Train to Paradise in Gujarati Biography by Vibhu Javia books and stories PDF | વૈકુંઠ એક્સપ્રેસ

Featured Books
Categories
Share

વૈકુંઠ એક્સપ્રેસ

રોજ ની ટેવ મુજબ મેં બપોરના આરામ પછી છાપું હાથમાં લીધું. મને હેડલાઈન સમાચારોમાં કદી રસ પડતો નથી, માટે આગલા પાનાઓ પર ઉપરછલ્લી નજર દોડાવી મેં સ્પોર્ટ્સ નું પાનું ખોલ્યું. આઇપીએલ માં સ્ટાર ક્રિકેટરો ના સંઘર્ષ ના વૃતાંત વાંચતા વાંચતા મારુ ધ્યાન સામેના પાના પર આવેલી વેસ્ટર્ન રેલવે ની જાહેરાત પાર પડ્યું. મને હંમેશા રેલવે પ્રતિ અદમ્ય આકર્ષણ રહ્યું છે. જાહેરાત પણ ઉડીને આંખે વળગે તેવી હતી જેમાં રેલવેએ શરૂ કરવા ધારેલી એક નવી ટ્રેનની વિગતો આપેલ હતી.


વૈકુંઠ એક્સપ્રેસ

ભારતીય રેલવે રજુ કરે છે એક અનોખી યાત્રા.

દર ગુરુવારે દ્વારકા થી ઋષિકેશ.

ઉભા રહેવાના સ્ટેશન દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, આબુરોડ મારવાડ, અજમેર, જયપુર, અલવર, નવી દિલ્હી, મેરઠ, મુજ્જફરનગર, હરિદ્વાર અને ઋષિકેશ.


યાત્રા માં જોડાવા માટેના નિયમો:

યાત્રા માં બે વર્ગ ની સગવડ આપવામાં આવશે. સ્લીપર ક્લાસ અને થ્રી ટાયર એસી ક્લાસ.
ફક્ત સિનિયર સિટીઝન્સ જોડાઈ શકશે.
બધા એ ઉંમર નું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે.
ફેમિલી ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ તેમ નિયમિત લેવાની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન સાથે લાવવાનું રહેશે.
પતિ પત્ની સાથે હોય તેવા કિસ્સામાં પ્રાયોરિટી આપવામાં આવશે.
જોડાનાર દરેક વ્યક્તિને મિનિમમ એક ભજન ગવડાવતા આવડવું જરૂરી છે.
યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના વ્યસન એલાઉડ નથી.
યાત્રા દરમિયાન બધા એ ફરજિયાત એકટાણું ઉપવાસ કરવા પડશે.
આ સિવાયના બીજા નિયમો રિઝર્વેશન પછી આપવામાં આવશે.
આ મંગળ યાત્રા નું ઓનલાઇન બુકિંગ આવતી કાલથી રેલવેની વેબસાઈટ આઈઆરસીટીસી પર શરૂ કરવામાં આવશે.

આ જાહેરાત વાંચીને મારું હંમેશ માટે યાત્રા પ્રિય મન ઝૂમી ઉઠ્યું અને મારો મૂડ એકદમ સુધારી ગયો. સાંજે વોકિંગ કરતી વખતે મેં હંમેશ ની જેમ મારા સહયાત્રીઓને ફોન કર્યા જેમાં મિત્ર દંપતી, વેવાઈ દંપતી તથા બેન બનેવી નો સમાવેશ થતો હતો. આ બધા સાથે અમે અગાઉ ઘણા પ્રવાસો કર્યા છે અને બધા એ યાત્રા મા જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી. મારા ધર્મપત્ની ને પૂછવાનો સવાલ જ ન હતો. તે હરવા ફરવાની બાબત માં મારી બરાબર નો શોખ ધરાવે છે અને મારી દરેક યાત્રામાં સહર્ષ જોડાવા તૈયાર જ હોય છે.


