કપાળે બાઝેલા પ્રસ્વેદ બિંદુઓ તેની આકાર બદલતી ભૃકુટી પર નર્તન કરી થાકી એક કિનારેથી નીચે સરી રહ્યાં છે. પાંપણો પાછળ છૂપાયેલ કીકીઓ જાણે ક્યાં ક્યાં દોડી રહી છે. શ્વાસોશ્વાસ કોઈ આપાતકાલીન સ્થિતિ હોય એમ આવ-જા કરી રહ્યાં છે ને અચાનક એની આંખો ખૂલી જાય છે.
આજે ફરી એને એ સ્વપ્ન આવ્યું. વિચિત્ર સ્વપ્ન... આ સ્વપ્નમાં દ્રશ્ય નથી માત્ર અંધકાર છે, અવાજો છે, પોકારો છે, જીવવાની આશ સાથે પરાણે મરતાં કોઈ જીવોની ચિત્કાર ભરી ચીસો છે. ચારેય બાજુ બસ, તાપ, સંતાપ અને કાળાડિબાંગ મેઘસમી અભેદ્ય ધૂમ્રસેરો છે.
શ્રેણી ગૂંગળામણ અનુભવી સફાળી બેઠી થઈ જાય છે, પોતાનાં ઓરડામાં સળગી રહેલાં લાઈટનાં આછાં અજવાળે ચારે બાજુ ચકાસી લે છે, બધું બરાબર છે. તે ઉભી થઇ માટલામાંથી પાણી પી ફરી પથારીમાં પડે છે. ઊંઘ તો આવવાની શક્યતા નહિવત્ છે એટલે ઘડિયાળમાં ચાર વાગ્યાનો સમય બતાવતાં સ્થિર કાંટા અને પછી ઝડપથી ભાગતા સેકન્ડ કાંટાને જોતાં જોતાં વિચારોમાં ખોવાઈ જાય છે.
*****************
શ્રેણી, હમણાં બે વર્ષ પહેલાં જ ગ્રંથપાલની સ્નાતક પદવી મેળવી પોતાના જ ગામમાં રોટરી કલબ સંચાલિત ગ્રંથાલયમાં સેવાકીય એક વર્ષનો અનુભવ લઇ ફક્ત બે મહિના પહેલાં જ "ધ સ્કૂલ ઓફ આર્ટ્સ" નામની નામાંકિત શાળા કે જે શ્રી રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન પરથી પ્રેરણા લઈને જિજ્ઞાસુ તથા મેઘાવી વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરી રહી છે એવી અદ્વિતીય સંસ્થામાં એક સહાયક ગ્રંથપાલ તરીકે નિમણૂંક પામી છે. આ ગ્રંથાલય આધુનિક તકનીકોથી સુસજ્જ છે. મુખ્ય ગ્રંથપાલ ડૉ. સહાય વડિલ છે એમણે ગ્રંથાલયનાં પુસ્તકોને ખૂબ ચિવટથી છણાવટ કરી સુસજ્જિત રાખ્યાં છે. આધુનિક તકનીકી પ્રમાણે ઈ-પુસ્તકો માટે બે તકનીકી નિષ્ણાત અનુસ્નાતકો છે તથા ડૉ. સહાયની સહાયતા માટે બે સહાયકો જે નિમણૂક પામ્યાં એમાંની એક શ્રેણી…
આ રહેણાંક શાળા વસ્તીથી દૂર હોય શ્રેણીને બીજાં દૂરનાં કર્મચારીઓની જેમ એક ઓરડો ફાળવાયો છે એટલે શ્રેણી આમ તો નિવાસી ગ્રંથપાલ ગણાય. તેનો ઓરડો વિદ્યાર્થીઓનાં હોસ્ટેલથી અલગ પરિસરમાં પરંતુ, ગ્રંથાલયની બાજુમાં જ છે. પહેલાં તો, શ્રેણીને ખૂબ એકલું લાગતું, ઘરની યાદ આવતી, કોઈકવાર ડર લાગતો પણ ધીરે ધીરે એ વ્યસ્તતામાં અહીં ટેવાઇ ગઇ. ડૉ. સહાય અને બીજાં ત્રણ સહાયકો તો સાંજે પાંચ વાગ્યે નીકળી જતાં કારણ કે એ શહેરમાં રહેતાં. વિદ્યાર્થીઓ મોટેભાગે સાંજે ગ્રંથાલયમાં વધું આવતાં એટલે એને એકલતા નહોતી લાગતી. પરંતુ, આ વિચિત્ર સ્વપ્ન એને કોઈકવાર રાત્રીના અંધકારમાં ડરાવવા આવી જતું.
