શું કરે છે? કેટલી વાર ?
મિતિ જલ્દી કર મારે મોડું થાય છે. તને ખબર છે આજે મોડું થાય એ નઇ ચાલે, ફટાફટ પાંચ મિનિટમાં તૈયાર થઈ જા નહિ તો હું નીકળી જઈશ. તું જાતે રીક્ષા કરીને એકલી જતી રહેજે.
સુમિતને આજે નવી જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે એટલે જ આજે આટલી ઉતાવળ કરી રહ્યો છે, જે સાચી પણ છે.
મિતિ: ઓહ સુમિત નહિ વાર લાગે, પ્લીઝ વેઇટ બસ પાંચ મિનિટમાં આવી.
સુમિત: પાક્કું?
મિતિ: પાક્કું બસ.
સુમિત: તમે લોકો પાંચ મિનિટ કહીને અડધો કલાક કરી દો છો.
ઇન્ટરવ્યૂ પર સમયસર પહોંચવું જરૂરી છે, પણ હજી ઇન્ટરવ્યૂ ના સમયને એક કલાકની વાર હતી અને જે જગ્યાએ જવાનું છે એ માત્ર દસ મિનિટના અંતર પર હતી.
પુરી પંદર મિનિટ પછી મિતિ રેડી થઈને આવી ગઈ.
સુમિત: સમયનું કોઈ ભાન જ નથી ગમે તેટલું કહો પણ પથ્થર ઉપર પાણી સમાન છે. નહિ વાર લાગે, નહિ વાર લાગે કહીને કેટલી બધી વાર કરી દીધી.
ઘરમાં બધાને ખબર હતી કે ક્યાંય પણ જવાનું હોય તો સુમિત ને ઉતાવળ કરવાની ટેવ છે અને એમાંય આવું કઈંક હોય ત્યારે વધુ ઉતાવળો થઈ જાય.
મિતિ: ઓકે બાબા સોરી ચલ હવે.
દર્શનાબેન: લે બેટા આ દહીં એક ચમચી ખાઈ લે, શુકન કહેવાય.
સુમિત: ઓહ મોમ શું તું પણ, આ મિતિ એ ઓછો ટાઈમ બગડ્યો ત તું પણ હવે જતી વખતે ટાઈમ બગાડે છે.
દર્શનાબેન મૌન હતા, અને માત્ર સ્મિત કરી ઈશારો કર્યો એટલે સ્મિત ચમચી દહીં ખાઈ ને ફટાફટ નીકળી ગયો.
સુમિતને બસ એટલું જ હતું કે મોડું ના થવું જોઈએ.
છેક ઓફીસ પહોંચી ગયા પછી સુમિત ને યાદ આવ્યું કે ઉતાવળમાં ને ઉતાવળમાં મોમને પગે લાગવાનું જ ભૂલી ગયો.
એને થયું કે ટાઈમસર પહોંચવાની લાય માં ને લાય માં આવી ભૂલ કેમ થઈ ગઈ. ઘરે જઈને મોમને દિલથી સોરી કહી દઈશ.
સુમિત નેબહુ વસવસો થઈ રહ્યો હતો પણ પછી એને માં ની શિખામણ યાદ આવી કે જે કામ કરવા ગયા હોઈએ તેની પર ધ્યાન આપવું એટલે સુમિત બીજું કાંઈ ન વિચારી માત્ર ઇન્ટરવ્યૂ પર ધ્યાન આપી રહ્યો.
સાંજે ઘરે આવીને માં ને એણે કીધું, સોરી મોમ હું ઉતાવળમાં પગે લાગવાનું ભૂલી ગયો હતો.
દર્શનાબેને ઇશારાથી જ કીધું કંઈ વાંધો નઈ.
સુમિત માં ને પગે લાગી ને ખુશખબર આપી રહ્યો કે મોમ મને જોબ મળી ગઈ છે અને તે પણ મારા ધાર્યા પગારે.
દર્શનાબેન ઉભા થઇ અંદર જતા રહ્યા.
સુમિત ને કંઈ ખબર ન પડી, પછી એને થયું કે મોમ હજી નારાજ લાગે છે એટલે જ તો મેં સોરી કહ્યું એનો જવાબ ના આપ્યો અને પગે લાગી ખુશખબર આપી તો કંઈપણ બોલ્યા વગર અંદર જતી રહી.
વિચારોને લગામ નથી હોતી પણ સુમિત વધુ કંઈ વિચારે એ પહેલાં દર્શનાબેન અંદર મંદિરમાં ભગવાનને પગે લાગી ગોળ લાવી સુમિતનું મો મીઠું કરાવ્યું.
મિતિ: સુમિત તમે તો ઉતાવળમાં મોમને પગે લાગવાનું ભૂલી ગયા અને જતા રહ્યા પણ મોમ થોડું ભૂલે. તેમણે તમારી માટે આખો દિવસ મૌન વ્રત રાખી તમારી માટે મૌન પ્રાર્થના કરતા રહ્યા.
સુમિત મોમની પ્રાર્થના ફળી ગઈ અને એમનું વ્રત ફળી ગયું.
દર્શનાબેન: આ તો તારી મહેનતનું સારું પરિણામ છે. મારી પ્રાર્થના તો સાકાર થઈ જ ગઈ પણ તારી મહેનત વગર કામ ન થાત.
હસીને ત્રણે જણ સાથે બોલી પડયા, પ્રભુ એમની પ્રાર્થના જરૂર સાંભળે છે જે સાચા મનથી પ્રાર્થના કરે છે અને એ સાકાર કરવા અથાગ મહેનત કરે છે.