બીજા દિવસે સવારમાં આઠ વાગ્યે રેલવેની વેબસાઇટ ખુલે તે પહેલા લેપટોપ સાથે ક્રેડિટ કાર્ડ લઈને ગોઠવાઈ ગયો. રાજકોટથી હરિદ્વાર તરફ જવાની ટ્રેન હંમેશા તરત જ ફુલ થઇ જતી હોય છે માટે મોડું કરવું પાલવે તેમ ન હતું. સદભાગ્યે આટલા વર્ષની ટિકિટ બુક કરવાની પ્રેક્ટિસ નો ફાયદો થયો અને એક જ કમ્પાર્ટમેન્ટમાં બધાનું બુકિંગ મેળવવામાં સફળતા મળી. ટિકિટ ની કોપી બધા ને મોકલી આપી. યાત્રા બે મહિના પછી શરૂ થતી હતી એટલે નિરાંત હતી.


અઠવાડિયા પછી અચાનક રેલવે ઇમેઇલ આવ્યો, મને તો બીક લાગી કે કોરોના કાળની જેમ પાછી ટ્રેન કેન્સલ તો નથી થઈને. પરંતુ સદભાગ્યે એવું કંઈ નહોતું અને જાહેરાત માં આપેલ સૂચના મુજબ યાત્રા માટે ના વધારા ના નિયમો અને હવે પછી કરવાની વિધિ માટે ની સૂચના હતી તેમજ સાથે એક ફોર્મ હતું જેમાં જરૂરી વિગતો ભરીને મોકલવાનું હતું. ફોર્મ ની લંબાઈ કોઈ સરકારી કોલેજમાં એડમિશન લેવા માટે ભરવા પડતા ફોર્મ જેટલી લાગતી હતી.


આ ફોર્મ બીજા બધા ને મોકલવાનો અર્થ ન હતો કારણ કે અંતે તો મારે ભાગે જ એને ભરવાનું કામ આવવાનું હતું.

આ થી શુભસ્ય શીઘ્રમ ગણીને ફોર્મ ની ચાર પ્રિન્ટ કાઢવા માટે મોકલી. બપોર પછી પ્રિન્ટ મળતા ભરવા બેઠો પણ ફોર્મ ની લંબાઈ જોઈને માંડી વાળ્યું અને સવારે ફ્રેશ માઈન્ડે શરૂ કરવાનું નક્કી કરીને મૂકી દીધું.


બીજા દિવસે સવારે હિમ્મત કરીને બેઠો અને શરૂ કર્યું. પહેલા પાના પર વ્યક્તિગત વિગતો ને લગતા પ્રશ્નો હતા જેવા કે નામ, ઉંમર, સરનામું, મોબાઈલ નંબર વગેરે. દરેક ફોર્મ નું પહેલું પાનું સહેલાઇ થી ભરી દીધું. ખરી કસોટી તો બીજા પાના થી શરૂ થતી હતી. આ પાનાં પર વ્યક્તિ ની આર્થિક જવાબદારી ઓ અને મિલકત ની ખુબજ વિગતવાર માહિતી લખવાની હતી. અમારા બંને ની વિગતો ભરવામાં તો ખાસ મુશ્કેલી ન હતી, ફક્ત હરેશભાઈ ને પૂછવાનું હતું. હરેશભાઇ ફ્રી હતાં અને સાંજ સુધી માં અમારા બંને ના ફોર્મ તો ભરાઈ ગયા.


બીજા છ વ્યક્તિ ના ફોર્મ ભરવા માટે દરેકને વિગતવાર ફોન કરવા પડે તેમ હતું એટલે હાલ પૂરતું માંડી વાળ્યું અને અમારા ફોર્મ માં આગળ નજર દોડાવી. ત્રીજા પાના પર વ્યક્તિ ની સ્થાવર અને જંગમ મિલ્કત ની વિગત અને દરેક મિલકત ના વારસા માટે કરેલ આયોજન અને તેના પુરાવા આપવાના હતા. મારે નામે તો સ્થાવર મિલ્કત માં ફક્ત હાલના રહેઠાણના ફ્લેટ નો અડધો હિસ્સો હતો તેના વારસદાર તરીકે બાકીના અડધા હિસ્સાનો માલિક તરીકે પુત્ર હતો જ. બાકીના મ્યુચ્યુઅલ ફંડો, શેરો, ફિક્સ્ડ ડિપોઝિટ દરેક માં વારસદાર ની વિગતો મેં આપેલી જ હતી એટલે મારી વિગત ભરવા માં વાર ન લાગી. ધર્મપત્ની ના નામ પર જુના રહેઠાણ નું મકાન છે માટે તેનું વિગતવાર વીલ બનાવવું પડયું. તેના નામની ફિક્સ્ડ ડિપોઝીટ માં પણ વારસદારો ના નામ ઉમેરવા પડ્યા. આ પછી વ્યક્તિગત બાકી રહેતી લોન ની જવાબદારી ની વિગતો હતી. અમારી તો કોઈ જ લોન ભરપાઈ કરવા ની બાકી રહેતી ન હતી એટલે આ ફોર્મ પણ ભરાઈ ગયું. ફોર્મ પરત મોકલવા માટે પંદર દિવસ ની મુદત આપેલ હતી. બાકી બધા જ ફોર્મ બે ત્રણ રિમાઇન્ડર પછી દસેક દિવસે મળી ગયા અને બધા જ ફોર્મ ઓનલાઇન ભરી મુદત પુરી થવાના બે દિવસ પહેલા મોકલી આપ્યા.