એકદિવસ ડૉ. સહાયે એને એક ચાવી આપી અને કહ્યું,
"શ્રેણી, હું આપને એક જવાબદારી સોંપું છું. આપણે એક દુર્લભ પુસ્તકોનો અલાયદો વિભાગ નિર્માણ કરવાનો છે. આ વિભાગને તમારે તમારી પ્રતિભાથી વિકસિત કરવાનો છે. પંદર દિવસમાં તમારાથી થાય એટલું સંશોધન કરો, યોજના બનાવો, રૂપરેખા તૈયાર કરો પછી આપણે ચર્ચા કરીશું. જરૂર હશે તો હું સૂચનો કરીશ પણ આ આખો વિભાગ તમારાં ખભે ઉભો રહેશે."
"સહાય સાહેબ…. હું કંઈ રીતે? મતલબ કે મને કોઈ અનુભવ નથી."
"હમમમ્.. અનુભવ નથી પણ ઋચિ તો છે ને! એમપણ પ્રયત્ન કે કાર્ય કર્યા વગર અનુભવ મળે શ્રેણી? કોઈ પહેલાંથી અનુભવી નથી હોતું, કાર્ય કરવાથી અનુભવ મળે છે."
"સાચું … પણ મને થોડો ડર લાગે છે. આટલી મોટી જવાબદારી હું નિભાવી શકીશ!"
"ડર શાનો? હું છું ને માર્ગદર્શન માટે." એમ કહી ડૉ. સહાય નીકળી જાય છે.
શ્રેણી ચાવી લઇ એ બંધ ઓરડા તરફ જાય છે અને તાળું ખોલતાં જ નવાં વણવપરાયેલ બંધિયાર ઓરડાની સુગંધ એને ઘેરી વળે છે. ઓરડો ખૂબ વિશાળ છે એ બેઠક વ્યવસ્થા અને પુસ્તકો મૂકવાની સ્થિતિ વિશે વિચારી રહી હોય છે ત્યાં જ એની આસપાસનું ચિત્ર બદલાઇ જાય છે. ઓરડો ખાલી ન રહેતાં પુસ્તકોથી ભરાય જાય છે ને અચાનક કોઈ હાથમાં મશાલ લઈ આવી એ પુસ્તકોને આગ લગાવી દે છે ને પછી એ ભડભડ બળતાં હજારો પુસ્તકોની ચિત્કાર એને વિચલિત કરી દે છે. એ પુસ્તકોને બચાવવા માંગે છે પણ એનાં પગ તો જાણે જમીનમાં ખોડાઈ ગયાં હોય છે, એ કંઈ નથી કરી શકતી એમ જ નિ:સ્તબ્ધ, નિઃસહાય ઊભી એ વિધ્વંસ નજર સમક્ષ જૂએ છે. એને યાદ આવે છે કે આ તો એ જ સ્વપ્ન છે જે એને ઘણીવાર નિદ્રામાં આવ્યું છે પણ આજે ખુલ્લી આંખે અને દ્રશ્ય સાથે…… ત્યાં જ એને કોઇનો અવાજ સંભળાય છે અને ઓરડો પહેલાં જેવો ખાલી દેખાય છે. શ્રેણી એને પોતાનો ભ્રમ સમજી સ્વસ્થ થઈ આગંતુક તરફ ફરે છે.
"અહીં શું નવો વિભાગ શરૂ થવાનો છે?" આગંતુક પૂછે છે.
"હા…"
"કયો વિભાગ?"
"હજી નામ નથી વિચાર્યુ. પણ આપ કોણ ને હમણાં આ સમયે? માફ કરશો પણ સાંજે ગ્રંથાલય સામાન્ય માણસો માટે નથી."
"હું સામાન્ય માણસ નથી."
