્યવતી હતી. મારો વિવાહ વૈશ્વાનરની પુત્રી કાલકાના બલશાલી પુત્ર કાલકેયોના એક ભાઈ વિદ્યુજ્જિહ્વા સાથે થયો હતો. એકદા દેવો સાથે યુદ્ધ કરીને મારા ભાઈ રાવણ પાછા ફરતા હતા ત્યારે એમણે કાલકેયોની હિરણ્યનગરીને જોઈ અને એથી એમણે એ પુરીને સ્વાધીન કરવાનો નિશ્ચય કર્યો. પરન્તુ મારા નાથે એમનો પ્રતિકાર કર્યો અને અને યુદ્ધમાં દશાનનના હાથે જ તેઓ પરાભવ પામ્યા. હું અનાથા જ્યારે વિરહમાં સળગતી હતી ત્યારે મને શાન્ત કરવા માટે રાવણે મને વચન આપ્યું હતું કે હું જે પુરુષને ઇચ્છીશ તેની સાથે એ મારાં લગ્ન કરાવી આપશે. અને હે રામ, હું તમને ઇચ્છું છું. તમે મારું પાણિગ્રહણ નહિ કરો તો દશમુખ બલાત્ પણ તમને મારે આધીન કરશે. માટે હે મતિમાન, અવસર ઓળખીને સદ્બુદ્ધિ દર્શાવો અને મને વામાંગે સ્થાન આપો. અન્યથા… અન્યથા આ જે સ્ત્રી આપણા સમ્બન્ધમાં કણ્ટક સમાન ઊભી છે એને તો હું હમણાં જ ભક્ષીને તમને દ્વિધામુક્ત કરી દઈશ."


રોષપૂર્વક આવાં વચન કહીને શૂર્પણખાએ પોતાનું બીભત્સ રૂપ પ્રકટ કર્યું. તૈલયુક્ત કાળી મહાકાયા પર એણે મુણ્ડોની માલા ધરી હતી; અને એનાં વિશાલ નેત્રોમાં વનોને ભસ્મ કરનારો દાવાનલ નાચતો હતો. એના કુરૂપ મુખ પર ઉન્મત્ત લોલુપ હાસ્ય હતું; અને એની દૃષ્ટિમાં પોતાના ભક્ષ્ય વિષેની વાસના હતી. એના લાંબા, વક્ર અને તીક્ષ્ણ નખ એના નામને યથાર્થ કરતા હતા. શૂર્પણખાનું એ વાસ્તવિક રૂપ જોતાં જ જનકકુમારીનું હૃદય કંપી ઊઠ્યું. જેની સાથે હમણાં થોડા સમય પહેલાં તે વિનીત થઈને વાત કરતી હતી એ હવે આવું વિકરાલ રૂપ ધરીને એને જ ભક્ષવા માટે તત્પર હતી.


શૂર્પણખાએ ઉન્માદયુક્ત ગગનભેદી ઘોષ કર્યો અને તુરન્ત મૈથિલીને ભક્ષવા માટે તેની તરફ કૂદી. રાઘવેન્દ્રે સાવધાન થઈને ધનુ ઉપાડ્યું અને લક્ષ્મણને પણ સંકેત કર્યો. લક્ષ્મણે તત્ક્ષણ અસિ કાઢીને એ રજનીચરીની નાસિકા પર પ્રહાર કર્યો અને એને વિરૂપ કરી નાખી. પ્રખર વેદનામાં શૂર્પણખાએ જ્યારે ઘર્ષણ ચાલુ રાખ્યું ત્યારે લક્ષ્મણે એના કાન પર પ્રહાર કરીને એના કર્ણપલ્લવ છેદી કાઢ્યા. શસ્ત્રાઘાત અને વિરૂપતાના અસહ્ય શૂલથી સન્તપ્ત એ નિશિચરી તત્ક્ષણ દૂર ગગનમાં કૂદી અને અનેકવિધ પ્રતિશોધના પ્રલાપ કરતી કરતી ગગનમાર્ગથી જ દક્ષિણ તરફ ચાલી ગઈ:


"મેળવશો આ કાર્યનું અતિભીષણ પરિણામ;

હે ખર-દૂષણ, સાંભળો, રાઘવનું આ કામ."


તદનન્તર મુકુલિત નયને અતિભયભીત થયેલી મનોભિરામા રામાને રામે ધીરજ આપતાં કહ્યું, "નેત્ર ખોલો, વૈદેહિ. વિપદા ટળી ચૂકી છે. એ બીભત્સ રજનીચરી તો ગગનમાર્ગ દ્વારા દૂર ભાગી ગઈ."


હૃદયમાં ધીરતા આણીને મિથિલેશકુમારીએ પોતાનાં લોચન ઉઘાડ્યાં અને જોયું તો પંચવટીની મનોહર વાટિકા સુરમ્ય પ્રભાતનાં કિરણોમાં વસન્તનું લાવણ્ય પાથરતી સીતાનો સત્કાર કરતી હતી. સૂર્ય આકાશમાં ઊંચે ચઢીને ખમધ્ય તરફ ગતિમાન હતા અને વિહગોના મધુર કલરવોપરાન્ત સર્વત્ર અમિત શાન્તિ પ્રવર્તતી હતી. જનકનન્દિનીએ રાઘવનાં રાજીવલોચનોમાં દૃષ્ટિ કરી તો તેનાં મૃગનયન ઊભરાઈ આવ્યાં. રામે એને સ્વહૃદયે ધરીને એના શિર પર સ્નેહપૂર્વક હાથ ફેરવીને ફરીથી કહ્યું, "વિપદા ટળી ગઈ છે, સીતે. ચિન્તા કરો મા."


તે જોઈને સુમિત્રાકુમારે કહ્યું, "હું વનમાંથી ફલ તથા કન્દમૂલ લઈને આવું છું, ભાભી. તમે ભોજનનો પ્રબન્ધ કરો. આજે શ્રમ કરીને ભૂખ વધારે લાગી છે."


સૌમિત્રીનાં વચન સાંભળીને જાનકીના હૃદયમાં ફરીથી હર્ષ વ્યાપી ગયો. અને રામ… રામ પોતાનાં સુખવર્ધક બન્ને કારણોને નેત્રો સમક્ષ જોઈને વિધાતાનો આભાર પ્રકટ કરવા લાગ્યા:


"વિધિ, હું માગું અન્ય શું? કરો એક ઉપકાર;

નિત્ય રહે આનન્દમય મારો આ સંસાર."