અક્ષરે જમતાં જમતાં જ પ્લાન વિચારી લીધો હતો,અને ગાર્ગી અને વેદને કોઈ ન સાંભળે તેમ સંક્ષેપમાં સમજાવી પણ દીધો હતો.
તે મુજબ વેદ અને અક્ષર અત્યાર સુધી જેમ કિવાને શોધતાં હતાં તેમ શોધવાનું ચાલું રાખશે. જયારે ગાર્ગી તે બંનેથી અલગ રહેશે અને અહીં ટ્રસ્ટનાં કામ માટે આવી હોય તેવો દેખાવ કરશે.
તે મુજબ વેદ અને અક્ષરે ,ગાર્ગીની હોટેલની નજીકની હોટેલમાં રૂમ બુક કરાવી લીધો. જેથી ઇમરજન્સી આવે તો ગાર્ગીની મદદ થઇ શકે.
_________________________________
ગાર્ગી જે ટ્રસ્ટમાં કામ કરતી હતી તે ટ્રસ્ટનું નામ હતું ' ઉત્કર્ષ '. તે ટ્રસ્ટ ગરીબ કે અનાથ બાળકોની આર્થિક સહાય કરવાનું, જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવાનું, તેમનાં માટે શિક્ષણની વ્યવસ્થા કરવાનું,વગેરે કામો કરતું હતું.
' ઉત્કર્ષ ' ની શાખા દેશભરમાં હતી. તેમાંની એક શાખા ઋષિકેશમાં પણ હતી.
ગાર્ગી તેનાં રૂમ પર આવી ' સુમિત્રા ' મેડમને ફોન કરે છે, જે મુંબઇની બ્રાંચના હેડ છે. ગાર્ગી હંમેશા તેમને માં કહીંને સંબોધે છે, કારણકે તેઓ હંમેશા ગાર્ગી ને પોતાની દીકરી માનતા આવ્યા છે.
"હેલો, ગાર્ગી બેટા.."
" માં ". સુમિત્રા નો અવાજ સાંભળતાં જ ગાર્ગી ગળગળા અવાજે આટલું માંડ બોલી શકે છે, અને રડવા લાગે છે.
થોડી વાર પછી..
" બેટા ગાર્ગી, બસ કર. આપણી ગુડીયા આપણને જલ્દી મળી જશે.તું વેદને મળી બેટા? " સુમિત્રા કિવાની ખોવાઇ જવાની વાત થી પૂરા વાકેફ હતા.
" હા માં, મળી વેદને. આજે ઘાટ પર એણે મને જોઈ લીધી. "ગાર્ગી હજી વેદ પર ગુસ્સામાં હતી.
" સારું થયું ને ગાર્ગી,હવે તું અને વેદ મળીને કિવાને શોધશો, એટલે સરળતા રહેશે."
" હાં, બીજો રસ્તો પણ નથી ને! "
" ગાર્ગી હજી પણ તું વેદ પર ગુસ્સામાં છે! બેટા મેં તને પહેલાં પણ કહ્યું હતું કે અત્યારે તારે વેદને સાથ અને હિમંત આપવાના છે, ગુસ્સો કે ઘૃણા નહિ."
" પણ માં, વેદની બેદરકારી ને કારણે જ તો.."
" નહી ગાર્ગી, જરા શાંતીથી વિચાર કરી જો. પહેલી વાત તો એ કે ભુલ તો કોઈથી પણ થઈ શકે. તું એ વાત સારી રીતે જાણે છે કે વેદ એ જાણી- જોઈને કશું નથી કર્યું. અને બીજી વાત એ કે લગ્નજીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યાં કરે,એકબીજાને માફ કરતા શીખવું જોઈએ. હું ખોટું સહન કરવાનુ નથી કહેતી. હજી પણ ઘણાં કુટુંબોમાં ફક્ત લગ્ન ટકાવી રાખવા માટે અસહ્ય શારીરિક કે માનસિક ત્રાસ સહન કરાય છે, તેવું તો બિલકુલ ન થવું જોઈએ."
"હવે વધારે શું કહું! ગાર્ગી તું તો સમજદાર છે, નિર્ણય તારે લેવાનો છે. છતાં પણ એક માં તરીકે એટલી સલાહ આપીશ કે એકવાર સાચા દિલથી વેદને માફ કરી,એનો સાથ આપી જો."
" માં, હું તમારી વાત પર જરૂર વિચાર કરીશ, પણ મારે એક બીજું પણ કામ હતું. "ગાર્ગી હવે થોડી શાંત હતી.
" હાં - હાં બોલ બેટા."
ગાર્ગી એ તેમનો પ્લાન ટુંકમાં સમજાવ્યો.
" ઓકે ગાર્ગી, અત્યારે તો રાત થઇ ગઇ છે.હું કાલે જ ઋષિકેશની બ્રાંચમાં વાત કરું છુ. "
" ઠીક છે માં,તો કાલે આપણે વાત કરીએ. good night. "
" Good night ગાર્ગી બેટા. "
_____________________________
ફોન મૂકીને ગાર્ગી વિચારે છે...
વેદ ને હંમેશાથી એક દીકરી ની જ ઈચ્છા હતી. કિવાનાં જન્મ બાદ વેદ તેને જોઇને કેટલો લાગણીશીલ થઇ ગયો હતો!
કિવા ને vaccine દેવડાવતા પહેલાં ગાર્ગી એ વેદ ને સંભાળવો પડતો.નહી તો ઈન્જેકશન થી કિવા રડે, તે વેદ સહન ના કરી શકે, અને ડૉક્ટર સાથે ઝગડો કરે.
ઘરે આવીને...
" વેદ , શું કામ ડૉક્ટર સાથે ઝગડો કરે છે? કિવા થોડું તો રડે ને.કિવા જ નહીં,પણ બધાં બાળકો ઈન્જેકશન લગાવ્યા પછી રડતાં જ હોય. "
" એ જે હોય તે. બસ,મને એટલી ખબર છે કે મારી કિવા રડવી નાં જોઈએ."
આ સાંભળીને ગાર્ગી હસવા લાગતી.
ગાર્ગી નાં પાડે તો પણ વેદ કિવા માટે નવા નવા રમકડાંનો ઢગલો કરી દેતો. તેનાં મતે કિવા ની આ જ ઉંમર છે રમવાની. જેવું તેનું ભણવાનું ચાલુ થશે,તેવું તેનું રમવાનું ઓછું થઈ જશે.
વેદ જયારે કિવા ને પહેલીવાર playhouse માં મુકી ને આવ્યો ત્યારે પણ તેની આંખ ભીની હતી.
ઘરે આવીને પણ ગાર્ગી ને તેણે એક કલાક માં લગભગ ૧૦ વાર પૂછ્યું હતું, કે હવે કિવા ને લઇ આવું?
________________________________
આખરે ગાર્ગી વેદ ને ફોન કરવાનું વિચારે છે.