aazadi in Gujarati Short Stories by Pooja Raval books and stories PDF | આઝાદી

Featured Books
Categories
Share

આઝાદી

"અચ્ચાચ્ચો.. હમણાં પડી ગઈ હોત.સોરી હોં?" મેં મારી જાતને સંભાળતા કહ્યું. મેં સલવાર અને કુર્તો પહેર્યા હતાં. મારો મરૂન કલરનો દુપટ્ટો મારા સફેદ કુર્તા ની ઉપર ખભા પાસે લગાવેલી બે પટ્ટીઓમાં ફસાવીને મેં પાછળ લબડતો રાખ્યો હતો. બિલકુલ જેમ તમિલ વિદ્યાર્થીનીઓ નાંખે છે. આખરે હું પણ વિદ્યાર્થીની જ હતી. આ મારો સ્કૂલનો ડ્રેસ હતો. મારી પંદરમા જન્મદિવસે અબ્બાએ આપેલી માથામાં નાંખવાની રિબન મેં મારાં વિશ્વાસમાં ઓટ ન આવે એટલે નાંખી હતી.

"નીનકાલ તમિલાર?(તમે તમિલ છો?)" પેલા સિક્યોરિટી ગાર્ડે મને પ્રશ્ન પૂછ્યો.

"આ, એન...( હા, કેમ?)" મેં સામો સવાલ કર્યો. મારાં શ્વાસ અધ્ધર થઈ ગયા.
એનાં મોં પર આશ્ચર્ય હતું. આટલી બધી ભીડ હતી. લોકો કિડિયારાની જેમ ઉભરાયા હતા.અમે સ્પેશ્યલ વીઆઈપી વિભાગ પાસે ઊભાં હતાં. જેથી ઈંગ્લીશ બોલવાથી કામ ચાલી જાય.

પણ આ ડફોળે ઓળખી કાઢી હતી કે હું તમિલ બોલું છું એ પણ કોઈ બીજી પ્રાંતીય અદામાં.

"વ્હાય આર યુ હીયર? ગો ટુ ધેટ ગેટ. વી નીડ સમવન હુ કેન સ્પીક તમિલ ઓવર ધેર." એ કંઈ પણ બીજો સવાલ કરે એ પહેલાં આમ એની જગ્યા બદલાય એ મારા માટે રાહતનો શ્વાસ હતો.

અમારા આ વિભાગમાં ભીડ ઓછી હતી. અમે શાંતિથી ઊભાં રહી શકીએ તેમ હતાં. એટલે જ અમને અહીં ઉતારવામાં આવ્યા હતાં.
"શુભિ, આટલાં બધાં માણસો મરી જશે. આપણે બંનેનાં તો બચવાના કોઈ ચાન્સ નથી. આ યોગ્ય છે?" મારી બાજુમાં ઉભેલી સેલ્વીએ દબાયેલા અવાજે પૂછ્યું.

"અને આપણાં બંનેનાં પરિવાર સાથે જે થયું તે યોગ્ય હતું? અને આપણાં જીવનમાં કોઈ ધ્યેય બચ્યો છે ખરો? છે કોઈ જે તારી પાછળ રડશે? જ્યારે ન્યાય કરવાનો હોય ત્યારે આમ પીછેહઠ ન કરાય. " મેં પણ દબાયેલા અવાજે કહ્યું.
સેલ્વી ચૂપ થઈ ગઈ. હું બહુ સ્પષ્ટ હતી. મારે મરવું હતું. અને મરતી વખતે મારી સાથે અમને કરવામાં આવેલા અન્યાયમાં સાથ આપનાર બહેરા કાનને એક સંદેશો પણ પહોંચાડવો હતો.

આશુતોષ સરદેસાઈ ખૂબ પ્રસિદ્ધ નેતા હતો ભારતનો. ભારતીય મંત્રી મંડળમાં એનો દબદબો ખૂબ જ હતો. અને લોકલાડીલો પણ.

આ ભીડ એની સાબિતી આપી રહી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ પણ રાજ્યને ઉતરતું નહીં સમજનાર અને દરેક રાજ્યને વિકાસ તરફ ગતિ કરાવનાર આશુતોષ આ વખતની ચૂંટણીમાં પણ જીતશે જ એ નક્કી હતું.

જ્યારે કોઈને ઠેસ પહોંચાડવી હોય તો એની અતિપ્રિય વસ્તુ એની પાસેથી ઝૂંટવી લેવાથી આપણી વાત સંભળાવવામાં આસાની રહે છે.