"જી?!!!"
"મતલબ… હું પ્રાચીન પુસ્તકો પર એક સંશોધન કરી રહી છું જેનાં માટે મારે કેટલાક સંદર્ભ પુસ્તકોની જરૂર પડશે. હું સંસ્થાનાં નિયામકશ્રીની પરવાનગી લઈને આવી છું. આ જૂઓ પરવાનગી પત્ર. એમણે મને સાંજે સાત વાગ્યા પછી પંદર દિવસ માટે ગ્રંથાલયનાં ઉપયોગની પરવાનગી આપી છે."
"ઓહ…. પરંતુ, માફ કરજો. સાત વાગ્યા પછી કેમ?"
"એનાં બે કારણો છે કે મારા લીધે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને મને પણ એકાંત મળે. દિવસ દરમિયાન હું અહીં આવી નહીં શકું."
"તો સાંજે!!! અર્થાત્…. સાંજે કેવી રીતે આવશો? આપ કયાં રહો છો?"
"અહીં જ રહું છું."
"અહીં? પણ મેં તો આપને ક્યારેય જોયાં નથી. હું પણ અહીં રહું છું."
"અહીં એટલે રાજગીરીમાં જ...આ શાળાથી થોડે દૂર જ. હું નાલંદા."
"ઓહ...નાલંદા…. નામ ખૂબ સુંદર છે આપનું. મારું નામ શ્રેણી."
"જાણું છું."
"આપ જાણો છો?"
"અરે.. નિયામકશ્રીએ આપનો જ સંપર્ક કરવા કહ્યું છે એટલે. બીજી એક વાત, હું અહીં આવું છું એની જાણ બીજાં કોઈને ન થાય તો સારું."
"ઓહ… પણ કેમ? કોઈ ખાસ કારણ?"
"જેમને જાણ હોવી જોઈએ એમને છે જ ને કારણકે હું નથી ઇચ્છતી કે મારા સંશોધન વિશે વધુ લોકો જાણે. નહિં તો મારી તકલીફ વધી જશે. હું શાંતિથી સંશોધન કરવા ઈચ્છું છું."
"વાંધો નહીં.. આપ નચિંત રહો. આ વાતની જાણ હું કોઈને નહીં કરું….તો નાલંદા હું આપની કઈ રીતે મદદ કરી શકું?"
"મને જોઈતાં પુસ્તકો શોધી આપીને અને મારી સાથે ચર્ચા કરીને."
"જરૂર… મારાથી બનતી મદદ કરીશ." શ્રેણી નવાં ઓરડાને તાળું મારતાં મારતાં કહે છે અને બંને છૂટાં પડે છે.
ધીરે-ધીરે નાલંદા અને શ્રેણી વચ્ચે મૈત્રી વિકસી. બંને એકબીજા સાથે ઘણી ચર્ચાઓ કરતાં. નાલંદા, શ્રેણીને વિવિધ વિષયોનાં દુર્લભ અને અલભ્ય પુસ્તકો, હસ્તપ્રતો, ગ્રંથો વગેરે વિશે માહિતીઓ આપે છે, ક્યાંથી મળશે એનો પણ અંદાજ આપે છે. શ્રેણીનાં પંદર દિવસ આમ જ નીકળી જાય છે. એ સાંજે નાલંદા શ્રેણીને કહે છે.
"આજે મારો અહીં અંતિમ દિવસ છે શ્રેણી."
"પંદર દિવસ થઇ ગયા?" શ્રેણી નિરાશાથી પૂછે છે.
"હા."
"દિવસો કેટલાં જલ્દી ગયાં ને! અફસોસ... તમારા જેવી મિત્રને હવે રોજ નહીં મળાય... પણ વાંધો નહીં.. હું તમને બહાર મળીશ. તમારો કોન્ટેક્ટ નંબર કે સરનામું આપશો?"
"ન આપી શકું."
"કેમ? તમે મને તમારી મિત્ર નથી ગણતા?"
"બિલકુલ તમે મારા મિત્ર છો શ્રેણી પણ મારી પાસે ફોન જ નથી અને બીજી વાત કે જે કામ માટે હું આવી હતી એ લગભગ પૂર્ણ થયું છે તેથી હું આ જગ્યા કાયમ માટે છોડીને જાવ છું."
