અસુરત્વ પર દેવત્વનું વિજયપર્વ
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગનો છે. જેમાં પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, 'ઉદ્ધારે દાત્મનાત્માનં નાત્માનમુસાદયેત । આત્મૈવ હ્યાત્મેનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મને ।। 'બન્ધુ રાત્માત્મનુસ્તસ્ય યૈનાત્મૈવાત્મના જિતઃ । અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્ ।।' જેનો અર્થ છે : માનવ પોતાનાથી પોતાનો, સંસાર સાગર વડે ઉદ્ધાર કરે છે અને ત્યારે તે પોતાની જાતે અધોગતિમાં ન નાખે, કેમ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ પોતાનો શત્રુ છે.
પોતાના આત્માવિજયથી, પોતાનો ઉદ્ધાર કરવો, પોતાના આત્માનું અધઃપતન થવા ન દેવું જેણે આત્મસંયમના ગુણથી પોતાની જાતને જીતી લીધી છે, એ પોતાનો મિત્ર છે. જેણે પોતાની જાતને ન જીતી તે પોતાનો જ શત્રુ છે. આમ, વિજયા દશમી કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, જેવા દુષ્ભાવો ને નવદુર્ગાની ઉપાસના દ્વારા દૂર કરીને આત્મવિજયની પ્રતિષ્ઠા, પ્રસ્થાનનું પર્વ છે. 'દશેરા' શબ્દ હિન્દી ભાષાના 'દશહરા' શબ્દનું અપભ્રંશ છે. જે દિવસે રાવણના દસ મસ્તક હણાયા એ 'દશ-હરા' દશેરાનો મહિમા દશેરા અથવા વિજયા દશમી ભગવાન રામના વિજય સ્વરૂપે મનાવવામાં આવે છે અથવા દુર્ગા પૂજાના રૂપમાં. બન્ન્ને સ્વરૂપોમાં તે શક્તિ-પૂજાનો પર્વ છે, શસ્ત્ર પૂજનની તિથિ છે. હર્ષ, ઉલ્લાસ અને વિજયનો તહેવાર છે. ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે.
માતા દુર્ગાએ મહિસાસુર જોડે લગાતાર નવ દિવસ સુધી યુદ્ઘ કરીને દશેરાના દિવસે જ તેનો વધ કર્યો હતો. આ આસ્થાના સંદર્ભે આ તહેવાર મનાવવામાં આવે છે. ઉપરાંત નવરાત્રિ બાદ તેને દુર્ગાના નવ શક્તિ રૂપોના વિજય દિવસ તરીકે વિજયા દશમીના નામે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન રામે નવ દિવસ સુધી રાવણ સાથે યુદ્ઘ કર્યું હતું અને આજના દિવસે રાવણને માર્યો હતો. આ સંદર્ભે પણ આ દિવસ વિજયા દશમી રૂપે મનાવાય છે
ભગવાન શ્રી રામ જ્ઞાાન, સત્ય અને દેવત્વના મૂર્તિ સમાન છે. જ્યારે રાવણ અહંકાર, અસત્ય અને દાનવત્વના પ્રતીકરૂપે સમજવામાં આવે છે. વિજયાદશમીએ જ્ઞાાનનો અજ્ઞાાન પર, સત્યનો અસત્ય પર અને દેવત્વનો દાનવત્વ પરના વિજયના પ્રતીકરૂપે ઉજવણી થાય છે.
રાવણમાં અપાર શક્તિ હતી. તેણે અનેક મોટા-મોટા મહારથી રાજાઓ તથા દેવતાઓને જીતી લીધા હતા, પરંતુ પોતાના અંતઃશત્રુઓ આગળ તે લાચાર બની ગયા, દુષ્વૃત્તિ સામે તેણે હથિયાર હેઠા મૂકી દીધેલા. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા, દ્વેષ, છળ-કપટ, હઠ અને આળસ જેવા દસ દોષ તેના દસ મસ્તકમાં ભારોભાર ભરાઈ ચૂક્યા હતા. એવું કહેવાય છે કે રાવણમાંના આ દસ મસ્તકોનું છેદન કરવા, તેનું અને શ્રી રામ વચ્ચેનું યુદ્ધ સાત દિવસ અને સાત રાત્રિ સુધી ચાલ્યું હતું. પરંતુ જેવું રાવણનું એક મસ્તક છેદાય, તુરન્ત પાછું તે આરૂઢ થઈ જતું હતું. તેથી રાવણ ફરી ફરી પાછો યુદ્ધ ભૂમિ પર ઉભો થઈ જતો, અને શ્રી રામ સામે અભિમાનથી અટાહાસ્ય કરતો. શ્રી રામે વિભિષણને આના ઉપાય વિષે પૂછ્યું. વિભિષણે ઉકેલ આપતાં જણાવ્યું, રાવણની નાભિમાં વરદાન પામેલું અમૃતકુંપી છે, જેના કારણે આ મસ્તક પુનઃ સજીવન થયા કરે છે. ત્યાર બાદ શ્રીરામે દસ બાણથી દસ મસ્તકો, વીસ બાણથી વીસ ભૂજાઓ અને એકત્રીસમાં બાણથી તેની નાભિ નીચેનાં અમૃતકુંપીને છેદી નાખ્યો. અને આ રીતે રાવણનાં આતંકનો અંત આવ્યો. આ દિવસ આસો સુદ દશમ એટલે કે દશેરા હતો. જ્યારે અસત્ય પર સત્યનો અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનો ભવ્ય વિજય થયો. આમ, દશેરાનો તહેવાર દસ પ્રકારના પાપ-કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા, અહંકાર, આળસ, હિંસા અને ચોરીના ત્યાગની પ્રેરણા આપે છે. ભગવાન રામના વિજય સ્વરૂપે મનાવાય છે.