બસ ભારતને આવી જ કોઈ વ્યક્તિ ઝૂંટવાઈ જાય એની જરૂર હતી.
"નીન્દલ્ એન્તપ્ પક્કતીલ ઈરુકિરીકલ્? (તમે આમ કઈ બાજુના?) તમારાં ઉચ્ચારણ થોડાં અલગ છે.
એ ગાર્ડ ફરી આ તરફ આવ્યો હતો. એનો આ સવાલ સાંભળી હંમેશાં શાંત રહેતી હું પણ બઘવાઈ ગઈ હતી.
આખરે પોતાનાં પર કાબુ મેળવી મેં એને જવાબ આપ્યો,
"રામેશ્વરમ... કેમ?"

"હં... મને લાગ્યું જ હતું." એણે કહ્યું અને એ જતો રહ્યો.

લગભગ દસ વાગ્યા હતાં. કાચીપુરમના આ મોટા મેદાનમાં મેદની અકડેઠઠ ભરાઈ હતી.
સફેદ એમ્બેસેડરની આસપાસ કેટલાંય બ્લેક કમાન્ડો તૈનાત હતા. મારાં મોં પર આછું સ્મિત ફેલાયું.

' શું આ લોકો બચાવશે? આ લોકો જાફનામાં થયેલાં ચર્ચના બ્લાસ્ટને નહોતાં રોકી શક્યા. આ લોકો સરદેસાઈની ઢાલ બનશે? હા...હા... હા... લાગે છે હવા ભરાઈ છે દિમાગમાં... પ્રભાકરન... વી ઓનર યુ... ' મેં વિચાર્યું.

પ્રભાકરન અમારો સરદાર હતો. એણે એની પ્રેમિકા, આને પરિવાર ગુમાવ્યો હતો આ લડતમાં. શ્રીલંકાને સ્વતંત્રતા અપાવવા એ કાંઈ પણ કરવા તૈયાર હતો. એ અત્યારે લંડનમાં આમિર સાથે હતો. એ અમારો ભગવાન હતો. મારાં જેવાં કેટલાંય નિરાધાર લોકોને એણે આશરો આપ્યો હતો.

એમ્બેસેડરમાંથી ડ્રાઈવરે બહાર નીકળી પાછળનો દરવાજો ખોલ્યો. અંદરથી એક પાંત્રીસેક વર્ષનો સુંદર યુવાન બહાર આવ્યો.

' હાય...! હવે ખબર પડી કે કેમ લોકો આના પર મરે છે? ખાસ કરીને છોકરીઓ... ! જો તું મને કોઈ બીજી જગ્યાએ મળ્યો હોત તો હું તારા પ્રેમમાં જરૂર પડત... તારી સાથે એક પથારી પણ કરતા... પણ અફસોસ...! તને અમારા જેવાં માસૂમ લોકોનાં મોત તારાં વોટ માટેની જાહેરાત લાગે છે. તને મારતાં જીવ નહીં ચાલે.. પણ તારે તારી પત્ની અને આ દુનિયા મારી સાથે છોડી મારી જ સાથે નવો જન્મ લેવો રહ્યો.. ' હું એનાં મોહમાં ડૂબી રહી હતી.

મેં આજુબાજુ નજર ફેરવી. સેલ્વી ક્યાંય દેખાતી નહોતી. બાજુમાં એક સ્કૂલની વિધાર્થિની ઊભી હતી . નજર પહોંચે ત્યાં સુધી જનમેદની ફેલાયેલી હતી. જમણી બાજુ મંડપ બાંધી સ્ટેજ બનાવવામાં આવેલું હતું. અમારા શ્રીલંકાના પ્રધાનમંત્રી બી્એસ. નાયડુ ત્યાં બેઠાં હતાં. સરદેસાઈને જોઈ એ ઊભાં થયાં. વિભાગો અલગ બનેલાં હતાં પણ મેદની દૂધમાં સાકરની જેમ ભળી ગઈ હતી. હું આ દૂધમાં સાકર સાથે ઝેરનું ટીપું હતી. આજે આમાંથી ઘણાં લોકોનો અંતિમ દિવસ હશે.