યાત્રા ને શરૂ થવા માં હજુ એકાદ માસ ની વાર હતી ત્યાં વળી આઈઆરસીટીસી તરફ થી બીજો ઇમેઇલ આવ્યો.આ ઇમેઇલ માં જણાવવામાં આવ્યું હતું કે અમારા બધાની વિગતો બરાબર જ હતી અને વધારે વિગતો માગતું એક પાના નું ફોર્મ સામેલ હતું. આ ફોર્મની વિગતો ખરેખર આશ્ચર્યજનક હતી. એ સમાજ માં નહોતું આવતું કે આ ટ્રેન ની ટિકિટ બુક કરાવવા નું ફોર્મ છે કે કોઈ વીમા કંપની નું ફોર્મ. સૌ પ્રથમ વ્યક્તિ ની છેક બાળપણ થી હાલ સુધી ની મેડિકલ હિસ્ટ્રી આપવાની હતી. ભૂતકાળમાં થયેલા ગંભીર બીમારી અને અકસ્માત નું વિગતવાર વર્ણન કરવાનું હતું. હાલ માં કઈ જાત ની દવાઓ, કસરતો અને પરેજી ચાલુ છે તેની માહિતી પણ માંગેલી હતી. અમારી વિગતો તો ભરી દીધી, બીજાને ફોન માં પૂછી પૂછી ને તેમની વિગતો પણ ભરાઈ ગઈ. બીજા દિવસે બધા જ ઓનલાઇન ફોર્મ ભરીને મોકલી આપ્યા.


આમ પણ આટલી બધી વિગતો ભરી ભરી ને બધા કંટાળી ગયા હતા અને તેમાં અઠવાડિયા પછી રેલવે ને વધુ એક ઇમેઇલ મળતા બધા નો યાત્રા નો ઉત્સાહ બિલકુલ ઓછો થઈ ગયો. બનેવી સાહેબ નો સ્વભાવ આમેય ગુસ્સાવાળો અને ઉતાવળીયો છે તેમણે તો કહી દીધું કે ભાઈ કેન્સલ કરાવી નાખો ને આપણે નથી કરવી આવી યાત્રા. વેવાઈ શ્રી તેમના ધીરગંભીર સ્વભાવ મુજબ કહેવા લાગ્યા કે આ લોકો નો ઈરાદો ખબર નથી પડતી. મિત્રે તેના જેવા ફિલોસોફર અને જ્ઞાની પુરુષ ને છાજે તેવું નિવેદન આપ્યું કે ભાઈ વૈકુંઠ ની યાત્રા એમ કાંઈ સહેલી તો ના જ હોય ને.


છેલ્લે આવેલ ફોર્મ મુજબ એક સોગંદનામું આપવાનું હતું જેમાં યાત્રા માં રહેલ જોખમો અને કદાચ યાત્રા માં થી વડીલ પાછા ન આવે તો અમને કોઈ વાંધો નથી એવું બાંહેધરી પત્ર બધા વારસદાર તરફથી લખી આપવાનું હતું. સ્વાભાવિક રીતે જેઓને સહી કરવાની હતી તેમણે અનેક સવાલો કર્યા. મારે બધાને સમજાવ્યું પડ્યું કે આપણે ઘણી વખત હોસ્પિટલમાં ઓપરેશન પહેલા અને બીજા સરકારી ફોર્મ ભરીએ છીએ ત્યારે અનેક વખત આવા સોગંદનામા માં સહી કરી આપીએ છીએ. આ એવુ જ એક ફોર્મ છે એમ સમજીને સહી કરવાની છે. બધાયે સોગંદનામાઓ માં મને કમને સહી કરી દીધી અને મેં સ્કેન કરીને ઇમેઇલ માં એટેચ કરીને મોકલી પણ દીધી.