વિજયાદશમીના પાવન દિને જ દેવરાજ ઈન્દ્રએ દધિચિ મુનિના હાડકામાંથી બનાવેલા વજ્ર શસ્ત્ર હતા.રાજપુતોને હરહંમેશ સત્યની રક્ષા માટે આયુધો ઉઠાવ્યા છે. વિજયા દશમીએ પરંપરા મુજબ રાજપુત સમાજ શકિતરુપી શસ્ત્રોનું પુજન કરે છે. આ પરંપરા મુજબ વિજયા દશમીના રોજ ક્ષત્રીય રાજપુત સમાજ દ્વારા, પોલીસ,સેનાના જવાનો દ્વારા તેમના શસ્ત્રોનું પરંપરાગત વૈદિક રીતે પુજન થાય છે. મરાઠા રત્ન શિવાજીએ પણ ઔરંગઝેબની વિરૂદ્ઘ આજના દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. ભારતના ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે, જેમાં હિન્દુ રાજાઓએ આજના દિવસે વિજય પ્રસ્થાન કર્યું હતું.. પ્રાચીન કાળમાં રાજા આ દિવસે વિજયની પ્રાર્થના કરી રણ-યાત્રા માટે પ્રસ્થાન કરતાં હતાં. આ દિવસે જુદી-જુદી જગ્યાએ મેળાઓ થાય છે. રામલીલાનું આયોજન કરવામાં આવે છે. રાવણનું વિશાળ પૂતળુ બનાવીને તેનું દહન કરવામાં આવે છે. બંગાળમાં વિજયા દશમીનો દિવસ મા દુર્ગાની પ્રતિમા શણગારીને ધામધૂમથી તહેવારને ઉજવીને મા ભક્તો પવિત્ર નદીમાં વિસર્જન કરે છે.
વિજયા દશમીએ શમીના પાનનું મહત્વ એક પૌરાણિક કથા અનુસાર એક રાજાએ પોતાના રાજ્યમાં એક મંદિર બનાવડાવ્યું અને એ મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરવા માટે એક બ્રાહ્મણને બોલાવ્યો. પ્રાણ-પ્રતિષ્ઠા કરી ભગવાનની સ્થાપના કર્યા બાદ રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ તમને દિક્ષણા રૂપે શું જોઇએ? બ્રાહ્મણે કહ્યું, મને લાખ સુવર્ણ મુદ્રા જોઇએ. બ્રાહ્મણની વાત સાંભળીને રાજાને ઘણી ચિંતા થઇ. કારણ કે રાજા પાસે આપવા માટે આટલી સુવર્ણ મુદ્રા નહોતી, પરંતુ બ્રાહ્મણને તેની દિક્ષણા આપવી પણ જરૂરી હતી. વિચાર્યું કે, શમીના પાન લાવવામાં શું ખોટું છે? રાત્રે જ જઇ તે ઘણા બધા શમીના પાન લઇ આવ્યો. રાજા સવારમાં ઉઠ્યો અને તેણે જોયું કે, શમીના બધા જ પાન સોનાના પાન બની ગયા છે. તે જ દિવસે વિજયા દશમી હતી.. . ત્યારથી જ એ માન્યતા થઇ ગઇ છે કે, વિજયા દશમીના રાત્રે શમીના પાન ઘરે લાવવાથી ઘરમાં સોનાનું આગમન થાય છે. ઘરમાં સમૃદ્ઘિ જો તમારે પણ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ઘિ લાવવા હોય તો દશેરાના દિવસે શમીના પાન લાવવાથી તમામ લોકોનું કલ્યાણ થાય અને બધે સુખ અને સમૃદ્ઘિ વધે.
અક્ષર લેખન, નવો વેપાર, વાવણી, સગાઈ કે નવું વાહન કે ઘરની ખરીદી વગેરે બધા જ કાર્ય કરવા માટે મૂહુર્ત કે ચોઘડીયા જોવા પડતા નથી આમ, વિજયા દશમી એટલે વણજોયું મૂહુર્ત.
આમ આ દિવસ શક્તિપૂજા-અર્ચના આરાધનાના જીવન સાધનાથી આત્મશુદ્ધિ, આત્મવિજય આત્માનંદ પ્રાપ્ત કરવાનું આ મહાપર્વ છે. દશેરાએ એ અનેક નિરાશાઓ વચ્ચે એક નવી જ આશાનો સંચાર થતો હોય છે અને સૌને હિંમત અને સાહસની પ્રેરણા આપે છે. જગતમાં અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય ભલે ગમે તેટલું વ્યાપ્ત હોય છતાં પણ સત્ય, સત્ધર્મ, સદાચારનો હંમેશા વિજય થતો હોય છે.