"પણ કેમ, ક્યાં?"
"ક્યાં એ તો ખબર નથી પણ જ્યાં મારી જરૂર પડશે ત્યાં મારે જવું પડશે. શ્રેણી, તમને તો મારા સંશોધન વિશે ખબર જ છે એનાં માટે મારે ગમે ત્યાં જવું પડે."
"હમમમ્…. પણ આટલાં દિવસોનાં સાથ પછી મને નહીં ગમે તમારા વગર. એકલું એકલું લાગશે."
"નહીં લાગે...તમારા નવા વિભાગની કામગીરીમાં તમે એવાં વ્યસ્ત થશો કે તમને સમય જ નહીં મળે કે એકલતા અનુભવો."
"હા… પણ તમારી યાદ તો આવશે જ."
"યાદ આવે તો, અહીં આપણી યાદો ક્યાં ઓછી છે! એ યાદોને સ્મૃતિપટ પર લાવી ખુશ થજો, દુઃખી નહીં. હું જ્યાં પણ હોઇશ ત્યાંથી હવાની ઠંડી લહેરખી સાથે મારી શુભેચ્છાઓ મોકલીશ."
બંને ભારી હ્રદયે છૂટાં પડે છે.
બીજાં દિવસે શ્રેણી, ડૉ. સહાયને દુર્લભ પુસ્તકો વિશેની માહિતી આપે છે, નવા વિભાગની રૂપરેખા સમજાવે છે, પુસ્તકોની વિષયાનુસાર છણાવટ, એ જ પુસ્તકોનું ઈ-રૂપાન્તરણ વગેરે વિગતવાર જણાવે છે.
ડૉ. સહાય શ્રેણીની યોજનાથી પ્રભાવિત થાય છે અને શાબાશી આપે છે અને પૂછે છે કે,
"શ્રેણી, આટલાં ટૂંકા ગાળામાં આટલું બધું કઈ રીતે કર્યું?"
"નાલંદાના માર્ગદર્શનથી."
"નાલંદા સર્વોત્તમ, સર્વગુણસંપન્ન, જ્ઞાનનો મહાસાગર અને વિરલ છે એમાં કોઈ બેમત નથી."
"હા… એ તો છે."
"તો આ વિભાગનું નામ શું રાખશું?"
"સાચું કહું તો, મેં વિચાર્યું જ નથી. આપ જ કોઈ નામ સૂચવો."
"હમમમ્… મારા મનમાં તો એક જ નામ આવે છે. દુર્લભ જ્ઞાનની પર્યાય, ભારતનું ગૌરવ શિખર એવું નામ, જે ગઈકાલ અને આજને જોડશે…. નાલંદા"
"વાહ... આનાથી ઉત્તમ નામ બીજું હોય જ ન શકે. એનાં માર્ગદર્શન વગર તો આ વિભાગ અધૂરો જ રહી જાત. નાલંદા…. આ જ નામ શ્રેષ્ઠ છે."
***********
ડૉ. સહાય માટે નાલંદા વિશ્વવિદ્યાલય છે અને શ્રેણી માટે એની મિત્ર નાલંદા.
બે મહિના પછી "નાલંદા" વિભાગ ખુલ્લો મુકાયો જેમાં દેશ-વિદેશના ખૂણે ખૂણેથી પ્રાચીન હસ્તપ્રતો, અલભ્ય ગ્રંથોની પ્રતિઓ સાથે કેટલીક મૂળ કૃતિઓ એમ મળીને આશરે ૨૦૦૦ની સંખ્યા જેટલો જ્ઞાન ખજાનો, જ્ઞાન પિપાસુઓ માટે ઉપલબ્ધ છે.
આ વિભાગ શ્રેણીની દેખરેખ હેઠળ છે. દરવાજા પર આજે ચિહ્નિત અક્ષરો "નાલંદા" વાંચીને રોજ એની મિત્ર એને દરવાજે લેવાં આવતી હોય એમ સ્મિત કરીને એક સમયે બંધ અનામી દરવાજાને રોજ શ્રેણી ખૂબ પ્રેમથી ખોલે છે.
-મૃગતૃષ્ણા
🌼🌼🌼