યાત્રાને હવે થોડા જ દિવસો બાકી હતા થોડી ઘણી તૈયારી પણ બધા કરવા લાગ્યા હતા ત્યારે મારા મનમાં એક સવાલ થયો કે ખરેખર આ વૈકુંઠ છે ક્યાં અને મેં સર્ચ કર્યું પણ સંતોષકારક જવાબ ન મળ્યો. આથી થાકીને મેં મિત્ર ને આ સવાલ કર્યો. તેણે થોડી વાર વિચારી ને કહ્યું ખરેખર તો વૈકુંઠ કોઈ જગ્યાનું નામ તો નથી પણ હિન્દૂ ધર્મ માં મૃત્યુ પછી ના આવાસ ને વૈકુંઠ તરીખે ઓળખવામાં આવે છે. સ્વર્ગ ને પણ વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે. રેલવે વાળા સાહેબ ને આવું નામ કેમ સુજ્યું હશે તે ન સમજાણું. આમ તો રેલવે બાબુઓ ટ્રેન ના નામ પાડવામાં આજકાલ ખૂબ જ મૌલિક અભિગમ અપનાવે છે એટલે ખાસ નવું ન લાગ્યું.

અંતે યાત્રા ના ચાર દિવસ પહેલા જ નવો ઈમેઇલ આવ્યો અને બધા રહસ્યો ના જવાબ મળી ગયા. તેમાં નીચે મુજબ ની વિગતો આપવામાં આવી હતી.


આ યાત્રા માટે આવેલ અરજીઓની માં યાત્રિકો ની સંખ્યા : પુરુષ 5438 સ્ત્રી : 4235
મંજુર થયેલ અરજી ઓ માં ના યાત્રિકોની સંખ્યા : પુરુષ : 835 સ્ત્રી : 780
વેઇટિંગ લિસ્ટ પુરુષ : 245 સ્ત્રી : 295

યાત્રાળુ પસંદ કરવામાં ધ્યાનમાં લેવામાં આવતી બાબતો:

વ્યક્તિની બાકી રહેતી આર્થિક જવાબદારી.
વ્યક્તિની શારીરિક અવસ્થા.
જીવનભરના અને હાલ ના રોગો મુજબ વ્યક્તિ ની અંદાજે બાકી રહેતી આવરદા.

ટૂંકમાં જે વ્યક્તિ ની કોઈ જ આર્થિક જવાબદારી બાકી ના હોય અને ઓછામાં ઓછી જિંદગી જીવવાની બાકી રહેતી હોય તેની પસંદગી પહેલા કરવાની છે. ફાઇનલ લિસ્ટ મુસાફરી ના અડતાલીસ કલાક પહેલા બનશે અને તરતજ ઇમેઇલ/એસએમએસ થી બધાને મોકલી આપવામાં આવશે. મેં આ ઇમેઇલ ની વિગતો મારા સુધી જ રાખવાનું મુનાસિબ માન્યું કારણ કે મામલો હવે નાજુક બની ગયો હતો.


સસ્પેન્સ તો ભાઈ આગળ અને આગળ ચાલતું જતું હતું…….


અંતે બે દિવસ પછી ઇમેઇલ અને એસએમએસ બંને સાથે જ મળ્યા.


એમાં ફક્ત એક જ ટિકિટ કન્ફર્મ થઇ હતી......

નામ હતું વિભુ જાવિયા.


મને તો ખબર જ હતી. મારા જેટલા નસીબદાર કોઈ નથી. મારી વૈકુંઠ એક્સ્પ્રેસ તો વહેલી જ આવવા ની છે.

પણ મને બધા રજા આપશે ત્યારે જઈશ ને…....


એ તો આપવી જ પડશે ને.


મને આજ સુધી ટ્રાવેલલિંગ માં જતા કોઈ રોકી શક્યું નથી તો હવે ક્યાંથી રોકશે. ચાલો શુભ યાત્રા.......


( આ લેખ મેં ૨૦૨૦ માં મારી કેન્સર ની સારવાર દરમ્યાન લખ્યો હતો.)