મંડપની પાછળ લગભગ સો મીટર સુધી ખુલ્લું મેદાન હતું. પ્રેસ અને મિડિયાનો ઠઠારો આખા મેદાનમાં આભૂષણની જેમ ચમકતો હતો. સરદેસાઈનાં પ્રવેશ સાથે નાયડુએ ફોટા પડાવવાનું બંધ કરી સરદેસાઈ તરફ પ્રસ્થાન કર્યું. મેં ફરી એકવાર ચારેતરફ નજર દોડાવી. વીસ કિલોમીટર લાંબી મેદની પછી સોએક મીટર ખાલી મેદાન હતું. છૂટાં છવાયાં અમુક ઘર હતાં પણ દૂર. મારા કુર્તા નીચે કમર પર લાગેલો બોમ્બ લગભગ એક કિલોમીટર સુધી તો નુકસાન પહોંચાડશે જ એની ખાતરી હતી.

મરનારાઓની સંખ્યા આરામથી હજારોમાં થશે. હું ખુશ હતી. પણ મારી જેની સાથે જવાનું હતું એ સેલ્વી ક્યાંય દેખાતી નહોતી.

મેં ‌મારી‌ નજીકમાં ઊભેલી બાર વર્ષની બીજી એક વિદ્યાર્થીની તરફ જોયું. મેં એને કહ્યું,
" મારે પણ એમને મળવું છે. તમે આવશો મારી સાથે? મને શરમ આવે છે."

એણે મારી સામે જોયું અને હકારમાં ડોકું ધુણાવ્યું.
હું આને એ સરદેસાઈ તરફ વધ્યાં. આ ક્ષણ અદ્ભુત હતી. નાયડુ સરદેસાઈ સુધી પહોંચી ગયા હતા. મેદની સરદેસાઈની એક ઝલક પામવા વધુ નજીક આવી હતી. મિડિયા અને સિક્યોરિટી સ્ટાફ ધક્કે ચડ્યો હતો. હું ‌લગભગ સરદેસાઈની આંખોમાં આંખ નાંખી ઊભી હતી.

"યસ માં, ચાઈલ્ડ,... " સરદેસાઈનાં અવાજમાં અભૂતપૂર્વ ખેંચાણ હતું.

"સર, તમને મળવાથી મારું જીવન ધન્ય થઈ ગયું. તમારો સાથ મળે તો હું ‌ન્યાલ થઈ જાઉં." મેં કહ્યું.


"હું હંમેશા મારી પ્રજાની સાથે જ છું." કહી સરદેસાઈ એ મારાં ખભા પર હાથ મૂક્યો અને ખભામાં અંગૂઠો અને આંગળી દબાવ્યા. એ પછી એણે મારાં ખભાથી હાથ મારી પીઠ તરફ ખસેડ્યો. નાયડુ ખંધું હસ્યો. મને એ બંને પર ગુસ્સો આવ્યો. અને મેં કહ્યું,
"તો ચાલો સરસ આશિષ આપો કે સાથે જ રહીએ આજે. અને સાથે સહકારથી આગળ વધીએ." મેં દાંત ભીંસી કહ્યું અને હું નીચી વળી. આ આખું જીવંત પ્રસારણ હતું. મેં મારી કમરમાં બાંધેલાં પટ્ટા પરની ચાંપ દબાવી અને.... 'બૂમ્મ...'


મારો હાથ છેક પેલાં મંડપની પાછળ જઈ પડ્યો. મારો પગ કોઈ મિડિયાવાળા પર અને માથું નાયડુનાં માથાં પર. હજુ છેલ્લા બે ચાર શ્વાસ બાકી હતાં. અને મારાં દિલમાંથી અવાજ આવ્યો.

"સાલા હલકટ, આજનાં સાથ માટે ધન્યવાદ. ફરી ક્યારેય ન મળતો. હવે સમજાયું કેમ તારી પત્નીએ જાણતા હોવા છતાં તને ન રોક્યો. એ પણ બિચારી છૂટી. આ અહેસાન રહ્યું મારું તમારાં પર મિસિસ સરદેસાઈ." બોલીને એ જીવ તો ત્યાં જ છૂટી ગયો. લગભગ ચાલીસ મોત અને હજારો ઘાયલ થયા. સેલ્વી બચી ગઈ. અને હું દુનિયા છોડી ગઈ.

પણ મારી આ કુરબાનીનાં બદલામાં ઈશ્વરે મને તરત જ ફળ આપ્યું. હવે શ્રીમતી સરદેસાઈ આ સમાચાર સાંભળીને બેભાન થઈ ગયા હતા. આને ડૉક્ટરે તેમને આ ખરાબ સમાચાર સાથે હામ ભીડવા એક સારા સમાચાર આપ્યા. હવે એ જન્મમાં ખબર નહીં કેટલો હાહાકાર મચાવીશ? હવે નવા જન્મે હું મિસ કે મિસ્ટર સરદેસાઈ....